ચકલા-ચકલીની નવી વારતા

એક હતો ચકલો ને એક હતી ચકલી‌–.

એ બાળવાર્તા પેઢી દર પેઢી બાળકોને કહેવાતી રહી છે. આ વાત આપણી ચેતનામાં એવી વણાઈ ગઈ છે કે કોઈ પણ જણ એનું પહેલું વાક્ય બોલે ત્યાં તરત જ મૌન કે મુખરિત રીતે એનો પ્રતિઘોષ થાય.

ચકલી લાવી ચોખાનો દાણો, ચકલો લાવ્યો દાળનો દાણો. બંનેએ સાથે મળી ખીચડી પકાવી…

ચકલા-ચકલીની આ બાળવાર્તામાં આપણે આપણા માનવ સમાજનું આરોપણ કર્યું છે. જાણે એમના સમાજમાં આપણા સમાજની પેટર્ન ન હોય!

હમણાં એક મિત્રે ચકલા-ચકલીની એ વાર્તાને એકદમ જુદી રીતે કહી છે. કદાચ એ મિત્રની વાર્તા અહીં કહેવાની બની હોત કે નહીં તે ખબર નથી, પણ હમણાં મારા વાંચવાના ખંડમાં ચકલા-ચકલીના ગૃહસંસારની એક કરુણ ઘટનાએ મને લગભગ બે-ત્રણ દિવસથી વ્યગ્ર કરી દીધો છે. એ વ્યગ્રતામાંથી બહાર નીકળવા પેલી વાત કહેવાનું મારે માટે આવશ્યક બની ગયું છે.

આપણાં ઘરોમાં ચકલી કે કબૂતરના માળાની નવાઈ નથી હોતી. પણ ચકલા-ચકલી જે રીતે, જે કળાથી, જે માવજતથી માળો બાંધે છે, કબૂતરને એમાંનું કંઈ ના આવડે. ઘરોમાં ચકલા-ચકલીનો પ્રવેશ બાધક નથી લાગતો, જેટલો, માળો બાંધી ઈંડાં મૂકવા ઈચ્છતાં કબૂતર કબૂતરીનો.

દર વર્ષે મારા વાંચવાના ખંડમાં ચકલા-ચકલીનો માળો બંધાય, હું બંધાવા દઉં. આમ તો ન્યુસંસ લાગે, પણ એમની એ પ્રવૃત્તિ જોવાની ગમે. પહેલાં તો ચોપડીઓ ગોઠવી હોય ત્યાં બધે ફરી ફરીને એ દંપતી સર્વે કરે? ક્યાં સુરક્ષિત જગ્યા જેવું છે? જગ્યા નક્કી થતી હોય ત્યારે બીજા ચકલાદંપતી વચ્ચે સ્પર્ધા પણ થાય અને ચીંચીંચીંના કોલાહલથી બાઝંબાઝી સુધી પહોંચે, પણ પછી કોઈ એક દંપતી માળો બાંધવામાં લાગી જાય.

આ વખતે ચકલા-ચકલીએ માળો બાંધવા ઘોડામાં બે હરોળમાં ગોઠવેલાં પુસ્તકોની પાછલી હરોળ પસંદ કરી. પાછલી હરોળમાં નાની ક્રાઉન સાઈઝની ચોપડીઓ હોવાથી એક પોલાણ રચાયું હતું. આગળ મોટી સાઈઝની ચોપડીઓથી સુરક્ષાનું કવચ આપમેળે રચાતું હતું. એ ચોપડીઓ જરા આડી હતી એટલે જવા આવવાનું પણ સુગમ હતું. મેં જોયું કે પેલી નાની સાઈઝની ચોપડીઓ તો ગુરુદેવ ટાગોરના ગુજરાતી અનુવાદોની હતી. એની જરૂર ગમે ત્યારે પડે, સુરક્ષા કવચ રચતી ચોપડીઓની પણ જરૂર પડે એમ હતું. પણ નક્કી કર્યું કે, હવે એ માળો રચવાની પ્રક્રિયાને ડિસ્ટર્બ નહીં કરું.

ક્યારેક એ પછીના ખાનામાંથી પણ ચોપડી લેવા જાઉં તો ચકલા-ચકલી ક્યાંક આજુબાજુ બેસી ચીંચીંચીં કરતાં નિરૂપાયે જોતાં હોય કે આમ તેમ ઊડાઊડ કરતાં હોય. કદાચ આ માણસ માળાને તો ફેંકી નહીં દે? પણ હું ઉપરના ખાનાને હલાવતો પણ નહીં. માળો રચાતો ગયો.

ક્યારે ઈંડાં મુકાયાં તે ખબર પડી નહીં, પણ ચાંચમાં તણખલાં પીંછાં કે રૂ લાવવાનું બંધ થયું, ત્યારે લાગ્યું કે માળામાં હવે ઈંડાં મુકાઈ ગયાં હશે. ચકલા-ચકલીની – બહારથી ઘરમાં ને ઘરથી બહાર – હજારો વાર યાતાયાત થતી હશે.

ઘરમાં નાના મૌલિકને માળામાં ઈંડાં જોવાં હતાં, તે એને ઊંચો કરી ડોકિયું કરતાં દેખાયાં નહીં. ઈડાં જોવાનું અમારું એ દૃશ્ય ચીંચીંચીં કરતું દંપતી વિરોધ સાથે જોતું રહ્યું હતું.

પછી, ચકલા-ચકલીની ચાંચમાં ખાદ્ય આવવા લાગ્યું. ઘરમાંથી જ ભાતના કણ વગેરે. માળામાંથી નાનાં ઝાંઝરની ઘૂઘરી જેવો મૃદુ અવાજ ગુંજવા લાગ્યો હતો. મૌલિકને નાનાં બચ્ચાં જોવાની ઇચ્છા થઈ.

માયાએ ટેબલ પર ચઢી એને ઊંચકી ડોકિયું કરાવ્યું, પણ બચ્ચાં દેખાયાં નહીં. માળો વધારે અંદરની બાજુ હતો.

પણ ગુરુદેવની ચોપડીઓની સન્નિકટ બચ્ચાંનો કલરવ હું સાંભળું અને ન સમજાય એવો આહ્‌લાદ થાય. પોતાની ચોપડીઓ પર માળો બંધાયેલો જોઈ ગુરુદેવે તો કવિતા પણ રચી દીધી હોત. પછી એવામાં એક દિવસ નાના મૌલિકને એક અત્યંત માઈનર સર્જીકલ ઑપરેશન કરાવવું પડ્યું. ઘેર લાવ્યા પછી તે દવા પીવે નહીં, પાણી પીવે નહીં ને રડ્યા કરે. જાતજાતના મનોરંજનના સાધનો હાજર કર્યો. એને ખાવી ગમતી ‘પોલો’ ગોળીઓ, ચોકલેટો કે પીવી ગમતી થમ્સઅપ, કંઈ કહેતાં કંઈ ગમે નહીં. આંખમાંથી આંસુ વહેતાં રહે. બળપૂર્વક દવા પિવડાવતાં ચિત્કાર કરે. પછી માંડ શાંત થાય.

હું લખવાના ટેબલ આગળ બેઠો હતો. કંઈક વાંચતો હતો. ત્યાં એકાએક ઊડતું આવી ચકલીનું બચ્ચું બાજુની ચોપડી પર બેસી ગયું. નાનું નમણું નાજુક બચ્યું – ચાંચ ખોલે તો લાલ. થોડું થોડું ઊડે. મેં મૌલિકને એ નાનું બચ્ચું જોવા બૂમ પાડી. માયા એને લઈ આવી. એ બચ્ચાને એ જોઈ રહ્યો. બીજે વખતે તો દોડીને પોતાની નાજુક હથેળીમાં લીધું જ હોત.

પછી બચ્ચું ત્યાંથી જરા ઊડ્યું. બાજુમાં બેઠું. હજુ પાંખોમાં જોર નહોતું. ઊડે ને વળી બેસી જાય. કદાચ ચકલા-ચકલી એના ઊડવાના પ્રયત્નોને દૂરથી જોતાં હશે, પ્રોત્સાહિત કરતાં હશે. હું મારા કામમાં પડી ગયો. ચકલા-ચકલીની માળામાં અવર-જવર ચાલુ હતી. બીજાં બચ્ચાં પણ હશે.

ત્યાં બપોર પછી મેં શું જોયું? બાથરૂમમાં પાણી ભરેલા એક ટબમાં પેલું બચ્ચું! એકદમ દોડ્યો, પાણી પરથી એને ઊંચકી લીધું પણ એ એકદમ નિર્જીવ. ક્યારે પડ્યું હશે? એને બહાર કાઢી છાપું પાથરી એની ઉપર મૂક્યું. પણ હલે કે ચલે. રુવાંટી ચોંટી ગયેલા ભીના શરીરે એકદમ દુર્બળ લાગતું હતું. મેં જોયું કે મરી ગયું છે. થોડા કલાક પહેલાં તો એના નવજીવનનો આરંભ થયો છે, હજુ તો માળામાંથી પહેલી વાર બહાર નીકળ્યું છે, હજુ તો એને આખું આકાશ ઊડવાનું બાકી છે. ત્યાં…

હું વ્યગ્ર બની ગયો. બાથરૂમનું બારણું ઉઘાડું કેવી રીતે રહી ગયું હશે. આ બચ્ચું કેવી રીતે ત્યાં પેસી ગયું હશે અને ઊડતાં થાકી જતાં

ટબના પાણીમાં પડ્યું હશે? મારો જ અપરાધ. એ ટબ ભરેલું શા માટે રાખ્યું હતું? બચ્ચાંને મેં બહાર બાલ્કનીના ઓટલામાં ઓઠામાં છાંયે રાખ્યું.

પણ ચકલા-ચકલી તો આમતેમ એને શોધતાં લાગ્યાં. કદાચ એમના અવાજમાં એને બોલાવતાં હતાં. પેલું ઓઠામાં પડેલું મૃત બચ્યું એમને દેખાય નહીં, તે સારું હતું એમ મને લાગ્યું. એ ભલે માનતાં કે, તે ઊડી ગયું હશે – જરા દૂર, પણ મેં જોયું કે, એમનું મન માનતું નહોતું. એ પાછાં માળામાં જતાં, ઘરમાં બધે, બહાર ઊડ્યા કરતાં.

માળો હવે છોડી દીધો છે, પણ આજે જોયું કે, સવારે ચકલો ચકલી આવી માળા ભણી જઈ આવ્યાં. એમને કદાચ હશે કે બચ્ચું પાછું માળામાં આવ્યું હશે. દરમિયાન મેં બચ્ચાના મૃતદેહને કીડીઓ ન ચઢે કે કાગડો ન લઈ જાય એમ હટાવી દીધો હતો. ભારે મનથી. હવે માળો ખાલી છે. બીજાં બચ્ચાં પણ ઊડી ગયાં હશે.

પણ મારા મનમાં એક વ્યગ્રતા છે, અને એને ઓછી કરવા મિત્ર પવનકુમાર જૈનની ચકલા-ચકલીની નવી રીતે કહેવાયેલી વાત કરું છું. એ વાત માર્મિક છે અને માણસજાતને શિખામણ દેવા કહેવાઈ છે. એટલે વાત કહેવાની રીત પ્રમાણે છેવટે બોધ પણ તારવ્યો છે. વાત જરા ટુંકાવીને લખું છું :

“એક ચકલી હતી. એ જુવાન હતી, પરંતુ એ કૉલેજમાં નહોતી જતી. મેકઅપ નહોતી કરતી. લેઈટેસ્ટ ફેશનનાં કપડાં પહેરી ફૂલ ફટાક થઈ નહોતી ફરતી. ચકલીઓને ભણવાની જરૂર નથી લાગતી…

એ ચકલીના ઘરથી થોડે દૂર એક ચકલો રહેતો હતો. એય યુવાન હતો. એ કોઈ નોકરીધંધો નહોતો કરતો. એને દારૂ સિગરેટનાં વ્યસન ન હતાં, કે નહોતી જુગારની લત…”

એક દિવસ જુવાન ચકલી જુવાન ચકલાના પ્રેમમાં પડી. એથી ચકલીની મા હાંફળી-ફાંફળી થઈ નહીં. એના બાપે ચકલીને ઊંચ-નીચ સમજાવ્યું નહીં. ચકલાના બાપે ચકલીના બાપ સામે દહેજની આકરી શરતો ન મૂકી. ‘યહ શાદી હરગીજ નહીં હો સકતી’ એવું ય કોઈ બોલ્યું નહીં. ચકલા-સમાજના રીતરિવાજો જુદા હોય છે. ચકલા-ચકલીનો પ્રેમ આગળ વધતો ગયો. ચકલી ગાભણી થઈ. એથી ચકલા સમાજમાં કોઈ હોબાળો ન મચ્યો. ડૉક્ટર વૈદના કહ્યા વિના ચકલો-ચકલી સમજી ગયાં કે એમને ત્યાં ચકુડા-ચકુડી આવવાનાં હતાં. એ મંડી પડ્યાં : ઘાસનાં તણખલાં, કાથી-સૂતળીના તાંતણા, રૂનાં પૂમડાં, નાનાં નાજુક પીંછાં, ઝાડની કૂણી પાંદડીઓ અને એવી ભાતભાતની વસ્તુઓ વડે માળો બાંધવા. એ માટે કોઈની પરવાનગી લેવાની એમને જરૂર નહોતી. બધાં ચકલાં પોતાના માળા જાતે બાંધે છે.

માળો બંધાઈ રહેતાં ચકલીએ તેમાં ઈંડાં મૂક્યાં. તન મનની હૂંફથી એ ઈંડાં સેવવા માંડી. એ જ એનું મેટર્નિટી હોમ ને એ જ એનું ઘર. ઈંડાં સેવાતાં એમાંથી બચ્ચાં બહાર આવ્યાં. ચકલો-ચકલી ચણ લાવી એમને ખવડાવવા માંડ્યાં.

એકાદ અધીરું બચ્ચું માળામાંથી નીચે ભમ્ થઈ ગયું. ચકલાંએ ચીંચીં કરી, રડારોળ કરી, પછી ભૂલી ગયાં. વખત જતાં બીજાં બચ્ચાંએ આંખો ઉઘાડી, એમને પીંછાં આવ્યાં. ડિલ ભરાવા લાગ્યું. પાંખો વિકસી.

ચકલા-ચકલીએ પાસે બેસી ધીરજથી એમને કલાકોના કલાકો સુધી પાંખો ફફડાવતાં શીખવ્યું. બચ્ચાંની પાંખો મજબૂત થઈ. એકએક કરતાં બધાં જીવનમાં પહેલી વાર જરા જેટલું ઊડ્યાં. પાછાં આવી માળામાં ભરાયાં. ધીમેધીમે દૂર સુધી ઊડવા લાગ્યાં. એકાદ બચ્ચા ઉપર કાગડાએ તરાપ મારી, ચકલાએ ચીંચીં કરી વલોપાત કર્યો. ચાંચો ઘસી, ડોક ફુલાવી, કાગડા સામે ધસી ગયાં, કંઈ ન વળ્યું.

બચી ગયાં તે બચ્ચાં મોટાં થયાં. જુવાન થયાં. પ્રેમમાં પડ્યાં. એમણે પોતાના માળા બાંધ્યા… ને ઈંડાં મૂક્યાં. ચકલા સમાજમાં આવું જ ચાલતું રહે છે.

બોધ : ચકલી લાવી ચોખાનો દાણો, ચકલો લાવ્યો દાળનો દાણો. એમણે બનાવી ખીચડી… એ આખી વાત તદ્દન ખોટી છે. ચકલી પોતાનો દાણો ખાય છે, ચકલો પોતાનો. એ દાણાનું વધુ કંઈ કરવાની એમને જરૂર હોતી જ નથી.”

પવનકુમારે કહેલી ચકલા-ચકલીની નવી વાર્તા અહીં કહી છે. લેખક લખે તો છે બાળવાર્તાની લઢણમાં, પણ વાર્તા તો આપણે સૌ સમજણાં માણસો માટે છે. એમણે બહુ ખૂબીપૂર્વક માણસસમાજ – પોતે વિકસાવેલી સામાજિકતા કે સભ્યતા પર ગર્વ કરનાર માણસસમાજ – પર વ્યંગ્ય કર્યો છે. જીવનમાં સહજ ક્રમે બને તેને માણસસમાજ સહજ રૂપે લેતો નથી, જ્યારે ચકલાસમાજ એને સહજ રીતે સ્વીકારે છે. ઉત્ક્રાંતિના અગ્રિમ તબક્કે ઊભેલા માણસસમાજે ચકલાસમાજ પાસેથી બોધપાઠ લેવા જેવો છે એ ખરેખરનો ‘બોધ’ છે.

પવનકુમારની ચકલાચકલીની વાત મેં મારા મનની સાંત્વના માટે કહી તો ખરી, પણ પહેલા કે બીજા ઉડ્ડયને જ પાંખોની અસીમ સંભાવનાઓ સંકેલી પાણીમાં પડી મરી ગયેલા ચકલીના બચ્ચા વિષેનું દુઃખ જતું નથી.

ચકલાસમાજ જેમ માનવસમાજમાં સહજક્રમે સ્વીકારી લેવાનું ક્યાં બને છે!

[૧૯૯૭]

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.