વાલ્મીકિના રામ : એક ‘પુરુષ’ – એક ‘મનુષ્ય’

ચૈત્ર બેસે ને રામનું સ્મરણ થાય. ચૈત્ર સુદ નોમને દિવસે રામ જન્મ્યા હતા એટલે ચૈત્ર સુદ નોમ રામનવમી કહેવાઈ.

રામનામ શતાબ્દીઓથી ભારતીય જનચેતના સાથે તદાકાર થઈ ગયેલું છે. ભલે કોઈ સંશોધક ઇતિહાસકાર પ્રમાણો-આધારો માગીને પ્રશ્ન કરે કે ખરેખર કોઈ રામ જેવા ઐતિહાસિક પુરુષ થઈ ગયા છે ખરા? સરયૂને તટે અયોધ્યા નામની કોઈ પ્રાચીન નગરી હતી ખરી? સંભવ છે કે, રામ કે રામકથા અર્થાત્ જનમનમાં રસબસ થઈ ગયેલા રામાયણી કથા આદિકવિની વિરાટ કલ્પના માત્ર હોય.

તુલસીદાસજી તો કહે છે કે, રામાયણી કથાની રચના તો સ્વયં શિવજીએ કરી રાખેલી. એ રચીને પછી પોતાના મનમાં-માનસમાં રાખી હતી અને પછી એક સારો અવસર જોઈને સૌ પ્રથમ પાર્વતીને સંભળાવી :

રચિ મહેસ નિજ માનસ રાખા
પાઈ સુસમઉ સિવા સન ભાખા
તા તે રામચરિતમાનસ બર,
ધરેઉ નામ હિયં હરષિ હર.

શિવજીએ પોતાના હૃદયમાં જોઈ અને પ્રસન્ન થઈ પછી એ રચનાનું નામ ‘રામચરિતમાનસ’ રાખ્યું. પણ હવે તુલસી પોતે શિવજીની કૃપાથી એ રચનાના કવિ બન્યા છે.

આદિ કવિ વાલ્મીકિએ એક વાર નારદને પૂછ્યું હતું : હે મુનિવર, આ સમયે આ સંસારમાં કોઈ ગુણવાન, વીર્યવાન, ધર્મજ્ઞ, પરોપકારી, સત્યવાદી અને દૃઢપ્રતિજ્ઞ એવો કોઈ પુરુષ છે?

એના જવાબમાં નારદે કહેલું : ‘ઇક્ષ્વાકુવંશપ્રભવો રામો નામ જનૈઃ શ્રુતઃ’ ઈક્ષ્વાકુવંશમાં જન્મેલો એક પુરુષ એવો છે જે લોકોમાં રામ નામે જાણીતો છે. નારદે પછી રામનું જીવનવૃત્ત સંક્ષેપમાં સંભળાવેલું. એ પછી વાલ્મીકિને ક્રોંચવધ કરનાર પારધિને શાપ આપવા જતાં અનુષ્ટુપ છંદ મળ્યો. ‘શાપં શ્લોકત્વં ગતઃ’ શાપ શ્લોક બની ગયો. છંદ તો મળ્યો, પણ એમાં કથા કોની માંડવી? બ્રહ્માએ પ્રકટ થઈને કહ્યું : તમે રામની કથા કહો. પછી વાલ્મીકિએ રામાયણની રચના કરી અને સૌ પહેલાં લવકુશને મોઢે કરાવી. રામકથાની એ પરંપરા પછી નિરંતર ચાલતી રહી છે.

આપણે માટે વાલ્મીકિનો અનુષ્ટુપ અને તુલસીદાસની ચૌપાઈ જેમાં રામાયણી કથા નિબદ્ધ થઈ તે માત્ર છંદ નથી, ઘણું વિશેષ છે. અનુષ્ટુપ તો મહાભારતનો અને એ રીતે ભગવદ્‌ગીતાનો તેમ શ્રીમદ્ ભાગવતનો પણ એ છંદ, અનુષ્ટુપનો પાઠ, તેમાંય જ્યારે શ્રી ભગવાનને મુખે નીકળતી વાણીનો – ભગવદ્‌ગીતાનો – પાઠ થતો હોય તો ઝંકૃત થયા વિના કયો ભાવિક-ભાવક રહી શકે?

અને ચૌપાઈ? આપણી દલપતરામની ચૌપાઈ – પંદર માત્રાની. અંતે ગુરુ લઘુ ક્રમે – હળવી લાગે છે.

કાળી ધોળી રાતી ગાય
પાણી પીને ચરવા જાય.

પણ તુલસીદાસની ચૌપાઈ સોળ માત્રાની. અંતિમ બે વર્ણ ગુરુ, એટલે જાણે એ ચૌપાઈ પોતાના બે ગુરુચરણ પર ઊભી રહી પોતાના દૃઢ અસ્તિત્વની ઘોષણા કરે છે. તુલસીની એ ચૌપાઈનો કોઈ સુકંઠે થતો પાઠ કે એનું ગાન આપણને દ્રવિત ન કરે તો જ નવાઈ. ચૌપાઈ ગવાતી જાય અને પછી આવતા દોહામાં એ ખંડનું સમાપન થાય એ આખી કથનરીતિ જ અદ્‌ભુત છે. તુલસીદાસની ચૌપાઈએ છેલ્લાં ચારસો વરસથી, વિશેષે તો ઉત્તર ભારતના ભાવિકજનોના હૃદયમાં અમૃતસિંચન કર્યું છે. અનેક નિપટ-નિરક્ષરને કંઠે પણ તુલસીની ચૌપાઈઓ રમતી સાંભળી છે. ચૌપાઈ એ રીતે ગંગાધારાની જેમ અખંડપણે પ્રવાહિત છે.

આપણે વાત તો ચૈત્રની – ચૈત્ર સુદ નોમની – રામનવમીની – એક રીતે કહીએ તો રામની કરતા હતા. વાલ્મીકિના રામ એક ‘પુરુષ’ છે, એક મનુષ્ય છે, લોકોત્તર છતાં મનુષ્ય. વાલ્મીકિમાં રામ અવતારી હોવાનો પ્રક્ષેપ પરવર્તી છે. વાલ્મીકિમાં રામના દિવ્યત્વની, અલૌકિત્વની ઘટનાઓ આવે છે, પણ એ એટલી અગ્રવર્તી નથી, જેટલી અગ્રવર્તી છે એમનો માનવીય પક્ષ પ્રકટ કરતી ઘટનાઓ.

સંસારનાં જેટલાં પણ મહાકાવ્યો છે એ તમામમાં ‘અયન’ એટલે કે ભ્રમણનો અંશ મુખ્ય હોય છે.

પછી તે હોમર હોય કે વાલ્મીકિ કે વ્યાસ. રામના વ્યક્તિત્વનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે એમનું કયું રૂપ સામે આવે છે? અયોધ્યામાં દશરથના આંગણમાં રમતા – દશરથઅજિરવિહારી રામ? ભલે હજારો ભાવિકો રામના સ્મરણ સાથે આવી પંક્તિઓ બોલતા હોયઃ

મંગલભવન અમંગલહારી
દ્રવહુ સો દશરથઅજિરવિહારી…

પરંતુ, રામના સ્મરણ સાથે એમનું વનવાસી રૂપ જ વધારે આપણી સામે ઊપસી આવે છે. ‘સીતા સહિત ચલે દોઉ ભાઈ’ – તુલસીદાસમાં આવતી આ પંક્તિ સાથે આપણાં નેત્રો સામે અરણ્યની કોઈ કેડી પર ચાલ્યાં જતાં રામ-લક્ષ્મણ-જાનકીનું પ્રવાસીરૂપ જ વધારે પ્રકટે છે. એક ખાસ વાત તો એ કે, આ ત્રણેય પ્રકૃતિપ્રિય છે.

વાલ્મીકિના રામ કરતાંય રામનું વધારે માનવીય રૂ૫ તો ભવભૂતિના ઉત્તરરામચરિતમાં મળે છે. ભવભૂતિને વાંચ્યા પછી રામના દિવ્યત્વનો કે રામ વિષ્ણુના અવતાર હોવાનો કોઈ પ્રભાવ આપણી ચેતના પર ટકતો નથી. ભવભૂતિએ લંકાવિજય પછી અયોધ્યાના રાજા તરીકે રામે સીતાને આપેલા વનવાસના પ્રસંગને કેન્દ્રમાં રાખી કરુણરસપ્રધાન એવું નાટક લખ્યું છે કે, એ વાંચતાં કે જોતાં ભવભૂતિના શબ્દોમાં કહીએ તો ‘પથ્થર પણ રડી પડે.’ – (અપિ ગ્રાવા રોદિતિ…)

ભવભૂતિના રામ એક અત્યંત પ્રેમાળ પતિ છે, પણ એ સાથે એ કર્તવ્યનિષ્ઠ રાજા પણ છે. એટલે જ્યારે પ્રજામાં સીતાના ચરિત્ર વિષે કોઈ શંકા-કુશંકા કરે છે એવી ગુપ્તચર દુર્મુખ દ્વારા જાણકારી મળે છે કે તરત એ સીતાનો ત્યાગ કરવાનો નિર્ણય લે છે. ભવભૂતિના રામ હૃદયધર્મ વિ. રાજધર્મના ગૂંગળાવી નાખતા વમળમાં મર્મને છિન્ન વિચ્છિન્ન કરી નાખતી પીડા અનુભવે છે, પણ હૃદયધર્મને નહીં, પણ રાજધર્મને પ્રશ્રય આપી ગર્ભવતી સીતાને વનમાં મોકલી દે છે.

સીતાને વનવાસનું એટલું દુઃખ નથી, જેટલું રામે લોકોનું કહેવું માની પોતાના ચરિત્ર પર શંકા આણી પોતાને વનવાસ આપ્યો એનું છે. ઉત્તરરામચરિત નાટકના ત્રીજા અંકમાં ભવભૂતિએ કૌશલથી બારબાર વર્ષો પછી રામસીતાની સહોપસ્થિતિ દ્વારા સીતાને લાગતી અકારણ પરિત્યાગની લજ્જાનું શલ્ય દૂર કર્યું છે. રામ તો સીતાને એકદમ ચરિત્રશુદ્ધ માને છે, પણ રાજધર્મ? ભવભૂતિના રામ રાજધર્મ પાળવામાં વજ્રથીય કઠોર છે અને આમ ફૂલથીય મૃદુ.

કાલિદાસે પણ રઘુવંશમાં સીતા વનવાસનો પ્રસંગ યોજ્યો છે. એમના રામ પણ રાજધર્મ પાળવામાં હૃદયધર્મને દબાવી રાખે છે. એ લક્ષ્મણને ‘આજ્ઞા’ આપે છે : સીતાને વનમાં મૂકી આવવાની. વનમાં પહોંચ્યા પછી લક્ષ્મણ જ્યારે સીતાને કહે છે કે, રામે તમારો ત્યાગ કર્યો છે, ત્યારે પહેલાં તો તે મૂર્છા પામે છે, પણ ભાનમાં આવ્યા પછી કહે છે :

“મારા કહેવાથી, હે લક્ષ્મણ, તું એ રાજાને કહેજે કે, જેની સમક્ષ હું અગ્નિમાં પવિત્ર થઈ છું તે લોકોના કહેવાથી આમ મારો ત્યાગ કરે તે એના પ્રતિષ્ઠિત વંશને યોગ્ય છે?”

સીતા કહે છે : ‘વાચ્યસ્ત્વયા મદ્‌વચનાત્ સઃ રાજા’. રામ હવે પ્રિય સ્વામી નહીં, ‘રાજા’ છે, અને એ રાજા પાસે પ્રજા તરીકેય ન્યાય માગવાનો એને હક છે.

શું વાલ્મીકિ, શું કાલિદાસ કે શું ભવભૂતિ – આ સૌ કવિઓએ રામનું માનવીય રૂપ જે રીતે પ્રકટ કર્યું છે તે આપણા હૃદયને સ્પર્શી જાય છે, આ સૌ વિશ્વવંદ્ય મહાન કવિઓ છે.

પરંતુ, સૈકાઓથી અજ્ઞાત લોકકવિઓ રામ અને સીતાનું જે ચરિત્ર આપણી અનેકો ભાષામાં રચતા આવ્યા છે તે તો રામનું એકદમ માનવીય – અતિ સામાન્ય – રસ્તે જતા મનુષ્યની સમાંતરનું રૂપ છે :

રામ-લખમણ બેઉ બંધવડા રામૈયા રામ
બેઉ ભાઈ ચાલ્યા વનવાસ રે રામૈયા રામ.

–આ રામૈયા રામમાં તરસ્યા રામ-લક્ષ્મણને વનવગડામાં સીતા પાણી પાય – અને પછી ત્યાં ઘડિયાં લગન લેવાય એવી કલ્પના તો એકદમ અદના લોકકવિને જ આવી હશે. સૈકાઓથી રામનું એ રૂપ પણ આપણી ચેતનામાં છે.

ભક્ત કવિ તુલસીદાસે પોતાની ચૌપાઈઓમાં એક જ વાત વારંવાર કરી છે કે, પ્રભુ રામની કૃપા અનંત છે અને તેમની ભક્તિ જ ઉત્કૃષ્ટ વ્યક્તિ તેમજ વિશ્વકલ્યાણની સાધક છે. રામચરિતમાનસમાં રામ એક પરબ્રહ્મ શ્રીહરિ છે અને બધાં જ ચરિત્રો શ્રીરામના ભક્ત છે, પિતા દશરથ અને રાવણ પણ. પવનસુત હનુમાનની તો વાત જ કરવાની ન હોય.

કવિ તરીકે તુલસીદાસ જે રામાયણીપાત્રની સૌથી નિકટ છે, તે પવનસુત છે, પછી ભરત.

તુલસીદાસના રામ એ સાચે લોકનાયક રામ છે. રામનું એ નામ અને રામચરિત – એ બન્નેનો મહિમા અનંત છે :

“હરિ અનંત હરિ કથા અનંતા.”

એ અનંત કથાનું કંઈ નહીં તો, માત્ર પાવન સ્મરણ આ રામનવમીને દિવસે આપણા ચિત્તને ભીંજવી રહો.

[૧૩-૪-’૯૭]

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.