ગીધ-શિયાળ અને આપણે

અદ્‌ભૂત આંધાર એક ઍસેછે એ પૃથિવીતે આજ,
જારા અન્ધ, સબ ચેયે બેછિ આજ ચોખે દૅખે તારા;
જાદેર હૃદયે કૉનો પ્રેમ નેઈ – પ્રીતિ નેઈ – કરુણાર આલોડન નેઈ
પૃથિવી અચલ આજ તાદેર સુપરામર્શ છાડા.
જાદેર ગભીર આસ્થા આછે આજો માનુષેર પ્રતિ
ઍખનો જાદેર કાછે સ્વાભાવિક બ’લે મને હય
મહત્ સત્ય વા રીતિ, કિંવા શિલ્પ અથવા સાધના
શકુન ઓ શેયાલેર ખાદ્ય આજ તાદેર હૃદય

                                  – જીવનાનંદ દાસ

“એક અદ્‌ભૂત અંધાર આજે આ ધરતી પર ઊતરી આવ્યો છે.

જેઓ સૌથી વધારે આંધળા છે, તેઓ આજે આંખથી જોતા થઈ ગયા છે.

જેમના હૃદયમાં છાંટોય પ્રેમ નથી, પ્રીતિ નથી, કરુણા નથી એવા લોકો આજે સલાહ, માર્ગદર્શન આપવા બેસી ગયા છે અને એવું લાગે છે કે જાણે તેમની સલાહ વિના જગતને ચાલવાનું નથી.

જ્યારે, બીજી બાજુએ જેમના મનમાં આજે પણ મનુષ્ય પ્રત્યે ઊંડી આસ્થા છે, સત્ય, કલા કે સાધના જેમને માટે જીવનમાં સહજ ભાવે રહેલાં છે, તેમનાં હૃદય આજ ગીધ અને શિયાળનાં ખાદ્ય બની ગયાં છે.”

બંગાળી કવિ જીવનાનંદ દાસની આ સાદી પણ વેધક પંક્તિઓમાં કશી શોભા કે અલંકાર નથી અને છતાં ચિત્ત સોંસરી ઊતરી જાય છે. આપણા યુગનું – કંઈ નહિ તોયે આજકાલ જે આપણી સમક્ષ ભજવાઈ રહ્યું છે તેનું – આ કવિકથન છે. કવિની આ પંક્તિ ઘણી વાર મનોમન બોલું છું. એક અદ્‌ભૂત અંધારું આજે આ ધરતી પર ઊતરી આવ્યું છે; ‘અદ્‌ભૂત આઁધાર એક એસેછે એ પૃથિવીતે આજ…’

પણ શું આવો અંધકાર આજે જ આ ધરતી પર ઊતરી આવ્યો છે? આપણા સમયના કવિએ ગીધ અને શિયાળાની જે વાત કરી છે, તે તો મહાભારતમાં વેદવ્યાસ જુદી રીતે કહી ગયા છે. શાંતિપર્વમાં શરશય્યા પર સૂતેલા ભીષ્મની પાસે વિષાદગ્રસ્ત રાજા યુધિષ્ઠિર સાન્ત્વના અર્થે ગયા છે. વેદવ્યાસે ભીષ્મને મુખે અનેક-અનેક વાતો કહેવડાવી છે. તેમાં એક છે ‘ગૃધ્રજમ્બૂક સંવાદ’ – ગીધ-શિયાળનો સંવાદ.

એક કિશોરનું મૃત્યુ થતાં સગાંવહાલાં રોતાં રોતાં એને સ્મશાનભૂમિમાં લઈ ગયાં. ત્યાં એમના રુદનનો અવાજ સાંભળીને એક ગીધ આવ્યું ને કહેવા લાગ્યું : ‘તમે લોકો આ સ્મશાનભૂમિમાં વિલંબ કર્યા વિના હવે તમારે ઘેર પાછાં ફરો. સંસારમાં સુખદુઃખ તો હોય અને સંસારી જીવોને પુત્રપત્નીનો વિયોગ પણ સહન કરવો પડે. પ્રિય હોય કે અપ્રિય પણ એકવાર પંચત્વ પામ્યા પછી કોઈ જીવ પાછો ફરતો નથી. મર્ત્યલોકમાં જે જન્મે છે તેને મરવું પડે છે, અને હવે સૂર્ય આથમવામાં છે, તો તમે તમારે ઘેર જાઓ.’

ગીધની વાત સાંભળી સૌ સ્વજનો રોતાં રોતાં જેવાં ઘેર જવા તૈયાર થયાં કે ત્યાં કાગડા જેવા કાળા રંગનું શિયાળ આવ્યું અને એમને કહેવા લાગ્યું : ‘તમે સૌ દયાહીન અને મૂઢ છો. જુઓ, હજી તો સૂર્ય પણ આથમ્યો નથી. તમે હજુ પણ તમારા મૃત શિશુને પ્રેમ કરી લો. બીશો નહીં. ક્ષણમાં કશોક ચમત્કાર પણ થાય અને આ બાળક ફરીથી જીવતું થાય એમ પણ બને. તમે લોકો કેવા છો? જેની કાલી કાલી વાણી તમને પ્રસન્ન કરતી એવા આ બાળક માટે તમને પ્રેમ નથી? પશુપક્ષીઓમાં પણ પોતાના બાળક માટે કેટલોબધો પ્રેમ હોય છે. મનુષ્યોમાં એટલો પણ સ્નેહ હોતો નથી શું? તમે હમણાં ના જશો.’

શિયાળની આ વાત સાંભળી મૃત બાળકના સ્વજનો રોકાઈ ગયાં. એટલે પાછું ગીધ કહેવા લાગ્યું : ‘અરેરે! કેવું આશ્ચર્ય છે? તમે આ અલ્પબુદ્ધિ ક્રૂર શિયાળની વાત સાંભળી ઘેર જતાં જતાં થંભી ગયાં? તમે લોકો આ મરેલા શરીર માટે શોક કરો છો એના કરતાં તો તમે ઘેર જઈ થોડુંઘણું તપ કરો. વિલાપ કરવાથી શું મળવાનું છે? તપ કરવાથી પાપમાંથી મુક્ત થશો. શોક છોડો અને ઘેર જાઓ. શોક કરવાથી લાભ ખરો? મરેલા માટે શોક શા માટે કરો છો?’

એટલે પાછાં સ્વજનો ઘેર જવા તૈયાર થયાં. ત્યાં શિયાળ બોલ્યું : ‘કેવું આશ્ચર્ય છે? તમે તમારા બાળક માટે રડો છો ત્યારે આ અલ્પબુદ્ધિ ગીધ તમારા સ્નેહસંબંધને શિથિલ કરે છે. તમારો સ્નેહ જોઈને મારી આંખમાં પણ આંસુ આવી જાય છે. તમે લોકો ઘેર જશો નહિ. સૂરજ આથમે પછી, કાં તો એને ઘેર લઈ જાઓ, અથવા અહીં સ્મશાનમાં એની રક્ષા કરો.’

એટલે લોકો પાછા રોકાવા તૈયાર થયા. ત્યાં ગીધ બોલ્યું : ‘અરે મનુષ્ય લોકો, મને હજાર વર્ષ થયાં, પણ કોઈ મરેલું ફરી જીવતું થયેલું મેં જોયું નથી. અહીંથી સૌ પોતાનાં પ્રિયજનને છોડીને ઘેર પાછાં જાય છે, એટલે આ મૃત શરીરને છોડીને તમે પણ જતાં રહો. મારાં આ વચન નિષ્ઠુર નથી. મોક્ષ-ધર્મથી ભરેલાં છે.’

એટલે લોકો જવા માંડ્યા. ત્યાં પાછું શિયાળ બોલ્યું : ‘અરે મનુષ્ય લોકો, તમે ગીધની વાત સાંભળી પ્રિય પુત્રને કેમ ત્યજી દો છો? એવા દાખલા છે, જેમાં મરેલાં પણ જીવતાં થયાં હોય.’

શિયાળની વાણી સાંભળી સ્વજનો રોકાઈ ગયાં અને પુત્રના મૃતદેહને ખોળામાં લઈ વિલાપ કરવા લાગ્યા. ત્યાં ગીધે કહ્યું : ‘તમારો દીકરો તો મરણશરણ થઈ ગયો છે. એ ફરીથી જીવતો થવાનો નથી. હું, આ શિયાળ, તમે સૌ લોકો આપણે એ માર્ગે જ જવાનું છે. તમે લોકો સત્ય, ધર્મ, શુભ, ન્યાય, દયા આદિનું અનુસરણ કરો, નહિતર ધર્મની હાનિ થશે. બાકી આ રુદનનો શો અર્થ છે?’

એટલે પાછા સ્વજનો પેલા કિશોરના મૃતદેહને ધરતી પર મૂકી ઘેર જવા તૈયાર થયા. ત્યાં શિયાળ બોલ્યું : ‘અરે, અરે, ધિક્કાર છે તમને સૌને, ખરેખર આ સંસાર અત્યંત દારુણ છે. આ તમારું આચરણ જોઈને મને તો આ મર્ત્યલોકમાં એક ક્ષણ માટે પણ જીવવાની ઇચ્છા રહી નથી. આ ગીધનાં વચન સાંભળીને હે મૂઢ લોકો તમે આવા રૂપાળા શિશુને ધરતી પર ત્યજી ક્યાં જાઓ છો?’

શિયાળનાં ધર્મવિરોધી મિથ્યાવચનો સાંભળી લોકો ત્યાં સ્મશાનમાં રહેવા તૈયાર થયા. ત્યાં ગીધ બોલ્યું : ‘અરે, આ સ્મશાન તો ભૂતપ્રેતોથી ભરેલું છે. સૂરજ આથમે તે પહેલાં તમે ઘેર જઈ પ્રેતકર્મ કરી લો. શિયાળની વાત માનશો નહિ. આ મડદાને લાકડાની જેમ છોડી ઘેર જાઓ.’

એટલે શિયાળ બોલ્યો : ‘સૂરજ આથમે નહિ, ત્યાં સુધી તમે સૌ અહીં રહો. બીવાની જરૂર નથી. માંસભક્ષી ગીધની વાત માનશો નહિ.’

પછી ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહે છે કે, આ ગીધ અને શિયાળ પોતાના સ્વાર્થ માટે ભૂખથી વિહ્‌વળ બનીને શાસ્ત્રનો આધાર લઈને વાત કરતાં હતાં. એક કહે છે કે, સૂર્ય આથમી ગયો છે. બીજું કહે છે કે, સૂર્ય આથમ્યો નથી. લોકો ગીધ અને શિયાળની ‘અમૃત જેવી વાણી’ સાંભળી ઘડીમાં ઘેર જવા તો ઘડીમાં સ્મશાનમાં રહેવા તૈયાર થાય છે.

ભીષ્મની વાત તો આગળ ચાલે છે, (જેમાં મૃતશિશુ સજીવન થાય છે) પણ આપણા પૂરતી એટલી વાત અહીં પૂરી થાય છે. ગીધને એમ છે કે, સૂરજ આથમ્યા પહેલાં આ લોકો સ્મશાનમાંથી જતા રહે, તો પેલા મૃતદેહનું પોતે ભક્ષણ કરી લે. શિયાળને એમ છે કે, કોઈ પણ રીતે સૂરજ આથમ્યા સુધી આ લોકો સ્મશાનમાં રહે, તો પછી અંધારું થતાં ગીધ ફાવશે નહિ અને પોતે પેલા મૃતદેહનું ભક્ષણ કરી લેશે. ગીધ અને શિયાળ બન્ને ધર્મને, મૂલ્યોને આગળ કરી શાસ્ત્રવચનો ટાંકી ટાંકીને વાત કરે છે, પણ બન્નેનું લક્ષ્ય એક જ છે : મૃતશિશુનું ભક્ષણ.

આનાથી મોટી શાસ્ત્રવચનોની, ધર્મની, મૂલ્યની વિડંબના શી હોઈ શકે? વ્યાસની આ કથામાં આપણે ક્યાં છીએ? આપણે સામાન્ય મનુષ્યો! આપણે, શું પેલા મૃત કિશોરનાં સ્વજનો છીએ? જે ધર્માનુમોદિત મિથ્યા પ્રપંચક વચનોથી આમથી તેમ ફંગોળાઈએ છીએ અને જેમના મૃતશિશુને ગીધ અને શિયાળ ટાંપીને ખાવા બેઠાં છે? કે પછી આપણે સ્વયં મૃતશિશુ છીએ? કે પછી આપણે કથા સાંભળતા યુધિષ્ઠિર છીએ? અને સાન્ત્વના લેવાનાં નિમિત્તો શોધીએ છીએ!

કોણ કહે છે કે, મહાભારત પ્રાચીન-પુરાણ ગ્રંથ છે? ગીધ શિયાળનો સંવાદ આજે ચાલે છે, બલકે વધારે ચતુરાઈથી ચાલે છે. મહાભારતકારે એક દૃષ્ટાની નજરે આ બધું જોઈ લીધું છે. એ મહાભારતકાર વ્યાસની સાથે એટલે તો આજના કવિની વાણી પણ રેણાઈ જાય છે : ‘એક અદ્‌ભૂત અંધારું આજે આ ધરતી પર ઊતરી આવ્યું છે…’

[૧-૫-’૮૬]

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.