દિવાળીનું વૅકેશન પૂરું થયેલું. મારે અણધાર્યા જ ઉત્તર ગુજરાતના એક દૂરના ગામની હાઈસ્કૂલમાં દાખલ થવું પડ્યું. બેસતા શિયાળાની એક ધૂસર સાંજે ઘોડાગાડી એક છાત્રાલયના દરવાજા પાસે ઊભી રહી. બૅગ-બિસ્તર લઈને હું નીચે ઊતર્યો. છાત્રાલયના કમ્પાઉન્ડમાં ડાબા હાથે ગૃહપતિનું નિવાસસ્થાન હતું ત્યાં ગયો. મારે કયા કમરામાં રહેવાનું છે તેની માહિતી મેળવી, જરૂરી ફી વગેરે ભરી, બૅગ-બિસ્તર લઈ જેવો હું દશ નંબરના કમરામાં પ્રવેશું છું તેવો જ એક મહાકાય વિદ્યાર્થી સામે મળ્યો. કહે:
‘દહ જણા તો સીએ, તું ચ્યોં રઈશ?’
‘એની ચિંતા તમારે કે મારે નહિ, ગૃહપતિએ કરવાની.’ મેં કહ્યું.
‘ઓત્તારીની, ટેણી તો જબરું બોલ સ.’ – કહીને આશ્ચર્યથી આંખો પહોળી કરીને એ ઓટલા પર બેઠો.
રૂમમાં બધી બાજુએ ભીંતોની લગોલગ પેટીઓની હારમાળા મેં જોઈ. દરેક પેટી પર શેતરંજીમાં વીંટાળેલું ગોદડું, સામી ભીંતે થોડીક જગ્યા હતી ત્યાં મેં મારાં બૅગ-બિસ્તર ગોઠવ્યાં. ચારેક વિદ્યાર્થીઓ જમીપરવારીને બહાર આંટો મારવા નીકળવાની તૈયારીમાં હતા. મને નવા આગંતુકને જોઈને એમની આંખોમાં કુતૂહલ ડોકાયું, પણ કોઈ કશું બોલ્યું નહીં.
‘રસોડું બંધ તો નહિ થયું હોય ને?’ મેં પૂછ્યું.
‘ના. તો ય જલદી પહોંચવું સારું.’ એમાંના એકે કહ્યું.
લાંબી મુસાફરીથી હું થાક્યો હતો અને રેલ્વે સ્ટેશનથી દસેક કિલોમીટરનું અંતર ધૂળિયા રસ્તે ખુલ્લી ઘોડાગાડીમાં કાપ્યું હતું એટલે ધૂળ પણ ઠીક ઠીક ઊડી હતી. હાથ-મોં ધોવા માટે ટાંકીએ જવા ટુવાલ લઈને નીકળું છું ત્યાં પેલા પડછંદ વિદ્યાર્થીએ કહ્યું:
‘એય ટેંણી, એક લોટો ઠંડું પાણી ભરતો આવજે.’ મેં જોયું તો એની આંખમાં નર્યું તોફાન હતું.
‘ઠંડા પાણીનું આ તળાવ ભર્યું છે ને તમે એ તરફ તો નીકળો છો.’ મેં કમ્પાઉન્ડની બહાર જમણી બાજુએ દેખાતા તળાવ તરફ હાથ કરીને કહ્યું.
‘મરચું સ આ તો.’ એ ખિજાઈને બોલ્યો.
મેં ટાંકી તરફ ચાલવા માંડ્યું. હું ક્યાં આવી પડ્યો છું તેનો રસ્તે વિચાર આવતો હતો. ગામ મોટું નહીં; પણ મુંબઈમાં વેપાર કરતા કોઈ શેઠે દાન આપીને માધ્યમિક શાળા અને છાત્રાલય બંધાવેલાં.
રાત્રે બધા ભેગા થઈને વાંચવાનો ડોળ કરીને વાતે વળગ્યા. મેં ધીરે ધીરે વાતચીતમાં સૌનાં નામ જાણી લીધાં. પેલા પડછંદ વિદ્યાર્થીનું નામ ભોળીદાસ.
એને ઊંઘ આવતી હતી છતાં પથારી પાથર્યા વિના બેઠો બેઠો ઝોકાં ખાતો હતો. મેં સાલસ સ્વભાવના એક વિદ્યાર્થી રાધેશ્યામને પૂછ્યું:
‘આ આમ કેમ કરે છે? આમ તો ઊંઘ પણ બગડે અને વાંચવાનું પણ ન થાય. એને પથારી પાથરી આપીશું?’
‘ના, રાત્રે અગિયારેક વાગ્યે ગૃહપતિ આંટો મારવા નીકળશે. જો કોઈ વિદ્યાર્થી ઊંઘતો દેખાય તો એને દંડ થાય. લગભગ પોણા અગિયારે અમે ભોળીદાસને જગાડી દઈશું અને એ વાંચવાનો અભિનય કરતો ગૃહપતિ ન આવે ત્યાં સુધી ઝોકાં ખાશે.’
બરાબર એ જ પ્રમાણે થયું. ગૃહપતિ આવીને ગયા પછી ફાનસ બંધ થયું. ગામમાં ત્યારે વીજળી આવેલી નહિ; એટલે ફાનસના અજવાળે વાંચવાનું. કોઈને અગિયાર પછી વાંચવું હોય તો મેળ ન પડે. ફાનસમાં ભરેલું કેરોસીન અમુક દિવસો સુધી ચલાવવું જ પડે! અજવાળું ગયા પછી મને એમ કે ભોળાભાઈ તરત ઊંઘવા માંડશે; પણ જુદું જ થયું. પથારીમાં પડ્યો પડ્યો એણે જોરથી નસકોરાં બોલાવવા માંડ્યાં. અવાજ કૃત્રિમ થતો એટલે હું સમજી ગયો કે આ કંઈ સીધી રીતે ઊંઘે એમ લાગતું નથી. રાધેશ્યામ કહે: ‘માણસ ગંધાય માણસ ખાઉં!’ એટલે ફફ દેતો ભોળીદાસ મોટેથી હસી પડ્યો. મને થાકને કારણે ઊંઘ આવતી હતી; પણ જગ્યા નવી હતી અને ભોળીદાસ મારે માટે નવો હતો; એટલે ઘેરાતી આંખે હું પડી રહ્યો. થોડી વારે મારી પથારી ખસતી લાગી. હું ઊભો થઈ ગયો. ભોળીદાસનો અવાજ સંભળાયો: ‘ઓત્તારી, ટેંણી તો જાગ સણ.’
મારી પથારીમાં એ લાંબો થઈને સૂઈ ગયો અને પહેલાંની જેમ જ એણે નસકોરાં બોલાવવા માંડ્યાં. એની પથારી ખાલી હતી. હું સૂતો તો ખરો; પણ બેત્રણ મિનિટમાં જ ઊભો થઈ ગયો. ધોવાયા વિનાની ચાદર અને તેલની વાસવાળા ગોદડામાં ઊંઘ આવવાની કોઈ શક્યતા જ નહોતી. બારણું ખોલીને હું બહાર ઓટલા પર બેઠો. ચાંદની રાત હતી. કલાકેક વીત્યો હશે અને રાધેશ્યામ બહાર આવ્યો. કહે કે ભોળીદાસ ઊંઘી ગયો છે. હવે એની મજા કરીએ.
ભોળીદાસ બે હાથ પહોળા કરીને ચત્તોપાટ પડ્યો હતો. બારણું ખુલ્લું હતું અને બહાર ચંદ્રપ્રકાશ હતો એટલે રૂમમાં આછુંપાછું બધું જોઈ શકાતું હતું. રાધેશ્યામે કાગળની એક પાતળી ભૂંગળી કરી ભોળીદાસના નસકોરામાં આસ્તેથી હલાવી. ‘ઊંહ’ કરી એ પડખું ફરી ગયો. ભૂંગળી કાનમાં ફરવા માંડી! એ બીજી બાજુ પડખું ફરી ગયો; એટલે ભૂંગળી બીજા કાનમાં ફરવા માંડી! હું રાધેશ્યામની પથારીમાં પડ્યો પડ્યો આ જોયા કરું. આખરે ભોળીદાસ ઊભો થયો અને એને ઊભો થતો જોતાં જ રાધેશ્યામ જાણે કંઈ જાણતો જ નથી એમ ભોંય પર જ લંબાઈને સૂઈ ગયો!
‘ટેણીની પથારીમાં દિયોર ચોંચડ પડ્યા સ.’ કહેતો ભોળીદાસ પોતાની પથારી તરફ સરક્યો અને ઓઢીને ઊંઘી ગયો. મેં ધીમેથી બારણું બંધ કર્યું, મારી પથારીમાં લંબાવ્યું અને રાધેશ્યામ એની પથારીમાં સૂતો.
બીજા દિવસે સવારે મને સતાવવાનું ભોળીદાસને સૂઝ્યું તો હશે; પણ શનિવાર હતો એટલે સવારે જ અમે સ્કૂલમાં ગયા. સ્કૂલ એ જ કમ્પાઉન્ડમાં બાજુના મકાનમાં હતી. ભોળીદાસ, રાધેશ્યામ વગેરે બધા મારા જ વર્ગમાં હતા. વર્ગમાં મેં જોયું તો સૌથી નાનો હું અને સૌથી મોટો ભોળીદાસ! પહેલો પિરિયડ સંસ્કૃતનો હતો. સાહેબે પહેલો ભોળીદાસને ઝડપ્યો. ‘મેઘદૂત’ના શરૂઆતના થોડાક શ્લોકો પાઠ્યપુસ્તકમાં હતા. તેમાંથી પહેલાંનું ભાષાંતર કરવાનું કહ્યું. ભોળીદાસ પુસ્તકના પાના પર નજર ખોડી રાખીને ઊભો રહ્યો. પાંચેક મિનિટ પછી સાહેબે પૂછ્યું, ‘નથી આવડતું?’ ભોળીદાસે નકારમાં ડોકું હલાવ્યું.
‘જા, પાછલી બેન્ચ પર ઊભો થઈ જા.’ સાહેબ બોલ્યા અને ભોળીદાસ છેલ્લી બેન્ચ ખાલી હતી તેના પર ઊભો થઈ ગયો. રાધેશ્યામે મારી નોટબૂકમાં લખ્યું કે ઇજિપ્તનું પિરામિડ ખસતું ખસતું આપણા વર્ગ સુધી આવી પહોંચ્યું છે! મેં પાછળ ફરીને ભોળીદાસ તરફ જોયું તો એ અમારી તરફ જ કતરાતી આંખે જોઈ રહ્યો હતો! મને થયું કે આજે આવી બનવાનું.
શનિવાર હતો એટલે બપોરે આરામ હતો. કેટલાક વિદ્યાર્થીઓ પોતાનાં સગાંને ત્યાં નજીકનાં ગામોમાં ગયા હતા તો કેટલાક નજીકના શહેરમાં ખરીદી કરવા કે ફરવા ગયા હતા. બપોરના બે-અઢી વાગ્યા હશે ને ભોળીદાસે રાધેશ્યામને અને મને કહ્યું કે, ‘હેંડો, તળાવે નહાવા જઈએ.’ મને થયું કે આ જરૂર ડૂબકાં ખવડાવશે. અમે ના પાડી, પણ એ માને એમ નહોતો. કચવાતે મને અમે તૈયાર થયા.
વરસાદ એ વર્ષે ખૂબ સારો હતો એટલે તળાવ ભરેલું હતું. પાણી પર જળકૂકડીઓ તરતી હતી. કાંઠા પરના એક ઝાડના છાંયડે અમે ઊભા રહ્યા. ભોળીદાસે એનું પહેરણ અને અંદરની બંડી કાઢીને મને આપ્યાં. કહે: ‘હાચવીને બેહજે.’ પછી એના લેંઘાની બાંયો ઊંચી ચઢાવીને એ પાણીમાં પડ્યો. ‘જો ઢબુ!’ કહીને એ બે હાથે અને બે પગે પાણી ઉછાળતો આગળ નીકળી ગયો. થોડે દૂર જઈને બોલ્યો: ‘ખાટલી કરું?’ ને એના હાથપગ ઊછળતા બંધ થઈ ગયા. એ તરતો હતો – જાણે લાકડાનો ટુકડો પડ્યો હોય એમ. એનું માથું દેખાતું હતું અને બાકીનું શરીર પાણીની સપાટીની નીચે તરતું હતું.
છાત્રાલયના વિદ્યાર્થીઓને તળાવમાં નાહવાની મનાઈ હતી. તળાવ ઊંડું હતું અને ભૂતકાળમાં એકાદ કિશોર ડૂબી ગયાનો બનાવ બન્યો હતો. તળાવમાં મગર છે એવી વાયકા પણ ખરી. અમે પાળ પર ઝાડ નીચે બેઠા હતા; પણ મનમાં ફડક હતી. જો કોઈ જોઈ જશે અને ગૃહપતિને કહેશે તો મુશ્કેલી થશે. રાધેશ્યામ અને હું ઝાડ પર ચડી ગયા, જેથી કોઈ જોઈ શકે નહિ. અરધો-પોણો કલાક થયો હશે; પણ ભોળીદાસ કિનારે આવતો નહોતો. ઊલટું એ દૂર અને દૂર સરતો જતો હતો. રાધેશ્યામ કહે કે એ જબરો તરવૈયો છે એટલે એને ડૂબવાની ચિંતા નથી.
થોડી વારે એક જીપ ધૂળ ઉડાડતી આવી અને ઊભી રહી. એમાંથી કોઈ ઠાકોર હાથમાં બંદૂક લઈને ઊતર્યા. જીપ કોઈ સ્ટેટની હતી. ઠાકોરની સાથે બીજા બે જણ હતા. એક બોલ્યો: ‘એં મગર ભળાય… બરાબર નિશાન તાકજો બાપુ, હોં?’ બાપુએ ઝાડ નીચે બેસીને બંદૂક તાકી. અમે બૂમાબૂમ કરીને ઝાડ પરથી પડતું મૂક્યું ને બાપુ તેમ જ એમના સાગરીતો ગભરાઈ ગયા. અમે એમને કહ્યું કે પાણીમાં તરે છે તે મગર નથી; પણ એક છોકરો છે. અમે બૂમો મારીને ભોળીદાસને બોલાવ્યો. એ ઢબતો ઢબતો કાંઠે આવ્યો. બાપુને શું કરવું કે શું કહેવું તે સમજાયું નહિ.
‘અતારે ખરા બપોરે તે તળાવમાં તરાતું હસી? કોક મગર જોંણીને મારી નાંખસી તાણે હમજણ પડસી.’ બાપુ બોલ્યા ને જીપમાં ગોઠવાયા. ધૂળ ઉડાડતી જીપ ચાલી ગઈ. ભોળીદાસને પછી આખી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. અમારા હાથ-પગ છોલાયા હતા તે એણે જોયું. એણે જલદી જલદી કપડાં પહેરી લીધાં અને અમે રૂમમાં આવી, બારણાં બંધ કરી, પથારીમાં પડ્યાં. ત્રણેનાં હૃદય જોરથી ધબકતાં હતાં.
આ બનાવ પછી ભોળીદાસનું વર્તન અમારા પ્રત્યે બદલાઈ ગયું. પહેલાં તો આ વાત એણે કોઈને કરી નહિ. મનમાં બીક હતી કે ગૃહપતિ જાણી જશે તો વાતનું વતેસર થશે; પણ એણે બીજા વિદ્યાર્થીઓને પૂછવા માંડ્યું: ‘અલ્યા, હું કોંય મઘ્ઘર જેવો લાગુ સુ?’ વિદ્યાર્થીઓને પહેલાં તો આવા ઓચિંતા પ્રશ્નથી કંઈ સમજાયું નહિ; પણ સૌને થયું કે ભોળીદાસને કંઈક થઈ ગયું છે. પછી એનું નામ ‘ભોળો મગર’ પડ્યું!
ભોળીદાસ ફરવાનો અને તરવાનો શોખીન. રવિવારે બપોરે અમે ચાલતા થોડે દૂરના એક નાનકડા શહેરમાં જઈએ. રસ્તે ખેતરો આવે અને ભોળીદાસનો જીવ ઝાલ્યો ન રહે. વાડ પાસે જગ્યા જોઈને એ અમને બધાને બેસાડે. પછી ઊભો થઈને અનાજમાં કાતરા પડ્યા હોય એ વીણી લાવે, રેતીમાં ખાડો કરી વચ્ચે ટેકરી જેવું રાખી કાતરા ખાડામાં નાખે અને એક મળી લઈ ઘાણીમાં ફરતા બળદની જેમ અમને દોડાવે! ચોમાસામાં લાલચટ્ટક ઇન્દ્રગોપ એ ખિસ્સામાં ભરી લાવે. ઇન્દ્રગોપને એ ‘ભગવાનની ગાય’ કહે. ઇન્દ્રગોપની મખમલી ત્વચા પર હાથ ફેરવે અને એક પ્રકારનો પ્રાકૃત આનંદ અનુભવે. જીવડાં, પ્રાણીઓ, પંખીનું એને ભારે આકર્ષણ. પશુપક્ષીના જાતજાતના અવાજો કાઢતાં એને આવડે. ગધેડાં સાથે જાણે એને પૂર્વ ભવનો સંબંધ. રસ્તે ગધેડાં ચરતાં જુએ તો રાવળિયાને પૈસા આપે અને ગધેડા પર સવારી કરે. ‘પાટી લેવડાવું?’ કહેતો એ ગધેડા પર ચડી બેસે. પીઠ પર મધ્યમાં નહિ; પણ જરા પાછળ બેસે અને નીચે પોતાના બે પગની આંટી મારે. પછી ગધેડાની ગરદન પકડીને વળગી પડે અને હાંફી જાય ત્યાં સુધી દોડાવે! રાવળિયા પાસેથી બીડી-દીવાસળી લઈ બીડી ચેતાવે અને ઊંડો કસ ખેંચે. ચાર-પાંચ ફૂંકમાં બીડી ખલાસ કરી નાખે. ‘મન કોંય હેવા નથ, હો.’ એમ કહે અને પાછો ડાહ્યોડમરો થઈ ચાલવા માંડે. અમારાથી આગળ નીકળી જાય અને રાહ જોતો રસ્તા વચ્ચે જ બેસે. બેઠો બેઠો એ એના વિચિત્ર અવાજમાં ગીત ગાય તે શાંત વાતાવરણમાં અમારા સુધી વહ્યું આવે:
‘તું તો બેઠો બેઠો બરણી ઉઘાડે,
ઓ માતમા ગોંધીજી!’
મહાત્મા ગાંધીજી શા માટે અને કંઈ બરણી ઉઘાડતા હશે એ હજી સુધી હું સમજી શક્યો નથી! એનાં લગભગ બધાં ગીતો સમજુ માણસ માટે સમજશક્તિની બહારનાં હતાં! કોઈ યુવાન સ્ત્રીને રસ્તે જતી જુએ તો એ ખૂબ ધીમેથી ગાય:
‘લાડી હળવી હળવી હેંડ્ય,
લાડી કોંકરીનો કૂચો!’
મૂળમાં ‘કાંકરી ન ખૂંચે’ એવું કંઈક હશે; પણ અર્થની ભોળીદાસને ક્યાં પડી હતી?
એક શનિવારે એ વાત લાવ્યો કે છાત્રાલયના સૌ વિદ્યાર્થીઓએ એક દૂરના ગામની શાળામાં એક નેતાનું ભાષણ સાંભળવા જવાનું છે. મેં આ પ્રદેશ જોયેલો નહીં એટલે ગામ કેટલું દૂર હશે તેનો કંઈ ખ્યાલ નહોતો. ‘ચારેક ખેતરવા જ સ.’ ભોળીદાસે કહ્યું અને અમે નીકળ્યા. લગભગ સાડાબારના સુમારે બપોરે અમે નીકળ્યા હોઈશું અને સાડાત્રણ વાગવા આવ્યા તો ય ગામ દેખાતું નહોતું! વચ્ચે બીજાં ગામો આવતાં હતાં અને રસ્તો ખૂટતો નહોતો. ભોળીદાસ તો લાંબી ફલંગે ચાલે અને અમારે લગભગ દોડવા જેવું કરવું પડતું. ‘એ જણાય… હેંડો, ‘લ્યા’ કરતો એ આગળ જતાં બૂમ મારે પણ ગામ તો દૂર ને દૂર સરતું હતું! સાંજે પાંચેક વાગ્યે પહોંચ્યા ને જઈને જોયું તો નેતા આવીને ભાષણ કરીને ચાલ્યા ગયા હતા! ‘હેંડો પાસા’ કરતા ભોળીદાસે તો છાત્રાલયનો રસ્તો પકડ્યો! ભૂખ અને થાક બન્ને ભેગાં થયાં હતાં. રસ્તે એક વાડી આવી તેમાંથી કાકડી ભોળીદાસે લાવી આપી. રસ્તેથી જે કંઈ મળતું જાય તે તોડી તોડીને ભોળીદાસ સૌને વહેંચે. અંધારું થવા આવ્યું છતાં છાત્રાલય દેખાતું નહોતું. સૌનો જીવ અધ્ધર થઈ ગયેલો; પણ ભોળીદાસને કશી ચિંતા નહોતી. શિયાળની લાળી સંભળાવા માંડી અને નિશાચર પક્ષીઓના અવાજો પણ આવવા માંડ્યા. રાત હતી તેની એટલી ચિંતા નહોતી, પણ થાક ઘણો લાગ્યો હતો. રાધેશ્યામ તો બેસી જ પડ્યો. એની સાથે હું પણ બેઠો. બીજા વિદ્યાર્થીઓ આગળ નીકળી ગયા અને એમના અવાજો પણ સંભળાતા બંધ થઈ ગયા. રાધેશ્યામે કહ્યું કે નજીકનું જે ગામ આવે ત્યાંની ધરમશાળામાં કે બીજે ક્યાંક રાત ગાળી નાખીને સવારે ચાલવા માંડીશું. ભોળીદાસ તો ઘણે દૂર નીકળી ગયો હતો.
થોડી વારે ઊભા થઈ ચાલવા માંડીએ ત્યાં તો ‘હૂહૂહૂહૂ’ અવાજ કરતો જાણે કોઈ વંટોળિયો ધસી આવતો હોય એમ ભોળીદાસ આવી પહોંચ્યો. ‘હેંડો લ્યા, બેહકોર બળદિયા પેઠમ બેહી સુ ર્યા સો?’ બોલતોક ને એ બેસી ગયો. પછી મને કહે: ‘મારું ભોડુ ઝાલીને ખભે બેહીજા!’
અમે કહ્યું કે અમે સવારે આવીશું; પણ એ માને શેનો? મને ખભે બેસાડીને એણે અંધારામાં ચાલવા માંડ્યું. કેટલીક વાર પછી મને ઉતારીને રાધેશ્યામને ઊંચકી લીધેલો. મોડી રાતે અમે છાત્રાલયમાં પહોંચ્યા. મારામાં તો બોલવાના ય હોંશ ન મળે. ભોળો કહે: ‘ભૈબંદને કોંય મારગ વચાળે સોડાય?’
છાત્રાલયમાં આઠ આઠ વિદ્યાર્થીઓની ટુકડીઓએ વારા પ્રમાણે રબારીવાસમાં દૂધ દોહડાવવા માટે જવું પડતું. ભોળીદાસ અમારી ટુકડીમાં હતો. વારો આવે ત્યારે અમે વહેલા તૈયાર થઈ જઈએ. ભોળીદાસ મોંમાં દાતણ ચાવતો અમારી સાથે આવે, ગાયો બાંધી હોય ત્યાં વિદ્યાર્થીઓએ થોડા થોડા અંતરે ગોઠવાઈ જવાનું. રબારી કે રબારણ ખાલી બોઘરણું વિદ્યાર્થીને બતાવે અને પછી ગાય કે ભેંસ દોહવા બેસે. ભોળીદાસ રબારીવાસમાં પેસતાં જ વિચિત્ર અવાજ કાઢીને બૂમ મારે: ‘વીહો… વીહો…’ બૂમના ઉત્તરમાં એક ખોરડામાંથી અવાજ આવે: ‘ઊ…એ…ઊ…એ…’ છેક ખોરડા સુધી પહોંચીએ ત્યાં સુધી આ બન્ને પ્રકારના અવાજો ચાલુ રહે! ખોરડાની આગળ ઢાળેલા કાથીભરેલા ખાટલામાં અમે બેસીએ. ભોળીદાસ ખોરડાની અંદરથી પાણીનો લોટો ભરી લાવી કોગળા કરે. અમે ગાયોના વાડામાં ગોઠવાઈ જઈએ અને વીહો રબારી તેમજ ભોળીદાસ ઊંટના વાડામાં જાય. વીહો એક લાકડી પોતાની બગલમાં ટેકવી ઊભો ઊભો સાંઢણી દોહીને દૂધભરેલી નાનકડી બોઘરણી ભોળીદાસને આપે તે એ ઊભો ઊભો પી જાય!
‘વીહો સાંઢણીનું દૂધ મફત કેમ પીવડાવે છે?’ રાધેશ્યામે એક વેળા પૂછ્યું.
‘દેહઈ ઊંટડીના દૂધના પૈસા કદ્દી લેતો હસી?’ ભોળીદાસે કહ્યું. પછી ઉમેર્યું: ‘ઊંટડીનું દૂધ રાખી ના મેલાય. મંઈ કીડા પડે.’
પછી વીહો ગાયો દોહવા બેસે. વીહા પાસે ઘણી ગાયો હતી એટલે એને મદદ કરવા ભોળીદાસ પણ એક બોઘરણું લઈ દોહવા માંડે. બન્ને વચ્ચે ઢોરનાં લક્ષણ-અપલક્ષણની વાતો ચાલ્યા કરે; પણ એમની વાતચીતના ઘણાખરા શબ્દો મારાથી ન પકડાય. એ પછી બોઘરણાં ઊંચકીને રબારીઓનાં છોકરાં છાત્રાલય તરફ ચાલવા માંડે. રસ્તે ક્યાંક દૂધમાં પાણી ના નાખી દે એની તકેદારીમાં ભોળીદાસ બરાબર એમની પાછળ પાછળ ચાલે!
શાળાના વાષિર્કોત્સવ પ્રસંગે મનોરંજન કાર્યક્રમમાં દરેક વર્ગના વિદ્યાર્થીઓએ એક ચીજ રજૂ કરવાની હતી. અમારા વર્ગશિક્ષકે પ્રેમાનંદના ‘ઓખાહરણ’ પરથી એક નાનકડું ‘નાટક’ તૈયાર કર્યું હતું. વર્ગમાં શકરચંદ નામનો એક તીણા અવાજવાળો છોકરો હતો. તેને ઓખાનું પાત્ર આપ્યું. રાધેશ્યામને કૃષ્ણનું અને મને અનિરુદ્ધનું! ભોળા શંભુ માટે ભોળો પસંદ થયો! પણ એક સમસ્યા ઊભી રહી હતી: ચિત્રલેખાના પાત્ર માટે પસંદગીનું કામ મુશ્કેલ હતું. સ્ત્રી જેવા દેખાવવાળો છોકરો મળે તો એનામાં અનિરુદ્ધને હીંચકા સાથે ઊંચકવાની તાકાત ન હોય અને તાકાતવાળો છોકરો મળે તો એ સ્ત્રી જેવો દેખાય નહીં! બહુ વિચાર પછી વર્ગશિક્ષકે નક્કી કર્યું કે હિંડોળાખાટ પર ઊંઘતા અનિરુદ્ધને સાચેસાચ સ્ટેજ પર તો લાવવો જ અને તે પણ ઊંચકીને! ભોળીદાસ વિના વર્ગના બીજા કોઈ વિદ્યાર્થીનું આ ગજું નહિ! પણ એને સ્ત્રી જેવો બનાવવો શી રીતે એ પ્રશ્ન હતો. રિહર્સલ વખતે મે હિંડોળાખાટ પર ઊંઘતો એ ખરેખર ઊંચકે એટલું જ નહીં; પણ ખાટને બે હાથ પર ઊંચી કરીને આખા સ્ટેજ પર બે-ત્રણ આંટા મારે! મને મનમાં ફફટાડ રહે કે જો પછાડશે તો મારું એકેય હાડકું આખું નહિ રહે!
જે દિવસે નાટક રજૂ થવાનું હતું તે દિવસે બપોરે હજામને બોલાવી વર્ગશિક્ષકે ભોળીદાસની બે વાર દાઢ છોલાવી, માથે સુગંધી તેલ નખાવીને એના બરછટ વાળ ચળકતા કરાવ્યા અને રાત્રે કોઈક વણિક ગૃહસ્થને ત્યાંથી માગી લાવીને મોંઘી જાતની ઓઢણી ઓઢાડી! કપાળની મધ્યમાં નાનો ગોળ ચાંલ્લો કરી ભોળીદાસ ચિત્રલેખા રૂપે તૈયાર થઈ ગયો. હિંડોળાખાટ સાથે મને ઊંઘતો બે હાથે ઊંચકી ભોળીદાસ સ્ટેજ પર અદાથી ફર્યો અને ધબાક દઈને ખાટ સ્ટેજ પર મૂકીને ઓખા સામે ફરીને બોલ્યો: ‘આ લઈ આવી સખી, તારું રતન… એને જાળવજે કરી જતન!’ એના બુલંદ પુરુષ અવાજમાં આ વાક્ય સાંભળીને શ્રોતાઓ હસી હસીને બેવડ વળી ગયા!
સ્ટેજ પર ખાટ મૂકીને એ પરદા પાછળ ભાગ્યો. એણે હવે શંકરનો પાઠ ભજવવાનો હતો. શ્રીકૃષ્ણ અને મહાદેવજી વચ્ચેનું યુદ્ધ? મવાનું હતું. રાધેશ્યામ માથે મોરમુકુટ પહેરીને હાથમાં ધનુષબાણ લઈને તૈયાર થઈ ગયો હતો. યુદ્ધમાં સૌ પહેલાં મારે શંકર સામે લડીને મૂર્છા ખાવાની હતી અને પછી તરત જ રાધેશ્યામે ઝંપલાવવાનું હતું. શંકરના રુદ્ર રૂપમાં ભોળો માથે જટા બાંધીને, શરીરે ભસ્મ ચોળીને, હાથમાં ત્રિશૂળ લઈને સ્ટેજ પર આવ્યો. આવતાંની સાથે જ એણે ‘છે તૈયાર?’ – ની બૂમ મારી મને કમરેથી પકડી ખૂણામાં ફગાવ્યો! સારું હતું કે મારે મૂર્છા ખાવાની હતી, જો ઊભા થવાનું હોત તો તો હોશકોશ જ નહોતા. રાધેશ્યામે શ્રીકૃષ્ણ રૂપે જબરી ટક્કર લેવાની હતી. ભોળીદાસે પહેલાં તો એને કૂદવા દીધો; પણ પછી બે હાથે ઊંચકીને ઊંચે ઉછાળ્યો! રાધેશ્યામના હાથમાંથી ધનુષબાણ પડી ગયાં અને ‘ભોળા મગર, તારી ગાય!’ની બૂમ એનાથી પડાઈ ગઈ! અમારા વર્ગશિક્ષક પરદા પાછળથી સ્ટેજના એક ખૂણામાં ધસી આવ્યા. એમને જોયા એટલે ભોળીદાસે રાધેશ્યામને જવા દીધો!
નાટક પૂરું થયું. સદ્ભાગ્યે કોઈને ઈજા થઈ નહોતી. ભોળીદાસ દોડતો મારી અને રાધેશ્યામની પાસે આવ્યો: ‘બઉ વાગ્યું સ? હહરીની ઝોંઝ ચડી જઈ તમાં. તમને કોંય મારું?’ ને એ હસી પડ્યો.
મારે આ શાળામાં લાંબો વખત રહેવાનું નહોતું. ટર્મની આખરે મારા પિતાજી આવ્યા. મારે વડોદરા જવાનું હતું. વહેલી સવારે અમદાવાદ જતી ટ્રેન પકડવાની હતી. મારે અને મારા પિતાજીએ ગૃહપતિના નિવાસસ્થાને રાત ગાળવાની હતી ને મળસકે ચારેક વાગ્યે ઘોડાગાડી આવવાની હતી. રાત્રે ‘ઊઠો, ઊઠો’નો અવાજ આવ્યો. મેં જોયું તો બંધ બારીની ઉપરના ઊંચા વેન્ટિલેશનમાં કોઈકનું ડોકું દેખાતું હતું. ‘ટેંમ થઈ જ્યો સ. ઊઠો.’ અવાજ ભોળીદાસનો હતો. મારા પિતાજીએ જોયું તો ઘડિયાળમાં હજુ બે વાગ્યા હતા! બારણું ખોલીને ભોળીદાસને અંદર બોલાવ્યો. કહે: ‘મન ઈંમ ક ચ્યાર વાગી જ્યા હસ.’
‘તું ઊંઘ્યો નથી?’
‘ઊંહું.’
‘લે આડો પડ.’ મેં એને એક ગોદડું પાથરી આપ્યું. અમે બન્ને ઉઘાડી આંખે પડી રહ્યા. કલાક પછી દાતણપાણી કરી અમે તૈયાર થઈ ગયા ને ઘોડાગાડી આવી. ભોળીદાસે મારો સામાન એમાં ગોઠવ્યો.
‘કાગળ લખજે. વડોદરા આવજે.’ મેં કહ્યું, પણ એ એક અક્ષરે ય બોલ્યો નહિ. આછા અજવાળામાં એની આંખમાં મેં આંસુ જોયાં. ના, એ મગરનાં આંસુ નહોતાં! ઘોડાગાડીવાળાએ ડચકારો કર્યો અને ગાડી ચાલી. આછા અંધકારમાં એક હાથ ઊંચો થઈને અંધારામાં ઓગળી જતો હું જોઈ રહ્યો.
ટ્રેન વેગમાં દોડતી હતી અને સૂર્યોર્દય થઈ ગયો હતો. મને યાદ આવ્યું કે આજે રબારીવાસમાં જવાનો અમારો વારો હતો. ભોળીદાસનો અવાજ પડઘાતો હશે: ‘વીહો… વીહો…’ ને સામેથી અવાજ આવતો હશે: ‘ઊ…એ…ઊ…એ…’ આજે કદાચ એ અવાજ નહિ સંભળાતો હોય એ વિચારે મારી આંખમાંથી આંસુનાં બેત્રણ ટીપાં ટ્રેનની બારી બહાર સરી પડ્યાં…