થોડી ‘રામ’-લીલા

રામ, અને રામશબ્દની સાથે જોડાઈને બનતા શબ્દોના અર્થ માટે શબ્દકોશનું એક પૂરું પાનું પણ ઓછું પડે. માત્ર ગુજરાતીમાં જ નહિ, આપણા દેશની બધી ભાષાઓમાં આ પ્રમાણે છે. ભાષામાં લેખિત રૂપે નિબદ્ધ નથી ત્યાં મૌખિક પરંપરા કે આદિવાસી સમાજની ભાષાઓમાં પણ રામના ઘણા બધા અર્થ પ્રચલિત છે. રામ સમગ્ર ભારતીય જીવનમાં એવી રીતે શતાબ્દીઓથી વ્યાપ્ત રહ્યા છે. એ રામ છે, શ્રીરામ નથી, છે માત્ર રામ.

રામ સામાન્ય મનુષ્ય જેવા સુખ-દુઃખના અનુભવે હર્ષ પામતા, વ્યથિત થતા મનુષ્ય છે. તો રામ વિષ્ણુના સાતમા અવતાર, સુખ દુઃખથી પર, ભગવાન રામ પણ છે. લોકકવિના એ રામૈયા રામ પણ છે. બાકી રામ એટલે તો સુંદર, રૂપાળા, આનંદ આપનાર, અંગ્રેજીમાં જેને ‘ચાર્મિંગ’ કે ‘પ્લીઝિંગ’ કહે છે એવો એનો શબ્દગત અર્થ.

આ ‘રામ’ શબ્દ પ્રત્યય તરીકે કોઈ વર્તમાન કૃદંતને લાગે એટલે તે ક્રિયા કરવાની ટેવવાળો ‘મસ્ત માણસ’ એવો અર્થ થાય. જેમ કે ભમતારામ કે રમતારામ. પછી તો રોતારામ, હસતારામ એમ શબ્દો બનતા જ જાય.

‘રામ’ જેવો મહિમાવાન શબ્દ પૂર્વગ તરીકે જોડાય અને છતાં અર્થાપકર્ષ એટલે કે શબ્દનો હલકો અર્થ થાય એવા કેટલાય શબ્દો આપણી ભાષામાં મળી આવશે, જેમ કે રામગલોલો એટલે જાડિયોપાડિયો નફકરો માણસ.

અને રામગાંડિયું કહો એટલે ઢંગધડા વિનાનું માણસ – લગભગ ગાંડું માણસ એવો થાય. એટલે સુધી કે જેના અધિકૃત બાપ ન હોય તેવા સંતાનને હિન્દીમાં છોકરો હોય તો ‘રામજના’ અને છોકરી હોય તો ‘રામજની’ કહે છે. જાણે રામ એના બાપ. પણ એ એક પ્રકારની ગાળ જ કહેવાય. રામના રાવણ સામેના યુદ્ધમાં વાનરો સૈનિકો હતા. એટલે રામસેના શબ્દનો મહિમા હતો. હવે રામસેના એટલે વાંદરાટોળું કે એવી વૃત્તિવાળા નિશાળિયાઓનું ટોળું એવો અર્થ થઈ ગયો!

પરંતુ આપણા સાધુસમાજે લાડવા સાથે રામ જોડીને એક શબ્દ બનાવ્યો રામલડ્ડુ – ત્યારે એનો અર્થ ડુંગળી – પ્યાજ. એ રીતે અહીં રામ શબ્દ ડુંગળીના ઉદ્ધારક તરીકે આવ્યો. રામલડ્ડુ શબ્દ જેને પહેલી વાર બનાવ્યો હશે તેની પ્રતિભા અભિનંદનીય છે. લાડવો ન મળે તો ડુંગળીને રામ લગાડી તેને લાડુનો મોભો આપી દીધો.

રામરસ અને રામરોટી તો અનેક મંદિરો, આશ્રમોની ભોજનશાળામાં અતિ પ્રચલિત છે. મીઠાને રામરસ કહેવામાં આવે છે. ભોજનમાં મીઠાની મહત્તાનો નિર્દેશ થાય છે. પ્રેમાનંદે કુંવરબાઈને મોઢે કહેવડાવ્યું છે કે, ‘લવણ વિના જેવો ફિક્કું અન્ન – મા વિના એવું બાપનું મન્ન.’

આપણા કવિ ઉમાશંકર જ્યારે ગામઠી નિશાળમાં બામણા ગામમાં ભણતા હતા ત્યારે નિશાળમાં ડિપોટી આવ્યા. એ વખતે ડિપોટી આવે ત્યારે ગામના પ્રતિષ્ઠિત વડીલો પણ નિશાળમાં આવે અને ડિપોટી નિશાળિયાઓની કેવી પરીક્ષા કરે છે તે જુએ.

ડિપોટીએ નાના, નબળી આંખોવાળા પણ ચમકતા કપાળવાળા ઉમાશંકરને પૂછ્યું: ‘છોકરા, મીઠું ખારું હોય છે, પણ તેને મીઠું કેમ કહે છે?’

બાળ ઉમાશંકરને કંઈ જવાબ આવડ્યો નહિ. એટલે ગામના વડીલો માથું હલાવીને કહેવા લાગ્યા કે, છોકરો હજી ‘કાચો’ છે. કવિ ઉમાશંકર કહેતા કે, આ ‘કાચો’ શબ્દ પછી પોતાના આખા જીવન દરમિયાન યાદ રાખી પોતાનું ઘડતર ક્ષણે-ક્ષણ કરેલું.

હા, તો આપણે રામરસની વાત કરતા હતા. કેટલાક સાધુઓએ ભાંગને રામરસની પ્રતિષ્ઠા આપી છે. હવે જ્યારે રામરોટી કહો તો અર્થ થશે : ભિક્ષાન્નમાં મળેલી રોટી. પણ રામરોટલો કહો એટલે ભાંગી જવું કે ચૂરો થઈ જવું એવો અર્થ થશે. કોઈને બરાબર રોટલાની જેમ ટીપ્યો હોય ને એ રામરોટલો કર્યો કહેવાય. મારી બા નિરક્ષર હતી. ઘણી વાર હું બરાબર ભણું નહિ તો કહેતી કે રામપાતર લઈને માગી ખાવું પડશે. રામપાતરનું સંસ્કૃત રૂ૫ રામપાત્ર, પણ રામે એ શબ્દનો ઉદ્ધાર ન કર્યો. એ બની ગયું છે – ભિક્ષાપાત્ર કે પછી માત્ર ચપણિયું. કદાચ રામ પૂર્વગ લાગતાં એવો અર્થ કરી શકાય કે રામની કૃપાથી ભીખ અવશ્ય મળશે.

એ જ રીતે ગામમાં એક ચાની હોટલ હતી, જેનું નામ હતું ‘રામભરોસે હિન્દુ હોટલ’. પછી અનેક જગ્યાએ એ નામ જોયું. એ સારા અર્થમાં છે. એમાં રામ તરફનો શ્રદ્ધાભાવ પણ છે. એમનું એટલે કે રામનું નામ છે, એટલે હોટલ ચાલશે. પણ પછી કોઈ દેખરેખ રાખનાર ન હોય, ગમે તેમ ચાલતું હોય, ત્યારે આ ‘રામભરોસે’ શબ્દ વપરાવા લાગ્યો. બધું રામભરોસે ચાલે છે. એટલે ચિંતા બધી રામને માથે. પણ, જ્યારે રામદાસિયું કહો તો એનો અર્થ થશે : ગરીબ, કંગાળ કે દીન. અહીં રામનો પણ ભરોસો નહિ.

રામ પૂર્વગ લાગવાથી એ વર્ગમાં મોટું એવો પણ અર્થ થાય છે. જેમ કે, રામકુંડાળું કહો એટલે મોટું કુંડાળું. પણ રામચક્કર કહો એટલે મોટું ચક્ર તો થાય, પણ મોટો જાડો રોટલો એવું પણ સમજાય. ઢોલમાં મોટું ઢોલ એટલે રામઢોલ.

નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે એક ફિલ્મ આવેલી તેનું નામ હતું રામબાણ કે રામ કા બાણ. તેમાં તો કદી નિષ્ફળ ન જતા રામના બાણની જ વાત હતી, પણ પછી નિષ્ફળ ન જતી અપચાની એક દવા તરીકે રામબાણ શબ્દ વપરાતો લાગ્યો, પછી તો કોઈ પણ સચોટ ઉપાય માટે – ‘રામબાણ’ – શબ્દ વપરાય છે. જેમ કે, રામબાણ ઉપાય કે ઇલાજ.

રામ શબ્દ સાથે વાલ્મીકિ, ભવભૂતિ કે તુલસીદાસને પણ આઘાત થાય એવા અર્થ થતા રહ્યા છે. રામાયણ જ શબ્દ લો ને! ગામડામાં તો સાંભળતો આવ્યો છું. ક્યારની રામાયણ માંડી છે – પાર જ નથી આવતો. નાની વાતનું મોટું પિંજણ એટલે રામાયણ. ‘રોજની રામાયણ’ કહેવત તો પ્રચલિત છે, તે કોઈ સારા અર્થમાં તો નથી. રામ શબ્દના પ્રયોગવાળાં રૂઢપ્રયોગો ને કહેવતો તો ભાગ્યે જ રામની પ્રતિષ્ઠા વધારતાં હોય.

‘રામ નામની આપવી’ એટલે કોઈને મરણતોલ માર મારવો. અહીં રામે શો અપરાધ કર્યો હશે? થોડાંક બીજાં એવાં ઉદાહરણ જોઈશું. ‘રામ નામ જપો’ એટલે છાનામાના બેસી રહો. ‘રામ કરો’ એટલે એ વાત જવા દો, હવે કંઈ વળવાનું નથી. પણ ‘રામ રમી ગયા’ એમ કહીએ એટલે તો મરણ-શરણ થઈ જવાની વાત. રામની સાથે મરણવિષયક અનેક ભાવ છે. છેલ્લી ઘડીઓમાં એમનું જ સ્મરણ ઈષ્ટ હશે એટલે મૃત્યુ જેવો અશુભ શબ્દ ન બોલતાં – રામ બોલવા કહીએ છીએ. એના રામ બોલી ગયા કે એ રામશરણ થયો. એવી જ રીતે, ‘રામ બોલો ભાઈ રામ’. એટલે ઠાઠડીને પણ ઘણે સ્થળે ‘રામડોળી’ કહે છે. કાશીના મણિકર્ણિકા ઘાટ તરફ જાઓ તો ચારેકોરથી રામડોળીઓ આવતી હોય અને ‘રામ બોલો રામ’ શબ્દો સંભળાતા હોય.

સદીઓથી રામકથા જનજીવનમાં એવી એકરૂપ છે કે આદિવાસી હોય, ગ્રામવાસી હોય કે નગરવાસી એ નામ સાથે ઘરોબો બંધાઈ ગયો છે. એટલે તો લોકગીતોના રામ સોના ગેડી ને રૂપલા દડૂલો લઈ રમવા નીસરે ત્યારે સોનાનું બેડું અને રૂપલા ઈંઢોણી લઈ સીતાજી પાણીએ સંચરે અને પૂછે.

કુણ છો રે, કુણ છો રે, કુણ રાયના બેટા રે?
કઈ રે નગરીના ગરાસિયા?
કુણ તમારું નામ રે, કુણ તમારું નામ રે?
પરણ્યા કે બાળ કુંવારડા?

લોકકવિને જનકરાજાના ધનુષભંગની જરૂર જ નહિ પડી. રામે કહ્યું કે, અમે બાળ કુંવારડા છીએ, તોય સીતાજીએ પણ રામના જવાબમાં કહ્યું કે, ‘હજુ અમેય બાળકુંવરડાં’. આ રામ બની ગયા છે, ‘રામૈયા રામ! ’

રામ લખમણ બે બંધવડા રામૈયા રામ…

બે ભાઈ વનમાં જાય છે, રામને તરસ લાગે છે, લક્ષ્મણ ઝાડે ચઢી જુએ છે: છે ક્યાંય પાણી? વગડા વચ્ચે એક તળાવડી છે અને ત્યાં કોઈ બાળ કુંવારી પાણી ભરે છે. પહેલાં પાણી પીએ છે અને પછી ઘર પૂછે છે :

પરણી છો કે બાળકુંવાર રે રામૈયા રામ?

સીધી જ ‘પ્રપોઝલ’. પછી તો મકરોળનાં મીંઢળ અને ધરોની વરમાળા.

આ રામ ને સીતા વાદે વદે. આ રામ લવિંગની લાકડીથી સીતાને મારે, અને ફૂલના દડાથી સીતા વેર વાળે!

આપણી કેટલા નિકટ? આ હાથ લંબાવીએ કે… પણ કવિ તુલસીદાસે રામને મર્યાદા પુરુષોત્તમ પરબ્રહ્મ બનાવ્યા. એ મધ્યકાળમાં જેની ભક્તિ થઈ શકે એવા રામની જરૂર ઊભી થઈ હતી. પણ આદિ રામ, વાલ્મીકિના રામ તો મનુષ્ય છે. ખરેખર તો આદિ કવિએ પોતાને અનુષ્ટુપ છંદ મળ્યા પછી જે કાવ્ય એ છંદમાં રચવાનું ધાર્યું તે કોઈ દેવી-દેવતા વિશે નહિ, પણ મનુષ્ય વિશે. એ મનુષ્ય તે ઈક્ષ્વાકુવંશમાં જન્મેલા રામ. આ રામ પણ પ્રેમ કરે છે, રડે છે, ક્રોધ કરે છે, સાંત્વના આપે છે. મનુષ્ય, કહો કે મનુષ્યોમાં ઉત્તમ. મનુષ્ય કેટલાં દુઃખો સહી શકે તેની પારાશીશી જાણે આ રામ ન હોય!

વાલ્મીકિ અને ભવભૂતિએ રામનું જે માનવ્યરૂપ આલેખ્યું છે તે હૃદયસ્પર્શી છે. રામના જીવનનું જે સત્ય છે તે આર્ષદૃષ્ટા કવિ વાલ્મીકિનું સત્ય છે. એ કદી મિથ્યા હોતું નથી. ‘રામ’ શબ્દ અત્યંત રમણીય છે, ‘ચાર્મિંગ’ છે, સ્પૃહણીય છે. રામ શબ્દ સાથે આદિ કવિએ ‘શ્રી’ શબ્દ જોડ્યો નથી, કવિ ભવભૂતિએ જોડ્યો નથી. લોકકવિએ જોડ્યો નથી ‘શ્રી’ શબ્દ રામ આગળ. તુલસીદાસે પણ પ્રાયઃ ‘શ્રી’ વિના ચલાવ્યું છે. રામ શબ્દ સ્વયં મહત્તર છે. એ શબ્દ આગળ ‘શ્રી’ લગાડવાની જરૂર જ ક્યાં છે? આદરવાચક ‘શ્રી’ લગાડીને એ અંતર્યામીને દૂરસુદૂરના કરવાની જરૂર નથી એટલા એ નિકટના છે. રામમાં ‘શ્રી’ સમાવિષ્ટ છે જ. જેને આટલી પણ સમજ ન હોય તેને દૂરથી જ રામ રામ કરવા સારા.

[૨૧-૫-‘૯૫]

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.