જીર્ણ જગત

મને મુર્દાંની વાસ આવે!
સભામાં, સમિતિમાં, ઘણાં પંચમાં, જ્યાં
નવા નિર્માણની વાતો કરે જુનવાણી જડબાં,
એક હા-ની પૂઠે જ્યાં ચલી વણજારમાં હા,
— મળે ક્યાંક જ અરે મર્દાનગીની ના, —
પરંતુ એહને ધુત્કારથી થથરાવવા કરતાં,
વિચરતાં મંદ નિત્યે,
શ્વાસ લેતાં અર્ધસત્યે ને અસત્યે,
જરઠ હો ક્યાંક — ક્યાંક જુવાન ખાસાં,
નિહાળી ભાવીને ખાતાં બગાસાં,
દઈ ભરડો મડાનો સત્યને ગૂંગળાવવા કરતાં
મને નિશદિન બુઝાયેલાં દિલોની વાસ આવે!

મને મુર્દાની બૂ સતાવે!
ભલેને ફૂલથી ઢંકાયલાં રૂપે વિહરતાં,
શબો સમાજના શિખરેથી શિખરે વિચરતાં!
જંગલોમાં કાષ્ઠ તો ખૂટ્યાં નથી,
ખુરશીઓ ઘડાયે જાય છે કૈં અણકથી.
બાગમાં પુષ્પોય ખીલ્યે જાય છે,
ને ડોક શણગારાય છે,
અચેતનની આરતીમાં ચેતના હોમાય છે.

હે રુદ્ર, હે શિવ! સદ્ય ઊઠો
હાથ ડમરુ લઈ જગ આ જીર્ણની ઉપર ત્રુઠો!
જે સડ્યું, મરવા પડ્યું તે સર્વનું ખાતર કરી,
નવા રોપે નવા મોલે કરો ભોમ હરીભરી,
ભૂતના આ મૃત્યુપુંજેથી નવા મર્દો જગાવો.
ચૈતન્યવંતા અટ્ટહાસે જગ હસાવો!

૨૩-૧૦-૧૯૪૮
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૪૨)

License

ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ Copyright © by ઉમાશંકર જોશી; આસ્વાદ: સહુ લેખકોના; કાવ્યસંગીત: સહુ સ્વરકારોના. All Rights Reserved.