૨૧. અભિસાર

રાતની સાથે અમે ચાલ્યા કર્યું,
પગલાં પરે પગલાં મૂકી
ત્યાં હાડપિંજર-શો પવન
બેબાકળો પાછળ ધસ્યો —
ભાંગી ગયેલી ખોપરીના
અધખૂલા જડબા મહીંથી આવતો
શો શીત સૂકો શ્વાસ!
એના અગોચર ભુજ
ચારે કોર બસ પ્રસરી રહ્યા
ને હાસ્યના શા કારમા પડઘા પડ્યા
ખખડી ગયેલાં તાડવૃક્ષોનાં સુકાયલ પર્ણમાં.
ફટકી ગયેલી આંખ એની જોઈને
થંભી ગઈ, થીજી ગઈ
ફિક્કી પડી એ રાત
કંઠમાં આવી ગયેલી ચીસ એની
પંખીના નવજાત શિશુની
વણખૂલેલી ચાંચમાં પોઢી ગઈ.
ને હાડકાં સંધાં ખૂંચ્યાં
કે લોહીના ટશિયા ફૂટ્યા
ને દાંતમાં લપક્યા કરી
એ યુગયુગોની લાળ —
એ તો બધું ચાલ્યા કરે
ચાલ્યા કરે આ કાળ —

License

શ્રેષ્ઠ અનિરુદ્ધ Copyright © 2019 by નલિની અનિરુદ્ધ ભ્રહ્મભટ્ટ. All Rights Reserved.

Share This Book