સરિયામ રસ્તેથી નગરનાં
શ્વેત વર્ષો
નીકળ્યાં સરઘસરૂપે
નતમસ્તકે.
આંખ ફાડી, કાળજું ઠારી દઈ,
જોઈ રહ્યો ટાવર.
આકાશમાં કજળે ચિતા,
ઓઢી કફન તેનું
અહીં ફૂટપાથ પર પોઢી ગઈ છે રાત.
કાલ કોને આપશે એ જન્મ
એના ભયે
ભગવાન ઘેલો
ચંદ્રની રસ્તે રઝળતી ખોપરી લઈ હાથમાં
ગીચ ગલીઓમાં ભટકતો
જાય છે ચાલ્યો.
ને માનવી —
(કોનું?) પાડી હાડપિંજર
સૂત્રના ઉચ્ચાર – જોર ચાલતાં!
ઊભો રહી ભગવાન છેડે
બોલતો :
શસ્ત્ર નહિ છેદી શકે,
વાયુ નહિ સૂકવી શકે,
અગ્નિ નહિ બાળી શકે…
મૂર્ખ ભૂતાવળ ત્યહીં
એવી હસે, ડોલે
અને બોલે:
તે તે નથી
તે તે નથી
તે તે —