ભારત વિરુદ્ધ ઇન્ડિયા

આ દિવસોમાં મનમાં ઘણાબધા પ્રશ્નો ચાલે છે. એ ખરેખર પ્રશ્નો છે કે જાતે ઊભા કરેલા ગૂંચવાડા છે એ પણ પ્રશ્ન છે. આખા દેશમાં અને દેશ બહાર આખી દુનિયામાં ૧૫મી ઑગસ્ટથી શરૂ કરી આખા વર્ષ માટે આપણા દેશની – ભારત દેશની – આઝાદીની સુવર્ણજયંતી ઉજવાશે. ૧૯૪૭થી ૧૯૯૭ – આઝાદ થયે આપણને પ૦ વર્ષ થયાં. ઉજવણીનો પ્રસંગ અવશ્ય છે. પણ આ ૫૦ વર્ષમાં દેશની ઊજવવા લાયક ઉપલબ્ધિઓ કઈ છે? એ જે કંઈ છે અને દેશની અત્યારની નીતિહીન રાજનીતિ જે રીતે ભૂંસી નાખવા તત્પર છે, ત્યારે શી ઉજવણી? આખી દુનિયા તમાશો જોઈ રહી છે કે, આપણે પોતાને ગાલે તમાચો મારીને રાતા દેખાવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ભારતની ઉજમાળી છબી દુનિયાના બહારના દેશોને દેખાડવાના કાર્યક્રમો માટે ભારત સરકાર દ્વારા ૩પ કરોડ રૂપિયાની જુદી ફાળવણી થઈ છે.

એક દશકા સુધી ભારતોત્સવ – ‘ફેસ્ટીવલ ઑફ ઇન્ડિયા’નો કાર્યક્રમ ચાલ્યો. તેનો આ ભવ્યોજ્વલ ઉપસંહાર એટલે આઝાદીની સુવર્ણજયંતી નિમિત્તે વિદેશોમાં ભારતની છબી દેખાડવાનો આ કાર્યક્રમ.

ભારત? કયું ભારત? દુનિયાના દેશોને ‘ભારત’ કહેવાથી કંઈ ખબર પડવાની નથી. ભારત નહીં, ‘ઇન્ડિયા.’ પાકિસ્તાન પાકિસ્તાન છે, બાંગ્લાદેશ બાંગ્લાદેશ છે, પણ ભારત ઇન્ડિયા છે. બર્મા મ્યાનમાર બની શકે છે, પણ ભારત તો ઇન્ડિયા જ રહેવાનું

પ્રશ્ન થાય છે કે, ભારતવર્ષ એટલે જ ઇન્ડિયા કે? ભારત કહો ત્યારે જુદી વાત થાય છે: ભારતીય સંસ્કૃતિ, ભારતીય ઇતિહાસ, ભારતીય અસ્મિતા, ભારતીય ધર્મ, ભારતીય સાહિત્ય વગેરેની એક સુદીર્ઘ પરંપરા છે. ‘ઇન્ડિયા’ કહો ત્યારે અંગ્રેજોએ ગુલામ બનાવી ૧૯૪૭ની પંદરમી ઑગસ્ટે સ્વતંત્ર કરેલો એક રાજકીય ભૂ-ભાગ છે, જે હજી ઈન્ડિયાને નામે ઓળખાય છે. ભલે રાજબંધારણમાં તે ભારત નામે દર્જ થયો હોય. આ ઇન્ડિયાએ પોતાનો રાષ્ટ્રધ્વજ તો નક્કી કર્યો છે અને ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ની મધરાતથી તે જ તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવાય છે, પણ આ ઇન્ડિયાને હજી પોતાની કોઈ ‘ભાષા’ મળી નથી. આ દેશને ભાષાઓનો અભાવ નથી અને છતાં આ દેશની પોતાની કોઈ ભાષા હજુ નક્કી થઈ નથી. જે ભાષા નક્કી થઈ છે – હિન્દી – એનો કોઈ વ્યવહાર કરતું નથી. એટલે અંગ્રેજી જ આ ઇન્ડિયા નામે દેશની ઓફિસિયલ લેંગ્વેજ ચાલુ છે, ચાલુ રહેશે.

ભારતવર્ષ કહો એટલે એનાં ‘સાત લાખ’ ગામડાં. એ ગામડાંમાં આઝાદીનાં પચાસ વર્ષમાં કેવાં પરિવર્તનો આવ્યાં છે? ફણીશ્વરનાથ રેણુ (‘તીસરી કસમ’ના લેખક) એ એક નવલકથા આઝાદી પછીના તરતનાં વર્ષોમાં લખી હતી ‘મૈલા આંચલ’. બિહારની પૂર્ણિયા જિલ્લાના એક ગામ ‘મેરીગંજ’ની એમાં વાત છે. એ વાત દેશનાં તમામ ગામોની પણ બને છે. એ ગામમાં એક સેવાભાવી દાક્તર, ‘કાલા આજાર’ નામે ઓળખાતા મેલેરિયા અંગે સંશોધન કરવા દવાખાના સાથે એક મેલેરિયા કેન્દ્ર સ્થાપે છે. પણ એ તો આ ગામડાની સમસ્યાઓમાં એટલા ‘ઊંડાં’ ઊતરતા જાય છે કે એમનું સંશોધન બાજુ પર રહી જાય છે, તેમ છતાં એક રીતે એમના સંશોધનનો નિષ્કર્ષ તો આપી દે છે. કહે છે કે, આ જીવલેણ તાવનાં બે જ મુખ્ય કીટાણુઓ છે : ‘ગરીબી ઔર જહાલત’ એટલે કે ગરીબી અને અજ્ઞાન. ગરીબી અને અજ્ઞાન – આ બે કીટાણુઓ દૂર કરો તો તાવ મટી શકે. દાક્તરનું ‘રિસર્ચ કમ્પ્લિટ’ થઈ ગયું! પણ રિસર્ચ પછી? ગરીબી અને અજ્ઞાન દૂર કરવાનાં વચનો બધી સરકારોએ આપ્યાં છતાં ગરીબી અને અજ્ઞાન તો વધતાં ગયાં. દૂરદરાજનાં ગામોમાં અજ્ઞાન, વહેમ, ગરીબી, ગુનાખોરી, અત્યાચાર, શોષણ બહુ ઘટ્યાં નથી. પીવાનાં પાણી પણ ઘણાં ગામોને સરખી રીતે મેળવી અપાયાં નથી. અનેક વિચરતી જાતિઓને માથે છાપરું થયું નથી. અનેક આદિમ જાતિઓ વિસ્થાપિત થઈ ખોવાઈ રહી છે.

બંગાળી નવલકથાકાર દેવેશ રાયની એક બૃહદ્ નવલકથા છે :

‘તિસ્તા કાંઠાનું વૃત્તાંત’. એમાં એમણે આવી ખોવાઈ જતી જનજાતિઓની વાત કરી છે, જે પોતાની ભૂમિમાંથી નિર્વાસિત થઈ રહી છે. તિસ્તા પર જે બંધ બંધાશે એનાં પાણી એ જાતિઓ પીવા પામવાની નથી. એ ભારત વર્ષના છેવાડામાં છેવાડાના લોકો છે. આઝાદીનાં પ૦ વર્ષ તો શું – પ૦૦ વર્ષ પણ એમની સ્થિતિને તબદિલ કરી શકશે? કદાચ અમેરિકન ઈન્ડિયનોની જેમ એ જાતિઓ નામશેષ થઈ જશે. આ ભારતવર્ષનાં ગામડાં પૂર આવતાં તણાઈ જાય છે અને ઉનાળામાં પાણી માટે ટળવળે છે. આ ગામડાં ભણવા માટે, ટકવા માટે વલખાં મારે છે.

પણ ઇન્ડિયાનાં શહેરોને આવો પ્રશ્ન નથી. દિલ્હી જઈએ, એના વિરાટ વિશાળ આલિશાન ભવનો જોઈએ, રાષ્ટ્રપતિના મુઘલ ગાર્ડન્સ જોઈએ ત્યારે સમજાય કે ઇન્ડિયાનું પાટનગર એટલે શું? એ કંઈ લંડન પેરિસથી જાય એવું નથી. ઇન્ડિયાની ફાઇવસ્ટાર હોટેલો દુનિયાની ઊંંચી ફાઈવસ્ટાર હોટેલોથી પાછળ પડે એમ નથી. ઇન્ડિયાના રાષ્ટ્રપતિનો દબદબો અમેરિકન રાષ્ટ્રપતિના દબદબા કરતાં વધારે છે. આ ઇન્ડિયાનાં શહેરોમાં મોટી મોટી વૈજ્ઞાનિક સંસ્થાઓ છે, યુનિવર્સિટીઓ. છે, અદ્યતન હૉસ્પિટલો છે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ સમ્માન પામતા વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, બુદ્ધિજીવીઓ છે. ઇન્ડિયા હાઈટેકના યુગમાં પ્રવેશી ચૂક્યું છે.

તો પ્રશ્ન છે : ભારત વર્ષ વિરુદ્ધ ઇન્ડિયાનો. ‘ઇન્ડિયા’એ ભારતનો પર્યાયવાચી શબ્દ નથી રહ્યો, પણ વિરોધી શબ્દ બની રહ્યો છે. મહારાષ્ટ્રના ખેડૂત (શેતકરી) આંદોલનના અગ્રણી શરદ જોશીએ ભારત વિ. ઇન્ડિયાની અવધારણા આપી છે. તે આ દેશની વિષમ નિયતિની દ્યોતક છે. તો પછી ‘જનગણમન અધિનાયક ભારત ભાગ્ય વિધાતા’ ક્યાં છે? જનગણ તો છે, પણ એના અધિનાયક ક્યાં છે? આપણે શું કોઈ કાલ્પનિક ભાગ્યવિધાતાનો જય હે જય હે જય હે જય જય જય જય હે – એમ ઉદ્‌ઘોષપૂર્વક જય જયકાર કરી રહ્યા છીએ! ટાગોરે જે ભારતની કલ્પના કરી છે તે તો ક્યાંય છે નહીં. ગામડામાં વસતું ગાંધીનું ભારત ક્યાંય નથી. છે માત્ર ‘ઇન્ડિયા – નેહરુનું ઈન્ડિયા’, યુરોપ-અમેરિકાની સંસ્કૃતિ તરફ ઢળી રહેલું ઈન્ડિયા, હાઈટેકમાં હરણફાળ ભરતું ઇન્ડિયા, સંપત્તિ (‘કરોડ’ શબ્દ હવે તો કોમન થઈ ગયો છે)માં આળોટતું ઇન્ડિયા, ફટાફટ અંગ્રેજી બોલતું ઈન્ડિયા; અને

છેલ્લે ભ્રષ્ટાચારોના પિરામિડ પર ઊભેલું ઈન્ડિયા.

તો એમ છે! ઇન્ડિયાની આઝાદીની સુવર્ણજયંતીનું વર્ષ શરૂ થઈ રહ્યું છે! ‘મેરા ભારત મહાન’ સૂત્ર એટલી વાર ઉચ્ચારાશે કે તે છે એ કરતાં વધારે મશ્કરીરૂપ બની જશે. રાજકપૂરની ફિલ્મમાં, કદાચ ‘જાગતે રહો’માં એક ચોરાયેલી થેલી ઠેરઠેર ફરે છે – એક હાથમાંથી બીજા હાથમાં. એ થેલી પર સુભાષચંદ્ર બોઝની છબી સાથે ‘જય હિન્દ’ મોટે અક્ષરે લખેલું હતું. પછી ‘જય હિન્દ’નો અર્થ થયો ચોરાઈ જવું, ખોવાઈ જવું. ‘એનું તો ભાઈ, જયહિન્દ થઈ ગયું!’

બોફોર્સ કૌભાંડ, ઘાસચારા કૌભાંડ કે ટેલિકોમ કૌભાંડ જેવા પરંપરા સર્જતાં કૌભાંડો પછી ‘મેરા ભારત મહાન’ શબ્દ આવાં કૌભાંડોના સંદર્ભમાં હવે વપરાઈ રહ્યો છે. લોકો ભાષાનો અર્થ બદલી લેતા હોય છે. ‘ભાષા બહતા નીર’ એમ કબીરે તો જુદા સંદર્ભમાં કહ્યું હતું. પણ ‘મેરા ભારત મહાન’ એ કોઈ ભ્રષ્ટાચાર કે કોઈ કૌભાંડનું સૂત્ર-વાક્ય બની ગયું છે. એ સામાન્ય વાતચીતમાં વપરાય છે. ‘મેરા ભારત મહાન’ ટ્રકની પાછળ લટકતું જોવા મળે છે, એ લટકતું રહેશે.

આઝાદી મળી એ પછીના તરતના – કેટલાક દિવસોમાં દિલ્હીના એક પ્રાર્થના પ્રવચનમાં મહાત્મા ગાંધીએ એવા અર્થનું કહ્યું હતું કે, “આપણને આઝાદી મળી ગઈ અને એનો સ્વાદ ચાખી લીધો છે અને આઝાદીનો જે એક ખ્યાલ હતો તે ‘ગલત’ સાબિત થયો છે, ઓછામાં ઓછું મને તો એવું લાગ્યું છે.”

મનમાં આવા પ્રશ્નો થઈ રહ્યા છે. આ કોઈ દાર્શનિકનું ચિંતન નથી કે ચિંતકના વિચારો નથી. આ એક સામાન્ય નાગરિક તરીકે દેશની વર્તમાન દુર્દશા જોઈ જાગતા સવાલ છે. હું કોઈ નિરાશાવાદી નથી કે નથી દોષદર્શી. તેમ છતાં ભારત-ઇન્ડિયા વચ્ચેની આ વધતી જતી અસમતુલા મિટાવવા આપણે શું કરી શકીએ એમ તો મનમાં થાય છે. મારી સામે કવિ ઉમાશંકરનો – દેશની ટીકા કરતા નાગરિકમાત્રને આત્મખોજ કરવા માટેનો – પ્રશ્ન છે જ –

દેશ તો આઝાદ થાતાં થઈ ગયો.

તેં શું કર્યું?

[૧૪-૭-૯૭]

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.