મેં તાજ જોયો!

બંગાળી વૈષ્ણવકવિ બલરામદાસની કાવ્યપંક્તિ છે : ‘કુમારી જુવતી દુઈ, કારે રાખે કારે ખુઈ’ – બન્ને કુમારી યુવતીઓ છે. કોને રાખું ને કોને જવા દઉં? ભક્તકવિએ કયા ભાવના સંદર્ભમાં આ દ્વિધા અનુભવી છે તે ખબર નથી, પણ એવી દ્વિધા આપણા રોજબરોજના જીવનમાં ઘણી વાર આવી જાય છે.

એ ખરું કે, એ દ્વિધા જીવનમરણના પ્રશ્ન જેવી જટિલ કે મનોમંથનકારી નહોતી. દ્વિધા માત્ર એટલી હતી કે, ત્રણ ત્રણ સંગીતના કાર્યક્રમોમાં કોની પસંદગી કરવી અને કોને જવા દેવા? દર્પણ નટરાણીમાં રવીન્દ્રનાથનો ગીતો-નૃત્યોનો કાર્યક્રમ હતો; સાહિત્ય પરિષદના પટાંગણમાં આકાશવાણી તરફથી હોળીના ઉત્સવ નિમિત્તે સુગમ સંગીતનો કાર્યક્રમ હતો અને લગભગ એ જ વેળાએ દૂરદર્શન પરથી દૂર આગ્રામાં તાજમહાલની પાર્શ્વભૂમાં સંગીતકાર યાન્નીના સંગીતજલસાનું જીવંત પ્રસારણ થવાનું હતું.

અમે યાન્નીને પસંદગી આપી. જોકે રવીન્દ્રસંગીતનો કાર્યક્રમ ખોવાનો વસવસો હજીય છે. તેમ છતાં દૂરદર્શન પરથી યાન્નીના યુરોપીય સંગીતની ધૂનો હજીય કાનમાં ગુંજ્યા કરે છે અને આંખમાં તરવરે છે સુંદરતમ તાજમહાલની અનેક અનેક કળાત્મક મુદ્રાઓ. હા, જાણે તાજમહાલને, અચલ તાજમહાલને ગતિશીલ નૃત્યની ભંગિમામાં જોયો – એકદમ નજીકથી, એકદમ દૂરથી. ‘તદ્‌દૂરે તદ્ અંતિકે’ જેવી ઋષિના બ્રહ્મ-અનુભવની દાર્શનિક પંક્તિ તાજના વિવિધ દર્શનોથી મારે માટે બીજો અર્થ ધારણ કરી રહી હતી.

વેસ્ટર્ન મ્યુઝિક યાને પાશ્ચાત્ય સંગીતમાં ચાંચ જરાય ડૂબતી નથી, પણ સુંદર કે મધુર ચીજ ન સમજાવા છતાં એનો કંઈક પ્રભાવ પાથરતી હોય છે. એ રીતે કાલે યાન્નીનો સાંભળેલો-જોયેલો સંગીતજલસો એક અનુભવ બની ગયો છે.

તાજમહાલની સન્નિધિમાં પ્રસિદ્ધ અમેરિકન સંગીતકાર-કંપોઝર યાન્ની ફ્રિડમ કોન્સર્ટ રજૂ કરવાનો છે એની જાહેરાતો તો થતી હતી, પણ વધારે તો યાન્નીને તાજમહાલની સન્નિધિમાં આવો કાર્યક્રમ રજૂ કરે તો તાજમહાલને એ સંગીતના અવાજ પ્રદૂષણ (?)થી નુકસાન પહોંચે એવી દલીલો કરીને પર્યાવરણવાદીઓ કાર્યક્રમ બંધ રખાવવા છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા. સર્વોચ્ચ અદાલતે અવાજને અમુક સીમા સુધી (૪૦ ડેસીબલ) મર્યાદિત રાખીને કાર્યક્રમની અનુમતિ આપી તે યોગ્ય જ થયું.

કૅમેરાની તો શીયે ખૂબી હતી કે સંગીતની ઑરકેસ્ટ્રાનું વૃંદ ક્યારેય લૉન્ગ શોટમાં ખૂબ દૂરથી જોઈ રહ્યા હોવાનો અને ક્યારેક એકાદ સંગીતકારના ક્લોઝઅપથી જાણે પહેલી હરોળમાં જ આપણે હાજર રહ્યા હોઈએ એવું લાગે અને સંગીતની સૂરાવલિ વચ્ચે તાજમહાલની એક પછી એક અનુપમ છટાઓ દૃષ્ટિગોચર થઈ સંગીતના અનુભવને સઘન કરતી હતી. તાજ ક્યારેક જમુના પારથી દેખાય એના ચારે મિનારા સાથે. એનો ગુંબજ જાણે શ્વેત આરસસહાણમાં કોઈ સ્વપ્નલોકનું દૃશ્ય. કેટકેટલા પર્સ્પેક્ટિવથી તાજને જોયો.

હા, ‘મેં તાજ જોયો, સ્નેહનો એ શહેનશાહી સાજ જોયો’ એવી કવિ ઉમાશંકરની પંક્તિ બોલી જવાય. એવું નહોતું કે, આ પહેલાં તાજમહાલ જોયો નહોતો. એકાધિક વાર જોયો છે, પણ યાન્નીના સંગીતની સહોપસ્થિતિમાં તાજનું જાણે આ અ-પૂર્વ દર્શન હતું અને જેટલી વાર તે નયન સમ્મુખે આવતું તે અ-પૂર્વ જ લાગતું. યાન્નીના સંગીતે તાજમહાલને અલૌકિક બનાવી દીધો હતો કે તાજમહાલે યાન્નીના સંગીતને લૌકિકતાની સીમાને અતિક્રમાવી દીધી હતી?

વચ્ચે વચ્ચે યાન્નીના ઇન્ટરવ્યુના ટુકડા આવી જતા. એને પૂછવામાં આવેલું કે તમને તાજમહાલને બેકગ્રાઉન્ડમાં રાખી સંગીતોત્સવ કરવાનો વિચાર કેમ આવ્યો?

માઈકલ જેક્શન થોડા મહિના પહેલાં પોતાના પોપ મ્યુઝિકથી હિન્દુસ્તાની જૂની નવી પેઢીને ઘેલું લગાડી ગયો હતો, પણ એનો પ્રભાવ એક ‘જ્વર’ જેવો હતો, પરંતુ યાન્નીના આ ક્લાસિકલ સંગીતનો પ્રભાવ તો કંઈ જુદો જ અનુભવ્યો. ક્યાંક ઊંડે ઊંડે એવું સ્પર્શી જાય કે ન સમજાય તોયે મધુર વ્યાકુળતા અનુભવાય. એ સાંભળતાં સાંભળતાં થતું હતું કે, પોતાની કબરમાં સૂતેલાં શાહજહાં ને મુમતાજમહાલ પણ આ સંગીતના અમૃતસ્પર્શથી ચિરનિદ્રામાંથી જાગી ગયાં હશે કે શું?

તેમાંય જ્યારે યાન્નીએ કહ્યું કે, હવે ચાઈનિઝ ફલ્યુટ – ચીની વાંસળી – રજૂ થશે, ત્યારે તો પરમ કુતૂહલથી કાન સરવા કરી એ સાંભળવા હું ઉત્સુક બની ગયો. દ્વાપર યુગમાં વૃન્દાવનમાં જમુનાને તીરે શ્રીકૃષ્ણે વાંસળી વગાડી હતી, શ્રીકૃષ્ણ-પ્રિય એવી વાંસળીની ફરી જાણે એ ધૂન જ જમુનાને તીરે ગુંજી રહી. એ ચીની વાંસળીની ધૂન પણ એવી હતી કે સાંભળીને કોઈ ઘરમાં બેસી ન રહી શકે. ‘મુરલીમાં વેદ વજાડિયા’ કે શું?

આપણા હરિપ્રસાદ ચોરસિયાની જેમ એ ચીની વાંસળીવાદકની આગળ પણ લાંબી ટૂંકી જાતજાતની વાંસળીઓ પડેલી હતી. તેમાંથી તે વારાફરતી લઈ સૂર રેલાવતો હતો. એ વાદકના નામની ખબર જો પડે! એવી જિજ્ઞાસા રહી છે યાન્નીથી અનતિદૂરે ઊભી રહી વાયોલીન બજાવતી શામળી (નિગ્રેસ) યુવતી અંગે. એ શ્યામાના વાળની લટો ગૂંથેલી હતી. જોઈ રહીએ એવું નવનીલનીરદસુંદર લાંબું મુખડું. તલ્લીન બની વાયોલીન વગાડતી તે અનિંદ્યસુંદર લાગતી હતી. હવે મને સમજાય છે કે, આપણા શિલ્પીઓએ કોણાર્ક કે ખજૂરાહોનાં મંદિરો પર આવી મૃદંગવાદિકાઓ કે વાંસળીવાદિકાઓનાં શિલ્પો કેમ કંડાર્યાં હશે! તલ્લીનતા. વાયોલીનવાદકોનું એમ તો ઓરકૅસ્ટ્રામાં આખું વૃન્દ હતું. બધા એક સાથે વગાડતા હોય એ દૃશ્ય જ ભારે પ્રભાવી લાગતું. કેવા સૌ એકતાર.

એ પ્રશિષ્ટ વાદ્યો વચ્ચે એક કાર્યક્રમ આવી ગયો. રેડ ઇન્ડિયન આદિવાસીના જમીન સરસુ રાખીને બજાવતા વાદ્યનો. લાંબા રણશિંગાનો ઘેરો અવાજ શંખનિનાદની નિકટનો લાગ્યો.

યાન્નીએ તો પોતે જ્યાં સાદાં શ્વેત વસ્ત્રોમાં ઝૂમતો ઊભો હતો તેની બન્ને બાજુ પિયાનો ગોઠવેલા. ક્યારેક બન્ને બાજુ બે હાથ લંબાવી એકસાથે વગાડે, ક્યારેક એક હાથની આંગળીઓ પિયાનો પર જાદુઈ ગતિથી ફરતી હોય અને બીજો હાથ લયલીન બની હવામાં ઊછળતો હોય અને ક્યારેક સમ પર આવતાં મસ્તક પણ ઊછળતાં એના લાંબા વાળ જે ગતિએ ઊછળી વિસ્તરી જતા એ બધું જાણે જોયા કરીએ અને એ પણ સ્તબ્ધ બનેલા તાજમહાલની છાયામાં.

ફરી એક વખત તો પેલી ચીની વાંસળીના સૂર રેલી રહ્યા હતા ત્યાં તાજમહાલનો ગુંબજ દેખાયો – પછી આખો તાજ લોંગ શૉટમાં જાણે દૂરથી દેખાયો. તાજમહાલને આ રીતે તો પહેલી વાર જોતો હતો.

શાહજહાં અને મુમતાજનો પ્રેમ તાજમહાલરૂપે આકૃત થયો છે. તાજ વિષે અસંખ્ય કવિતાઓ લખાઈ છે, કથાઓ લખાઈ છે. કોઈએ તાજની નિન્દા કરી છે, તો કોઈએ પ્રશંસા. કોઈને એવું લાગ્યું છે કે, એક શહેનશાહે તાજમહાલ બનાવીને ગરીબ પ્રેમીઓની મોહબ્બતની મશ્કરી કરી છે, કેમકે એમનો પ્રેમ કંઈ ઓછો નહોતો, પણ તેઓ એક શહેનશાહની જેમ કરોડો રૂપિયા ખર્ચી તાજમહાલ બનાવી શકતા નથી. આપણા કવિ શેખાદમ આબુવાલાએ તો કહ્યું કે, તાજમહાલ એ એક ધનવાન મજનૂએ કરેલો ખેલ છે, એટલું જ નહીં જેમાં એક જમાનાથી પ્રદર્શન માટે પ્રેમને કેદ કરવામાં આવ્યો છે એવી પથ્થરોની તે ખૂબસૂરત જેલ છે.

તાજમહાલ વિશે એ બધી ટીકાઓ ભૂલી જઈ પણ યાન્નીની પ્રકાશઆયોજનામાં એનું સૌંદર્ય માણવામાં લીન થઈ જવાય એવું હતું. મને તો રવીન્દ્રનાથની પેલી પંક્તિઓ યાદ આવતી હતી, જે તેમણે ‘શાહજહાં’ નામથી એમની પ્રસિદ્ધ કવિતામાં તાજમહાલ વિષે કહી છે :

એઈ સમ્રાટ કવિ,
એઈ તવ હૃદયેર છબિ,
એઈ તવ નવ મેઘદૂત,
અપૂર્વ અદ્‌ભુત
છન્દ ગાને
ઉઠિયાછ અલક્ષ્યેર પાને…

હે સમ્રાટ કવિ, આ તાજમહાલ તો તમારા હૃદયની છબિ છે, આ તમારું નવું મેઘદૂત છે, જે અપૂર્વ અને અદ્‌ભુત છંદે ને ગાને અલક્ષ્ય ભણી ઊંચે જાય છે. તમારો સૌંદર્યદૂત (આ તાજમહાલ) જુગજુગથી કાળના પ્રહરીને ચુકાવીને વાણીહીન એ સમાચાર લઈને ચાલ્યો જાય છે કે, ભૂલ્યો નથી, ભૂલ્યો નથી, ભૂલ્યો નથી, પ્રિયા!

યાન્નીના સંગીતે તાજમહાલના સૌંદર્યને જ નહીં, તાજમહાલ દ્વારા વ્યક્ત થતી પ્રેમની કોમળ કરુણતાને પણ જગાવી દીધી જાણે. યાન્નીનાં શ્વેત વસ્ત્રો અને તાજનો શ્વેત સંગેમરમર – બન્ને વચ્ચે અદ્‌ભુત સંગતિ રચાતી હતી. તો એકદમ કાળાં વસ્ત્રોમાં સજ્જ ગાયિકાઓના પ્રલંબ સૂરો સાથે એક પ્રભાવક કોન્ટ્રાસ્ટ રચાતો હતો.

એક શૉટ તો તાજમહાલ અને પેલી શામળી વાયોલિનવાદિકાનો એવી રીતે સંયોજિત થયો હતો કે, જાણે હમણાં જ એ લયલીન સુંદરી તાજમહાલમાંથી બહાર નીકળી રહી છે! ઘણી વાર તાજમહાલ એવો લાગતો હતો કે, જાણે તે યાન્નીના પિયાનોના કે પેલી ચીની વાંસળીના કે પેલી વાયોલિનવાદિકાના સૂરોમાં ડૂબી ગયો છે.

હા, તાજમહાલ પહેલાંય જોયો છે, પણ યાન્નીના આ સંગીતજલસાના સન્નિધાને એને જોયા પછી કહું છું :

મેં તાજ જોયો,
સ્નેહનો શો શ્હેનશાહી સાજ જોયો!

(ઉ. જો.)
[૩૦-૪-૯૭]

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.