રુક્મણિ, રુક્મણિ, શાદી કે બાદ ક્યા ક્યા હુઆ?

મંજરી મેઘાણીનો ફોન આવ્યો : “ભોળાભાઈ, તમે ‘રોજા’ ફિલ્મ જરૂર જોઈ આવો.” એમણે એમ પણ કહ્યું કે, ટી.વી. ચેનલ પર ન જોતા, સ્ક્રીન પર જ જોજો. પ્રસિદ્ધ દિગ્દર્શક મણિરત્નમ્‌ની આ ફિલ્મના પ્રશંસાત્મક રિવ્યુ વાંચ્યા હતા, પરંતુ ફિલ્મ જોતાં લાગ્યું કે થોડી વધારે પ્રશંસા હજી કરી શકાય. ફિલ્મ – ક્રિટિકને અવશ્ય ક્યાંક અસંગતિઓ દેખાય, આપણા જેવા સામાન્ય રસિકજનના ધ્યાનમાં પણ એ આવ્યા વિના ન રહે એવી અસંગતિઓ છે પણ ખરી, તેમ છતાં આ ફિલ્મની મનોરંજકતા એટલી ઊંચા પ્રકારની છે કે એ ખૂંચે નહીં. એની ફોટોગ્રાફી, એનું સંગીત, એમાં જોવા મળતો અભિનય વગેરે ‘રોજા’ ફિલ્મને અનન્યતા અર્પે છે.

‘રોજા’ની કથા, પટકથા અને દિગ્દર્શન મણિરત્નમ્‌નું છે. આપણે ત્યાં દર્શાવાતી આ ફિલ્મ હિન્દીમાં ડબ કરવામાં આવી છે. પણ એથી ખાસ અંતરાય આવતો નથી. આજની કલાફિલ્મોની તુલનામાં ઘણાને આ ફિલ્મ લોકપ્રિય ફિલ્મો જેવી મનોરંજક લાગે, પરંતુ તથાકથિત મનોરંજક ફિલ્મોની ફોર્મ્યુલા અહીં નથી. હા, કોઈ પરીકથા જેવી લાગવાનો સંભવ છે. પરંતુ, વાસ્તવિક દૃશ્યો એવાય છે કે પછી એ પરીકથા આ ધરતીની, આ દેશની, હજી હમણાંના સમયની જ કથા બની જાય.

ફિલ્મનાં મુખ્ય ઘટનાસ્થળો છે. એક છે કાશ્મીર, આતંકવાદના ભરડામાં સપડાયેલું સુંદર કાશ્મીર અને બીજું સ્થળ છે કોઈ કલ્પના લોકમાંથી ઊતરી આવ્યું હોય એવું દક્ષિણ ભારતનું એક ગામ, જ્યાં પહાડોની પાર્શ્વભૂમિમાં પાણીના પ્રપાતો છે, વહેતી નદી છે, હર્યાભર્યા ખેતરો છે, ભોળાં ગ્રામજનો છે. કાશ્મીર ખીણની સુંદરતાની સ્પર્ધા કરે એવા મનોરમ પ્રાકૃતિક પરિવેશમાં દક્ષિણ ભારતનું સુંદર ભાનુપુર ગામ આવેલું છે. એ સુંદર ભાનુપુરની પ્રાકૃતિક શોભા પ્રેક્ષકના ચિત્ત પર જેટલી છવાય છે તેનાથી વધારે છવાય છે ભાનુપુરનાં ગ્રામીણજનો, પ્રૌઢા, વૃદ્ધા નારીઓ કે વૃદ્ધો.

આ ફિલ્મમાં મણિરત્નમ્‌નો આશય કાશ્મીરમાંના આજના આતંકવાદનું ચિત્રણ કરી દેશપ્રેમની ભાવના સ્થાપિત કરવાનો છે કે પછી સુંદર ભાનુપુરની એક અલ્હડ કિશોરીના નિર્દોષ છતાં દુર્દમ્ય વ્યક્તિત્વને ઉભારવાનો છે એવો પ્રશ્ન થાય. રોજા એ અલ્હડ કિશોરીનું નામ છે અને એ જ નામ ફિલ્મનું પણ છે. અભિનેત્રી મધુ છે રોજાના પાત્રમાં.

શરૂઆતમાં શ્રીનગર કાશ્મીરનું દૃશ્ય છે. કાશ્મીરની પ્રાકૃતિક સુષ્માની પૃષ્ઠભૂમિમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની ભયંકર મૂઠભેડ વાસ્તવિક લાગે એ રીતે દર્શાવાઈ છે. મૂઠભેડને અંતે, ખૂંખાર આતંકવાદી વસીમ ખાનને ગિરફતાર થતો બતાવ્યો છે. આ ટૂંકા દૃશ્યમાં કોઈ સંવાદ નથી, છે માત્ર બંદૂકો, સ્ટેનગનોમાંથી પાણીની જેમ ફૂટતી ગોળીઓના અવાજ. સંગીત આ દૃશ્યની પ્રભાવકતામાં ઉમેરો કરે છે.

એકાએક દૃશ્ય બદલાય છે. સુંદર ભાનુપુરમાં સૂર્યોદય થતો બતાવ્યો છે. આદર્શ ગામની જેવી તમારી કલ્પના હોય એવું એ ગામ, ગામની પર્વતીય ભૂમિકા અને પ્રકૃતિ, ઊડતાં પંખીઓ કે જળમાં તરતાં બતકો, મોલથી લચેલ ખેતર અને ત્યાં સૌની વચ્ચે દેખાય એક કિશોરી – નાચતી-કૂદતી ગીત ગાતી. એ કિશોરી એ જ આપણી રોજા. એ ગાય છે :

દિલ યહ છોટા સા
છોટી સી આશા
ચાંદ તારોં કો છૂને કી આશા…

દિગ્દર્શકે આ ગીતની સાથે અનેક મનમોહક દૃશ્યોના શોટ્સ ગૂંથી દીધા છે. એક સુંદર શોટ – આ કિશોરી પોતાની ઓઢણી પવનમાં વહાવી દેતી જ્યારે પંક્તિ ગણગણે છે – “બાદલોં કી મેં ઓઢૂં ચુનરિયા” ગાય છે ત્યારે પ્રેક્ષક પાસે ‘વાહ’ બોલાવી દે.

દિગ્દર્શક મણિરત્નમ્‌ની સેન્સ ઑફ હ્યુમર – વિનોદવૃત્તિ – દાદ માગી લે છે. પાત્ર કે પરિસ્થિતિનો કૉન્ટેક્ટ રચવામાં એનો પ્રભાવક ઉપયોગ એ કરે છે. આ ગીતની રોમાંટિક દુનિયામાંથી ગામનું એક દૃશ્ય છે : જ્યાં એક વૃદ્ધ બેઠા બેઠા ખુલ્લામાં હજામત કરાવે છે અને એક માણસ પોતાની બકરીઓને શોધવા નીકળ્યો છે.

એની બકરીઓ ક્યાં ખોવાઈ ગઈ છે? ખોવાઈ નથી. રોજા અને એની નાની બહેને બધી બકરીઓને સડક ઉપરના એક ટેકરા પાછળ ભેગી કરી છે. આજે આ સડક ઉપર થઈ એક મહેમાન આવવાના છે, મોટરમાં બેસી. એ મહેમાન એની દીદીને વહુ તરીકે પસંદ કરવા જોવા આવવાના છે. જેવી મોટરને આવતી જોઈ કે બધી બકરીઓને સડક પર છોડી દીધી. મોટરને થંભાવી દેવી પડી. ટેકરી પાછળથી રોજા અને એની બહેન સંતાઈને જુએ છે. એમને એ રીતે જોતાં ગાડીમાંથી નીચે ઊતરેલો યુવક, જે કન્યાને જોવા આવ્યો છે તેને જોઈ જાય છે અને અલ્હડતા જોઈ હોઠ પર સ્મિત લાવે છે.

રોજા તો પછી ત્યાંથી ટૂંકે રસ્તે દોડતી જઈ આ નાનકડા ગામના રસ્તા પર સમાચાર આપે છે : મોટર આ ગઈ હૈ. એ દોડાદોડ કરી મૂકે છે. ગામની બહાર મંદિરમાં જઈ દેવતાને વિનંતી કરે છે કે, આવનાર યુવક એની દીદીને પસંદ કરે. વળી પાછી દોડતી ઘર ભણી. કોઈએ કહ્યું પણ ખરું, “શાદી તેરી બહન કી હૈ, યા તેરી?”

યુવક ઋષિકુમાર એની મા સાથે છે. આખું ગામ સામૈયે જાય છે. ડોસીઓ, પ્રૌઢાઓ જાતજાતના પ્રશ્નો કરે છે. કોઈ ડોસો પૂછે છે : બેટા, તૂ સ્કૂલ ગયા હૈ? વગેરે.

ઋષિકુમારે નિર્ણય કર્યો છે કે, એ ભલે શહેરમાં રહેતો હોય, ત્યાં ભણ્યો હોય, પણ તે લગ્ન તો કરશે ગામડાની છોકરી સાથે. (પરીકથાનું કથાઘટક.) એ કૉમ્પ્યુટર-વિજ્ઞાની છે. છોકરા-છોકરીની મુલાકાત ગોઠવાય છે. અહીં પાછી દિગ્દર્શકની વિનોદવૃત્તિ ગ્રામીણ વાસ્તવિકતા સાથે જોવા મળે છે. છોકરો-છોકરી મળે છે, પણ ચારેબાજુએ ગામનાં બધાં વડીલો જોઈ રહ્યાં છે. પ્રોમ્પ્ટિંગ સુધ્ધાં કરે છે. સામે ઊભી છે લક્ષ્મી, રોજાની દીદી. જાણે કે કોઈ દક્ષિણ ભારતના મંદિર ઉપરથી ઊતરી આવી હોય એવી સુંદર, નમનીય પ્રતિમા – અદ્‌ભુત સંયોજન.

રોજાએ તો દીદીને પહેલાં જ સાવધાન કરી છે. અંગ્રેજીમાં પ્રશ્ન કરે તો અંગ્રેજીમાં જવાબ આપજે. એ પોતે જ દીદીને લઈને જવા જાય છે કે તેની મા, રોજાને હટાવી પોતે દીકરીને દોરી લાવે છે. રોજા તો ત્યાંથી દોડી, ફરી દેવતાને પ્રાર્થના કરવા પહોંચી જાય છે કે, મારી દીદીને એ પસંદ કરે. “શુદ્ધ ઘી કા દિયા જલાઉંગી.” કહે છે.

છોકરા-છોકરી અર્થાત્ ઋષિકુમાર અને લક્ષ્મીની મુલાકાત તો છે, પણ વાત કેવી રીતે કરે? છેવટે કોઈના કહેવાથી બધાં પાછાં હટે છે. (પાછાં દૂરથી જોતાં તો હોય.) લક્ષ્મીને કશુંક બોલવા ઋષિકુમાર કહે છે. એ પોતે કહે છે કે, મેં કભી ગાંવ નહીં રહા, લેકિન યહ ગાંવ પસંદ આયા, ગાંવ કી યે બુઢ્ઢિયોં ભી પસંદ આયીં…

હવે લક્ષ્મી ધીમેથી બોલે છે :

‘યહ શાદી નહીં કરના.’

‘વૉટ?’

‘યહ શાદી ઠુકરા દીજિયે.’

પછી ચા આપવા નજીક જતાં કહે છે : “મેરા એક બચપન કા સાથી હૈ, ઉસે પતિ માન ચૂકી છું. મેરી શાદી હોગી તો મૈં મર જાઊંગી આપ હી બચા સકતે હૈ મુઝે…”

ઋષિકુમાર તો એકદમ હતપ્રત બની જાય છે. શું કરવું? મુલાકાત પછી પૂછવામાં આવ્યું : “લડકી પસંદ આયી?” તો એકદમ સામે ઊભેલી રોજાને જોઈને કહે છે : “મુઝે યહ લડકી પસંદ હૈ.”

બધાં ઊઠી જાય છે. રોજા જોઈ રહે છે. લોકો ટીકા કરે છે. “આયા થા બડી બહન કે લિયે, છોટી બહન કો પસંદ કિયા….” રોજાને બધાં ધમકાવે છે “છોરા કે સામને મંડરા રહી થી…”

છેવટે લક્ષ્મીને પણ એના બચપણના સાથી સાથે અને રોજાને ઋષિકુમાર સાથે પરણાવવામાં આવે છે. લગ્નમંડપના દૃશ્ય સાથે સમાંતર બીજું દૃશ્ય છે : (જાણે લગ્ન વખતનું ગીત હોય, ફટાણું હોય એમ) ગામનાં સ્ત્રીપુરુષોનું સમવેત નૃત્ય સાથે ગાન :

રુક્મણિ, રુક્મણિ,
શાદી કે બાદ ક્યા ક્યા હુઆ
કૌન હારા કૌન જીતા
ખિડકી મેં સે દેખો જરા.

આ ગીતની પશ્ચાતભૂમાં ગામની પ્રૌઢાઓનું અજબ સમૂહનૃત્ય છે. એમ કહી શકાય કે, પ્રૌઢાઓની પણ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા છે. આ ગીતમાં જેમ લગ્નનાં ફટાણાંમાં હોય તેમ અનેક ‘ઈરોટિક’ – શૃંગાર – પ્રણય – મુદ્રાઓ છે. ગ્રામીણ પાત્રો અને પરિવેશ સાથે આ ગીત સાથે પ્રૌઢ દંપતીઓને પણ પોતાની શાદીની યાદ અપાવે તેવા શોટ્સ વિનોદવૃત્તિ સાથે લીધા છે.

કન્યાવિદાયનું દૃશ્ય. બન્ને બહેનોને વિદાય. પણ રોજા ક્યાં? એને શોધી લાવ્યા ગામની ભાગોળના દેવમંદિરેથી. બન્ને બહેનો ભેટે છે અને પોતપોતાને સાસરે જવા નીકળે છે.

રોજા સાસરીમાં આવી છે. સાસુ બહુ હેતાળ છે. પતિ પણ બહુ લાડ લડાવે છે, પરંતુ રોજા તો પ્રતિરોધ કરે છે. સાસુનાં કામમાં મદદ કરે, પણ પતિ આગળ હોઠ ભીડેલા રાખે. એના મનમાં કશોક રોષ છે. ઋષિકુમાર સિગારેટ પીએ છે, રોજા ઊભી હોય છે, મા જરીક બહાર ગઈ હોય છે ત્યાં એ એકાએક રોજાના મોંમાં સિગારેટ ફૂંસી દે છે. એનાથી કસ લેવાઈ જાય છે અને એ સખત ઉધરસ ખાતાં ખાતાં વ્યાકુળતા અનુભવે છે. ત્યાં મા આવી જાય છે…

આ બધું ખરું, પણ રોજા જાણે દૂર રહે છે પતિથી. એક વાર ભાગવા જાય છે, પતિના હાથમાં બ્લાઉઝનો પાછલો ભાગ આવે છે અને ખેંચાતાં ચિરાઈ જાય છે. દિગ્દર્શકની કલા આવાં સાંકેતિક દૃશ્યોમાં અપૂર્વ રીતે પ્રકટ થાય છે. પતિ કહે છે?

“સોરી…”

રોજા જોઈ રહે છે. પતિ ફરી કહે છે :

“એસ ઓ આર આર વાય.” પછી કહે છે: “મૈં બૂરા ભી હૂઁ તો બહુત નહીં, થોડા અચ્છા ભી તો હૂઁ. મૈં ભોલાભાલા હૂઁ.”

ઋષિકુમારને પુસ્તકો પ્રિય છે, સંશોધનપ્રિય છે, કમ્પ્યુટર પ્રિય છે અને હવે રોજા પણ. એ રોજાને પોતાના ચીફ પાસે સિક્યોરીટી સર્ટિફિકેટ માટે લઈ જાય છે. ચીફ ચંદ્રમોહન સંરક્ષણ સાથે જોડાયેલા છે અને તેમનો આ પ્રિય શિષ્ય પણ. ચીફ નવદંપતીનું સ્વાગત કરે છે. ચૂપ રહેતી રોજા ચીફ ચંદ્રમોહનના હેતાળ સ્વભાવથી એકદમ ખૂલે છે. ચીફ કહે છે : “કાશ્મીર જાકર મૈં આઊંગા, તબ તુમ્હારે હાથ કે બને લડ્ડુ ખાઊંગા.” રોજા કહે છે કે, “ત્યાં સુધી તો હું નહીં હોઉં. સોમવારે જ મારે ગામ જતી રહીશ. અહીં મને ગમતું નથી.”

ચીફને મળીને પાછા વળતાં ઋષિકુમાર રોજાને પૂછે છે કે, “તારે કેમ ગામ જતા રહેવું છે?” રોજા કહે છે : “આપને મુઝસે ક્યોં શાદી કી? યહ મેરા ઘર નહીં, મેરી લક્ષ્મીદીદી કા ઘર હૈ. આપને મેરી દીદી કો ક્યોં ઠુકરા દિયા?” ઋષિકુમારને તેનો રોષ સમજમાં આવે છે. “તો યહ ગુસ્સા હૈ?” એ રહસ્યસ્ફોટ કરતાં કહે છે કે, “મૈંને નહીં, તુમ્હારી લક્ષ્મીદીદી ને મુઝે ઠુકરા દિયા હૈ.”

રોજા એ વાત માની શકતી નથી. ઘેર આવી દીદીને ફોન પર પૂછે છે. બધી વાતની જ્યારે ખબર પડે છે ત્યારે એના મનમાં ખૂબ પરિતાપ જાગે છે. પતિ પાસે જાય છે. “મુઝે માફ કર દેના. સોરી. એસ ઓ આર આર વાય. મેં બહુત બૂરી તો નહીં, થોડી અચ્છી ભી હૂઁ. મેં ભોલીભાલી હૂઁ.”

પતિ ઋષિકુમારના શબ્દો ફરી રોજાના મુખમાં. સ્થિતિવિપર્યય પ્રેક્ષકોનાં હોઠ પર સ્મિત રેલાવી દે છે.

એકાએક ચંદ્રમોહન માંદા પડતા ઋષિકુમારને કાશ્મીર જવાનું થાય છે. બારામુલ્લા પાસે મિલિટરીના સંદેશા વચ્ચેથી દુશ્મનો તરફથી ક્યાંક ઈન્ટરસેપ્ટ થાય છે. ત્યાં કમ્પ્યૂટર એક્સપર્ટની જરૂર છે. ચીફ પૂછે છે : “તમે આ સ્થિતિમાં કાશ્મીર જશો?”

“કાશમીર ઇન્ડિયા મેં હૈ ન? ઇન્ડિયા કે કિસી ભી કોને મેં મૈં જા સકતા હૂઁ.” દિગ્દર્શકે હવે પોતાની કથાને બીજો વળાંક આપવાની, આ એક વાક્યથી ભૂમિકા બાંધી છે. “કાશ્મીર ઇન્ડિયા મેં હૈ ન?” ઋષિકુમારના આ શબ્દો તેના રાષ્ટ્રપ્રેમના દ્યોતક છે. આપણે સૌ કાશ્મીરની અત્યારની સ્થિતિ જાણીએ છીએ. હઝરત બાલના કિસ્સાએ તો આ સ્થિતિને એકદમ રેખાંકિત કરી છે. દિગ્દર્શકે ઋષિકુમારના મૂખમાં મૂકેલા શબ્દો : “કાશ્મીર ઈન્ડિયા મેં હૈં ન?” દરેક પ્રેક્ષકના મનમાં એ ક્ષણે જ એક વ્યથાપૂર્ણ પ્રતિભાવ જન્માવે છે? ક્યા સચમુચ મેં હૈ? અને દિગ્દર્શકનું એ લક્ષ્ય પણ છે.

ઋષિકુમાર કાશ્મીર જવા તૈયાર થાય છે. રોજાને એ કહે છે : “શૌક સે તુમ અપને ગાઁવ જાઓ.” પણ હવે રોજા બદલાઈ ગઈ છે. અને કહે છે : “મૈં ગાંવ જાકર ક્યા કરૂંગી? સાથ મેં મુઝે ભી લે જાઓ.”

અલ્હડ રોજા હવે ‘નવવધૂ’ બની છે. ઋષિકુમાર દ્વારા દીદીને ઠુકરાવવાનો જે કાંટો તેનો મનમાં હતો તે નીકળી ગયો છે. ઋષિકુમારની મા પણ કહે છે: “બહુ કો છોડ કે મત જાના.” અને આશ્ચર્ય વચ્ચે રોજા પોતાની નાની સૂટકેસ લાવીને મૂકે છે. પ્રેક્ષકો દિગ્દર્શકની આ સૂઝની પ્રશંસા કર્યા સિવાય રહેતા નથી. રોજાના દુર્દમ્ય ચરિત્રની રેખાઓ સુંદર રીતે અંકિત થતી જાય છે. ફિલ્મની ઘટનાઓના કેન્દ્રમાં એ યોગ્ય રીતે જ રહે છે.

એકાએક સ્ક્રીન પર પરિદૃશ્ય બદલાય છે, પહોંચી જઈએ છીએ ફરી કાશ્મીરમાં.

આતંકવાદથી ગ્રસ્ત કાશ્મીરનું પ્રભાવક ચિત્રણ દિગ્દર્શકે ‘રોજા’ ફિલ્મમાં કર્યું છે. ફિલ્મના પ્રારંભમાં કાશ્મીરનું જ એક દૃશ્ય હતું, જેમાં સુરક્ષાદળોએ જીવસટોસટ લડાઈ કરી ખૂંખાર આતંકવાદી વસીમ ખાનની ધરપકડ કરી છે. લગ્ન પછી રોજા અને તેનો કમ્પ્યૂટર-નિષ્ણાત પતિ કાશ્મીર આવે છે અને પ્રેક્ષક દક્ષિણ ભારતના સુંદર ભાનુપુરના એક શાન્ત સુંદર ગામમાંથી ઊંચકાઈ ફરી સુંદર, પણ ભયગ્રસ્ત કાશ્મીરનાં પરિદૃશ્યો વચ્ચે આવી ઊભો રહે છે. આટલું બધું સુંદર? પણ સડકો બધી સૂની છે. રોજા પૂછે છે પણ ખરી; તો એ સાંભળે છે? “કરફ્‌યુ હૈ.”

કમ્પ્યૂટર-નિષ્ણાત ઋષિકુમારના આગમનની ખબર આતંકવાદીઓને પહોંચી જાય છે. ઋષિકુમાર અને રોજાની સુરક્ષાની ગોઠવણ છે છતાં, એક બાજુ રમણીય કાશમીર અને તેમાં આ નવપરિણીત દંપતી – અને બીજી બાજુ આતંકવાદ, ઋષિકુમાર ઈન્ટરસેપ્ટ થતા સંકેતોના ઉકેલમાં લાગી જાય છે. દિગ્દર્શકે કાશ્મીરની સુષ્મા સાથે નવદંપતીની પ્રણયમસ્તીને પણ ગૂંથવામાં પોતાની કલાદૃષ્ટિનો પરિચય આપ્યો છે. બરફ આચ્છાદિત પર્વતશિખરોનાં દૃશ્યો રોજાને (અને પ્રેક્ષકોને) મુગ્ધ કરે છે. દિગ્દર્શકે એવી રીતે આ દૃશ્યો કલ્પ્યાં છે કે પતિપત્નીની આંખો દાબી એને બારી પાસે લઈ જાય અને પછી આંખ ખોલવાનું કહે છે અને આંખો ખોલતાં એની સામે સુંદર બરફમઢ્યાં શિખરો એકાએક વિલસી રહે.

એક સવારે ઋષિકુમાર જુએ છે કે રોજા પથારીમાં નથી. રોજા પહોંચી ગઈ છે પૂજા કરવા. ભય શું છે એની આ અલ્લડ છોકરીને જાણે ખબર નથી. મંદિરના દેવતાને એ સંબોધન કરે છે : “કાશ્મીર કે ભગવાન, તુમ્હારા નામ તો મૈં નહીં જાનતી…” એના આ સંબોધનના અર્થસંકેતો પ્રેક્ષકોના ચિત્તમાં વિસ્તાર પામે છે. (શું કાશ્મીરના ભગવાન જુદા છે?)

અહીં એક અદ્‌ભુત શોટ છે, જે દિગ્દર્શનની કળાનો પરિચાયક છે. દેવતાને વંદન કરી રોજા મંદિરના ચોકમાં જોરથી નાળિયેર ફોડે છે. નાળિયેર ફૂટવાનો અવાજ સાંભળી એકદમ સંતરીઓ બંદૂક સાથે ધસી આવે છે. (અહીં કશું જોરથી ફૂટે તો એ બંદૂક કે બૉમ્બ જ હોય એવી અવસ્થા થઈ ગઈ છે.) – રોજા મૂંઝાઈ જાય છે : “ક્યા યહાઁ નારિયલ ફોડના ભી મના હૈ?” પ્રેક્ષકો પણ આ ‘આઇરની’ કહો કે રમૂજભર્યા દૃશ્યથી હસી ઊઠે છે.

રોજાનો પતિ એને શોધતો આવે છે. એ પહેલાં એક નવા પાત્રનો પ્રવેશ થયો છે. એ છે સજુ મહારાજ. તણાવપૂર્ણ પરિસ્થિતિમાં કૉમિક રિલીફ આપનાર પાત્ર એ માત્ર નથી, પછી એની પણ જરૂરી ભૂમિકા ઊભી થાય છે.

ઋષિકુમાર મંદિરે પહોંચતાં જ “યહ વો હૈં” એમ રોજા પતિની ઓળખ આપે, એ સાથે જ ચારેકોરથી આતંકવાદીઓ ધસી આવી ઋષિકુમારને પકડી મોંએ પટ્ટી બાંધી ગાડીમાં નાખી ઉપાડી જાય છે. ચીખતી રોજા પાછળ દોડતી રહી જાય છે.

હવે શરૂ થાય છે રોજાની ઓડિસી. ગ્રામીણ યુવતી છે, પણ ગભરાઈ જતી નથી; બલ્કિ નિર્ભીકતા એટલે જ જાણે રોજા! એનામાં નગરકન્યાનું સોફિસ્ટિકેશન નથી, પણ એનામાં નારીસહજ ‘અશિક્ષિત પટુત્વ’ અને ‘પ્રત્યુત્પન્નમતિ’ છે. સજ્જુ મહારાજની મદદથી એ પતિને શોધવા માટે દોડાદોડ કરે છે. પોલીસ પાસે જાય છે, સુરક્ષાદળોના કર્નલ પાસે જાય છે. કોઈની રોકી રોકાતી નથી.

આ ઓથાર નીચે એક દૃશ્ય સુંદર ભાનુપુરનું આવે છે, જેમાં ગામના લોકો ટી.વી. પર ઋષિકુમારના અપહરણના સમાચાર સાંભળી વ્યાકુળ બને છે. પ્રૌઢા સ્ત્રીઓ અને વૃદ્ધોની એ વખતની પ્રતિક્રિયા ગ્રામીણચેતનાનો અનુભવ કરાવે છે.

ઋષિકુમાર(અરવિંદ)ના વ્યક્તિત્વની રેખાઓ હવે વધારે સ્ફુટ થાય છે. આતંકવાદીઓ એને ઉપાડીને લઈ ગયા છે, પણ એથી એ ભયત્રસ્ત નથી. એના હાથપગ છોડવામાં આવે છે. એ આતંકવાદી લિયાકતને પહેલું વાક્ય કહે છે: “તૂ નામર્દ હૈ.”

દિગ્દર્શકે અહીં કાશ્મીરના આતંકવાદીઓના દૃષ્ટિકોણનો ખ્યાલ આપ્યો છે. બંદી ઋષિકુમાર પૂછે છે : “તુમ ચાહતે ક્યા હો?” તો જવાબ મળે છે : “કશ્મીર કી આઝાદી.” આતંકવાદીઓ કાશ્મીરને ભારતથી આઝાદ કરવા માગે છે. ઋષિકુમારને બંદી એટલા માટે બનાવ્યો છે કે એના બદલામાં ખૂંખાર આતંકવાદી વસીમ ખાનને છોડાવી શકાય. ઋષિકુમારને બાનમાં પકડ્યો છે. ઉગ્રવાદીઓની આ રીતિ આપણા દેશમાં કેટલાય વખતથી આચરાઈ રહી છે.

ઋષિકુમારને ત્યારે જ મુક્ત કરવામાં આવે, જ્યારે સામે વસીમ ખાનને છોડવામાં આવે. સોદાબાજી છે. પણ ઋષિકુમાર તો કહે છે કે, “મેરી રિહા કે વાસ્તે ઉસકો નહીં છોડના ચાહિએ.” ઋષિકુમાર પર અત્યાચાર ગુજારવામાં આવે છે. પણ એ માત્ર બોલે છે : “જયહિંદ.” બીજી બાજુ રોજા લશ્કરના કર્નલને મળે છે. આતંકવાદીઓએ ત્રણ દિવસની મહેતલ આપી છે. કર્નલ પહેલાં તો કરડાકી બતાવે છે, પણ પાછી રોજા તરફ એની સહાનુભૂતિ થાય છે. પહેલાં એ કહે છે કે, વસીમ ખાનને છોડી શકાય નહીં, ઋષિકુમારનું જે થવું હોય તે થાય. ત્યારે રોજા તરત કહે છે કે, “ઈસ મુસિબત મેં મેરે પતિ કે સ્થાન પર કોઈ મંત્રી કા બેટા હોતા યા બેટી હોતી તો?” (એક કેન્દ્રિય પ્રધાનની બેટીને છોડાવવા આતંકવાદીઓને છોડવા પડેલા, તે હકીકત આપણને યાદ આવી જાય છે.)

દિગ્દર્શકે રોજાના મનમાં જાગતી સ્મૃતિઓના આલેખન નિમિત્તે પ્રણયનાં કેટલાંક મુગ્ધકર દૃશ્યો આલેખ્યાં છે – ખાસ તો સ્વેટરની સ્મૃતિનાં. બીજી બાજુ આતંકવાદીઓ ઋષિકુમાર પાસે વાયરલેસ પર બોલવા અત્યાચાર કરે છે, પણ એ તો માત્ર કહે છે : “જયહિંદ.”

ખૂંખાર આતંકવાદીઓ વચ્ચે લિયાકતની પત્નીનું એક કોમળ વ્યક્તિત્વ આલેખાયું છે. ઋષિકુમાર માટે એના હૃદયમાં સ્ત્રીસહજ સહાનુભૂતિ છે. એની મદદથી આતંકવાદીઓના સકંજામાંથી એક વાર ઋષિકુમાર ભાગે છે. આ ભાગાભાગી દરમિયાન કાશ્મીર ખીણનાં ગામડાંનાં દૃશ્યો, આતંકવાદીઓના અડ્ડા જોવા મળે છે. ઋષિકુમાર પકડાય છે. ફરી એના પર ત્રાસ ગુજારાય છે. છતાં એ પૂછે છે : શા માટે આ બધું? જવાબ મળે છે: “જેહાદ, ઇન્ડિયા કે સાથ હૉલી વૉર.”

પણ ઋષિકુમાર કહે છે: “ઈન્ડિયા બટેગા નહીં.”

બીજી બાજુ રોજા કહે છે કે : “મુઝે વસીમ ખાન સે મિલને દો.” એ વસીમ ખાનને પણ મળે છે. આ દૃશ્યની વાસ્તવિકતા અંગે સંદેહ થાય, તેમ છતાં ચિત્રણ અત્યંત પ્રતીતિકર છે. આતંકવાદીઓની મહેતલ પૂરી થવામાં છે. રોજાને બોલાવવામાં આવે છે એક લાશ ઓળખવા માટે. એ કદાચ એના પતિની પણ હોય. પણ રોજાને પ્રતીતિ છે કે, “યે વો નહીં.” લાશ કોઈ બીજાની છે. પણ ફિલ્મમાં આ દૃશ્ય અત્યંત માર્મિક અને દિલધડક છે.

રોજા ત્યાં આવેલા મંત્રીને મળે છે, કર્નલની મદદથી. પોતાની વાત સમજાવે છે. વસીમ ખાનને છોડી દઈ પોતાના પતિને પાછો મેળવી આપવા એ વિનંતી કરે છે.

એક બીજું દૃશ્ય છે કે એમાં કાશ્મીરના યુવાનોને પાકિસ્તાનમાં ટ્રેઇનિંગ માટે મોકલવામાં આવે છે. જુવાન છોકરડાઓ છે – “આઝાદ કાશ્મીર લે કે રહેંગે…” એમનો ધ્યાનમંત્ર છે. લિયાકતનો નાનો ભાઈ પણ એમાં છે. લિયાકતની પત્ની રડતી આંખે વિદાય આપે છે. ઋષિકુમાર પણ એ જુએ છે.

પણ પછી એકદમ માતમ છવાઈ જાય છે ગામમાં. આ છોકરડાઓ પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે કે તરત ત્યાંના સૈનિકો એમને વીંધી નાખે છે. ગામમાં બધાંની લાશો લાવવામાં આવી છે. લિયાકત પણ ભાંગી પડે છે પાકિસ્તાનની ગદ્દારીથી.

બીજી બાજુ જાહેરાત થાય છે : “વસીમ ખાનને છોડવામાં આવશે, ઋષિકુમારને બદલે. એક પુલને આ છેડેથી વસીમ ખાન આવશે, બીજે છેડેથી ઋષિકુમાર.” વસીમ ખાનને છોડવા સુરક્ષાદળો રાજી નહોતાં. કર્નલ રોજાને કહે છે કે, એને પકડવા માટે કેટલા બધા સૈનિકો મરાયા છે? હવે એ બહાર નીકળીને કેટલા બધા નિર્દોષ નાગરિકોની હત્યા કરશે. પણ તું તો રાજી થઈ ને?

દૃશ્ય છે : વસીમ ખાન પુલને એક છેડે ઊભો છે ત્યાં બીજે છેડેથી કોઈ દોડતું દોડતું આવે છે અને ઋષિકુમારને બદલે એનાં કપડાં નાખી પાછું દોડી જાય છે. એકદમ છન્નાટો છવાઈ જાય છે : ઋષિકુમાર

ક્યાં? વસીમ ખાનને ફરી પકડી લેવામાં આવે છે. શું ઋષિકુમારની હત્યા થઈ ગઈ? કપડાં પર લોહીના ડાઘ તો નથી.

ઋષિકુમારને એ પસંદ જ નહોતું કે એને બદલે વસીમ ખાનને છોડવામાં આવે. એ લિયાકતની પત્નીની મદદથી કપડાં બદલી આતંકવાદીના વેશમાં એના ઘરમાંથી ભાગી નીકળે છે. (એટલે ઋષિકુમારને બદલે એનાં કપડાં જ રહ્યાં!)

પછીનાં દૃશ્યો ઋષિકુમારની ભાગદોડનાં અને આતંકવાદીઓએ કરેલા એના પીછાનાં છે. આ બાજુ સુરક્ષાદળો પણ સાવધાન છે. છેલ્લા દૃશ્યમાં લિયાકત અને ઋષિકુમાર છે અને દૂર ઊભાં છે સુરક્ષાદળો. “લિયાકત અબ તૂ ક્યા કરેગા?” ઋષિકુમાર પૂછે પણ છે. લિયાકત પાછો વળી જાય છે.

ઋષિકુમાર-રોજાનું મિલન.

ફિલ્મ ઉદ્દેશપ્રધાન હોવા છતાં પ્રચારાત્મકતામાંથી ઊગરી ગઈ છે. અગાઉ કહ્યું તેમ, કેટલીક ઘટનાઓની પ્રતીતિકરતા વિષે પ્રશ્ન થાય, છતાં એકંદરે તો દૃશ્યોની યથાર્થતા જળવાઈ છે. સંગીત અને ફોટોગ્રાફીએ, ગીતો અને લોકનૃત્યોએ આ ફિલ્મને ભરપૂર કરવામાં ઔચિત્યસભર યોગ આપ્યો છે.

એક વાર ફિલ્મ જોઈ. મનમાં એનો આનંદ રહી ગયો. બકુલને કહ્યું : “રોજા ફિલ્મ ફરી વાર જોવી છે.” સસ્પેન્સ થ્રીલરમાં વધારે રસ ધરાવતા યુવાનપુત્રને આશ્ચર્ય થયું. એણે કહ્યું : “આ વખતે તમારી સાથે હું પણ ‘રોજા’ જોઈશ.” એણે પણ ફિલ્મ આનંદપૂર્વક માણી.

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.