આપણે આવી રીતે છૂટાં નહોતું પડવું જોઈતું, વિભા,
ટ્રેન તો બીજી પણ આવત,
ને સાંજ તો બીજી પણ પડત,
ને સ્ટેશન તો બીજું પણ મળત,
ને અમેરિકા તો બીજો પણ શોધાત;
પાછાં ફરતાં જોયું તો મારા નગરમાં
ઠેર ઠેર પર્વતો ઊગી નીકળ્યા છે,
રસ્તાઓ નદીઓ બનીને વહેવા લાગ્યા છે,
‘બસ થોભો’ના થાંભલાઓ કાંટાળાં ઝાડ બની ગયા છે,
લારી ખેંચતી મારવાડણોનાં સ્તનો
સફરજન બનીને લટકી રહ્યાં છે;
ઘોર અરણ્ય વચ્ચે હું સર્યો જાઉં છું, વિભા,
કર્કોટકની શોધમાં ભમું છું
બાહુક બનવાનાં સ્વપ્નો સાથે રમું છું,
મને કોઈ કહેતાં કોઈ ઓળખી ન શકે
આકાશના તારાય નહીં,
રેલના પાટાય નહીં,
વડોદરાની શેરીઓમાં ટપકતા નળ પણ નહીં,
રવિબાબુની કવિતાય નહીં,
સારેગમનો સાય નહીં;
ને પછી આવીશ તારી પાસે —
ના, સફરજન નહીં ખાવાની મેં પ્રતિજ્ઞા લીધી છે,
આદમે કરેલી ભૂલ હું શું કરવા કરું?
ના, હું અયોધ્યાનો રામ નથી,
ગોકુળનો શ્યામ નથી,
હું નથી વિદેહી જનક કે નથી મુનિ સનક,
નથી હું દુર્વાસા કે નથી હું નળ,
નથી હું યમુનાનું કૃષ્ણોદક
કે નથી નરસિંહ મહેતાએ નાહવાનું ઉષ્ણોદક;
તો, હું કોણ છું, વિભા?
ડેલ્ફીની દેવીને રીઝવવા નીકળેલો ઇડિપસ?
ગોદાવરીને કાંઠે ઊભેલી વનકન્યાનું સરી ગયેલું સ્વપ્નું?
પાંડવગુફામાં અપૂજ પડેલું શિવલિંગ?
પાર્કસ્ટ્રીટનો રાતોચોળ દીવો?
યુનિવસિર્ટીના ટાવરનો કબૂતર બેસવાથી ખસી ગયેલો કાંટો?
ડાંગમાં ચિત્તાની આંખમાં
મધરાતે ઝિલાયેલો વરસાદનો પહેલો છાંટો?
હુગલીમાં તરતો જતો તારો સોનેરી વાળ?
બૅરેક રોડ પરના કબ્રસ્તાનની પાળ?
સ્વપ્નાં તો વિભા, આળપંપાળ
સ્વપ્નાં તો રેતીના પહાડ
સ્વપ્નાં તો ઉનાળામાં પલાશનાં ઝાડ…
ઉખાડ હવે તારા બંગલાની નેમ-પ્લેટ,
કરી દે દરવાજો બંધ ને નીકળી આવ રસ્તા પર,
મારા નગરમાં તો હવે રોજ ધરતીકંપ થાય છે,
તારે ત્યાં નથી થતા?
મારા નગરનાં આકાશને કોઈ વેન્ટિલેશન મૂકે
તેની રાહ જોતો પડ્યો છું,
ધૂળની ડમરીઓ ચડે છે
પાંદડાં ખરે છે, ચડે છે ને પડે છે
હું આંખો મીંચી દઉં છું,
કદાચ આવતી કાલે રેતમાં ધરબાઈને
હું ટેકરી બની ગયો હોઈશ,
મારી ઉપર ઊડશે સૂકાં પાન
ક્યારેક થાકીને બેસશે હિમાલયથી પાછો આવેલો
યુધિષ્ઠિરનો શ્વાન,
નાગના બંધાશે રાફડા,
પણ કર્કોટકને ને તારે હવે શું, વિભા?
અવાય તો આવજે કો’ક વાર,
ગ્રીષ્મમાં આવીશ તો ગુલમ્હોર ખીલશે,
સવારે આવીશ તો શિરીષ
રાત્રે આવીશ તો રજનીગંધા
હેમંતમાં આવીશ તો પારિજાત
ને વર્ષામાં આવીશ તો મોગરો —
ના, બહુ વિચારવું નહીં,
‘હલ્લો ડિયર, હાઉ આર યુ’માં ખોવાઈ જવું,
નહિતર કાલથી તારા દરિયા પર જંગલ ઊગવા માંડશે,
જંગલમાં આખા દરિયા નથી હોતા,
દરિયાના પેટાળમાં ગાઢાં જંગલ હોય છે, હોં!
નવરોઝ સુવર્ણચંદ્રક વિજેતા કાવ્ય