ભલે શૃંગો ઊંચા

મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌનશિખરો,
ધસે ધારો ઊંચી, તુહિન તહીં ટોચે તગતગે,
શુચિ પ્રજ્ઞાશીળું સ્મિત કુમુદપુંજો સમ ઝગે;
વહી ર્‌હેતો ત્યાંથી ખળળ ચિર શાતા જળ-ઝરો.
ઢળી પીતો શૃંગસ્તનથી તડકો શાન્તિ-અમૃત;
મુખે એને કેવું વિમલ શુભ એ દૂધ સુહતું!
હસે નીલું ઊંડું નભ, હૃદય આશિષ્ વરસતું.
રસી શીતસ્પર્શે દિશ દિશ, ભમે મત્ત મરુત.

ગમે શૃંગો, કિન્તુ જનરવભરી ખીણ મુજ હો!
તળેટીએ વીથી સહજ નિરમી શાલતરુની,
રમે ત્યાં છાયાઓ; ઉટજ ઉટજે સૌમ્ય ગૃહિણી
રચે સન્ધ્યાદીપ; સ્તિમિત-દૃગ ખેલે શિશુકુલો;
સ્ફુરે ખીલે વીલે હૃદય હૃદયે ભાવમુકુલો;—
ભલે શૃંગો ઊંચાં, અવનિતલ વાસો મુજ રહો!

૨૮-૧૦-૧૯૫૩
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૭૪)

 

*

આસ્વાદ:

ભલે શૃંગો ઊંચાં — ઉશનસ્

ભાવનામુકુરિત — સૌંદર્યરસિત કવિબાની — ઉષા ઉપાધ્યાય

License

ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ Copyright © by ઉમાશંકર જોશી; આસ્વાદ: સહુ લેખકોના; કાવ્યસંગીત: સહુ સ્વરકારોના. All Rights Reserved.