કહ્યું હતું કોઈકે :
આજે તો છે શરદપૂર્ણિમા.
થયું મને:
ચાલ જઈને જોઉં
નીલસરોવરમાં તરતો
વાલ્મીકિનો એ મરાલ,
કે કાલિદાસની કોઈ યક્ષકન્યાનું
જોઈને મુખ બનું હું ન્યાલ,
કે ભાસ-ભવભૂતિની
કો’ શ્વેતવસ્ત્રા અભિસારિકાની
વેણીમાંથી ખરી પડેલું
સૂંઘી લઉં હું એ ફૂલ,
કે સુણી લઉં હું
કો’ મુગ્ધા પ્રિયતમાનો
પ્રીતિનો એ પ્રથમ શબ્દ!
હું ચાલ્યો.
આસ્ફાલ્ટને રસ્તે સરી રહ્યા પગ,
જેમ કોઈક અબુધ બાળક કને
આવી ચડેલી ચોપડીનાં પાનાં ફરે તેમ.
રસ્તાની બંનેય બાજુ
ઊભાં હતાં આલિશાન મકાનો.
હું જતો હતો
ખૈબરઘાટમાંથી પસાર થતા
કોઈ વાટમાર્ગુની પેઠે.
માનવીઓની વચ્ચે
છતાંય એકલ.
મનના રેતાળ પટમાં
કોઈક વેરી ગયું હતું શબ્દો : શબ્દો :
આજે તો છે શરદપૂર્ણિમા!
— અને જોવાઈ ગયું આકાશ!
આકાશ?
ના, ટુકડો.
જાણે કોઈ દુકાનદારે પડીકું બાંધવા
કાપી લીધેલો ન્યૂઝપેપરનો કકડો!
ને એ જોતાં તો મારી નજરને
ખેલવાં પડ્યાં દારુણ યુદ્ધ!
રોડ પરની નિયોન લાઇટનાં
ઝીલીને બાણ
ઘવાતો હું આગળ ચાલ્યો.
નહોતી ખબર
કે મારે ક્યાં નાંગરવાનું છે વહાણ.
પરુના રેલા નીકળે તેમ
દદડતો હતો વીજળીનો પ્રકાશ,
ને ઘા પર માખીઓ બણબણે
તેમ આવીને બણબણતા હતા
બાજુના મકાનોમાંથી
રેડિયોના અવાજો.
ને લોહીના ટીપા જેવી
ચાલી જતી હતી મ્યુનિસિપાલિટીની બસ.
ટાવરમાં થયા દસ.
શ્વાસ લેવા જેવી જગા શોધીને
હું ઊભો.
સામે છેડે ઊભેલી
ઇમારતને નીરખતો.
એની પાછળનું આકાશ
થતું જતું હતું તેજલ;
ને થોડી વારે દેખાતો ત્યાં ઇન્દુ
જાણે કોઈના મૃતદેહ પર
થીજી ગયેલું અશ્રુ કેરું બિન્દુ!
હું ઊભો હતો.
મારી બાજુમાંથી કોઈક થઈ ગયું પસાર
અને બોલતું ગયું :
આજે તો છે શરદપૂર્ણિમા!