આપણે આવ્યા તે રસ્તા તો હવે બદલાઈ ગયા છે
હરિયાળાં વનોમાં લહેરાય છે
ધોળા ઘોડાના મુખમાંથી સરી ગયેલું ઘાસ
તેજના તણખલા જેવી આંગળીઓના
કૅન્વાસ પર દેવાયા છે થાપા
આદિવાસી કન્યાના લલાટ પરનો સૌભાગ્યચંદ્ર
બની ગયો છે કાળો સૂર્ય
યુનિવર્સિટી રોડ પરનાં વૃક્ષોના પડછાયા
— પારિસનાં મકાનો જેવા —
રસ્તા પર ઢોળાયા છે
એની છાયામાં છાયા બનીને તરતો
— વિસ્તરતો ચાલ્યો જાઉં છું
વડોદરા નગરી મારા મનમાં
સાનમારિનોનો ચિરંતર કિલ્લો બનીને ઝળુંબે છે
અને અજન્તાની ગુફામાં માળો નાખીને પડેલી
થરકતી હવાનો શિલ્પસ્પર્શ પામીને
આવતા રૂપાળા શબ્દો
કિલ્લાના દરવાજા ખોલી નાખવા
ખોલી નાખવા —
તમારી રજા માગે છે.