૯. કાશીમા

સાંજના પાંચેક વાગ્યે થોડીક રાહત થાય. બપોરે તો સૂરજ બરાબર તપે. ઢાળિયાના એક ખૂણામાં કાથીના ખાટલા પર એક શંતરેજી નાખીને હું વાંચતો હોઉં. ઘણુંખરું કોઈ નવલકથા જ હોય. શાળાના વૅકેશનમાં નવ-દશ નવલકથાઓ બૅગમાં ભરીને ગામડે આવું. એ વર્ષે એસ.એસ.સી. પછીનું વૅકેશન હતું અને મન કોલેજજીવનનાં સ્વપ્નાં જોતું થઈ ગયું હતું. નવલકથાએ ધગધગતી બપોરને સહ્ય બનાવી છે. બાજુના મકાનના ઓટલા પર કાશીમા બેઠાં હોય. એમનું આંગણું અને ઢાળિયાના આંગણા વચ્ચે કોઈ દીવાલ નહીં. જમીને બપોરના બાર-સાડાબારે હું ઢાળિયામાં જાઉં એટલે થોડીવારમાં જ ‘ભાભી’ ઠંડા પાણીનું ઢોચકું ભરીને મૂકી જાય. ‘ભાભી’ તે કાશીમાનાં પુત્રવધૂ. આખા મહોલ્લામાં બધાં એમને ‘ભાભી’ના નામે જ ઓળખે. ‘ભાભી’ની ઉંમર ત્યારે પાંત્રીસેકની હશે. એમને બે સંતાનો – બન્ને દીકરીઓ. નાની બારેક વર્ષની અને મોટી પંદરેકની. રામભાઈ કાશીમાને એકનો એક દીકરો. રામભાઈની ઉંમર નહિ નહિ તો ય પચાસેકની ખરી. એ ભલા ને એમની ખેતી ભલી.

ખરા બપોરે ય ડોશીમા આરામ ન કરે. બેઠાં બેઠાં કાલાં ફોલતાં હોય કે સુથારને ત્યાંથી કરવતી મંગાવીને રૂ પીંજતાં હોય. બેસવાની એમની એક મુકરર જગ્યા. ઓશરીમાં ડાબા હાથે એક નાની ભેડી ઊભી કરેલી. બાળકો એ ભેડી પર ઘોડો કરીને બેસે. ડોશીમાનો મિજાજ ઠેકાણે હોય ત્યાં સુધી તો વાંધો નહિ. બાકી છોકરું ભેડી પર બેઠું હોય તો એને હાથ ઝાલીને ઉઠાડે અને ઘમકાવતા અવાજે બોલે: ‘ભેડીને ભાજી નાખવી ધારી સ? ઊતર હેઠું.’ ભેડી એટલે ડોશીમાને અઢેલીને બેસવાનો તકિયો! છાણમાટીનાં નીચાં ઘર. માટી મંગાવીને ડોશીમાએ ભેડી જાતે જ બનાવેલી. છાણથી લીંપીને એને શોભીતી રાખે. ઓશરીનાં લીંપણમાં ઓકળીઓની ભાત પાડી હોય. ભેડી પાસે બે ચીજો પડી હોય: દાતણનો કૂચો અને છીંકણીની ડબ્બી. કાશીમાં સવાર, બપોર, સાંજ એમ ત્રણ વખત છીંકણી ઘસે. એમના ઘણાખરા દાંત આ ઉંમરે ય અકબંધ હતા. પોતાની જન્મતારીખ કે તિથિ તો ડોશીમાને ક્યાંથી યાદ હોય? પણ પોતે ફલાણો દુકાળ જોયેલો, ફલાણું મંદિર બંધાતું ત્યારે હું પરણીને આવેલી વગેરે વિગતો આપીને પોતાની ઉંમરનો અડસટ્ટો આપવા પ્રયત્ન કરે. લોકો કાશીમાને ‘કાગડો ખાઈને આવેલી’ કહે! આમ તો એમની તંદુરસ્તી ઘણી સારી, પણ છેલ્લાં પાંચેક વર્ષથી શરીર કથળવા માંડેલું. એમના મન પર એક ઓથાર હતો – મારા દીકરાને ઘેર દીકરો નહિ? આમ તો કશું બોલે એવાં નહોતાં; પણ કોઈ કોઈવાર હૈયાવરાળ નીકળી જતી. કોઈકવાર બેઠાં હોય ત્યાંથી એકદમ ઊભાં થઈને મારી પાસે આવે અને કોઈ સાંભળી તો જતું નથી ને, એવા ભાવ સાથે આજુબાજુ જોઈ ધીમેથી કહે: ‘મીં તો નેંનીનું જ કીધું’તું પણ કપાળે લખાયું હશે આ ફડુ ઝોટું.’

શરૂશરૂમાં તો મને આ વાક્યનું કંઈ મોંમાથું જ હાથમાં ન આવે. મહોલ્લાનાં એક ‘કાકી’એ ફોડ પાડેલો – કાશીડોશીને ‘ભાભી’ની નાની બહેન લાવવી હતી. ‘ભાભી’ને એક આંખે ફૂલું જોઈને જ ડોશીમાનો જીવ પાછો પડી ગયો હતો અને નાની હતી ફૂટડી. આ કારણે મોટી બહેન પહેલાં જ નાનીનું નક્કી થઈ ગયેલું. જો કે જાહેરમાં બોલ બોલાયેલાં નહીં. કાશીમાએ ઘણાં વાનાં કરી જોયાં, પણ પરિસ્થિતિમાં કોઈ ફેર નહોતો પડ્યો. ‘ભાભી’ની નાની બહેનને ચાર સંતાનો હતાં – ચારેય છોકરા! આથી કાશીમા માનતાં કે પોતે જે પસંદગી કરી હતી તે જ સાચી હતી! મનમાં પડેલું આ બીજ વર્ષોના જવા સાથે ફૂલતુંફાલતું ગયું અને ‘ભાભી’નો કશો ય વાંક ના હોવા છતાં જાણે એ જ ગુનેગાર હોય એમ ડોશીમા એમની સામે જોતાં હતાં. બિચારાં ‘ભાભી’! એ સાંભળે નહીં તેમ કાશીમા કોઈકની સાથે વાત કરે; પણ વાત સાંભળનારું તો વાત સાંભળીને ‘ભાભી’ની સામે જોયા વિના રહે જ નહિ ને? ‘ભાભી’ને વહેમ ગયેલો કે ડોશી મારી કંઈક વાત કરે છે. છૂપી વાત હોય એટલે પોતાની નિંદાની જ હોય, એવું માની લેવાનો માનવીનો સામાન્ય સ્વભાવ હોય છે. પોતાની સાથેના ડોશીમાના વર્તનમાં ‘ભાભી’એ કોઈક અંતર પણ જોઈ લીધું તો હશે જ. બંને પાસે પાસે બેઠેલાં ભાગ્યે જ જોવા મળે. ‘ભાભી’ ડોશીમાનો પડ્યો બોલ ઝીલે; પણ કામ પત્યું કે તરત રવાના! સાસુ-વહુ વચ્ચેના આ સંબંધોમાં ઘાણ નીકળે બાળકોનો.

‘લ્યો લ્યો કાકડી, ટેટી, કાચી કેરી, રાયણાં…’ની સાંજના પાંચેક વાગ્યે બૂમ સંભળાય.

‘એલી જેઠાની વઉ, લાવ જો જરી કાકડી…’ ડોશીમા સામો સાદ પાડે. ખડકીનું એક બારણું ખોલીને જેઠાની વહુ માથે ટોપલા સાથે પ્રવેશે.

‘ચ્યમ આલી?’ પૂછતાં પૂછતાં તો ડોશીમા એક કાકડી તોડીને ચાલવા માંડ્યાં હોય.

‘સાટે.’

‘વઉ… ઓ… વઉ! પેલી બાજરી લાવજે જરી.’ ડોશીમા શક્ય એટલો મોટો ઘાંટો પાડીને કહે. ‘ભાભી’ ઘરમાંથી નાની સૂપડીમાં બાજરી લઈ આવે. ડોશીમાએ ‘જેઠાની વહુ’ માટે આ બાજરી ખાસ જુદી કાઢી રાખી હોય! ઝીણી બાજરી અને એમાં વધુમાં વધુ ભળી શકે તેટલા કાંકરા!

‘કાશીમા, જરી બાજરી તો સારી આલો.’

‘તારા સમ વઉ, જેવી શેતરેથી આવી એવી જ તને આલુ સુ.’

સમય બગાડવો જેઠાની વહુને પાલવે નહીં, કારણ કે ડોશીમાએ કાકડી પછી કાચી કેરી ઉપાડી હોય! એમના દાંત એકદમ કાળા. દાંતનો આવો રંગ મેં આ પહેલાં કદી જોયેલો નહીં. નવોઢાઓ સાસરે આવે ત્યારે ‘પોથી’ મૂકીને દાંત લાલ કર્યા હોય; પણ કાળા દાંત તો મારી કલ્પનાની બહારની વસ્તુ હતી. કાશીમાએ જ ફોડ પાડેલો કે અમુક ઉંમર પછી દાંત કાળા રંગવાની પ્રથા હતી. વચલા બે દાંત પર સોનાની રેખ. કાચી કેરી ડોશીમા ચાવે ત્યારે મોં પર પૂરેપૂરા જીવનરસ છલકાય. મેં એક વેળા એમને આવી રીતે બોર ખાતાં જોયેલાં. એમના હાથમાંનું અરધું બોર સડેલું હતું.

‘મા, બોર સડેલું છે. કદાચ કીડા હશે.’

‘ચીડાને ચ્યાં હાડકાં હોય?’ – કહીને કાશીમા કરચલીઓથી મઢેલું હાસ્ય હસેલાં! હાસ્યના જાતજાતના રંગ હોય છે. કોઈ લાલ, કોઈ પીળું, કોઈ કાળું; પણ આ હાસ્યને કયા રંગનું કહેવું તે આજ સુધી હું નક્કી કરી શક્યો નથી!

‘વઉ… ઓ… વઉ, નેંની બોઘેણી લાય જો જરી.’ ડોશીમાની જીભની સાથે ‘ભાભી’ના પગ ફરતા.

ડોશીમા બોઘરણી શા માટે મંગાવે છે તે ‘ભાભી’ સમજી જાય. બોઘરણીમાં થોડું પાણી લઈને એ આવે. ડોશીમા ભેડીનો ટેકો લઈ ઊભાં થાય અને વાંકાં વાંકાં ભેંસની ગમાણ સુધી પહોંચે. એમની પાછળ પાછળ ‘ભાભી’એ બોઘરણી લઈને જવાનું. પહેલી વાર આ દૃશ્ય જોયું ત્યારે મને થયેલું કે ડોશીમા ભેંસ દોહવા જતાં હશે; પણ એ તો પહોંચ્યાં પાડી પાસે! પાડી હજુ નાની હતી. ડોશીમા તો ભેંસ દોહતાં હોય તેમ પાડીના નાના નાના આંચળે પાણી છાંટી, ધોઈ, દોહવા બેઠાં!

‘મા, આ શું કરો છો?’

‘ઈંને હેવા પડે.’

‘પણ અત્યારથી શું છે?’

‘મીં સમણામાં ભાળેલું. પાડો ઠેઠ હવાડેથી સૂંગતો સૂંગતો આવેલો.’

પાડી પાટુ ન મારે એટલે એના પાછળના બન્ને પગ દોરડાથી ડોશીમા બાંધી દેતાં.

એક દિવસે ઓશરીમાં મેં ઢોલિયો ઢાળેલો જોયો. ફૂલની ભાતવાળી રંગની ચાદર બિછાવેલી.

‘કોઈ આવવાનું છે?’

‘મનોરદા આયા સ.’

મનોદરા ડોશીમાની એક ભત્રીજીના વર. વડોદરાની કોઈ હોટેલમાં ‘માસ્તર’ની નોકરી કરે. ‘માસ્તર’ એટલે હોટેલમાં બેઠકે બેઠકે ફરી બિલની રકમની ચબરકી ફાડીને ગ્રાહકની પાસે ટેબલ પર મૂકે તે. એનું બીજું કામ તે ગ્રાહકના બેઠક નંબર સાથે વાનગીનું નામ મોટા અવાજે ઉચ્ચારી ‘છોકરા’ઓને સતત દોડતા રાખવાનું; પણ ડોશીમાને મન તો મનોરદા જાણે હોટેલના માલિક! બધાંને કહેતાં હોય: ‘ઈમને તો ગલ્લે બેહવાનું. એમને માથે પંખો ફરુર ફરુર ફરતો હોય.’

મનોરદા આવ્યા અને જોડા કાઢીને ઢોલિયામાં પલાંઠી વાળીને બેઠા. ડોશીમા ઊભાં થઈને વાંકાં વાંકાં ઘરમાં ગયાં, હાથમાં સિગારેટનું એક પીળા રંગનું પૅકેટ અને દીવાસળીની પેટી લઈને આવ્યાં.

‘લ્યો હાથીએ ચડો…’

ડોશીમાના મોં પર ધન્યતાની રેખાઓ ખેંચાઈ ગયેલી. હાથી છાપ સિગારેટ જોઈને મનોરદા રાજી રાજી થઈ ગયા. પછી ચા આવી. પિત્તળનાં પ્યાલો-રકાબી. રકાબી છલોછલ ભરીને મનોરદાને ઘૂંટડા તાણ્યા. એમાં એમની મૂછો ઝબોળાતી જાય!

‘ઝેંણકી… ઓ ઝેંણકી… જા તો… ગટોરની દોકાનેથી પોંન લઈ આવ. મોંય તંબાકુ નખાવજે.’ ડોશીમાનો અવાજ સાંભળીને એમની નાની પૌત્રી હાજર થઈ ગઈ. સાથે મોટી પણ આવી.

‘આ બેયનું ચ્યોંક સોગતા રે’જો. જોગમાયાઓને વધતાં વાર જ નંઈ. આલવા-મેલવાની બદ્ધી તૈયારી કરી મેલી સ.’

મનોરદાએ ફાંગી આંખે છોકરીઓની સામે જોયું. છોકરીઓ પોંન લેવા દોડી ગઈ.

‘ચેટલાકનું કરવું સ?’ મનોરદાએ પૂછ્યું.

‘તૈંણ તૈંણ હજ્જાર ખરચવા સ.’ બોલતાં બોલતાં ડોશીમાની ડોક ટટ્ટાર થઈ ગઈ હતી.

એક સાંજે ડોશીમા એકાએક ભેડી પાસેથી ઊભાં થઈને દોડ્યાં. ખડકીનું બારણું અધખૂલું રાખીને ઊભાં રહ્યાં. થોડી વારે એક બકરીને કાન ખેંચીને અંદર લઈ આવ્યાં અને બારણું અડકાવી દીધું! ભેડી પાસે એક તપેલીમાં મૂકી રાખેલા ચાના કૂચા બકરીને ખાવા મૂક્યા. એમાં થોડાંક લીલાં પાંદડાં પણ ભેળવેલાં હતાં. બકરી કૂચા ખાતી ગઈ એટલી વારમાં ડોશીમાએ એનો એક આંચળે દોહી લીધો! ‘વહુ’ના નામનો સાદ પાડીને વાસણ મંગાવવા પણ નહોતાં થોભ્યાં. બપોરે છીંકણી ઘસીને મોં ધોયેલું તે પાણીનો કળશિયો પાસે જ પડ્યો હતો. પછી ‘હડે… હડે… ચિયાની સ આ’ બોલતાં બોલતાં ઊભાં થયાં અને બારણું ખોલીને બકરીને કાઢી મૂકી. બધી લીલા થોડીક મિનિટોમાં પતી ગઈ.

ડોશીમાનું ઘર છેવાડું. એમના ઘર પછી એક ઉકરડો, પછી થોડા વાડાઓ અને પછી ખેતરો શરૂ થાય. રબારી બકરાં ચારી લાવીને વાડાઓ પાસે આવીને પોતાના નેસ તરફ વળી જાય અને ગામનાં બકરાં પોતપોતાનાં રસ્તે એકલાં ચાલ્યાં આવે. બીજે દિવસે બકરી ખડકીના અધખૂલા બારણામાંથી બરાબર એ જ સમયે આવી!

‘જો ઈની નાડ્યો ફાટે સ… જોઈ?’ ડોશીમાના મુખ પર પેલું બોર ખાતી વખતનું હાસ્ય ડોકાયું.

‘આ એની મેળે કેમ આવી?’

‘બંધાણ. ચાના કૂચા ને આ પાંદડાં ખાધાં એટલે બંધાણ પડ્યું જ જાણો.’

બકરીને દોહતી વખતે ડોશીમા એક વાક્ય બોલી ગયેલાં જે કદી હૂં ભૂલી શકું તેમ નથી. ‘ભઈ, બકરું અને માનવીનું મન બન્ને ય સરખાં – કદી ધરાય જ નંઈ.’

‘આ બકરીના ધણીને ખબર પડશે તો?’

ડોશીમા કશું જ બોલ્યાં નહીં. મારો પ્રશ્ન જાણે કે હવામાં ઊડી ગયો.

મેં ખરેખર પ્રશ્ન પૂછ્યો છે કે નહિ, એવી શંકા થાય એવી ચૂપકીદી. મોડેથી ઘરે જવા નીકળ્યો ત્યારે ‘ભાભી’ ખડકીની બહાર આવ્યાં. કહે: ‘પેલી અમથીવઉ નંઈ? બિચારી ગરીબ વિધવાની બકરી સ. ડોશીને હવે ઘઈડે ઘડપણ પૂનનાં ચેટલાં પોટલાં બાંધવાં સ…’ મારા પગ આ સાંભળીને ભારે થઈ ગયા.

‘ભાભી’ની નાની દીકરી કે મોટી દીકરી ભૂખી થઈને ખાવાનું માંગે તો આવી જ બન્યું. ડોશીમાની સરસ્વતી શરૂ થઈ જાય. છોકરાં રડે એટલે ડોશીમા ‘વઉ’ના નામની બૂમ મારે. છોકરું રડે નહિ ત્યાં સુધી એમને ખાવાનું મળે નહિ એવો શિરસ્તો જ થઈ ગયેલો! ‘ભાભી’ અકળાયાં હોય એટલે છોકરાંને બરડામાં એકાદ ‘ધીબો’ મારીને જ ખાવા આપે. રામભાઈનો તો રાહ જ જુદો. એમની પચાસેકની ઉંમર થઈ તો ય ડોશીમા એમને ‘બીજી’ કરવાનું સમજાવે! રામભાઈ અકળાઈને બોલે: ‘એકે ધરવ તેથી તે બીજુ બાંધવું સ?’ પછી ડોશીમાનો ઉત્તર સાંભળવા રોકાય તો રામભાઈ શેના?

ડોશીમા રામભાઈની ગેરહાજરીમાં કોઈકવાર ખુશ થઈને વાત કરે: ‘ઈના બાપનું એકાએક રૂંવાડું ચોર્યું સ. ઈનો બાપો ય એવા હતા. રામનો જલમ અને પૈણ્યાને દહ વરહ પસી; પણ ઈ દહ વરહમાં બીજી કરવાનું ઈંયોંને સમણામાં ય ન’તું આયું.’ આ બોલતાં બોલતાં ડોશીમાના મોં પર સ્મિત છવાઈ જતું. આ સ્મિત અને પેલું હાસ્ય એ બન્નેનો મેળ ખવડાવવા મથું છું, પણ…

License

શ્રેષ્ઠ અનિરુદ્ધ Copyright © 2019 by નલિની અનિરુદ્ધ ભ્રહ્મભટ્ટ. All Rights Reserved.

Share This Book