‘હજાર ચોરાશીની મા’

અલ્હાબાદમાં વર્ષો પહેલાં હિન્દીનાં જાણીતાં લેખિકા મહાદેવી વર્માને એમના એક મહાલય જેવા ઘરે મળવાનું થયું હતું. ગંગા-જમનાના સંગમસ્થળે પ્રકટ થયેલ સરસ્વતીને જાણે હું જોતો હતો. અવાજમાં મૃદુ કંપ, અસીમ અને સસીમના મિલન-વિરહની અને રહસ્યવાદી કવિતાઓ લખનાર મહાદેવી સમાજનાં દીન-દુઃખિયાં અને ઉપેક્ષિતોની વાતો પણ સ્વાનુભવ કરી, અધિકૃત કહી શકાય એ રીતે લખી ગયાં છે. તેમાં કરુણાનું સહજ પૂર. એમની સાથે વાત કરતાં કોઈ કરુણામયીનો ખ્યાલ આવે.

હમણાં જેમને સાહિત્ય માટેનો પ્રતિષ્ઠિત ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની ઘોષણ થઈ છે તે બંગાળી લેખિકા મહાશ્વેતાદેવીને કલકત્તામાં જ્યારે એક ગીચ ગલીમાં ચક્કરદાર સીડી ચઢીને એમના ઉપરના મજલાના અસબાબથી ભરેલા બેઠકખંડમાં મળ્યો, ત્યારે વાર્તાલાપ દરમિયાન મહાશ્વેતાદેવીનો જે પ્રથમ પરિચય થયો તે હતો એક પ્રકોપમયી માતૃસત્તાનો. મહાદેવી વર્મા એટલે જાણે શામક સંગમ જળ જ્યારે મહાશ્વેતાદેવી એટલે દાહક અગ્નિજ્વાળા.

પોતાના અગ્નિગર્ભ વિચારોને સુંવાળી ભાષામાં લપેટવાનો જરાય પ્રયત્ન કર્યા વિના સરકાર સામે સ્વસ્થચેતા સાહિત્યકારો માટે તે તથાકથિત સમાજસેવિકાઓ માટે ઉગ્રતાથી વાતો કરતાં રહ્યાં હતાં. મને એમની પાસે લઈ ગયા હતા મારા બંગાળી મિત્ર સુવીર રાયચૌધુરી. સુવીરદાને મહાશ્વેતાદેવી સાથે આત્મીયતાનો નાતો. વાતવાતમાં એમણે કહ્યું કે, ‘સાહિત્ય મારે માટે તો ગૌણ છે, મુખ્ય તો છે આદિવાસીઓની ઉન્નતિ, એમના પ્રત્યે થઈ રહેલા અન્યાયો સામેની લડાઈ અને આ ઉન્નતિ કે લડાઈ કલકત્તામાં કોઈ આદિવાસી સમાજોત્કર્ષના કહેવાતા ખાતા કે કાર્યાલયમાં બેસીને નહીં, પણ બિહાર, બંગાળ, ઓડિસાના આદિવાસીઓ વચ્ચે જઈ એમની ભાષા બોલતાં બોલતાં, એ ખાય છે એવું ખાતાં ખાતાં.’ એમની એક નવલકથાનું તો નામ જ છે ‘અરણ્યેર અધિકાર’ – અરણ્યનો અધિકાર. એમાં બિરસા મુંડા નામના એક આદિવાસીએ અંગ્રેજ સરકાર સામે આદિવાસીઓના બળવાની આગેવાની લીધાની વાત છે. અંગ્રેજીનાં અધ્યાપિકા મહાશ્વેતાદેવીએ અન્યાય સામે લડતાં-ઝઝૂમતાં અને પોતાના જીવનને હોમી દેતા નક્સલો કે આદિવાસી લોકોની વાત આગઝરતી લેખણે લખી છે.

આદિવાસી અને સમાજના પછાત વર્ગોની સેવાનો ભેખ લઈને બેઠેલાં મહાશ્વેતાદેવીએ એમના ઘરમાં આદિવાસીઓએ બનાવેલી હસ્તઉદ્યોગની કેટલીક ચીજવસ્તુઓ અમને બતાવી. મેં અને સુવીરદાએ તેમાંથી એક એક સ્મૃતિચિહ્ન રૂપે ખરીદી. આજેય મારા લખવાના ટેબલ પર એ પડેલી છે – કોઈ આદિવાસી આંગળીઓથી ગુંથાયેલી સુંદર છાબ! અમે વાત કરતાં હતાં ત્યાં વીજળી જતી રહી, પણ એમની વાણીમાં વિદ્યુતસ્પર્શનો અનુભવ થતો હતો. પછી તો એમણે ધરેલી ટૉર્ચને અજવાળે અમે લોખંડની ચક્કરદાર સીડીનાં પગથિયાં ઊતર્યા ત્યારે એક ઊંચાઈને સ્પર્શીને આવ્યા એવું લાગ્યું.

એમ તો, મહાશ્વેતાદેવીને ‘અરણ્યેર અધિકાર’ નવલકથા માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર આપવાનો કાર્યક્રમ એ વખતના સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ઉમાશંકર જોશીને પ્રમુખપદે કલકત્તામાં થયેલો, ત્યારે એમને પહેલવહેલાં સાંભળ્યાં હતાં. એમના પ્રવચનમાં બંગાળીના કલમજીવીઓની ટીકાનો સૂર મુખ્ય હતો એમ લાગેલું. પણ અન્યાય સામે લડીખપી ગયેલા નક્સલ ક્રાંતિકારીઓ માટે મહાશ્વેતાદેવીનો પક્ષપાત પ્રકટ હતો. નક્સલો વચ્ચે પણ તેઓ રહ્યાં છે. એમને વિશે મહાશ્વેતાદેવીએ ‘અગ્નિગર્ભ’ જેવી કથાઓ અને દ્રૌપદી જેવી વિશ્વવિખ્યાત વાર્તાઓ લખી છે. સાહિત્ય મહાશ્વેતાદેવી માટે સાધ્ય નથી, સાધન છે – સમાજોન્નતિ માટેનું. એ રીતે એ પ્રતિબદ્ધ લેખિકા છે. બે વર્ષ પછી દિલ્હીમાં ફરી એમને સાંભળવા-મળવાનો મોકો મળ્યો હતો સાહિત્ય અકાદમીના કાર્યક્રમમાં. ‘સાહિત્ય અને સિનેમા’નો પરિસંવાદ હતો. એ વખતે એમની વાર્તા ઉપરથી તૈયાર થયેલી કલ્પના લાજમી દિગ્દર્શિત ફિલ્મ ‘રુદાલી’ બહુચર્ચિત હતી. ખાસ તો, ‘દિલ હુમ હુમ કરે’ એવા ભૂપેન હજારિકાના ગીતસંગીતથી અને શનિચરી બનતી ડિમ્પલ કાપિડયાના અભિનયથી મારા જેવા અનેકોને આ ફિલ્મ બહુ ગમી ગયેલી, પણ મહાશ્વેતાદેવીએ એ પરિસંવાદમાં કહ્યું કે, ‘ભૂખ અને દરિદ્રતાની વેદનાને વ્યક્ત કરતી, બિહારની પાર્શ્વભૂમાં લખાયેલી, મારી વાર્તા ‘રુદાલી’નો કલ્પના લાજમીએ ઉતારેલી ફિલ્મ સાથે બહુ સંબંધ નથી.’ ફિલ્મમાં ગરીબી છે, પણ ફિલ્મમાં ગરીબીનું ઐશ્વર્ય પ્રકટ થાય છે.

ભૂખ – આ ભૂખની વાત કરતાં મહાશ્વેતાદેવીએ સાંતાલ, ઓરાઉ વગેરે આદિવાસીઓ રોટલા શાક, તરકારી કે દાળ સાથે નહીં (લાગે ક્યાંથી?) ‘ભૂખ’ સાથે ખાય છે. રોટી ‘ભૂખ’ કે સાથ ખાઓ. આદિવાસી નરનારી અને બાળકોની ‘ભૂખ’ની વ્યાખ્યા આપણે માટે કેવી બદલાઈ જાય છે આ સાંભળતાં?

૧૯૨૬માં જન્મેલાં મહાશ્વેતાદેવીએ ૧૭ વર્ષની ઉંમરે, ૧૯૪૨ના બંગાળના ભયંકર દુષ્કાળ વખતે રાહતકાર્યમાં સેવાઓ આપેલી. ત્યારથી એક યા અન્ય રીતે એમનું સેવાકાર્ય ચાલતું રહ્યું છે. તેમ છતાં ૪૦-૪૫ નવલકથાઓ, ૧૫ વાર્તાસંગ્રહો કે બાળકો માટેનાં પુસ્તકો લખનાર મહાશ્વેતાદેવીને મુખ્યત્વે આપણે લેખિકારૂપે જ ઓળખીએ છીએ. એ નોંધવા જેવું છે કે, તેમનું પહેલું પુસ્તક ‘લક્ષ્મીબાઈ-ઝાંસી કી રાની’ છે અને તે અત્યંત કાળજીથી સંશોધન કરી, સામગ્રી મેળવી, પછી નવલકથારૂપે લખાયેલું છે.

આ બધું વાંચતાં કોઈને સહેજે થાય કે, તો પછી આ લેખિકાના સાહિત્યમાંથી એક પ્રકારની પ્રચારાત્મકતા ઝલકતી હશે. પણ ના, એ નવલકથા કે ટૂંકી વાર્તાના કલાસ્વરૂપના નિયમો પાળીને રચનાઓ કરે છે. એમની પાસે સૂક્ષ્મ હાસ્ય અને વ્યંગવિદ્રુપની કળા છે. નાનામાં નાની વિગત પકડતી સર્જકની ઝીણી નજર છે અને કથાસંઘટનની એક વિશિષ્ટ રીતિ પણ છે. (અહીં એ કહેવું જરૂરી છે કે મહાશ્વેતાદેવીએ બહુ સામાન્ય કહેવાય એવી નવલકથાઓ પણ લખી નાખી છે.)

મહાશ્વેતાદેવીની, સર્વ રીતે સમર્થક અને એમના કથાલેખનની પ્રતિનિધિરૂપ નવલકથા તો છે ૧૯૭૪માં પ્રકટ થયટેલી ‘હાજાર ચુરાશિર મા’. એ એટલી પ્રસિદ્ધ થયેલી છે કે ઘણા મહાશ્વેતાદેવીને જ ‘હજાર ચોરાશીની મા’ કહે છે.

હા, એ નવલકથામાં એક મા, – ધનિક પરિવારમાં પતિ અને અન્ય સંતાનો વચ્ચે રહેવા છતાં એકલી અટૂલી પડી ગયેલી સૌથી નાના પુત્ર વ્રતીની મા – સુજાતાની હૃદયવિદારક કથા છે. આ સદીના આઠમા દાયકામાં પશ્ચિમ બંગાળમાં નક્સલવાદી આંદોલન ચરમસીમા પર હતું. શોષણ કરતા જમીનદાર કે વેપારીઓ કે રાજકારણીઓ સામે નક્સલોએ હિંસક આંદોલન ચલાવેલું. એ અન્યાય અને શોષણ સામેની લડાઈમાં કેટલાય સ્વપ્નસેવી, સુખી ઘરના તરુણો, જોડાયા હતા અને મરાયા હતા. મહાશ્વેતાદેવીની નવલકથા આ આંદોલનમાં જોડાયેલા એક ધનિક પરિવારના વ્રતી નામના તરુણની નિર્મમ હત્યા અને એથી એની મા સુજાતાની હૃદયમથતી વ્યથા, માત્ર એક દિવસના – સવાર, બપોર, સાંજ અને રાત્રિ એવા – સમયખંડમાં વિભાજિત કરીને વર્ણવાઈ છે. કથા ભૂતકાળમાં અને વર્તમાનકાળમાં લગોલગ ચાલે છે.

આજે ૧૭મી જાન્યુઆરીની સવાર છે. બાવીસ વર્ષ પહેલાંની એક ૧૭મી જાન્યુઆરીએ સુજાતાએ વ્રતીને જન્મ આપ્યો હતો અને આજથી બરાબર બે વર્ષ પહેલાંની એક ૧૭મી જાન્યુઆરીની સવારે સુજાતાને પુત્રની હત્યાના સમાચાર ટેલિફોન પર મળ્યા હતા – એના જન્મદિન અને આજે ફરી ૧૭મી જાન્યુઆરીએ સુજાતાને એક ટેલિફોન મળે છે – મૃત પુત્ર વ્રતીની મિત્ર નંદિનીનો ટેલિફોન. તે સુજાતાને સાંજે મળવા ઇચ્છે છે. એ રાતે સુજાતાની બીજી પુત્રી તુલીએ પોતાની સગાઈ નિમિત્તે ઘરમાં પાર્ટી ગોઠવી છે, સુજાતા સિવાય સૌ ભૂલી ગયાં છે કે, મૃત વ્રતીનો આ જન્મદિવસ પણ છે. સુજાતા ક્યારેક બાવીસ વર્ષ પહેલાંના ભૂતકાળમાં પહોંચી જાય છે, ક્યારેક દશ વર્ષ પહેલાંના. પણ, ખાસ તો, બે વર્ષ પહેલાંના ભૂતકાળની ૧૭મી જાન્યુઆરીએ જ્યારે એ જોવા ગઈ હતી કાંટાપુકુરના મડદાઘરમાં પડેલી એના દીકરા વ્રતીની લાશ, જેનો નંબર હતો ૧૦૮૪.

એ ૧૦૮૪ નંબરના મડદાની મા હતી આ સુજાતા, એટલે ‘હાજાર ચુરાશીર મા’ આ કથાનું શીર્ષક રાખ્યું છે. કથા જેટલી વ્રતીની છે, તેથી વધારે વ્રતીની માતા સુજાતાની પણ છે. વ્રતી તો હવે છે નહીં. વ્રતી તો છે સુજાતાની, નંદિની અને વ્રતીનો સાથે હણાયેલા વ્રતીના મિત્ર સુમુની માની સ્મૃતિઓમાં અને વાર્તામાં; એ રીતે મૃત વ્રતી આપણી સામે જીવંત થાય છે.

પૈસેટકે સુખી કુટુંબ છે, સાસુ છે, પતિ છે, બીજાં સંતાનો છે, પણ સુજાતાનો સંવાદ માત્ર સૌથી નાના દીકરા વ્રતી સાથે છે. પતિની એના દેહ પર માત્ર નજર છે, બીજાં સંતાનો ભૌતિક સુખલિપ્સાવાળાં છે. સુજાતા અત્યંત સંવેદનશીલ છે. ઘરનાં બીજાં કોઈની સાથે મનોમેળ નથી, સિવાય વ્રતી. એ વ્રતી નક્સલ આંદોલનમાં જોડાઈ સરઘસોમાં જોડાતો, સૂત્રો ઉચ્ચારતો, દીવાલો પર સૂત્રો લખતો, પત્રિકાઓ છપાવતો. છતાં સુજાતાને વ્રતી માટે કોઈ ભયંકર પરિણામની કલ્પના નહોતી. એટલે કાંટાપુકુરમાં ૧૦૮૪મી લાશ બનીને પડેલા પોતાના પ્યારા વ્રતીની હત્યાના સમાચાર એને હચમચાવી દે છે. પણ વ્રતીના પિતા છાપામાં આ સમાચાર ન આવે, આવે તો વ્રતીનું નામ ન આવે એ માટે દોડધામ કરે છે. ગોળીએ વિંધાયેલી અને છૂંદાયેલી લાશ જોયા પછી સુજાતા પોતાના પુત્રને, એની કામગીરીને, એની વિચારસરણીને ધીમે ધીમે ઓળખતી થાય એ રીતે ૧૭મી જાન્યુઆરીના દિવસની સુજાતાની બે મુલાકાતો વિગતે વર્ણવાઈ છે. બપોરે વ્રતીના મિત્ર સુમુની માની મુલાકાત. નિર્મમ હત્યાની આગલી રાતે વ્રતી ત્યાં હતો. એ ગરીબ ઘરમાં વ્રતી કેવો પ્રસન્નતાથી રહેતો એ સુજાતાને મન એની નવી ઓળખાણ હતી.

વ્રતી સાથે નક્સલ આંદોલનમાં જોડાયેલી અને જેલની સજા પામેલી અને જેલમાં યાતનાઓથી એક આંખની દૃષ્ટિ ખોઈ બેસેલી, પેરોલ પર છૂટેલી – વ્રતીની મિત્ર નંદિની સાથે એ સાંજે થયેલી મુલાકાતથી વ્રતીની યુવાચેતનાની આકાંક્ષા, એના આદર્શોની જાણ સુજાતાને થાય છે.

પોતાનો પુત્ર હોવા છતાં ઘરમાં સૌથી નિકટ છતાં – પોતાના પુત્ર વ્રતીના આ સ્વરૂપને તો તે જાણતી નહોતી. સડી ગયેલા અન્યાયી સમાજને બદલવાની વ્રતીની કેવી તો ઝંખના હતી! નંદિની દ્વારા નક્સલ ચેતના હજી પરાજિત નથી થઈ એવો અણસાર મહાશ્વેતાદેવી આપે છે.

નંદિની કહે છે કે, ‘ભલે આંદોલન ઉપરથી શાંત થઈ ગયું હોય, પણ પેલા છોકરાઓ મરી ગયા એનું શું? શું માણસ સુખી થયો છે? શું દુનિયા હવે સારી બની છે? ના. કશુંય શાંત થયું નથી.’

આંદોલન તો ચાલુ રહેશે. સુજાતા આ વિદ્રોહી પુત્ર વ્રતીને પામવા ઝંખે છે.

રાતે ઘેર પાછી ફરેલી સુજાતા ઘરમાં વ્રતીને શોધે છે. આજે આખો દિવસ વ્રતી જાણે એની સાથે હતો, પણ ઘરમાં ક્યાંય એ શોધ્યો જડતો નથી. ઘરે તો આજે પાર્ટી છે, રંગરાગ છે. સુજાતાને પતિના કહેવાથી પાર્ટીમાં જોડાવું પડે છે.

પણ એના મનમાંથી ‘નહીં, નહીં’નો વિદ્રોહનો પોકાર ઊઠે છે. એને આ નાચતા લોકોના દેહમાંથી કૅન્સરના સડાની દુર્ગંધ આવે છે. એ બધાંય સુજાતાને જીવતી લાશ જેવાં લાગે છે.

સુજાતાને થાય છે : ‘શું વ્રતીનું બલિદાન આ સુંદર પૃથ્વીને આવી ગંધાતી લાશોને હવાલે કરવા માટે લેવાયું છે શું?’ એના હૃદયમાંથી ‘ના, ના’નો પડઘો ઊઠે છે.

મહાશ્વેતાદેવીની આ નવલકથા એક લેખિકા તરીકેની તેમની પ્રતિબદ્ધતા સાથે, તેમની સમર્થ તેજસ્વી લેખિનીનો પણ ખ્યાલ આપણને આપી જાય છે.

મા સુજાતાના ચરિત્ર સાથેની એમની તાદાત્મ્યતાથી લેખિકા પોતે જાણે પેલી લાશ નંબર ‘હજાર ચોરાશીની મા’બની જાય છે.

[૨-૨-૯૭]

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.