૩. નાની કોયલ

જનાવર જીવતાં ઝાલ્યાં રે
મોર કાં બોલે…
કાં બોલે, મોર કાં બોલે,
મારે ટોડલે બેઠો રે મોર…

દિવાળીબહેન ભીલને ગાતાં સાંભળ્યાં છે? એમના અવાજની યાદ આપે એવા અવાજમાં આ પંક્તિઓ સાંભળીને મેં બારીમાંથી બહાર જોયું. વીસેક વર્ષની એક યુવતી હાથમાં તીકમ લઈને મારા કંપાઉન્ડના એક છેડેથી બીજા છેડે જતાં મુક્ત કંઠે ગીત ગાતી હતી. સીસમ જેવો આ ચળકતો વાન, હલેતી કાયા અને આંખોમાં નર્યું બેખબરપણું.

‘શાયેબ, હેંડો શેષ ખાવા.’ વાક્ય પૂરું થતાંની સાથે જ મુક્ત હાસ્ય. એના ભાઈએ એની સામે જોઈ ડોળા કાઢ્યા, ‘આવું તે કંઈ કહેવાતું હશે? ઠપકાભર્યો ભાવ એની આંખોમાં હતો.’

‘ઈંમાં શ્યું? ટોપરાની પરસાદી ખાવાનું ય નો કહેવાય?’ એનાં ભાઈ-ભાભી કે માને એ સહેજેય ગાંઠે એવી નહોતી. મારા મકાનનું થોડુંક કામ મેં ઉકેલ્યું હતું. કામની શરૂઆતનો દિવસ હતો, કડિયાએ કામની શરૂઆત કરતાં પહેલાં શુકન જોઈ નાળિયેર વધેર્યું હતું અને ‘શેષ’ વહેંચાતી હતી. હું એક વાર્તા પૂરી કરવામાં ગૂંથાયો હતો – સાચું કહું તો ગૂંચવાયો હતો. વાર્તા એક વળાંકે આવીને અટકી હતી અને એને આગળ કેમ વધારવી તેના વિચારોમાં મન પરોવાયેલું હતું; પણ આ ગીતની પંક્તિઓ, મુક્ત અવાજ અને પછી સંભલાયેલું રણકતું હાસ્ય મને વાર્તા લખવા દે એમ હતું જ નહિ. હું બહાર ઓટલા પર આવ્યો.

‘લ્યો શેષ. શેષ તો ભઈ ખાવી જ પડે ને? તમે જ ક્યો, શાયેબ!’ હસતાં હસતાં આવીને એણે મને પ્રસાદ આપ્યો. ‘કામ ફત્તે. ટોપરું અસ્સલ નેકર્યું સ.’ – બોલીને એ કામે વળગી.

‘આ લીટો બરાબર ભળાય એવો પાડી આલો. વાંકુંચૂંકું ખોદકામ થશે તો પસી મારો વાંક નંઈ. ઈંમ કરો, દોરી ફરકાવો. પોંહે મંછીપાલ્ટીનો રોડ લાગ્યો સ.’ આટલું બોલીને તીકમ આઘું મૂકીને એ તો બેઠી!

‘ઊભી થા, નાની, ઊભા થા. આ સૂરજ માથે આવ્યો. માને બોલાવું?’ એનો ભાઈ અકળાયો હતો. ‘કામ નો કરવું હોય તો નો કરતી; પણ નખરાં છોડ.’

‘મું નખરાં કરું સું? દોરી ફરકાવો એટલે હાલ તીકમ પકડું.’

એક કુટુંબના જ બધા સભ્યો. ભાઈ પહેલાં મજૂરીએ જતો હતો. મજૂરી કરતાં કરતાં કડિયાકામ શીખ્યો. અને હવે એણે પોતાના કુટુંબનાં માણસોને કામે વળગાડ્યાં હતાં. રોજના પચાસેક રૂપિયા મળતા એમાંથી કુટુંબનું ગુજરાન ચાલતું. એથી પોતાની મજૂરી એ રોજના પચીસ રૂપિયા ગણતો. બાકીનાં ત્રણ જણાં – નાની બહેન, પત્ની અને મા –ની મજૂરી રોજના રૂપિયા નવ લેખે સત્તાવીસ રૂપિયા થતી. શહેરની નજીકના એક ગામડેથી બધાં આવતાં એટલે બસભાડાનો વ્યક્તિદીઠ રોજનો એક રૂપિયો થતો. મા નિયમિત કામે આવી શકતી નહોતી. ક્યારેક એ બીજે કામે જતી તો ક્યારેક ઘરના કામમાં રોકાઈ જતી. સવારે સાડા નવ કે દસ વાગ્યે તો બધાં આવી પહોંચતાં. નાની હાથમાં એલ્યુમિનિયમનું ટિફિન ઝુલાવતી ગીત ગાતી સૌની આગળ ચાલતી હોય.

બંને છેડે ખીલા ઠોકી દોરી બાંધી આપી અને બરાબર દેખાય એવી લીટી ખેંચી આપી એટલે નાનીએ કામ શરૂ કર્યું. કામે વળગે એટલે ઊંધું ઘાલીને કામ કરે.

શનિવારની બપોરે મારી નવ વર્ષની દીકરી ઓટલા પર બેસીને લેસન કરે. લખતી જાય, વાંચતી જાય ને નાની કામ કરે તે જોતી જાય! બેબીને વાંચતી-લખતી જોઈ એટલે નાની કામ છોડીને એની પાસે આવીને બેસી ગઈ. આંખમાં કુતૂહલનો પાર નહીં. માટીવાળા હાથે એણે ચોપડીનાં પાનાં ઊથલાવવા માંડ્યાં. વાંચતાં તો આવડે નહીં, પણ ચિત્રો જોવાની એને મજા પડી.

‘અંગરેચી બોલ જોઉં.’ – કહીને બેબીના હોઠ સો એ તાકી રહી.

‘સી-એ-ટી કૅટ એટલે બિલાડી.’

નાની હસી હસીને બેવડ વળી ગઈ. એકાદ ક્ષણ તો મારી દીકરી છોબીલી પડી ગઈ; પણ નાનીને હસતી જોઈ એ ય હસવા મંડી પડી.

‘તે ભણવામાં બિલાડાં ય આવે?’ નાનીને આશ્ચર્ય હતું! ‘હેં શાયેબ, ભણવાં કૂતરાંબિલાડાં આવે?’ હું ઉત્તર આપું એ સાંભળવાની એને ક્યાં ધીરજ હતી? ઠકેડો મારીને એ ઊભી થઈ: ‘ભાભી, સી-એ-ટી કૅટ એટલે બિલાડી.’

‘તે તું બિલાડી જ છે ને? કામ કર, કામ કર.’ એના ભાઈનો અવાજ પાછળથી આવ્યો. મારી દીકરી એની એક ચોપડી શોધવા ઘરમાં આવી હતી. મને એમ કે નાની હવે એના કામે વળગી હશે. એનો અવાજ આવતો નહોતો, થોડી વારે બેબીની બૂમ સંભળાઈ: ‘પપ્પાજી, આ નાની તો જુઓ…’

‘શું કરે છે?’

‘તમે જુઓ તો ખરા!’

મેં ઊભા થઈને જોયું તો નાનીએ હાથમાં બોલપેન લઈ ઘરકામની નોટબુકનું આખું પાનું ચીતરી માર્યું હતું

‘શું લખ્યું તેં?’ મેં પૂછ્યું.

‘કોયલડી નવ મારીએં રે
આંબલાની રખવાળ મારા વા’લા.’

ગાતી ગાતી એ ઊભી થઈને કામે ચાલી ગઈ. સીધો ઉત્તર આપે તો નાની શેની?

‘આ કો’કને ભારે પડવાની છે, હોં ડોસીમા!’ મારાં બાએ હસતાં હસતાં કહ્યું.

‘પાંચે આંગળિયે જેણે મહાદેવ પૂજ્યા હશે…’ પડોશમાંથી માજીએ ટહુકો કર્યો.

‘મૂઈએ જાતે જ ગોતી રાખ્યો સ.’ નાનીનાં માએ કહ્યું.

‘ઈંની હાર્યે તે પૈણાતું હશે?’ એનો ભાઈ બોલ્યો.

‘ચ્યમ નો પૈણાય? ગરીબ સ તે સુ થઈ જ્યું, હેં માજી? આપડે મેનત કરસું ને એયને રોટલા ખાસું, ખરું કે નંઈ માજી? આપડે ચિયા પૈસાવાળા હતા? આ ભાઈ કામ સીખ્યા તો ભગવાને સામું જોયું નકર મકાદમના ટોણા ખઈ ખઈ મજૂરીમાં શરીરની તો કરચ્યો જ થતી’તી કે નંઈ?’

‘હવે બઉ બોલબોલ નો કર, નાની. બોલકી વળગી સ કે શું?’ એના ભાઈએ નાનીને ટોકી. એ બોલતી બંધ થઈ ગઈ – જાણે ક્યાંક ઊંડે ઊંડે ઊતરી ગઈ. હાથ એકધારું કામ કરતા હતા; પણ યંત્રવત્, એનું મૌન વાતાવરણને ભારેખમ બનાવતું હતું.

‘નાની, પાયામાંથી આ માટી નીકળી છે તે આંગણામાં પાથરી આપીશ?’

‘એકસ્ટ્રા?’

મને એનું આ ‘એકસ્ટ્રા’ ન સમજાયું. હું ન સમજી શક્યો તે એને ન સમજાયું! હું અંગ્રેજી ભણેલો આટલું ય નહિ સમજી શકતો હોઉં એ એની કલ્પના બહારની વાત હતી.

‘શું કહ્યું તેં?’

‘એ એમ કહે છે કે માટી પાથરવાનું કામ રોજના કામની અંદર નહિ ગણાય. એની મજૂરી જુદી લાગશે.’ એના ભાઈએ ચોખવટ કરી.

‘હા, એકસ્ટ્રા. બોલ, ક્યારથી કરીશ?’

‘કાલથી.’

બીજા દિવસે સવારે એ એકલી આવી.

‘કેમ બધાં ક્યાં ગયાં?’

‘બીજે કામ ફિનિસ કરવાનું સ.’ કહીને એણે પાવડો પકડ્યો.

કારીગરોની આ ખાસિયત. એકસાથે પાંચેક જગ્યાએ કામ રાખે. બધાં કામ એકીસાથે શરૂ કરે. એક કામ અધૂરું મૂકી બીજું હાથમાં લે. એ થોડુંક કરી અધૂરું મૂકી ત્રીજું સંભાળે. પછી ત્રીજું અધૂરું છોડી ચોથું શરૂ કરે! ગયા જેવાં તીર્થસ્થાનોમાં શ્રાદ્ધ કરવા જનારાંની જેવી દશા છે એવી દશા મકાનમાલિકોની થતી જોઈ છે. શ્રાદ્ધ કરવા આવેલા અનેક યાત્રાળુઓને માથાના વાળ ઉતરાવવાના હોય. વાળંદ યાત્રાળુને ઘાટ પર બેસાડીને માથે અસ્ત્રો ફેરવે, અરધુંપરધું મૂંડીને ત્રીજાને પકડે! જેટલાં માથાં મળ્યાં એટલાં ખરાં! એકને બપોરના બાર વાગે બેસાડ્યો હોય તો ત્રણેક વાગ્યે એનો ફરીથી નંબર લાગે અને ‘ફિનિશ’ કરે!

‘શાયેબ, આજ તો મું બે વાગે જતી રે’વાની.’

‘કેમ?’

‘પિચ્ચર જોવા.’ બોલતાં બોલતાં એ શરમાઈ ગઈ. હું સમજી ગયો કે એણે જેને પસંદ કર્યો છે તેની સાથે જોવા જવાની હશે.

‘કોણ કોણ જવાનાં?’

‘અમે બે માણહ.’

‘ભાઈએ પૈસા આપ્યા છે?’

‘તમે આપશો ત્યારે સ્તો! દસ રૂપિયા એડવાન્સ દેજો.’

‘કેટલાની ટિકિટમાં જશો?’

‘બાલ્કોની. હાય હાય. માજી, આ શાયેબ તો બદ્ધો તાળો મેળવી જુએ!’

મેં એને પંદર આપ્યા. પાંચ-પાંચની ત્રણ નોટ જોઈ મોં પર હરખનો તો પાર નહીં!

સાડા બારના સુમારે જમી લઈને એ ઓટલા પર બેઠી. મારાં બા આરામ કરતાં હતાં. હું ચોપડી લઈને આડો પડ્યો હતો. મારાં પત્ની રસોડામાં હતાં. બાથરૂમમાં ધડધડધડ પાણી પડવાનો અવાજ આવ્યો. નળ સાવ ખુલ્લો કોણે મૂક્યો તે જોવા મારાં પત્ની રસોડામાંથી આવ્યાં.

‘નાની, શું કરે છે?’

‘હાથ-મોં ધોઉં સું.’

‘પણ આટલો બધો સાબુ?’

‘હી…હી…હી…હી…’

‘આ નાનીને કંઈ કહેશો?’

‘આજ એને પિક્ચર જોવા જવાનું છે એટલે તૈયાર થતી હશે.’

‘અને શાયેબ, રંગે ય પાછો પાકો છે હોં…? ને એ જ મુક્ત હાસ્ય. અમે બધાં એને જોઈને હસી પડ્યાં. પછી તો મારાં પત્નીએ એને ટૅલ્કમ પાઉડરનો ડબ્બો આપીને કહ્યું: ‘થોડોક મોં પર લગાડ.’ એ રાજીના રેડ થઈ ગઈ. અરીસામાં ચહેરો ધારીધારીને જોયો. કપાળમાં ટીલડી કરી. થોડે છેટે સ્ટૅન્ડ પર બસ આવતી જોઈને એણે દોટ મૂકી. જતાં જતાં કહેતી ગઈ:

‘ભઈને કેતાં નંઈ.’

‘આ તોરો ધમકારો!’ મારાં બાથી બોલાઈ ગયું!

ત્રીજા કે ચોથા દિવસે લોખંડનો દરવાજો બેસાડવાનો હતો. મેં જોયું કે આવા દરવાજા કેટલીક વાર નીચે ઊતરી જતા હોય છે અને ભોંય સાથે ઘસડાતા હોય છે. જમીનથી ચારેક ઈંચ ઊંચે રાખ્યો હોય તો વાંધો નહિ આવે, એવો વિચાર કરી મેં કહ્યું: ‘દરવાજો જરા ઊંચો બેસાડજો.’

‘તમતારે જોયા કરો. આ દરવાજો નીચો નંઈ ઊતરે.’ નાની ટહુકી.

‘પણ હું તને ક્યાં કહું છું?’

‘નીચે ઊતરે તો મને બોલાવજો!’

આ બોલકીને મારે શું કહેવું? પણ એક વખત મેં એને મૂંગી થતી જતી જોઈ હતી. પિક્ચર જોઈ આવ્યા પછી બીજા દિવસે માટી પાથરતાં પાથરતાં એ એક જગ્યાએ બેસી પડેલી અને હાથની માટીના રોડા રમાડ્યા કરતી હતી.

‘નાની, આજ તો બહેન કામ જ થયું નથી.’ મારાં બાએ કહ્યું, થઈ રહ્યું. આંખમાંથી આંસુની ધારા વહ્યે જાય! જ્યાં બેઠી હતી ત્યાં જ ઊભી થઈ રહી. પાંચ મિનિટ, દસ મિનિટ, પંદર મિનિટ – હાલે કે ચાલે!

‘બહેન, તને કોઈ વઢતું નથી. આજે તને શું થયું છે?’

બોલે તો નાની શેની? હું સમજતો હતો કે દુષ્યંતના ગયા પછી કણ્વના આશ્રમમાં અન્યમનસ્કા બનેલી શકુંતલા જેવી નાનીની દશા હતી. કામમાં એનો જીવ ચોંટે જ ક્યાંથી? એને રડતી જોઈને સૌના જીવ તાળવે ચોંટ્યા. એને શું યાદ આવતું હશે? એ શું વિચારતી હશે?

‘આપણે કંઈ કામ નથી કરવું. ચાલ, ચા પિવડાવું.’ મારાં બાએ કહ્યું.

એ ઓટલા પર બેસી પડી.

‘ઘેર જવું છે?’

‘અત્યારે નો જવાય, અને જઈને ય શું?’

ચા પીધા પછી એણે પાવડો પકડ્યો. જાણે કશું જ બન્યું નથી તેમ ખિલખિલ હસવા માંડી. થોડી વારમાં તો ગીત ચાલ્યું:

કાં રે પોપટડી પોપટ દૂબળો?
દિહાળે વનફળ વેડવા જાય રે
રાતે તે પોપટ પાંજરે.

સાંજે હું ઘેર આવ્યો ત્યારે નાની દરવાજા અને જમીન વચ્ચેનું અંતર આંગળી વડે માપે! કારીગરે ક્યાં ‘ફિનિશ’ બરાબર કર્યું છે ને બરાબર નથી કર્યું એનું એ ધ્યાન રાખે. જો બરાબર કામ ન થયું હોય તો બધાં સાંભળે એમ મોટેથી સંભળાવે. એક વેળા એની માને કામ બતાવતાં કહે: ‘આ પેલા રામલાએ કરેલું. પચ્ચીસ રૂપિયાનો રોજ કરીને ભઈ ઈને પકડી લાવેલા.’

‘ઈની તો…’ નાનીની મા હજુ વાક્ય પૂરું કરે તે પહેલાં જ નાની બોલી પડી:

‘કાંઈક સારું બોલો સારું.’

‘એનો મિજાજ જ જુદો. આજે દરવાજો ખોલીને બહાર નીકળું છું ત્યારે એના અવાજમાં લોકગીતની પંક્તિઓ જાણે હમણાં જ ગવાઈ હોય એમ સંભળાય છે:

કેમ કરી કોયલ એ વન વસ્યાં
કેમ કરી સૂડોરાણો રીઝવ્યા…
આંબા-આંબલિયે એ વન વસ્યાં
ટહુકડે સૂડોરાણો રીઝવ્યા…’

License

શ્રેષ્ઠ અનિરુદ્ધ Copyright © 2019 by નલિની અનિરુદ્ધ ભ્રહ્મભટ્ટ. All Rights Reserved.

Share This Book