૨૪. આજ-૧

સવાર,
કૂંળો તડકો ઝિલાયો
બારી મહીં, ને
કલ્લોલતું બુલબુલ કો’ ક્યહીંથી
આવી ચડ્યું, છેડી ગયું સૂરાવલી,
મૂકી ગયું શાં અણજંપ કંપનો
આ રિક્ત હૈયે! —

ને,
અદૃષ્ટ કો’ પીંછી ફરી ગઈ આ
બારી તણા કાચ પરે, ઝૂકી રહી
વને વને પલ્લવ-પુષ્પ-ગંધે

મ્હેકી રહેલી તરુની ઘટાઓ —
ઢાંકી દીધું આ મનને ધરા જ્યમ
વસંતની કોડભરી સુગંધની
ઝંખા થકી —

હા,
મારે હવે આજ વસંતપંચમી.

License

શ્રેષ્ઠ અનિરુદ્ધ Copyright © 2019 by નલિની અનિરુદ્ધ ભ્રહ્મભટ્ટ. All Rights Reserved.

Share This Book