પથેર પાંચાલી

સત્યજિત રાયે ‘પથેર પાંચાલી’ને અને ‘પથેર પાંચાલી’એ સત્યજિત રાયને દેશ અને દુનિયા સમક્ષ પ્રસિદ્ધિ અપાવી. સત્યજિત રાય મૂળે તો ચિત્રકાર. શાંતિનિકેતનના કલાભવનમાં નંદબાબુના વિદ્યાર્થી. ‘પથેર પાંચાલી’ની કિશોરો માટેની સચિત્ર આવૃત્તિ માટે તેમણે ચિત્રો દોરેલાં, પરંતુ તે પહેલાં તેમણે ફિલ્મ ઉતારવાના ખ્યાલથી રવીન્દ્રનાથ ઠાકુરની પ્રસિદ્ધ નવલકથા ‘ઘરે બાહિરે’નાં રેખાંકનો કરેલાં, પરંતુ એ માટે તો ઘણા જ દ્રવ્યની જરૂર પડે તેમ હતું. એ પછી સત્યજિત રાયે ‘પ્રિઝનર ઑફ ઝેંડા’ નામે ફિલ્મ ઉતારવાનો વિચાર કરેલો. તે પણ અર્થાભાવને કારણે કાર્યમાં પરિણત થાય તેમ નહોતો. એ પછી એમણે ‘પથેર પાંચાલી’ વિષે વિચાર કર્યો અને પરિણામ? પરિણામ દુનિયાના ફિલ્મરસિકો જાણે છે.

ફિલ્મ-વિવેચકો માને છે કે દ્રવ્યનો અભાવ હતો તે સારું હતું. કદાચ એમણે ‘ઘરે બાહિરે’ ઉતારી હોત તો તેમની અંદર રહેલી શ્રેષ્ઠ ફિલ્મ-નિર્દેશકની સંભાવનાઓ બહુ મોડી પ્રકટ થવા પામી હોત. ‘પ્રિઝનર ઑફ ઝેંડા’ ઉતારી હોત તો તેથીય ઊતરતું પરિણામ આવત, પણ સંજોગોને કારણે ‘પથેર પાંચાલી’ પર એમણે ભલે પસંદગી ઉતારી, તે પહેલી જ ફિલ્મ એ શ્રેષ્ઠ ફિલ્મ સિદ્ધ થઈ.

૧૯૫૫માં જ્યારે એ ફિલ્મ રજૂ થઈ ત્યારે એ જ વર્ષે રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક મળ્યો. બીજે વર્ષે ‘શ્રેષ્ઠ માનવીય દસ્તાવેજ’ તરીકે કેન્સનો ઍવોર્ડ મળ્યો, એ જ વર્ષે એડિનબરોમાં ડિપ્લોમા ઑફ મેરિટ, રોમનો વેટિકન ઍવોર્ડ, મનીલાનો ગોલ્ડ કારબાઓ ઍવોર્ડ, ૧૯૫૭માં સાનફ્રાન્સિસ્કોમાં શ્રેષ્ઠ દિગ્દર્શનનો ઍવોર્ડ, એ જ વર્ષે બર્લિનમાં સેલ્ઝનિક ગોલ્ડન લોરેલ, ૧૯૫૮માં વાનકુંવરમાં શ્રેષ્ઠ ફિલ્મ ઍવોર્ડ, સ્ટાફર્ડનો ક્રિટિક્સ ઍવોર્ડ, ૧૯૫૯માં ન્યૂયોર્કમાં અને ટોકિયોમાં શ્રેષ્ઠ પરદેશી ફિલ્મના ઍવોર્ડ, ૧૯૬૬માં ડેન્માર્કમાં શ્રેષ્ઠ નોનયુરોપીય ફિલ્મ એવોર્ડ – આમ સત્યજિતની આ પ્રથમ ફિલ્મ પર પુરસ્કારોની વર્ષા થતી રહી – એટલું જ નહિ, આ ફિલ્મથી વિશ્વના ફિલ્મજગતમાં ભારતનો પણ પ્રવેશ થયો. આપણે જાણીએ છીએ કે આ ફિલ્મ પછી તો સત્યજિત રાયે પાંત્રીસ જેટલી – એક-એકથી ભિન્ન અને વિલક્ષણ – ફિલ્મો ઉતારી છે અને ફિલ્મજગતે એમને પણ શ્રેષ્ઠ પુરસ્કારોથી નવાજી છે. તેમાં તેમને અપાયેલો ઓસ્કાર ઍવોર્ડ કલગીરૂપ છે.

પરંતુ, આ બધાની શરૂઆત તો ‘પથેર પાંચાલી’થી. એવો ભાગ્યે જ સાચા અર્થમાં કોઈ ફિલ્મરસિક હશે, જેને આ ફિલ્મ પ્રભાવિત ન કરી ગઈ હોય. એનો જાદુ કયો છે? લોકપ્રિય મનોરંજક ફિલ્મ ઉતારનાર દિગ્દર્શકોએ ઈર્ષ્યાદગ્ધ અબૂઝ વાણીમાં પ્રહારો કર્યા છે કે સત્યજિત ભારતની દરિદ્રતા દુનિયા સમક્ષ રજૂ કરીને કીર્તિ રળે છે! ના, એ ભારતની દરિદ્રતાનું ચિત્રણ કરતા નથી, ભારતની યથાર્થતાનું ચિત્રણ કરે છે અને દર્શાવે છે કે જીવન દરિદ્રતાને ગાંઠતું નથી, જીવનનો પથ તો જળની જેમ આગળ વહેતો જ રહે છે. એ પથ જ વ્યક્તિને ઘરથી છોડાવી દૂર દૂર લઈ જાય છે. એ જાણે કહે છે :

“ચલો, એગિએ જાઈ.” – ચાલો, આગળ ચાલીએ.

હા, આ ‘પથેર પાંચાલી’ના દિગ્દર્શક સત્યજિત રાયના શબ્દો નથી, એ શબ્દો તો છે ‘પથેર પાંચાલી’ના લેખક વિભૂતિભૂષણ બંદ્યોપાધ્યાયના. સત્યજિત રાયે એ શબ્દોને દૃશ્યરૂપ આપ્યું છે. એ મહાન દિગ્દર્શકે કદાચ બંગાળી ભાષાના સીમાક્ષેત્રમાં જ રહી પડનાર એક સાચા લેખકને દુનિયાના ચોકમાં સ્થાપી દીધા છે.

આ સદીના બીજા, ત્રીજા, ચોથા દશકમાં બંગાળી નવલકથાને ત્રણ બંધોપાધ્યાયો રવીન્દ્રનાથ અને શરતચંદ્રથી અલગ અને આગળ લઈ ગયા. ‘ગણદેવતા’ના લેખક તારાશંકર બંદ્યોપાધ્યાય, ‘પદ્મા-દીર માંઝી’ના લેખક માણિક બંધોપાધ્યાય અને ‘પથેર પાંચાલી’ના લેખક વિભૂતિભૂષણ બંધોધ્યાય, ત્રણેય બંધોપાધ્યાયોના જીવનદૃષ્ટિકોણ ભિન્ન ભિન્ન, પણ ત્રણે સર્જકતાથી ભરપૂર – બંગાળની તળભૂમિના કથાકાર.

સત્યજિત રાયે વિભૂતિભૂષણની ‘પથેર પાંચાલી’ અને ‘અપરાજિત’ એ બે નવલકથાઓ પરથી પોતાની વિખ્યાત ફિલ્મત્રયી – ‘પથ્થર પાંચાલી’, ‘અપરાજિત’ અને ‘અપુર સંસાર’નું નિર્માણ કર્યું છે. રોમનલિપિમાં લખાતાં શીર્ષકોથી સામાન્ય લોકોમાં એ ‘પાથેર પાંચાલી’ કે ‘અપરાજિતો’ (બંગાળીમાં એવો ઉચ્ચાર થાય છે પણ ખરો) બોલાય છે. ત્રણેયમાં એક જ નાયક છે – અને તે છે અપુ-અપૂર્વ. આ ત્રણે ફિલ્મો એટલે ‘અપુ-ટ્રિલોજી’ તરીકે ઓળખાય છે. એમાં નાનપણથી યુવાવસ્થા સુધીની એની જીવનકથા છે. અપુ એટલે અભાવગ્રસ્ત ગામડાના એક ગરીબ બ્રાહ્મણ પરિવારનો કલ્પનાપ્રવણ શિશુ. એના ગામડાગામથી પથ એને ક્યાં ક્યાં ખેંચી જાય છે? એના જીવનમાં કોઈ ભારે ચઢતીપડતી નથી – તેમ એ જીવન સામાન્ય નિમ્નમધ્ય પરિવારના કોઈ સભ્ય જેવું સીધુંસપાટ પણ નથી. ચારે બાજુની પ્રકૃતિમાંથી, કલકોલાહલમાંથી એ કેવી રીતે જીવનનો રસ ખેંચે છે! શિશુ-સહજ વિસ્મય એનો મુખ્ય ગુણ છે.

‘પથેર પાંચાલી’ એટલે તો પથનું આખ્યાન. જેમ ‘નળાખ્યાન’ નળરાજાનું આખ્યાન છે, તેમ વિભૂતિભૂષણની આ નવલકથા અગાઉ સંકેત કર્યો છે તેમ પથનું આખ્યાન છે. બંગાળીમાં ‘પાંચાલી’ એ આપણા આખ્યાન સ્વરૂપ જેવો કાવ્યપ્રકાર છે. પણ મધ્યકાલની પાંચાલી જેમ એ પદ્યમાં નહિ, પણ ગદ્યમાં છે. કોઈ પૌરાણિક કથા નહીં, પણ વર્તમાન જીવન એના કેન્દ્રમાં છે, રોજબરોજનું અડકી શકાય, જોઈ શકાય, એમાં વિચરણ કરી શકાય એવું જીવન; પણ એ જીવન પ્રાયઃ અભાવગ્રસ્ત છે.

એ અભાવોનું સ્થાન લે છે ચારે તરફની ગ્રામપ્રકૃતિ, એની વનસ્પતિઓ અને એની ઋતુઓ, એનાં ગાન, એના નાનામોટા ઉત્સવો, પાંચાલીગાન અને જાત્રા. એ ગ્રામીણ પાર્શ્વભૂમિમાં એક બ્રાહ્મણ પરિવારની કથા કહેવાઈ છે. પરિવારમાં પાંચ જણ છે. હરિહર રાય અને એની પત્ની સર્વજયા. એમનાં બે નાનાં બાળકો દુર્ગા અને અપૂર્વ અને દૂરના સગપણની હરિહરની બહેન. વિભૂતિભૂષણની આ પાંચાલીનું પ્રથમ વાક્ય છે :

“નિશ્ચિન્દિપુર ગ્રામે એક આર ઉત્તર પ્રાંતે હરિહર રાયેર ક્ષુદ્ર કોઠાબાડી.”

આ નિશ્ચિન્દિપુર એટલે કલકત્તાની દક્ષિણે ચોવીસ પરગણાના, ગ્રામવિસ્તારમાં આવેલું ગામ. એ ગામની ઓતરાદે હરિહર રાયનું ગામ. એ ગામની ઓતરાદે હરિહર રાયનું ખોરડું આવેલું છે અને એટલી વાત કર્યા પછી જે ચરિત્ર આપણી સામે પ્રથમ રજૂ થાય છે તે હરિહરની બહેન જર્જરિત વૃદ્ધા ઇન્દિર ઠાક્‌રણ (ઠાકુરણ)નું છે અને એની સાથે હરિહરની છએક વર્ષની પુત્રી દુર્ગાનું. ડોશી સવારના પહોરમાં વાડકામાં વાટી નાખી પલાળેલા મમરા ખાય છે અને દુર્ગા એ ખાલી થતા વાડકાને જોઈ રહી છે – એવા દૃશ્યથી કથા શરૂ થાય છે.

નવલકથાના પહેલા બે પરિચ્છેદ જ જાણે કોઈ ફિલ્મનિર્દેશકને ઉત્તેજિત કરવા પૂરતા છે. સત્યજિતની ફિલ્મમાં પણ ઇન્દિર ઠાકુરણ ભલે થોડી વાર માટે આવે છે, પણ અમિટ છાપ મૂકી જાય છે. ચુનીબાલાદેવી કરીને એક વૃદ્ધા એ ભૂમિકા ભજવે છે. સત્યજિત રાયે પોતાની ‘ચલચિત્ર પ્રસંગે’ નામની ફિલ્મવિષયક ચોપડીમાં આ ચુનીબાલાદેવીની શોધ કેવી રીતે કરી એનું રસિક વૃત્તાન્ત આપ્યું છે.

હરિહર તો જજમાનવૃત્તિ કરે છે. બહુ ઘેર હોતો નથી. ઘરે એની પત્ની સર્વજયા આ વૃદ્ધા પ્રત્યે થોડો અમાનવીય વ્યવહાર કરે છે. પણ વૃદ્ધા અને નાની દુર્ગાની મૈત્રીની મર્મસ્પર્શિતા પેલા કઠોર વાસ્તવને સહ્ય બનાવે છે. ઇન્દિર ઠાકુરણના કરુણ અવસાન પછી કથા દુર્ગા અને અપુ એ બે ભાઈબહેનની બની જાય છે. ‘પથેર પાંચાલી’ ફિલ્મનું જે શીર્ષક ચિત્ર છે તે બહેનની આંગળી પકડીને ચાલતા ભાઈનું છે, સત્યજિત રાયનું જ એ રેખાંકન. આપણી ચેતનામાં બહેનભાઈના ચિત્ર તરીકે એ ચિરઅંકિત થઈ રહે છે. પતિની ગેરહાજરીમાં સર્વજયા જેમતેમ કરીને, માનઅપમાન સહીને ઘરનું ગાડું ગબડાવે છે, તેમાં દુર્ગાના તોફાનથી એને સાંભળવા વારો આવે છે, તોફાન શું? પાડોશીની આંબાવાડિયામાંથી પડેલી કેરીઓ લઈ આવવી – એવું.

એમાં દુર્ગાનું ચરિત્ર દુર્દમનીય પ્રાણસ્પંદનનું જાણે જીવંત પ્રતીક છે. પ્રકૃતિની પૃષ્ઠભૂમિમાં દુર્ગા અને એનો ભાઈ અપુ એ રીતે રહે છે, રમે છે કે જાણે જીવનમાં કોઈ કશો અભાવ નથી. અપુનું શૈશવ દીદીની સુરક્ષામાં વીતે છે. દીદીને તો માર પણ પડે છે. માના ઠપકા પણ સાંભળવા પડે છે. એકવાર બન્ને ભાઈબહેન ચાલતાં દૂર દૂર નીકળી જાય છે અને ત્યાંથી પાટાની બાજુના ટેલિગ્રાફના તાર વિસ્મયભરી નજરે જુએ છે, અને વરસાદમાં ભીંજાય છે. દુર્ગા પોતાની સુખી ઘરની બહેનપણીઓ તરફ કે એમનાં રમકડાં ઢીંગલા-ઢીંગલીના સંસાર તરફ તૃષ્ણાભરી આંખે જુએ છે, પણ પોતે પોતા માટે કશુંક મેળવી લે છે.

દુર્ગા એક વખત વરસાદમાં પલળી તાવમાં પટકાય છે. એ દિવસે રાત્રે આંધી વરસાદ ચાલુ છે. ઘરે મા અને અપુ દુર્ગાની સેવામાં છે. પરિવારની સહાયમાં કોઈ જાણે નથી. દુર્ગા તાવમાં મૃત્યુ પામે છે અને લાકડી અને ફાનસ લઈ પાડોશીઓને બોલાવવા જતો અપુ જાણે ‘મોટો’ બની જાય છે. થોડા દિવસ પછી હરિહર આવે છે. આંગણામાંથી બૂમો પડે છે. દુર્ગા! ઓ દુર્ગા! પણ જવાબ ક્યાંથી મળે? એ ઘરમાં આવે છે. પોતે લાવેલો સામાન કાઢે છે. તેમાં છે દુર્ગા માટેની ઓઢણી. સર્વજયાના આંસુનો બાંધ હવે તૂટી જાય છે.

પછી હરિહર કાશી જવાનું વિચારે છે, બાપદાદાનું ખોરડું હંમેશ માટે ત્યજી સરસામાન બાંધી લે છે. ત્યાં એક ઘટના ઘટે છે : એક માટીના ઘડામાંથી અપુના હાથમાં સોનાનું એક કર્ણફૂલ આવે છે. દુર્ગાએ એ સંતાડેલું અને એ માટે માર પણ ખાધેલો. અપુ એને હાથમાં લઈ ઊભો રહી જાય છે. દીદીનું સ્મરણ આવે છે. પછી એ કર્ણફૂલ ઘરની પાસે આવેલા વાંસવનમાં જોરથી ફેંકી દે છે જે વાંસવનમાં સંતાઈ એની દીદી ક્યારેક કૂતરાના ભસવાનો અવાજ કરતી.

સત્યજિત રાયે આ દૃશ્ય અદ્‌ભુત રીતે ફિલ્માયિત કર્યું છે. અપુ એ ઘરેણું બાજુના લીલ બાઝેલા તળાવડાના પાણીમાં ફેંકી દે છે. એ પડતાં લીલ ફાટે છે અને ઘરેણું ગપ કરીને તેમાં લુપ્ત થઈ જાય છે. પછી ફાટેલી લીલ ધીમે ધીમે નજીક આવી, એક થઈ તળાવને પાછી ઢાંકી દે છે. જાણે એ દુર્ગાના શિશુસહજ અપરાધને ઢાંકતી ન હોય!

હરિહર, સર્વજયા અને અપુ કાશી જવા બળદગાડામાં બેસી સ્ટેશને ગાડી પકડવા નીકળે છે.

સત્યજિત રાયે બતાવ્યું છે કે, વાંસવનમાંથી એક મોટો સાપ નીકળી એ ખાલી ઓરડામાં પ્રવેશ કરે છે… ત્યાં ફિલ્મ પૂરી થાય છે.

પણ વિભૂતિભૂષણે વાત જરા આગળ લીધી છે. સ્ટેશન આવવા થાય છે, સિગ્નલ દેખાય છે અને અપુના મનમાં દીદીનું સ્મરણ જાગે છે. દીદીએ કહેલું : ‘અપુ મોટો થઈને તું મને રેલગાડી બતાવીશ?’

અપુ રેલગાડી પાસે આવ્યો છે, પણ દીદી વિના. ના, દીદી એના મનમાં સભર છે, અને ભાવકના મનમાં પણ.

[૨૯-૩-૧૯૯૨]

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.