પવન ઘાસમાં પગલાં મૂકી
મત્ત ધરાની ગંધ સૂંઘતો
જાય છીંકોટા ખાતો.
થંભી થોડી વાર
વાડની પેલી બાજુ,
ડોક કરીને ઊંચી, ભાળી પાછું,
ડોક નમાવી,
ચારે પગથી કૂદી ભડકી
જાય સીમાડા પાર કરીને —
— ને આવે પાછો
આકાશે જોઈ સંધ્યાનું
ફડફડતું રાતું ઉપરણું.
વંટોળ બની ચકરાવો લેતો,
છોડ-ઝાડને ઊંચકી, પટકી, ફેંદી, સૂંઘી
મત્ત ધરાના દેહ ઉપર આળોટી,
રંગો નભના આંખોમાં પ્રગટાવી
ઊભો થાય
અને —
અને પછી તો ધીમે ધીમે ડગલાં ભરતો
ગોપબાલના ડચકારે ડચકારે
જાણે ચાલે.
પાછળ આવે ધણ ગાયોનું?
સમયનાં પગલાંનો અણસાર
— અને ઓ પવન
હજીયે આગળ આગળ ચાલે!