૫. મૂળીમા

‘ગોંડા મુંહાળના, ચ્યોંણે આયો?’

વડોદરામાં માધ્યમિક શાળામાં હું અભ્યાસ કરતો હતો ત્યારે વૅકેશનમાં પંદરેક દિવસ માટે મહેસાણા જિલ્લાના એક ગામડામાં એક સંબંધીને ત્યાં આવતો. ગામ નાનું. સાંજે અમે થોડાક મિત્રો ગામ બહાર લટાર મારવા નીકળીએ ત્યારે ગામના એક છેડે આવેલા ખડકીબંધ ઘરના ઓટલા પર બેઠેલાં એક ડોશીમા આ શબ્દોથી મારું સ્વાગત કરે: ‘ગોંડા મુંહાળના, ચ્યોંણે આયો?’ શરૂઆતમાં તો મને આઘાત લાગેલો કે આ ડોશીમા મારા મોસાળને શા માટે ગાંડું કહે છે. એક વેળા ડોશીમાને મેં ઊંચા સાદે પૂછ્યું: ‘મને ગાંડા મોસાળનો કેમ કહો છો?’

પ્રશ્ન સાંભળતાં જ ડોશી ટટ્ટાર થઈ ગયાં! કહે: ‘હાંમે બોલતાં શીશ્યો સ? ગોંડા મુંહાળના!’ મેં ઘેર જઈ ફરિયાદ કરી કે ગામને છેડે રહેતાં ડોશી મને ગાંડા મોસાળનો કહે છે. સૌ હસી પડ્યાં. કહે કે એ તો મૂળીમા છે. સૌને એ ગાંડા મોસાળનાં કહે છે. પ્રેમથી બોલાવવાની એમની આ રીત! મેં પછીથી જોયેલું કે ડોશી એમના એકના એક દીકરાને પણ ‘ગોંડા મુંહાળનો’ કહીને જ પ્રેમભર્યો ઠપકો આપતાં!

ગામના છેવાડે મૂળીમાનું ઘર. એ પછી ખેડૂતોના ચાર ભરેલા વાડાઓ શરૂ થાય અને પછી ખેતરો. એક રસ્તો ત્યાંથી મહાદેવના મંદિરે જતો. સવારે કે સાંજે ત્યાંથી પસાર થઈએ ત્યારે મૂળીમા અચૂક ઓટલા પર બેઠાં હોય, કોઈ એ રસ્તે થઈને નજીકના ગામડે જતું હોય, તો મૂળીમાં પૂછે: ‘ગોંડા મુંહાળના, ગોંમ હેંડ્યો?’ આખા ગામનાં એ મૂળીમા. ગામ આખું એમનો સ્વભાવ જાણે એટલે કોઈ ખોટું ન લગાડે. મૂળીમા સાઠેક વરસનાં હશે. સંસારની તડકીછાંયડીએ એમના દેહની ઉંમર વધારી મૂકેલી. બાકી મોંનો સિક્કો કહી આપે કે જુવાનીમાં ખરેખર રૂપાળાં હશે.

ઘરમાં બે જણ – મૂળીમા અને એમનો પાંત્રીસેક વર્ષનો દીકરો નટુ. નટુ અડબંગ હતો એટલે કોઈ કન્યા આપતું નહોતું. નટુના જન્મ પછી તરત જ મૂળી ડોશી વિધવા થયેલાં, એકલે પંડે મહેનત કરીને એમણે ઘર ચલાવેલું અને નટુને મોટો કરેલો. એક ખેતર હતું તે વેચીને નટુના બાપનું કારજ કરેલું. ઘરમાં પેસતાં જ ગરીબી દેખાય. નટુ ગામમાં એક ઠાકોરની હોટેલમાં નોકરી કરે. વહેલી સવારે ઊઠીને નોકરીએ જાય તે રાતના મોડેથી ઘેર આવે. બપોરે ખાવા માટે ઘરે ઊભો ઊભો આવી જાય. એના ટૂંકા પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ; એટલે ડોશી ઉનાળામાં કાલાં ફોલીને થોડા રૂપિયા ભેગા કરી લે. ઓટલા પર કાલાં ફોલતાં ડોશી બેઠાં હોય અને અમે પસાર થઈએ ત્યારે કહે: ‘ગોંડા મુંહાળના, હેંડો આ ઘડી નેંઠાડવી સ.’ અમે કાલાં ફોલાવીએ અને ડોશીમા બધું રૂ ભેગું કરી પછેડીમાં બાંધી માથે ઊંચકી છેક જિનમાં આપવા જાય.

એક વેળા હું એકલો જતો હતો અને મૂળીમાની બૂમ સંભળાઈ: ‘ગોંડા મુંહાળના, ઓંમનો આય.’ હું ઘરમાં ગયો. ઘર છાણમાટીથી લીપેલું અને ચોખ્ખાઈ તરત નજરે ચડે એવી. મને ઓશરીમાં બેસાડીને એ ઓરડામાં ગયાં. એમનું બધું હલનચલન હું જોઈ શકતો હતો. ઓરડામાં સામી પછીતે ગોઠવેલા એક મજૂસમાંથી ડોશી એક પીળું પડી ગયેલું ચોપાનિયું લઈ આવ્યાં. કહે: ‘વોંચ.’

ચોપાનિયું એમની જ્ઞાતિનું એક પત્ર હતું. એમાં પાછળના પાને એક પુરુષનો ફોટો છાપેલો હતો. માથે ફાળિયું, મોટી મૂછો, એક આંખ ફાંગી, કપાળમાં ચાંલ્લો. નીચે નામ હતું. સોમનાથ પરસોત્તમ. ફોટાની ઉપર છાપેલું હતું: ‘જેમના સ્મરણાર્થે રૂપિયા એકાવન મલ્યા છે.’

‘ઓળશ્યા?’ ડોશીએ પૂછ્યું.

મને કંઈ સમજ ન પડી.

‘નટિયાનો બાપો સ. અંમર થઈ જ્યા.’

મેં સાંભળેલું કે નટુના બાપનું કમોત થયેલું. એ જિનમાં ચોકિયાત હતા. એકવેળા રૂ ભરેલા ખટારા પર બેસીને અંધારી રાતે આવતા હતા ત્યાં ઝાડની ડાળીઓમાં ભરાઈ ગયેલા. ખટારો ગામમાં આવ્યો ત્યારે ખબર પડી કે ઉપર બેઠેલો સોમનાથ તો નથી! ક્યાંક ઊતરી ગયો હશે તો કાલે સવારે ચાલતો આવી પહોંચશે એમ સૌએ ધારેલું; પણ બીજા દિવસે બપોરે તો ખબર આવી કે ગામથી બેત્રણ ગાઉ ઉપર એક નેળિયામાં આખા શરીરે ઉઝરડાયલી સોમનાથની લાશ પડી હતી. ફોટો જોઈને હું વિચારમાં પડી ગયો. ડોશી છપાયેલી છબીમાં અમરતા જોતાં હતાં.

‘નટિયાના બાપને કોંય કડપ! કોંય કડપ! હરફ કાઢું તો હાથ આયું ઈ સૂટુ ફેંક. આ જોયો મારી આંશ્ય ઉપરનો ઘા? સૂટુ દાતઈડું જ ફેંકેલું. ઈમોંનું મારા નટિયામાં કોંય ના મલે.’ પછી થોડી વારે ઉમેર્યું: ‘આદમીમોં કડપ તો જોવ જ ન, હેં બૈ? દહ વરહની પૈણીન આયી’તી, ઈંયોની મુસો ભાળીન જ તંમર આવ. ને ઇંયોની ઓંશ્યુ જોઈન તો ધરુજી ઊઠતી.’ ફોટો જોઈને ડોશી સ્મૃતિઓમાં ખોવાઈ જતાં.

એ પછી તો અનેક વાર મને ડોશી બોલાવે, બેસાડે, પાણી પાય અને પેલું પીળું પડી ગયેલું ચોપાનિયું કાઢીને કહે: ‘લે, વોંચ.’ હું નામ વાંચી સંભળાવું એટલે ડોશીના મોં પર આનંદ છવાઈ જાય અને બોલે: ‘અંમર થઈ જ્યાં.’ 

એક સાંજે હું મહાદેવનાં દર્શન કરી ગામમાં આવું ત્યાં ખડકીમાંથી મૂળીમાનો અવાજ સંભળાયો: ‘લે, રોંડ ખા. નકર તારો હણી જો આવશી તો કશું નંઈ મેલ.’ હું ચોંક્યો. કોને કહેતાં હશે આવું બધું! ખડકીનું બારણું ખોલીને જોઉં તો ડોશી એક કાળી કૂતરીને રોટલાનો ટુકડો નાખીને ઓશરીમાં બેઠાં બેઠાં બોલતાં હતાં! મને જોઈને કહે: ‘આય ભૈ આ કાળીન ને રાતડાન બે વખત ખાવાનું નાખું; પણ બધું મૂઓ રાતડો જ ખઈ જાય. ને તો ય લટુડી થઈન કાળી ઈંની વોંહ વોંહ ફર્યા કર.’ બોલીને ડોશી હસી પડ્યાં. હસે ત્યારે બોખું મોં કરચલીઓથી મઢાઈ જતું. 

દિવાળીના એક વૅકેશનમાં હું ગયો તો એક સાંજે થોડી સ્ત્રીઓને ભેગી કરીને ડોશી કહેતાં હતાં: ‘મારા નટિયાની વઉન મીં તો સોણામાં ભાળી. નેંની ઢેંગલી જ જોઈ લ્યો. માથ ઓઢણી ઓઢેલી ન ખિલખિલ કરતી કોંય હસ કોંય હસ.’ થોડા દિવસ પછી વાત જાહેર થઈ કે નટુનું સગપણ કર્યું ને માગસરમાં લગ્ન લેવાનાં છે! એવી પણ વાત બહાર આવી કે કન્યા આઠ-નવ વર્ષની છે અને કન્યાના બાપને રૂપિયા બે હજાર આપવાના કર્યા છે! લોકો કહેતાં કે મૂળી ડોશી ધડી આપવા જાય ત્યારે ધડીની વચ્ચે બે-ત્રણ ઈંટાળા ગોઠવી દે ને એટલા વજનનું રૂ કાઢી લે. એવું રૂ વેચીને ડોશી પૈસા ભેગા કરે. એટલામાંથી તો આટલી મોટી રકમ ભેગી ન થાય; પણ કાંકરો કાંકરો કરીને પાળ બાંધી હશે!

આ બનાવ પછી? મેં ડોશીના વર્તનમાં થોડો ફેર જોયો. નટુના લગ્ન લેવાની વાત એ હસીખુશીથી કરે; પણ થોડી વારે એક કાળી વાદળી એમના મોં પર છવાઈ જાય. બીજો ફેરફાર એ જોયો કે અંધારું થતાં ખડકીમાં દીવો થતો તે હવે બંધ થઈ ગયો. ડોશી કહેતી: ‘ભૈ, મોંનશો? મારી ઓંશયુન હવ તેજ જ વેઠાતું નથ.’ 

એ પછીના ઉનાળામાં ગયો તો નટુની વહુને જોઈ. નવેક વરસની છોકરી, અંગ ઉપર એક ઘરેણું નહીં. સવાર-સાંજ એ કૂવે પાણી ભરવા જાય. માથે મોટું બેડું. બેડાના વજનને કારણે ડોક હાલકડોલક થાય. છાતી સુધી ઘૂમટો ખેંચ્યો હોય. નામ એનું પૂરી. અમે મૂળીમાના ઘર પાસેથી પસાર થતા હોઈએ અને પૂરી થોડે છેટેથી પાણી ભરીને આવતી હોય ત્યારે ડોશીનો ઘાંટો સંભળાય: ‘ચ્યારની જઈ’તી! પગ ઉપાડતાં શા ઝાટકા વાગ સ!’ પૂરી બિચારી મહામહેનતે થોડી ઝડપ વધારતી. 

‘થોડી દયા રાખો, મૂળીમા. આ તો છોકરું કહેવાય.’ એક વેળા મારાથી બોલાઈ ગયું. 

‘ગોંડા મુંહાળના, સોકરું શાની સ? મું ય આટલી હતી તોંણ જ પૈણીને આયી’તી. બે હજાર કોંય મફતના નથ આલ્યા!’ હું સમજતો હતો કે ડોશીને બે હજાર પેટમાં દુખતા હતા અને એનો રોષ નાની છોકરી પર ઊતરતો હતો. 

‘લે કાળી, કાળી, કાળી…’ 

મૂળીમાનો ઘાંટો સંભળાતાં કાળી કૂતરી હાજર થઈ જાય. નાનું ગલૂડિયું હતી ત્યારથી ડોશીએ એને ઊછેરેલી. કાળી મોટી થતાં રાતડો ક્યાંકથી આવી પહોંચ્યો હતો. બન્ને ખડકીના ઓટલા નીચે બેસે. રાત્રે ચોકી કરે. મૂળીમા કહેતાં: ‘મારું સેવાડાનું ઘર. કૂતરાં તો જોવ જ તો.’ ગયો ઉનાળો ઊતરતાં કાળીને પાંચ ગલૂડિયાં આવેલાં. મૂળીમા પાંચેયનું જતન કરે, પણ પાંચેયને બાજુનાં ખેતરોમાંથી આવતાં શિયાળ ઉઠાવી ગયાં હતાં. ‘એકોએકને શિતુડા લઈ જ્યાં’ કહીને ડોશી નિસાસો નાખતાં. કાળી ડોશીના પગ પાસે બેઠી હોય ત્યારે એને જોઈને ડોશી કહેતાં: ‘મૂંગો જીવ કોંય કઈ ના અક. પણ હેં ભૈ, ઈંન દલડામાં થાય તો ખરું જ ન!’ 

‘નાની છોકરી એનાં માબાપને મૂકીને આવી હશે તો એના હૈયામાં ય કંઈક થતું હશે ને?’ અમારામાંથી એક છોકરો બોલ્યો. 

‘હેંડ હેંડ ગોંડા મુંહાળના, જીભડો જ વાઢી લઈશ.’ ડોશી તાડૂક્યાં, ઊભાં થયાં અને કાળી માટે રોટલો લઈ આવ્યાં. ‘રોંડ ભફલા જેવી સ. મૂઈન ચ્યોંક મારી જ નજર ના લાગ.’ કહીને ડોશી હસ્યાં. એમના હાથ કાલાં ફોલ્યે જતા હતા. એમના જેટલી અમારી ઝડપ નહોતી; પણ તો ય શક્ય તેટલું કામ કર્યેર્ જતાં હતાં. એટલામાં કોઈનું લગ્ન હશે તે થોડી સ્ત્રીઓ ગાતી ગાતી પસાર થઈ. મૂળીમા રંગમાં આવી ગયાં. ‘ગાવ લી વઉરો’ કહીને મોટેથી એમણે ગાવા માંડ્યું: 

‘કુણ છો રે, કુણ છો રે, કુણ રાયની બેટી રે?
કયી રે નગરીનાં ગરાસણી?
કુણ તમારું નામ રે, કુણ તમારું ગામ રે!
પરણ્યાં કે બાળકુંવારડાં?’ 

ડોશીનો અવાજ કેળવાયેલો હતો. એમને ગાતાં સાંભળીને પૂરી ઘરમાંથી બહાર આવી. આવી બન્યું. ‘હેંડ હેંડ ગોંડા મુંહાળની, કાલાં ફોલતાં જોર પડ સ?’ બિચારી આવી એવી જ પાછી ઘરમાં – ભયનું માર્યું પ્રાણી દરમાં પેસી જાય તેમ. ડોશી બોલ્યાં: ‘હાકો તો રાખવો પડ!’ 

એ પછી એકાદ વર્ષમાં પૂરી મરી ગઈ. મૂળી ડોશી પાછાં એકલાં થઈ ગયાં; કારણ કે નટુ આખો દિવસ બહાર જ રહેતો. કાળી ડોશી પાસે બેઠી હોય. રાતડાને કહે છે કે એક ખટારાએ ચગદી નાખેલો. ખટારાનું નામ સાંભળીને ડોશીની આંખો ફાટી ગયેલી. સોમનાથના મૃત્યુની સ્મૃતિ સાથે ખટારો જોડાયેલો હતો. કાળીને એ કહેતાં: ‘આઘીપાછી જતી નંઈ, નકર તુંય ચ્યોંક ખટારામાં…’ 

એક મોડી સાંજે મહાદેવનાં દર્શન કરી ખેતરોમાં આંટો મારી હું આવતો હતો ત્યારે ખડકીના ઓટલા પરથી મૂળીમાના થોડાક શબ્દો કાને પડ્યા: ‘હવ કંઈ બદરો નથ કે બે હજાર નેંકરે. કાઢવા ચ્યોંથી?’ મૂળીમાની પાસે નટુ બેઠો હતો. અંધારામાં બે છાયાઓને મૂંગી થતી જોઈને હું પસાર થઈ ગયો. આ વખતે પેલો અવાજ ન સંભળાયો: ‘ગાંડા મુંહાળના, શેતરે જ્યો’તો?’

License

શ્રેષ્ઠ અનિરુદ્ધ Copyright © 2019 by નલિની અનિરુદ્ધ ભ્રહ્મભટ્ટ. All Rights Reserved.

Share This Book