ગામને છેવાડે વેરાઈ માતાનું મંદિર. મંદિરની પાસે જૂનું ખખડધજ પીપળાનું ઝાડ. બન્ને એકબીજાના આશરે જાણે ઊભાં રહેલાં. મંદિર સેંકડો વર્ષે જૂનું હશે. આખેઆખું પથ્થરનું બાંધેલું. પગથિયાં ચડીએ એટલે કમાન પર અક્ષરો વંચાય: ‘વરાહી માતાનું થાનક.’ ‘વરાહી’નું ‘વેરઈ’ થઈ ગયેલું!
ગામમાં એક સંબંધીને ત્યાં પાંચેક દિવસ રહેવા હું ગયેલો. સવારે ખેતરો તરફ આંટો મારું. તળાવડીમાંથી એકાદ કમળ લઈ આવું અને માતાને ચડાવું. પછી પગથિયાં પર બેસું. પીપળાનો પર્ણ મર્મર સાંભળવાની મજા આવે. એકાદ-બે ગ્રામવૃદ્ધો ત્યાં આવીને બેઠા હોય. હું બેઠો બેઠો જોઉં તો માણસો ચાલતાં કે ગાડામાં ત્યાંથી પસાર થઈને એક ખાંચામાં વળી જાય. એ ખાંચામાંથી આવતાં માણસો માતાનાં દર્શન કરીને પોતપોતાને રસ્તે ચાલી નીકળે. ઘણુંખરું બહારગામથી જ આવ્યાં હોય. મને કુતૂહલ થયું. એક વૃદ્ધને પૂછ્યું: ‘આ લોકો ક્યાં જાય છે?’
‘નથ ખબર? કોંનાકાકાને ઘેર. હાટકાં બેહાડવા.’
મેં ખાંચાનો રસ્તો લીધો. સવારના દસ-સાડાદસ થયા હશે. કાનાકાકાની ખડકીમાં બેઠો. એક વિશાળ ચોકમાં માણસો જમા થયેલાં. મેડીબંધ જૂનું મકાન. બારસાખની કોતરણી વીતી ગયેલાં વર્ષોર્ની વાત કહી શકે. ઢાળિયામાં હીંચકો બાંધેલો. ઓસરીમાં એક મજબૂત પાટ પડેલી. એના પર ગોદડું-ચાદર બિછાવેલાં. બારણાને જાળીવાળાં કમાડ. બારણા પર ‘સિકોશા’ના ડાયલવાળું જૂનું ટકોરાવાળું ઘડિયાળ. બારણાની ડાબી બાજુએ મેડા પર જવાનું બારણું પડે. એના પર મહાદેવજીનો મોટો ફોટો ટીંગાડેલો. ઓસરીમાં એક મોટો સાથિયો સિમેન્ટમાં લાલ રંગ નાખીને તૈયાર કરેલો. એનાથી થોડે છેટે હવન માટેની વેદી. એમાં દેવતા જલે અને હોમાતા ઘીની વાસથી આખી ખડકીનું વાતાવરણ એક રહસ્યમતા ધારણ કરે. પાટની પાસે ધૂપિયામાંથી ધૂપ ચારેકોર પ્રસરે. કાનાકાકાનો સત્તરેક વર્ષનો દીકરો ચળકતા લોટા-પ્યાલા લઈને સૌને પાણી પાવાનું કામ કરે.
કાકા સાથિયા પાસે પલાંઠી વાળીને બેઠેલા. પચાસ-પંચાવનની ઉંમર હશે. માથું ઉઘાડું. ઝીણા ઝીણા સફેદ-કાળા વાળ. ચહેરો કઢાવેલો. પાછળ ચોટલી. લાંબી બાંયનું કફવાળું પહેરણ અને પંચિયું પહેરેલાં. કપાળમાં સુખડનો ચાંલ્લો. પહેરણ પર સેરવાળાં ચાંદીનાં બટન. ચહેરો કરચલીઓથી છવાઈ ગયેલો. ખેતરની માટી જેવો શરીરનો રંગ. ધંધો ખેતીનો, પણ બાપદાદાના વખતથી હાડકાં બેસાડવાનું કામ કરે. ખડકીમાં એક બાજુ ગમાણમાં ગાય-ભેંસ બાંધેલાં. ગમાણથી થોડે છેટે ખેતીનાં ઓજારો ગોઠવેલાં.
‘ઓમનાં આવો બુન.’ પાંત્રીસેક વર્ષનાં એક બહેનને કાકાએ પાસે બોલાવ્યાં.
‘ચ્મનુ સ?’
‘કમરે દુખાવો રહે છે.’
‘મટી જશે. આ ધરતીને પગે લાગો. બધો પરતાપ આ ધરતીમાતાનો. એ જ સારું કરે સે. બીજી જગોએ જાઉં તો મારું કોંય ના વળે.’
બહેને વાંકા વળીને સાથિયાવાળી જગ્યાએ નમસ્કાર કર્યા.
‘હવે ઊંધાં સૂઈ જાવ.’
કાકાએ બહેનની કમરે હાથ ફેરવી જોયો. એક જગ્યાએ હાથ અટક્યો. સહેજ દબાવીને કહ્યું: ‘આ દુખાવો.’
‘હા…’
‘રામજી, ફીંડલાં લાય.’
કાકાની પાસે બેઠેલા એક જુવાને ફાળિયાના કપડાને વીંટીને બે ફીંડલાં બનાવ્યાં. કાકાએ પાટથી થોડેક છેટે બન્ને ફીંડલાં વચ્ચે એકાદ ફૂટની જગ્યા રાખીને ગોઠવ્યાં.
‘હવે બુન, આ ફીંડલાંના પોલાણમાં છાતી ગોઠવીને સૂઈ જાવ. મૌંસના લોચાને ના ગોઠવીએ તો પીડા થાય; પડી સમજ? હવે હાથ માથા પર સીધા ઊંચા ખેંચો.’
કાકાએ એક નાની પછેડી લઈ બહેનના ગળાથી નીચે ગોઠવી એના બન્ને છેડા બન્ને બગલમાં બહાર કાઢ્યા અને એ છેડા પાસે પડેલી પાટના એક પાયા સાથે ચસકાવીને બાંધી દીધા.
‘અલ્યા ભૈ, ઓંમના આવો. બેહો આ પાટ ઉપર.’
મને પહેલાં તો ન સમજાયું; પણ પછી ખ્યાલ આવ્યો કે પાટ ખસે નહીં માટે પાંચ-છ જણને બેસવાનું કહ્યું હતું. બીજા બે જુવાનોને નજીક બોલાવીને કહ્યું:
‘બુનના પગ ઝાલી રાખો. હું કઉ એટલે ખેંચજો, હોં!’
કાકાનો હાથ કમરેથી ખસીને બરડાના ડાબા પડખા સુધી પહોંચ્યો. જુવાનોએ પગ બરાબર ખેંચી રાખ્યા હતા. મને કહે: ‘બુનના માથા પર હાથ મૂકી રાખો.’ મેં એ પ્રમાણે કર્યું. થોડી વારે એક ટચાકાનો અનુભવ માથામાં થયો. મારો જીવ ઊંચો થઈ ગયો.
‘કોંય ખબર પડી?’
‘હા.’
‘બધ્ધું બરાબર થઈ ગયું.’
પછેડી છોડી નાખી. બહેન બેઠાં થઈ ગયાં.
‘હવે પલાંઠી વાળીને બેહો.’
કાકાના ઇશારાથી બે જુવાનોએ બહેનના ઢીંચણ પકડી રાખ્યા. કાકાએ બહેનના બન્ને ખભા પકડીને પહેલાં ડાબી બાજુ અને પછી જમણી બાજુ એમ કમરથી ઉપરના ભાગને લગભગ ઝટકા સાથે ફેરવ્યો!
‘હવે બેઠાં બેઠાં આ ધરતીને પરણામ કરો.’
બહેને પલાંઠી વાળેલી અવસ્થામાં માથું નીચે લાવીને ધરતીને નમસ્કાર કર્યા.
‘ઈંમ નંઈ. ભોડું ધરતીને અડાડો!’
થોડીક મુશ્કેલી તો પડી હશે; પણ બહેને માથું ધરતીને અડાડ્યું.
‘વાણિયાનું સોકરું લાગ સ. એ વના ટપ દઈને વાંકું વળી નહિ. મારું બેટું જો પટેલનું હોય તો હજાર નખરાં કરે!’ – કહીને કાકા હસ્યા. બત્રીસીથી આખો ચહેરો શોભી ઊઠ્યો.
‘હવે બુન, આ સીઢીનાં અઢારો અઢાર પગોથિયાં ચડી જાવ. વાઘ પાસળ પડ્યો હોય ઈમ ચડવાનું, હમજ્યાં કની?’
પગથિયાં ચડી-ઊતરીને બહેન આવ્યાં.
‘હવે દુ:ખમાં કંઈ ફેર પડ્યો?’
‘હા…’
‘હવે એક ફરા સૂઈ જાવ. બરોબર. હાથ ઊંચા ખેંચો. હવે ગબડવા માંડો. હાથ વાળવાના નંઈ. હમજ્યાં? હવે ગબડતાં ગબડતાં પાછાં આવો. ઘેર જઈને માંડીમાં રોજ આમ ગબડવાનું. ફૂલકા જેવો દેહ થઈ જશે, હમજ્યાં?’
‘હવે ફળિયામાં આવો.’
ફળિયામાં એક થાંભલાથી બીજા થાંભલા સુધી એક મજબૂત વાંસડો બાંધેલો. એની નીચે એક બાજુએ લાકડાનું એક થડિયું મૂકી રાખેલું.
‘આ બીમ પર ચડી જાવ. વાંહડો ઝલો. બે હાથે બરાબર ઝલી રાખજો; હોં. હવે સરકવા માંડો. હવે દાઢી વાંહડાને અડાડો. વનવાગળાની જેમ ઝોલાં ખાવ. રોજ આમ ઝોલાં ખાસો તો પંખણી જેવો દેહ થસે, હમજ્યાં? હવે હાચવીને બીમ પર પગ મૂકીને નેંચે ઊતરો. વેરઈ માતાનાં દરસન કરી આવો.’
બહેન દર્શન કરવાં ગયાં એટલે કાકાએ બીજો ‘કેસ’ હાથમાં લીધો. બારેક વર્ષનો છોકરો. ઝાડ પરથી પડી ગયેલો અને હાથ ઊતરી ગયેલો. કાકાએ હાથ ચડાવીને પાટો બાંધી આપેલો. પાટો છૂટ્યો પણ છોકરાનો હાથ લાંબો થાય નહિ. એનો બાપ એને ધમકાવીને લઈ આવેલો.
‘સોકરાને કદી ધમકાવાય નંઈ, ભગત!’
‘ભેંકડો જ તાણ્યા કરે સે.’
‘અલ્યા, તું ભેંકડો તાણ સ? તારાં તો લગન લીધાં સ. આવાં વોંકા હાથે પૈણવા જઈશ?’
છોકરાના મોં પર, કોણ જાણે ક્યાંથી તેજ ઝળક્યું!
‘ખાંડુ ઝલીસ કે નંઈ?’
છોકરાએ હકારમાં ડોકું હલાવ્યું.
‘ઓહ, મારો બેટ્ટો!’ બેઠેલાં બધાં કાકાની સાથે હસી પડ્યાં.
‘તો કુંવર, હાથ લાંબો કરો જોઉં.’
‘વાહ મારો દીકરો. વાહ. રોજ આમ કરવાનું, હમજ્યો? જો નંઈ કરે તો સગઈ ફોક થસે ને કન્યા બીજાને જસે, હમજ્યો?’
છોકરાએ ડોકું હલાવ્યું અને ફરી ફળિયામાં હાસ્ય છલકાઈ ઊઠ્યું.
બહેન દર્શન કરીને આવ્યાં.
‘બેટા, ખાડામાં પગ બગ પડી જ્યો’તો?’
‘એકાદ વરસ પહેલાં લપસી ગયેલી.’
‘જાળવીને હેંડવું, મારી દીકરી. લોકોએ જાતજાતના ખાડા ગોડી રાખ્યા હોય સ.’
‘તમને શું આપવાનું, કાકા?’
કાકાની ભમ્મર ખેંચાઈ.
‘ભગવાનનું નામ લ્યો, મારી દીકરી. આપવાવાળો હજાર હાથવાળો બેઠોસ. દીકરીના ઘરનું ના લેવાય. હમજી, બુન જા જાવ, હસતાં હસતાં ઘેર જાવ. આ ધરતીમાતાનો પરતાપ જ એવો સ કે રડતું રડતું આવે ને હસતું હસતું જાય, હમજ્યાં?’
એક બીજાં બહેનનો વારો આવ્યો. કાકાએ એમને એ જ રીતે ઊંધાં સુવાડ્યાં. કમર પર હાથ મૂકીને કહે: ‘ચ્યમનું સ?’
‘કાકા, હાથપગની નસો ખેંચાય છે. ક્યારેક તો લાગે કે અંગો જ જુઠ્ઠાં પડી જશે.’
‘બેટા, કેન્દ્ર સરકાર નબળી પડી સ. રાજ્ય સરકારોનાં ઠેકાણાં પસી ચ્યોંથી હોય! પડી હમજ? થોડો ફાયદો થસે; પણ બરોબર ઠેકાણું પડતાં વાર લાગસે. મનને નબળું પડવા ના દેતાં. સાચેસાચ કઉં? ખોરાક લ્યો છો ઈ પચતો નથ, ઝાડો ચીકણો થાય સ? ઈ કાચો ઑમ, નઈણા કોઠે હરડે લેવાનું રાખો ને ખોરાક હલકો લ્યો.’
‘દૂધ…’
‘દૂધ ખૂબ સારી ચીજ સ. પણ આપણે એને માટે હજુ લાયક નથી. હમજ્યાં? ભેંસનું દૂધ ના લેતાં. બકરીનું લ્યો. એ હલકું સ. એય થોડું થોડું લેવું. પહેલી વાત એ કે જે ખોરાક લઈએ એ પચવો જોવે, હમજ્યાં? બકરીનું દૂધ માફક આવસે તો લવારાની જેમ ઠેકડી મારતા થઈ જસો, હમજ્યાં?’
‘કંઈ દવા આપશો?’
‘મેં કહી એ જ દવા – બાકી હરિનું નામ. કેન્દ્ર સરકાર મજબૂત થશે પસી હાથપગ એની મેળે હાલવા માંડસે, હમજ્યાં?’
સમય વીતતો જતો હતો. સાડાબાર થવા આવ્યા હતા. હજુ કેટલાંક માણસો બેસી રહેલાં. આંગણામાં કાકાના દીકરાએ થાળી-વાડકા ગોઠવી દીધા. કાકીએ સૌને જમવા ઉઠાડ્યાં. બાજરીનો રોટલો, ચીલની ભાજી અને છાશ. બહારગામથી આવેલાં માણસો આ સમયે જમવા જાય પણ ક્યાં? કેટલાંક સાથે રોટલો, ચટણી, ઢેબરાં બાંધી લાવેલાં. કાકીનું શરીર ભારે હતું; પણ તોય ફૂદડીની જેમ ફરી વળતાં. મોં તો હસતું ને હસતું! લાંબી વાત કરતાં મેં એમને સાંભળ્યાં નહિ. ‘લ્યો, આટલો રોટલો તો ખવાશે.’ એવાં આગ્રહવચનો પ્રેમથી બોલાયેલાં સંભળાય.
માણસો જતાં જતાં કાકાના મોટા દીકરાના હાથમાં રૂપિયો-બે રૂપિયા મૂકે. કાકાની નજર પડે તો તરત બોલી ઊઠે: ‘એ ન હોય, ભઈલા, ન હોય…’
‘તમને ચ્યોં આપીએ સીએ?’ – કહેતાં હસતાં હસતાં માણસો વિદાય લે.
‘એ માતાનાં દરસન કરતાં જજો. મા તો હાજરાહજૂર સ.’ કાકાનો અવાજ ગાજી ઊઠે.
માનવીનો માનવી માટેનો પ્રેમ આ આખાયે સમારંભને જે ગૌરવ આપતો હતો, તેનો જોટો જડવો મુશ્કેલ હતો. માનવપ્રેમ, પ્રભુશ્રદ્ધા અને કર્તવ્યનિષ્ઠાના ત્રિવેણીતીર્થે જઈ આવ્યાની ધન્યતા મેં અનુભવી.