આવો સુયોગ તો ભાગ્યે જ બની આવે, જે ગયા રવિવારને સાંજે પ્રાપ્ત થયો.
એક સમયે ઉત્તર ગુજરાતનું કાશી ગણાતા કડી ગામના પાટીદાર આશ્રમમાં રહી, સર્વવિદ્યાલયમાં ભણી ૧૯૫૨માં એસ. એસ. સી.ની પરીક્ષા આપનાર લગભગ સોએક જેટલા સહાધ્યાયીઓમાંથી અમે છવ્વીસ એક સાથે તેંતાલીસ વર્ષો પછી અમદાવાદનગરના કલકોલાહલથી દૂર આથમણે શીલજ ગામના એક ફાર્મમાં આખી સાંજ માટે મળ્યા. લગભગ સાઠ વર્ષની વયે પહોંચેલા અમે સૌ, ફરી જાણે. સત્તર-અઢાર વર્ષની કુમારાવસ્થામાં પહોંચી ગયા!
ફ્રેંચ નવલકથાકાર માર્સેલ પ્રુસ્તનની શૈશવ અને કિશોરાવસ્થાની સ્મૃતિમંજૂષાને આધારે રચાયેલી કથામાં છે તેમ, ‘ખોવાયેલા સમયની શોધ’ એ સાંજે અમે કરી રહ્યા હતા.
વીતેલો સમય પાછો આવે ખરો? બહુ જતનથી જાળવી રાખેલી સ્મૃતિમંજૂષાનું ઢાંકણ ખૂલ્યું ન ખૂલ્યું ત્યાં એનાં અરવ પગલાં અમે સાંભળી રહ્યા. આજે લગભગ પાકેલ કેશવાળા કે કેટલાક આછી ટાલવાળા અમે એવી અવસ્થામાં પહોંચી ગયા, જે વખતે દાઢીમૂછને સ્થાને કોમળ રુવાંટી ફરકી રહી હતી અને માથે કાળાભમ્મર વાળ હતા. મેં તો વળી શ્રી અરવિંદની જેમ લાંબા વાળ રાખેલા! અત્યારે જાળવીને કે ધીમેથી ચાલતા ત્યારે હરણની જેમ ઠેકડા ભરતા ચાલતા. એ સાંજે અમે સૌ લગભગ ઠેકડા ભરવાની સ્થિતિએ પહોંચી ગયા.
તેંતાળીસ વર્ષ પછી આજે પ્રૌઢગંભીર ચહેરાવાળા સહાધ્યાયીને
પહેલી વાર જોઉં છું. તે કોણ? સાઠીની વયે સોળ વર્ષના કિશોરનો ચહેરો શોધું છું. ‘હું તુળજારામ.’ તુળજારામ? ‘ઓહ, તળજો સલેટિયો!’ છવ્વીસમાંથી પચ્ચીસ એક સાથે બોલ્યા, ‘હા, એ જ સલેટિયા તળજારામ!’
નિશાળમાંથી છૂટી પાટીદાર આશ્રમની અમારી ઓરડીમાં પાછા ફરતાં જ અમે રમતનાં મેદાનો ભણી દોડી જતા. તળજારામ સ્લેટ લઈ દાખલા ગણવા બેસી જતા. નામ પડી ગયું તળજો સલેટિયો. તળજાએ કહ્યું : મને કોઈ રૂમ પાર્ટનર તરીકે લેતું નહોતું. પણ પરીક્ષામાં ગણિતશાસ્ત્રમાં ૧૦૦માંથી ૯૯ આવ્યા કે બધાએ મને નિમંત્રણ આપ્યું હતું. એ તળજારામ ભણીગણીને પછી તો ઇજનેર બન્યા અને હવે વયઃપ્રાપ્ત નિવૃત્તિ.
આ પીતાંબર. એને પણ મેં ૪૩ વર્ષ પછી જોયો. એ વખતના સુકુમાર ચહેરાની રેખાઓ અત્યારે ઉકેલતાં મને વાર લાગી. ૧૯પરના અમારા ગ્રૂપમાં એસ. એસ. સી.માં એ પહેલો આવેલો. એને પણ નવાઈ લાગી હશે. પછી તો એની પસંદગી ભાભા એટમિક સેન્ટરમાં થયેલી. ઇંગ્લૅન્ડ પણ ભણી આવેલો. એ પીતાંબર હવે અમદાવાદ રહેવા આવી ગયો છે.
અને આ અંબાલાલ ‘બેલર’. બેલર એટલે ઘંટ વગાડનાર. આશ્રમશાળાઓમાં ઘંટનું વિશેષ મહત્ત્વ હોય છે. બદલાતા સમયપત્રક પ્રમાણે અંબાલાલે ઘંટ વગાડવાની ફરજ સ્વીકારેલી. તે નામ પડી ગયું બેલર. સતત બોલ બોલ કરે. ‘કવિતાઓ’ રચે. કંઈ કેટલીય ન બનેલી ઘટનાઓ વિષે, સત્ય ઘટનાની જેમ વાત કરે. એ તો ક્યાંક વચ્ચે મળી જતો, પણ એ સાંજે લાંબા અંતર પછી મળ્યો, તો એ જ સ્વભાવ. અમારી ગાડીમાં એ ફાર્મ પર જવા બેઠો, પછી દરેક વાત પર ‘કવિતા’ ફટકારે. ઘણાં વર્ષો પછી ફરી પાછો એ પણ કિશોર બની ગયો હતો કે શું? એ મોટરગાડી મારા મિત્ર ઈશ્વર પટેલની. તેમાં હું અને પી. સી. પટેલ સાથે. કડીમાં એક વેળા અમે રૂમ પાર્ટનર્સ. ઈશ્વર પટેલ સેરથાના આદર્શવાદી કિશોર. સર્વ વિદ્યાલયની અનેક સાંજનો સાથે ગાળેલી. પી. સી. પટેલ સાથે બીજગણિતના દાખલા ગણેલા. ઈશ્વરે એમ. કોમ.નો અભ્યાસ કર્યો. એને અધ્યાપક થવું હતું, પણ છેલ્લી પરીક્ષામાં નિષ્ફળ જતાં ધંધામાં પડ્યો. ઘણું સારું કમાયો છે, પણ પેલો આદર્શ કિશોર હજી એનામાં છે. ઘણાં દાન કરે છે અને સંસ્થાઓ ચલાવે છે.
મને કહે : ‘ભોળા, આ અંબાલાલ હજી એ જ છે!’
લણવા ગામના પી. સી.ને અમે ત્યાં પી. સી. ‘ખાંડ’ પણ કહેતા. કડીમાં વ્યક્તિ સંદર્ભે એ શબ્દ પહેલી વાર સાંભળેલો. ‘ખાંડ’ કેમ કહેતા હશે પી. સી. ને? એ પોતા વિષે થોડો ‘વટ’ રાખતો. એ પછી ખબર પડી. કબડ્ડીનો પ્લેયર. અંગ્રેજી સારું બોલે, લખે. ઈશ્વરની જેમ પી. સી. પણ મારો જીવનભરનો મિત્ર. એમ. જી. સાયંસમાંથી ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયો છે.
અને આ કંબોઈ ગામનો નરોત્તમ ‘બાવો’ સુરતથી છેક ક્યાંથી આવી ગયો છે? સુરત શહેરના સૌથી મોટા બિલ્ડર્સમાંનો એક છે. કરોડોની ઊથલપાથલ કરે છે. નરોત્તમ એસ. એસ. સી.માં મારો રૂમ પાર્ટનર. ભેજું ગણાતો, એટલે વાંચે ઓછું. એસ. એસ. સી. પછી શિક્ષકની નોકરી કરી, ભણ્યો, એમ. એ. થયો અને પછી કન્સ્ટ્રક્શનના ધંધામાં પડ્યો. એ ભણતો ત્યારે મને કહેતો – ‘આપણે તો લક્ષ્મીના ઉપાસક થવું છે, તું સરસ્વતીનો ઉપાસક થજે.’ લક્ષ્મી એણે સારી પ્રાપ્ત કરી છે. પણ મેં એને યાદ કરાવ્યું : ‘તું શાળામાં શેક્સપિયર વાંચતો હતો, તે વખતે!’ નરોત્તમ કમાવા સાથે હવે મોટાં સમાજસેવાનાં કામોમાં પણ જોડાયો છે.
સર્વ વિદ્યાલય, કડીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ઉત્તર ગુજરાતના ગામડાંઓના. ૧૯પરની આસપાસનાં વર્ષોમાં તાલુકા દીઠ એકાદ હાઈસ્કૂલ હોય તો હોય. ખેડૂત મા-બાપના અમે સૌ સંતાનો અને તેમાંય પાટીદારો. ઘણાખરા તો મારી જેમ એ વયે પણ પરણી ગયેલા હોય. એ સાંજે ઈશ્વરે, અમારા એક સહાધ્યાયીને યાદ કર્યા. જેણે એમ કહીને પોતાની પત્નીને તેડાવવાની ના પાડેલી કે ‘એ તો બૈરી છે કે મારી મા?’ એની પત્ની વયમાં એનાથી એટલી મોટી હતી.
પણ કડીમાં ભણતા અમે સૌ અમારા અધ્યાપકોના આદર્શ અને અભ્યાસપરાયણ જીવનથી પણ પ્રભાવિત. એમણે અમારી ચેતનામાં સપનાનાં વાવેતર કરેલાં. કદાચ એ સમય પણ એવો હતો. અમે અમારા ગુરુજીઓ સાથે બનેલી ઘટનાઓ પણ યાદ કરવા લાગ્યા. એક સીતારામ, સરઢવનો. તેને નાથાભાઈસાહેબે આશ્રમ છોડી જવા કહ્યું અને એની પથારીનો જાતે જ વીંટો વાળવા ગયા, તો પથારી નીચેથી નીકળી બીડીઓ! પછી તો જોઈ લો! એ તો પછી એસ. ટી. ડેપોનો કન્ટ્રોલર થયેલો અને અત્યારે અમેરિકા છે.
ઈશ્વરને આ બધું બહુ યાદ. પણ આ આખું આયોજન સૂઝેલું તે જગજીવન ગોસાંઈને. આઠમા ધોરણમાં એ દેત્રોજનો જયંતી અને હું રૂમ પાર્ટનર. મારા ગામના વિઠ્ઠલ અને નટુ પણ ખરા. જગજીવન અપટુડેટ રહે. શોખીન, તેંતાળીસ વર્ષ પછી એને જોયો. ચહેરો હજી એવો જ રૂપાળો, પેન્ટશર્ટમાં હજી યુવાન લાગે છે. બોલે ઓછું, સહેજ સ્મિત કરે, ક્યારેક હિન્દીમાં જેને ‘ઢીટ’ કહે એવોય લાગે. એમ. એ. કર્યા પછી સરકારમાં ઉચ્ચ હોદ્દા પર નોકરીઓ કરી છે. થોડા દિવસ પહેલાં એનો ફોન આવેલો. ‘હું જગજીવન ગોસ્વામી.’ ‘અરે તમે.. તું… તમે? શું? કેમ?’ એ જૂના કુમારાવસ્થાના મિત્રને શું સંબોધન કરવું તે નક્કી ન કરી શકવાથી મેં હર્ષમાં પ્રતિસાદ પાડેલો.
જયંતી તો મને ભેટી પડ્યો. એ જ ચહેરા પર છલકતું હાસ્ય. અમે બંને આઠમામાં કડી ભણવા આવેલા. ભણવામાં તો સ્પર્ધા કરી, પણ જયંતી જરા ‘એલિટ’ લાગે. હું લગભગ ગામડિયો, પણ અમે ગ્રંથાલયના કીડા, સાહિત્યની કેટલી બધી વાતો કરીએ. સંસ્કૃતની એક પરીક્ષા પણ અમે સાથે તૈયારી કરીને આપેલી, જયંતીએ એમ. એ. કરી શિક્ષણનું ક્ષેત્ર સ્વીકાર્યું. રામપુરા-ભંકોડામાં ઉત્તમ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિનો ઍવોર્ડ એને મળ્યો છે. સમાજસેવાનાં પણ ઘણાં કામો સમાંતરે ઉપાડેલાં છે. મેં કહ્યું : ‘તને એ વખતે કવિતા રચતો જોઈ મને અદેખાઈ આવતી.’ એણે ૧૯૫૦માં રચેલું એક મુક્તક મને યાદ, તે એને જ સંભળાવ્યું અને થોડી ક્ષણો એ ભૂતકાળમાં ખોવાઈ ગયો.
પહેલાં તો બધા નારણપુરામાં કનુને ત્યાં એકઠા થયા. કનુ હજી પણ ખાદી પહેરે છે, ત્યારે પણ પહેરતો. કડી સંસ્થાના સ્થાપક છગનભાનો એ પૌત્ર. સરઢવનો. બધા ‘ભાનો કનુ’ કહેતા. અમે એક વર્ગમાં. તે એસ. એસ. સી. પછી ભણવાને બદલે રૂના વ્યવસાયમાં જોડાઈ ગયો. સારી એવી સફળતા પ્રાપ્ત કરી. કનુના વેવાઈ કે. કે. પટેલના ફાર્મમાં મળવાનું આયોજન કનુએ કરેલું. કિશોરાવસ્થાનો શ્વેત ખાદીમાં સુશોભિત કનુ થોડો ગંભીર થયો હતો, અથવા મને લાગ્યો હશે. એક, નંદુભાઈ પણ ગંભીર શેઠ જેવા જ લાગ્યા.
પણ માધુ તો એવો જ પાતળિયો રહ્યો છે. અમારાં બધાંનાં વજન ઓછાં નથી રહ્યાં. ચહેરા પણ જરા ભારે છે. માધુ એસ. એસ. સી.માં ફેલ થયેલો. પછી એ તરફ જોયું જ નહીં. ઘણા વ્યવસાય પછી હવે સુરતમાં ટેક્સ્ટાઈલના ધંધામાં સુસ્થિર છે. માધુ પી. સી.ની જેમ લણવાનો.
કંઈક એવું હતું કે, કડીમાં અમે જુદાં જુદાં ગામોમાંથી ભેગા થયેલા. એટલે નામની સાથે ગામ બોલીએ એટલે તરત ઓળખાણ પાકી થઈ જાય. અમે લોકો, જે મિત્રો એ સાંજે નહોતા તેમને, યાદ કરી રહ્યા. રૂપાલનો કાંતિ ક્યાં છે? અને પેલો ઈટાદરાનો ‘મહેમાન’? મેં કહ્યું : ‘એ કલકત્તામાં સ્થિર થયો છે.’ બહુ જાણ્યું નથી પણ સંઘર્ષ ચાલુ છે.
ફાર્મની સુંદર લોનમાં વર્તુળાકારે બેસી અમે પોતપોતાનો પરિચય આપી રહ્યા હતા. ‘ઓહ, તો આ રાંધેજાના શંકરભાઈ છે!’ એ વખતે પણ એમને ‘શંકરભાઈ’ કહેતા. નાની વયે ગંભીર, સખ્ત મહેનતુ. એન્જિનિયર થયા અને સિંચાઈ વિભાગમાં ઉચ્ચ હોદ્દે સુધી પહોંચી ગયા હતા. કડીની એ શાળાએ અનેક દાક્તરો અને ઇજનેરો આપ્યા છે. ‘મેથ્સ’ તો ઉત્તર ગુજરાતના પટેલોનું : કહેવત હતી. ભલે બોલવા ચાલવામાં ઉજ્જડ.
આ વિઠ્ઠલ! પ્રૌઢ ચહેરા પર એ જ કિશોરાવસ્થાની સૌમ્યતા, સરકારી ઑફિસમાં – ગાંધીનગરમાં અધિકારી. કહે : એક વખતે આપણા રતિલાલ મારી ઑફિસમાં આવ્યા. મને કહે : ‘સાહેબ!’ મેં ઊંચું જોયું, તો આ તો રતિલાલ. મેં પૂછ્યું : ‘તમે કડી ભણેલા?’ એ કહે: ‘તમને ઓળખ્યા નહીં!’ મેં (વિઠ્ઠલે) કહ્યું : ‘સાલા રતિયા, ઓળખતો નથી?’ અને એ ઓળખી ગયો – વિઠ્ઠલ!
આ રતિલાલને અમે નવમા ધોરણમાં ‘દાક્તર’ કહેતા. એસ. એલ. શાહ એક કવિતા ભણાવતા. તેમાં બે ડૉક્ટરની વાત આવતી. તેમાં એકનું બિરુદ આ રતિલાલને આપી દીધેલું. હજીય લાંબો પાતળો છે રતિલાલ. સંસ્કૃતનો પ્રોફેસર થયેલો. પરિચય આપતાં પોતાના પીએચ. ડી. વિષે લંબાણથી બોલ્યો. પ્રોફેસરને!
‘અલ્યા ચીનુ?’ ચીનુ અમને ઘણી વાર સાંજે સંગીતસાહેબ ના હોય ત્યારે પ્રાર્થના ગવરાવતો. એનું પ્રિય ભજન – ‘મુખડાની માયા લાગી રે’. તેંતાળીસ વર્ષ પછી ચીનુને જોયો. એ ત્યારે સિતાર વગાડતો. ધંધામાં ઈશ્વરનો પાર્ટનર. હવે તો આશારામ બાપુનો દીક્ષિત શિષ્ય છે!
ચીનુ કેવું સરસ ગાતો!
ફરી પાછું નામ ભૂલી ગયો એ સહાધ્યાયીનું. મને જોઈ ખિસ્સામાંથી નોટ કાઢી પેન્સિલથી લખ્યું : ‘ભોળાભાઈ?’ હું જવાબ લખવા ગયો, તો લખ્યું : ‘સાંભળું તો છું.’ મને કેન્સરનું ઓપરેશન કરાવેલું છે ને સ્વરપેટી કાઢી લીધી છે. છતાં કેવા પ્રસન્ન લાગ્યા! ગ્રૂપ ૧૯પરના અમારા સહાધ્યાયીઓમાંથી ત્રણચાર મિત્રો તો ઊઠી ગયા છે આ લોકમાંથી!
અમે ભૂતકાળમાંથી વર્તમાનમાં અને વર્તમાનમાંથી ભૂતકાળમાં સરી પડતા હતા. સાચે જ પ્રેમાનંદે સુદામાચરિતમાં અદ્ભૂત સંવાદ – બે મિત્રો – કૃષ્ણ-સુદામા વચ્ચેનો – લખ્યો છે: ‘તને સાંભરે રે?’ ‘મને કેમ વિસરે રે’
સાચો સંવાદ.
જમતી વખતે બધા વર્તમાનકાળમાં હતા! ‘બસ, બસ, એક કકડો, વધારે ખવાશે નહીં’ એવું કહેનાર ઘણા હતા. હા, આ એ જ મિત્રો છે. જે છપ્પન રોટલી કે પંદર મોહનથાળનાં ઢેફાં સહેજમાં ઉદરસ્થ કરી જતા. એ વાતો યાદ કરીને પણ ખૂબ હસ્યા ને રોજ કરતાં બધા વધારે જમ્યા પણ ખરા.
રવિવારની એ સાંજે તેંતાળીસ વર્ષોના વ્યવધાનને અંડોળી અમે અતીતના એ સ્વર્ણ કાલમાં જઈ આવ્યા. એનો સંજીવની સ્પર્શ અમારા દેહમનમાં વ્યાપી ગયો. ખોવાયેલા મધુર સમયને આમ પાછો ફરી જીવી શકાય, જો આવો સુયોગ રચાય!
[૨૬-૩-’૯૫]