૧. અજાણ્યું સ્ટેશન

ટ્રેન ધસમસતી દોડતી હતી. જંગલ પસાર થઈ રહ્યું હતું.

ખાખરાનાં આટલાં બધાં વૃક્ષો એણે આજ પહેલાં ક્યારેય જોયાં નહોતાં. વચ્ચે વચ્ચે એકાદ નાની નદી ડોકાઈ જતી.

જંગલમાં વળાંક લેતી નાની નદીને કાંઠે બેઠા હોઈએ તો કેવું સારું લાગે! પાસે આશા બેઠી હોય, એની આંખમાં સૂરજના સાત સાત રંગો એક માયાવી દુનિયા ઊભી કરતા હોય, લક્કડખોદનો અવાજ રહીરહીને આવતો હોય, થોડે દૂરથી ભારદ્વાજ પંખી ગર્વીલી ચાલે પસાર થતું હોય અને આશા એના મંજુલ સ્વરે ધીમેથી પૂછે  ‘આ ચક્રવાક તો નહિ?’

‘ચક્રવાક તો દિવસે સજોડે જ ફરે.’ એવો ઉત્તર આપીને એ આશાનો હાથ હાથમાં લઈ લે. આવા જાતજાતનાં વિચારોમાં, કહો કે દિવાસ્વપ્નોમાં સમય પસાર થઈ રહ્યો હતો અને છતાં એને લાગતું હતું કે સમય જાણે કે ખસતો જ નથી! ટ્રેનની ઝડપ જેટલી સમયની ઝડપ હોય તો કેટલું સારું! પણ આજે એ પંખીય ગર્વીલી ડોકે જાણે કે અલ્પતોયા નદીને કાંઠે આરામથી ફરવા નીકળ્યું છે.

એણે ઘડિયાળ જોયું. સાંજના સાડા પાંચ વાગ્યા હતા. બરાબર આ જ સમયે ગઈ કાલે એ ઘેરથી નીકળ્યો હતો. ચોવીસ કલાક પૂરા થયા હતા અને આખી રાતનો ઉજાગરો હતો તોય એની આંખ મટકું મારવા તૈયાર નહોતી. આમ તો ટ્રેનમાં રાત્રે કે દિવસે, સૂતાં સૂતાં કે બેઠાં બેઠાં એકાદ ઊંઘ ખેંચી લેવાની એને ટેવ હતી. પણ આજ આશા એને જંપવા દેતી નહોતી. આશાનો ફોટો એણે જોયો હતો અને આજે પહેલીવાર એને પ્રત્યક્ષ જોવાનો હતો. ફોટોગ્રાફી એક કલા છે. માનવી જેવું હોય તેના કરતાં વધુ સુંદર કરીને પણ એ દર્શાવી શકે અને હોય તેના કરતાં વરવું પણ બતાવી શકે. પણ વ્યક્તિનું લાવણ્ય થોડુંઘણું સૂચવી શકે! આંખો તે કેટલી બધી વાતો કહી શકે! ફોટામાં આશાની આંખ જોઈને જ એ ખુશ થઈ ગયો હતો. એના પિતાએ કહેલું કે રંગે ઘઉંવર્ણી છે. થોડીક શામળી હોય તોયે શો વાંધો હતો? આંખોમાં તો નર્યું કામણ હતું. આકર્ષક તો હતી જ; કદાચ સુંદર પણ હોય. સ્વભાવ તો મળીએ ત્યારે ખબર પડે. પણ અલ્યા સુધીર, એ મારકણી આંખો તને પસંદ કરશે ખરી? માનસિક રીતે તો એણે પસંદ કરી જ લીધો છે ને, નહિતર હૂંફાળો પત્ર કદી લખે ખરી? ચીપી ચીપીને પત્ર લખ્યો એટલે તને હૂંફાળો લાગ્યો? આરસની પ્રતિમાની જેમ પત્રો પણ કંડારી શકતા હોય છે, પણ મૂરખ, આરસની પ્રતિમા પર શિયાળામાં કદી હાથ મૂકી જોયો છે? પણ તો પછી ‘આતુર’, ‘અનિમેષ’, ‘ઉત્કંઠ’ વગેરે શબ્દોનું શું? એ શબ્દો સાવ ઠાલા જ હશે? છોકરીની જાત ટાહ્યલાં કર્યા વિના રહે ખરી? પણ તો એ સ્ટેશને સામી આવવાની છે તેનું શું? સ્ટેશને ‘રિસીવ’ કરવા પિતા આવે, ભાઈ આવે, બહુ બહુ તો એની મા આવે, પણ છોકરી જાતે આવે ખરી? અલ્યા સુધીર, અક્કલના ઓથમીર, તું કયા જમાનામાં જીવે છે? એટલે નવા જમાનાની એક ફૅશનરૂપે એ સ્ટેશને આવતી હશે? મને ‘રિસીવ’ કરવાનો ઉમળકો એને ખરેખર નહિ હોય? સાવ મૂરખ જેવા વિચાર કરે છે! ઉમળકો છે કે નહિ એ તો દૃષ્ટિ મળતાં જ પરખાઈ જશે ને? તારી સાથે ‘શુભદૃષ્ટિ’ થશે ત્યારે એની આંખમાં કયો ભાવ છે એ તું પારખી નહિ શકે? મારા બેટા કવિઓ પણ જબરા હોય છે ને! કહે છે ‘મળી દૃષ્ટોદૃષ્ટ!’ ‘આત્માએ આત્માને ઓળખ્યો!’ પણ પહેલી નજરમાં જ જાકારો દીધો તો આત્માની શી વલે થાય? પણ તારો આત્મવિશ્વાસ કેમ તોફાની દરિયામાં નાવની જેમ ડગમગવા માંડ્યો છે? તાકાત છે કોઈ છોકરીની કે તને મળ્યા પછી ના પાડી શકે? પણ ‘જોવું’ ને ‘મળવું’માં ફેર તો ખરો જ ને? પહેલી નજરે, ‘ના’ થઈ પછી ‘હા’ થાય તોય શી મજા? દુષ્યંત અને શકુંતલા જેવું થવું જોઈએ. પણ એમાં તો ‘હા’ પછી ‘ના’ પછી ‘હા’ એવી ચઢઊતરની ગતિ હતી. શિખરે ચડ્યા પછી કોઈ તને ભૂસકો મારવાનું કહે તો તારી તાકાત ખરી સુધીર? બેટમજી, છોકરી જોવા નીકળ્યા છો પણ છોકરી તમને જોવા નીકળી છે એમ કેમ ભૂલી જાઓ છો?

એને પોતાની જાત પર હસવું આવ્યું. એણે દાઢી પર હાથ ફેરવી જોયો. ચોવીસ કલાકમાં દાઢી ઊગી તો જાય જ ને? રેલવેમાં હેરકટિંગ સલૂન કેમ નહિ રાખતા હોય? ચાલતી ટ્રેને બ્રેક વાગે તો અસ્ત્રો વાગી ન જાય? પણ હવે અસ્ત્રાનો જમાનો ગયો, સુધીર, હવે તો મશીન આવ્યાં. છોકરી આપણા ગાલ પર હાથ ફેરવતી હોય એવી નાજુકાઈથી દાઢી થઈ જાય. એકાદ શેવિંગ-મશીન વસાવી લીધું હોત તો સારું હતું, નહિ? પણ અત્યારે તો રેઝર ઝિંદાબાદ છે. એણે ‘ઍર-બૅગ’માંથી શેવિંગનો સામાન કાઢ્યો, લૅવેટરીમાં ઘૂસ્યો અને ઝાંખા પડી ગયેલા અરીસાની સામે ઊભા રહી એણે ચાલતી ટ્રેને દાઢી કરી લીધી. વૉટર બૉગમાંથી પાણી લઈ મોં ઘસીઘસીને બરાબર ધોયું. આછો ટૅલ્કમ પાઉડર લગાવ્યો. સુગંધ એને ગમી. એકની એક સુગંધ પણ લાંબા વખત પછી અબખે પડી જાય છે, એટલે પાઉડરની જાતજાતની બનાવટો એ બદલ્યા કરતો. પણ માનવીના શરીરની વાસ અબખે પડી તો શું કરીશ, અલ્યા? આ વિચારે એ ચોંક્યો. પછી ખડખડાટ હસી પડ્યો – પાઉડરની બનાવટો બદલ્યા કરવાની! સારું હતું કે ટ્રેનની બારીની બહાર ડોકું રાખીને હસ્યો હતો નહિતર બીજા મુસાફરોને હું પાગલ જ લાગત ને?

ટ્રેન ધીમી પડી હતી અને દૂરનાં સિગ્નલ નજીક આવતાં જતાં હતાં. એના હૃદયના ધબકારા વધી ગયા. સિગ્નલ પડેલાં હતાં એટલે એને હાશ થઈ. પ્લૅટફૉર્મ દેખાયું. સામે બ્રિજ પરથી માણસો પસાર થતાં હતાં. એણે સાડી પહેરી હશે કે મૅક્સી! મૂરખના જામ, આજે તો સાડી જ પહેરી હોય ને? પછી સેંથીમાં સિંદૂર પૂરશે. હડફ હડફ ચાલતી હશે કે પગલાં ગણીગણીને? એક જમાનામાં બંગાળની બાલિકા-વધૂ પગલાં ગણીગણીને ચાલતી, પણ હવે તો બસ દોડીને પકડવાની હોય એટલે શરમાતી ચાલ તો સ્વપ્નું બની ગયું. પણ છોકરીની જાત હડફ હડફ ચાલે એ તો કેમ ચાલે? અંગોમાં નમણાશ ન હોય તો રોટલી કેવી કરે?

ટ્રેનમાંથી એ નીચે ઊતર્યો. જ્યાં ઊતર્યો ત્યાં જ ખોડાઈ ગયો. કોઈ ચહેરામાં એને મળવાની આતુરતા દેખાતી નહોતી. બધાં એની સામે જોયું ન જોયું કરી પસાર થઈ જતાં હતાં. આશા ક્યાં હશે? બ્રિજ પરથી આવતી છોકરીઓને એણે જોવા માંડી. એક તો ખૂબ નમણી હતી. હે ભગવાન, આ જ આશા હજો. હું બહુચરા મા, તારો દીવો કરીશ ને નાળિયેર વધેરીશ. પણ છોકરી નજીક આવીને સરી ગઈ. આ અપ્સરાને જોયા પછી હવે આશા શી રીતે નજરમાં વસવાની છે? છોકરીને જતી એ જોઈ રહ્યો. એને થયું કે, ‘આશા’ કહીને એને બોલાવું, પણ બોલી ન શક્યો. કર્કોટક નાગે જાણે એને ભરડો લીધો હતો. ચકલી, જરા સામે તો જોવું હતું? એને એકાએક લાગ્યું કે પોતે બાહુક જેવો તો નહિ બની ગયો હોય? નહિતર કોઈ છોકરીની તાકાત છે કે પોતે ઊભો હોય ને દૃઢ પગલે એ પસાર થઈ જાય? એને થયું કે પોતે વળતી ટ્રેન પકડીને પાછો વળી જાય. પરણું તો પેલી અપ્સરાને જ, બાકી બીજી બધી…

એના ખભા પર કોઈકે હાથ મૂક્યો. જોયું તો આશાના પિતાજી ઊભા હતા. ‘થયું છે એવું કે આશા ને સલિલ મુંબઈથી આવતી ટ્રેનમાં અહીં આવવાનાં હતાં પણ ટ્રેન બે કલાક મોડી પડી છે. આપણે ઘરે જઈએ. એ લોકો આવી રહેશે.’

સુધીરે મૂંગાં મૂંગાં ચાલવા માંડ્યું. સ્વર્ગમાંથી પૃથ્વી પર કોઈ દેવના શાપને કારણે પટકાયેલો કોઈ યક્ષ ચાલતો હોય એવો એ લાગતો હતો. પોતાનો કોઈ અપરાધ ન હોવા છતાં પેલી અપ્સરા આશા ન નીકળી. પણ અપરાધ ન હોય તો શાપ કેમ વરસે? અપરાધ શકુન્તલાનો હતો પણ શાપના ભોગ દુષ્યંતનેય થવું પડ્યું ને? આશાડી તેં કોઈ અપરાધ કર્યો છે? તો પેલી અપ્સરા આશા કેમ ન હોય?

ઘરમાં પ્રવેશીને એણે આશાની બા, દાદીમા, નાની બહેન, નાનો ભાઈ સૌને ધારીધારીને જોયું. મુખવટ તો બધાંની સારી હતી. દાદીમાએ જુવાનીમાં અનેક જુવાનોને તમ્મર ખવડાવ્યાં હશે, એને લાગ્યું. ખંડહર બતા રહે હૈ કિ ઈમારત બુલંદ થી. જેવાં દાદીમા યુવાનીમાં દેખાતાં હશે તેવી જ આશા અત્યારે હશે ને? તો સુધીરિયા, તું તમ્મર ખાઈને ભોંય પટકાવા અહીં આવ્યો છે? એટલું સદ્ભાગ્ય ક્યાંથી? તમ્મર તો સ્ટેશને ખાઈ લીધાં. મારા બાપ, શું છોકરી હતી!

ચા પીતો એ બેઠો હતો ત્યાં જ આશાએ અને સલિલે પ્રવેશ કર્યો. ના, ના, ના, આ અપ્સરા નથી! આશા નમસ્તે કરીને અંદરના ખંડમાં સરી ગઈ. મળી દૃષ્ટોદૃષ્ટ! આશા સાવ કાઢી નાખવા જેવી તો નથી. આપણી સામેય ન જુએ એ અપ્સરાને શું કરવાની? આશાની આંખમાં કેવો હૂંફાળો આવકાર હતો! માનવીને બીજું શું જોઈએ, સુધીર? ગ્રૅજ્યુએટ થયેલ છે, ઠસ્સાવાળી છે, ગરમ ગરમ રોટલી કરી દેશે, પોતે બહાર જશે ત્યારે બારણું અડધું ઉઘાડું રાખી પીઠ પાછળ જોયા કરશે… પણ તને વારેવારે રોટલી કેમ યાદ આવે છે? હૉસ્ટેલમાં રહીને મહારાજની રસોઈ ખાઈખાઈને કંટાળ્યો છે એટલે ને? તો ખાવી તો પડે જ ને? પડે, પડે, પડે… રસોઈ ખાવી પડે, ગમતી છોકરીને જવા દેવી પડે, આશા જોડે પરણવું પડે, નોકરી કરવી પડે, બસમાં ધક્કે ચડવું પડે, બોસનો ઠપકો સાંભળવો પડે, છતાં હસતું મોં રાખવું પડે, ઋતુપર્ણનો રથ હાંકવો પડે, બધું જ કરવું પડે. એને લાગ્યું કે પડીને એના હાથ-પગ છોલાઈ ગયા છે.

થોડી વારે આશા તૈયાર થઈને આવી. ‘મુસાફરીમાં બહુ થાકી ગયા હશો, નહિ?’ સુધીર હસ્યો. એને કહેવાનું મન થઈ આવ્યું કે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડતાં જેટલો થાક લાગે એટલો થાક એક સેકંડમાં સ્ટેશને લાગ્યો છે; હજુ કળ વળી નથી; આશાદેવી, તું પાટો બાંધી આપ! પણ એવું તે કંઈ કહેવાતું હશે? ‘ના, ના, સહેજેય થાક નથી. મન કશાક શુભ માટે ઇંતેજાર હોય તો તનને થાક ન લાગે.’

‘કૉમર્સના ગ્રેજ્યુએટ થઈને આવી ભારે ભાષા બોલો છો? જુઓ, આવું બધું બોલતાં મને નહિ આવડે હો!’

‘શું આવડશે?’

‘રોટલી કરતાં આવડશે, ગીત ગાતાં આવડશે, નદીને કાંઠે પગ પાણીમાં ઝુલાવીને બેસતાં આવડશે, સુખદુ:ખ સહન કરતાં આવડશે અને સમય આવ્યે મૌન પાળતાંય આવડશે.’

શાબાશ આશા, શાબાશ. જખ મારે છે પેલી અપ્સરા. તું ભૂમિ-સરા મારે હજાર દરજ્જે સારી.

‘કેમ મૂંગા થઈ ગયા? હું બહુ બોલી ગઈ, નહિ?’

‘હું વિચારતો હતો કે માનવી એના રૂપથી નહિ, એની વાણીથી ઓળખાય.’

‘આજ સુધીમાં કેટલી છોકરીઓ જોઈ છે?’

માર્યા ઠાર. જગદંબા જ લાગે છે. ત્રીજું તીર આવું મારશે એનો તો ખ્યાલ જ નહોતો. ચાંપા વાણિયા પાસે ત્રણ તીર હતાં. પણ આ ચાંપીના ંતીરતો એનાથીય ચઢે એવાં છે.

‘હિસાબ રાખ્યો નથી. અઠ્ઠાવીસ વર્ષની ઉંમરમાં કંઈ કેટલીય હજાર જોઈ હશે; રસ્તે, બસમાં, ટ્રેનમાં, સિનેમામાં, ફોટાઓમાં, રેસ્ટોરાંમાં, બગીચામાં, દુકાનોમાં, પ્લેનમાં… પણ એક જોવાની બાકી હતી.’

‘બસ, બસ. કહો, ગમી?’

‘તમને શું લાગે છે?’

‘કેટલા દિવસ રોકાવાનો પ્લાન કરીને આવ્યા છો?’

‘કાઢી મૂકવો છે?’

‘મને એમ કે કાલે ઈલોરા તરફ નીકળી પડીએ. હવામાન ખુશનુમા છે.’

‘ઘરમાં પૂછ્યું?’

‘મિયાં-બીબી રાજી તો…’

પોતે ફસાયો કે શું, તેની સુધીરને ખબર ન પડી. કદાચ જે થતું હશે તે સારું જ થતું હશે એવું એને લાગ્યું. આશા ખરેખર ચકોર અને ચબરાક હતી. પોતાની બરોબરી જાળવી શકે એવી એને લાગી. પણ માનવીને એકાદ મુલાકાતમાં ક્યાં પામી શકાતું હોય છે? નીવડ્યે વખાણ. પણ ધાર્યા કરતાં કંઈક જુદું જ નીકળ્યું તો? સહવાસે માનવી માનવીને ઓળખતું થઈ જાય. ઓળખી ન શકે તોય નભાવી લેવાની શક્તિ તો દાખવે જ ને? પણ લગ્નજીવનમાં નભાવી લેવાની વાત કેમ ચાલે? ટ્રેનમાં મુસાફરી દરમ્યાન કોઈ ન ગમતી વ્યક્તિ પાસે આવીને બેઠી હોય તો બેત્રણ કલાક નછૂટકે નભાવી લઈએ. પણ જિંદગી આખી તો?

‘જુઓ સુધીરભાઈ, શુકન તો સારાં થાય છે. દુષ્યંત-શકુન્તલા જેવું ન થાય તે જોજો.’ દાદીમાએ કહ્યું.

‘મા, તમારી હાજરીમાં આ વીંટી પહેરાવું છું. પછી છે કંઈ? વિધિસર જાહેરાત પછી અનુકૂળતાએ કરજો.’ કહીને પોતાની આંગળી પરથી વીંટી કાઢીને સુધીરે આશાની આંગળીએ પહેરાવી.

‘ક્યાં તમારી આંગળી ને ક્યાં મારી? વીંટી સરી પડે છે.’ આશાએ હસતાં હસતાં કહ્યું. અને મૂઠી વાળી દીધી.

રાતની ટ્રેનમાં બંને ઈલોરા જવા નીકળ્યાં. પોતાની સાથે એક યુવતી ચાલી રહી છે એનો એક અકલ્પ્ય અનુભવ સુધીરને થયો. એને થયું કે રસ્તા પર એકલા એકલા ઠોયા જેવા ચાલ્યા કરવું અને એક યુવતીને પડખે રાખીને ચાલવું એ બે જુદા જ અનુભવો છે.

‘શું વિચારો છો?’

‘બધું જુદું જુદું લાગે છે.’

‘ગયા જમાનામાં આવી રીતે ક્યાંક નીકળ્યાં હોઈશું એવું લાગે છે?’

‘આવતા જનમનો વિચાર કરું છું.’

‘કે….’

‘કહેવા જેવી વાત નથી.’

આવી ઘેલી ઘેલી વાતો ચાલ્યા કરી. ઔરાગંબાદને બદલે બંને જણાં એક અજાણ્યા સ્ટેશને ઊતરી પડ્યાં. ટ્રેનમાંથી આજુબાજુની ડુંગરમાળા સુંદર અને ભવ્ય લાગતી હતી. એક ઊંચા ડુંગર પર દેવળોની હારમાળા હતી. દૃશ્ય જોતાં જ ગમી જાય એવું હતું. સુધીરે આશાને પૂછ્યું  ‘આ કયું સ્થળ છે?’

‘ખ્યાલ નથી.’

‘જોવું જોઈએ.’

‘તો ઊતરી પડીએ.’ કહીને આશા બૅગ લઈને નીચે ઊતરી પડી.

‘આમ કોઈ પણ સ્ટેશને ઊતરી ન પડાય.’

‘એનું નામ જ તો જિંદગી છે.’

‘ક્યાં જઈશું?’

‘મંદિરમાં બધી વ્યવસ્થા હશે. પછી આપણે છીએ ને ડુંગરાઓ છે.’

બપોરે જમીને બંને જણ ફરવા નીકળ્યાં. એક નદી વળાંક લઈને જતી હતી. એક શિલા પર બંને બેઠાં. વૃક્ષોની છાયાઓમાં પંખીઓના ટહુકા પથરાતા હતા. સામેથી એક અજાણ્યું પંખી ઊડી ગયું.

‘કયું પંખી હતું? ચક્રવાક?’

‘એ દિવસે એકલું ન હોય.’ કહીને સુધીરે આશાનો હાથ હાથમાં લીધો. વીંટી સાચે જ એને મોટી પડતી હતી, પણ શોભતીય હતી. સમય ક્યાં વહી ગયો તેનો ખ્યાલ ન રહ્યો. સાંજે બંને સ્ટેશને આવ્યાં. આશા ગંભીર બની ગઈ હતી. બંનેએ જુદી જુદી ટ્રેનોમાં જવાનું હતું. આશાએ પિતાને ત્યાં પહોંચવાનું હતું અને સુધીરે પોતાને ત્યાં. એમને લાગ્યું કે ઘણી ઘણી વાતો કરવાની તો બાકી જ રહી ગઈ. આશાની ટ્રેન આવી. બારી પાસે જગ્યા લઈને એ બેઠી. પ્લેટફૉર્મ પર સુધીર ઊભો રહ્યો.

‘એક વાત પૂછું?’

‘જરૂર.’

‘આપણી ન્યાતમાં વિજયકુમાર કરીને એક પ્રોફેસર છે એને તમે ઓળખો છો?’

‘નામ સાંભળ્યું છે. મળ્યો નથી. કેમ?’

‘પપ્પા એમની પણ વાત લઈ આવેલા. એટલે અમસ્તું જ કુતૂહલ થયું. હવે તો કોઈ પ્રશ્ન જ નથી, પણ મનને એમ રહે કે જાણી લીધું હોય તો સારું. જસ્ટ અમસ્તું જ.’

ટ્રેન ચાલુ થઈ ગઈ. આશાએ બારીમાંથી હાથ આપ્યો. સુધીરે એ નમણા હાથને પોતાના હાથમાં યંત્રવત્ લઈ લીધો. ટ્રેને ગતિ પકડી. આશાએ હાથ ખેંચી લીધો. વીંટી આંગળી પરથી સરી પડી ને સુધીરના હાથમાં આવી ગઈ. જતી ટ્રેનને એ જોઈ રહ્યો. બારીમાંથી એક હાથરૂમાલ ફરફરતો અદૃશ્ય થઈ ગયો.

સુધીર યંત્રવત્ પોતાની ટ્રેનમાં બેઠો. બહાર ડુંગરાઓ પસાર થઈ રહ્યા હતા. અંધારું ઊભરાતું હતું. ‘વિજય… વિજય…’ એના મનમાં શબ્દો અફળાતા હતા. વિજય માટે જાણવા માટે એને હું જ મળ્યો? મારાથી એને સંતોષ નહિ થયો હોય? વિજય માટે ખાલી કુતૂહલ હશે? ના, આશા, સુધીર તારા માર્ગમાં નહિ આવે. તું વિજયને જ પરણજે. ઘરે આવીને એણે આશાને ‘ના’નો પત્ર લખી દીધો. આશાનો પત્ર આવ્યો. એમાં એક જ વાક્ય હતું  ‘આવીને એક ચોખવટ કરી જાઉં, સાંભળશો?’ ‘હા.’ પછી ‘ના’ પછી ‘હા’ થઈ શકે સુધીર, વિચારી જો. પણ વિજય-પરાજય વિજય-પરાજય શબ્દો એના મનનો કબજો લઈને બેઠા હતા. આના કરતાં આશા, તુંય પેલી અપ્સરાની જેમ સામે જોયા વિના જ પસાર થઈ ગઈ હોત તો? મેં તારું શું બગાડ્યું હતું? પણ છોકરીની જાત કોઈ યુવક વિશે પૂછે પણ કોને? બાપને પૂછે તો બચકું જ ભરે, કારણ કે એમણે તો મને પસંદ કર્યો હતો. માને બિચારીને શી ખબર હોય? એની બહેનપણીઓ આટલે દૂર હોય પણ કોણ? પણ તને હું જ હાથમાં આવ્યો? પોતાનું માણસ ધાર્યું હશે તો જ પૂછ્યું હશે ને? પણ સામાનો કંઈ વિચાર જ ન કર્યો? એક જ દિવસમાં પોત પ્રકાશ્યું! આશા, આપણા માર્ગ જુદા છે, હો! તારી ટ્રેન તેમ ગઈ ને મારી ટ્રેન આમ આવી. અજાણ્યા સ્ટેશને ઊતરી પડવાની ટેવ મને નથી. એણે પત્રમાં એક જ વાક્યમાં જવાબ લખ્યો  ‘મારે કશું જ સાંભળવું નથી.’

(અખંડ આનંદ, ડિસેમ્બર ૧૯૭૯)

License

શ્રેષ્ઠ અનિરુદ્ધ Copyright © 2019 by નલિની અનિરુદ્ધ ભ્રહ્મભટ્ટ. All Rights Reserved.

Share This Book