બપોરના બારેક વાગવા આવ્યા હશે. ટ્રેન થોડી મોડી હતી. મુંબઈથી આવતા અને અમદાવાદ જતા ‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ’માંથી સુરત સ્ટેશને હું ઊતર્યો. દર શનિવારે આ જ ટ્રેનમાં હું બીલીમોરાથી સુરત એમ.એ.ના વર્ગો લેવા માટે આવું. ટ્રેનમાંથી ઊતરીને પ્લૅટફોર્મ પર વ્હીલરના બુકસ્ટોલ પર કંઈ નવાં પુસ્તકો આવ્યાં હોય તો જોવા માટે ઊભો રહું. એટલામાં સ્ટેશનની બહાર નીકળનારાં મુસાફરોની ગિરદી પણ કંઈક ઓછી થઈ ગઈ હોય.
સ્ટેશનની બહાર નીકળીને સામે ‘રૂપા’માં ચા-નાસ્તો લઈને કોલેજ પર જાઉં કે કોલેજ પર જઈને ત્યાં પાસેના મદ્રાસી કાફેમાં ચા-નાસતો લઉં તેનો વિચાર કરતો હતો ત્યાં એક ઘોડાગાડીવાળા ચાચાએ આવીને કહ્યું: ‘ચલિયે સા’બ, કોલેજ પર છોડ દૂં.’ હું ચમક્યો. આને કેમ ખબર પડી કે મારે કોલેજ જવાનું છે?
‘કિસને કહા કિ મૈં કોલેજ? રહા હૂં?’
‘પહલે દો દફે આપ મેરી ગાડી મેં બેઠકે કોલેજ ગયે થે. આપ ઈસી ટ્રેન સે આતે હૈં ઔર શામકો બલસાર-પૅસેન્જરસે લૌટતે હૈં.’
ગાડીવાળાએ ભારે કરી! મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે મારી આવનજાવનની કોઈ નોંધ રાખી રહ્યું હશે! ચાચામાં મને રસ પડ્યો.
‘ચલિયે.’
ટાંગામાં પાછળના ભાગમાં સહેજ ત્રાંસો હું ગોઠવાયો, જેથી ચાચાને બરાબર જોઈ શકું. ટાંગો નરસિંહ મહેતાની વે’લ જેવો. છાપરામાંથી લીરા લબડે. સીટનું રેક્ઝીન અનેક ઠેકાણે ફાટી ગયેલું. પાછળ પગ ટેકવવાનું પગથિયું વાંકું થઈ ગયેલું. ટાંગો ગતિમાં હોય ત્યારે પૈડાં ચિચૂડાટ કરે. ટાંગાનાં ઠેકાણાં નહિ. પણ ટટ્ટુ સારું. જોતાં જ ખબર પડે કે એની કાળજી લેવાતી હશે. ચાચાની ઉંમર પંચાવનની આસપાસ હશે. ચહેરા પર કરચલીઓ પડેલી. દાઢીના વાળ ધોળા. શરીર સૂકલકડી. આંખોમાં ભીનાશ-અમી વરતાય. પટાવાળો પાયજામો અને સફેદ ખમીસ પહેરેલું. ખમીસ પર નાખેલો ટાંગાવાળાનો ખાખી ડગલો. ટાંગો ચાલતાંની સાથે જ ચાચાનો ‘ડચ ડચ’ અવાજ શરૂ થઈ ગયો. એવો સતત અવાજ કરવાની ટેવને કારણે જ કદાચ ચાચાની મોંફાડ જમણી બાજુએથી જરા વાંકી થઈ ગયેલી.
‘ક્યા નામ તુમારા, ચાચા?’
‘રહીમ.’
‘સબ પૅસેન્જરોંકા ખયાલ રખતે હો ક્યા?’
‘નહીં સા’બ.’ – કહીને એ હસ્યા. ‘કભી કભી કોઈ ઉતારુ નજરમેં બૈઠ જાતા હૈ.’ ફરી પાછો ડચ ડચ અવાજ.
માર્યા આણે તો! મારે શું કહેવું? માણસ ભેદી હશે કે સાવ સરળ હશે? અઠવા લાઇન્સ સુધીની અમારી ખેપ લગભગ અશબ્દ રહી. કોલેજ થોડે દૂર હતી અને મેં ગાડી ઊભી રખાવી. જમણા હાથે સામે જ હતું મૈસૂર કાફે. જ્યાં ગાડી ઊભી હતી ત્યાં જ હતું ઘોડાગાડીનું સ્ટેન્ડ. નીચે ઊતરતાં મેં કહ્યું:
‘ચલિયે ચાચા, ચાય પી કે જાઈયે.’ મારા મનમાં હતું કે ચા પીતાં પીતાં કંઈક વાતચીત થશે તેમાં રહીમચાચા વિશે હું વધુ જાણી શકીશ.
‘નહીં સા’બ, આપ જાઈએ. ફિર મિલેંગે.’
‘તુમ મેરે સાથ ચાય પીઓગે તો મુઝે ખુશી હોગી!’ – કહીને હું ઊભો રહ્યો. થોડી આનાકાની પછી રહીમચાચા નીચે ઊતર્યા, ઘોડાને ઘાસ નીર્યું અને અમે રસ્તો ઓળંગી કાફેમાં પ્રવેશ્યા. બારણા પાસેની જ સીટ પર ચાચા બેઠા, જ્યાંથી ટાંગાને બરાબર જોઈ શકાય. હું એમની સામે ગોઠવાયો. હું જોઈ શક્યો કે આવા કાફેમાં આ રીતે ચા-નાસ્તો લેતાં એમને સંકોચ થતો હતો.
‘બોલિયે રહીમચાચા, મૈં તુમારી નજરમેં ક્યોં બૈઠ ગયા?’
‘કોઈ ઐસી બાત નહીં હૈ, સા’બ. મૈં સમઝ શકતા હૂં કે આપ કોલેજમાં પઢાતે હૈં ઔર ઇસી કોલેજમેં મેરી લડકી ભી પઢતી થી. હો સકતા હૈ ઉસકી પઢાઈ આપકે પાસ હુઈ હો.’
‘ક્યા પઢાઈ કી ઉસને?’
‘બી.એ. કિયા.’
‘વિષય?’
‘મૈં નહીં જાનતા. પઢાઈ કે બાદ અમેરિકા ગઈ. અબ ઘર પર હૈ. કહીં અચ્છી નૌકરી મિલ જાય…’ પછી ઉમેર્યું: ‘ક્યા જમાના આયા હૈ સા’બ, અબ તો મુસલમાન કી બેટી ભી નૌકરી કરતી હૈ!’
‘અમેરિકા પઢાઈ કે લિયે ગઈ થી?’
‘પઢાઈ કે લિયે કહાં… શાદી કી થી.’
‘ફિર?’
‘તલ્લાક હો ગઈ.’ બોલીને એમણે ઊંડો નિસાસો નાખ્યો. એમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. મારા મનમાં એક બાજુ વાત જાણવા કુતૂહલ હતું અને બીજી બાજુ એમ પણ હતું કે આ વાતને મારે આગળ ન લંબાવવી જોઈએ.
‘વિષય કે બિના સર્વિસ કે બારે મેં મૈં ક્યા કહું?’ મેં પૂછ્યું અને અમે ઊભા થયા. છૂટા પડ્યા – ફરી મળીશું એવા ભાવ સાથે. એમણે ગાડી ઘુમાવીને હાથ ઊંચો કર્યો અને મેં કોલેજનો રસ્તો લીધો.
એ પછીના શનિવારે સ્ટેશનની બહાર રહીમચાચા મારી રાહ જોતા ઊભા હતા. ગાડીમાં બેસતાં મેં કહ્યું: ‘કોઈ દૂસરા પૅસેન્જર…’
‘નહીં સા’બ. સામને બસ ખડી હૈ ઔર રિક્ષાવાલોંને હમારા ધંધા ખતમ કર દિયા. મુઝે લગતા હૈ કિ મૈં ભી સજાવસ કરું. લેકિન મૈં કોઈ કામ કા નહીં…’
‘ઐસા નહીં હૈ ચાચા, ખુદાને સબ કે લિયે…’
‘ઈમાનદારી સે કામ કરતા હૂં, લેકિન મેરી પઢીલિખી બેટીને કૌન સા ગુનાહ કિયા થા?’
‘હુઆ ક્યા થા?’
‘કુછ સમઝમેં નહીં આતા. લડકી ગ્રુપ ઔર સેક્સ કહા કરતી હૈ. ઔર કુછ કહતી હી નહીં હૈ. એક દફે મિલિયે, શાયદ આપ કી સમઝમેં આ જાય…’
કોઈના અંગત જીવનમાં રસ લેવો સારો નહિ એમ સમજીને મેં વાત બદલી.
‘ચાચા, ઘોડાગાડી ચલાનેકા મુઝે બહુત શૌક હૈ. કોઈ દિન…’
‘અરે, સા’બ, આપ ક્યોં ચલાયેંગે? ચલાનેવાલા મૈં બૈઠા હૂં. ઘૂમનેકા શૌક હૈ તો ડુમ્મસ જાયેંગે.’
‘કબ?’
‘જબ જી ચાહે.’
આ વાતચીત ચાલતી હતી તેવામાં ચાચાએ એક ચિઠ્ઠી મારા હાથમાં મૂકી. એમાં લખ્યું હતું: ‘બી.એ. સેકન્ડ ક્લાસ. વિષય હિન્દી અને મનોવિજ્ઞાન.’ બીજું કશું લખ્યું નહોતું. અક્ષરો સારા હતા, કદાચ ચીપીને લખ્યું હશે.
પછી કાફેમાં ચા-નાસ્તો અને પહેલાંના જેવી જ વિદાય. આ પછી ચારેક અઠવાડિયાં સુધી ચાચા દેખાયા નહીં. બીજા પૅસેન્જરોને લેવા-મૂકવામાં કદાચ સમય નહિ જળવાયો હોય. એક સાંજે બસમાં બેસીને હું કોલેજથી સ્ટેશન તરફ જતો હતો ત્યાં ચોક પાસે ચાચાની ગાડી પર મારી નજર પડી. ઊતરીને હું ત્યાં ગયો. મને જોઈને એમનો ચહેરો હસી ઊઠ્યો.
‘ઘૂમને ચલેંગે?’
‘ચલેં.’
ડુમ્મસ જવાનો વિચાર હતો; પણ મોડું થઈ ગયું હતું. રાંદેરનો રસ્તો લીધો. હોપ પુલ ઊતર્યા પછી ચાચાએ લગામ મારા હાથમાં આપી. ટટ્ટુ ખમચાઈને ઊભું રહ્યું!
‘દેખા, ઉસકી સમઝમેં આ ગયા.’
પછી ચાચાનો લાક્ષણિક ‘ડચ ડચ’ અવાજ શરૂ થયો એટલે ટટ્ટુ ચાલ્યું. હરિઓમ્ આશ્રમ સુધી અમે આંટો માર્યો હશે. પછી પાછા વળતાં ચોક થઈ અશક્તાશ્રમ તરફનો રસ્તો લીધો. વચ્ચે એક જગ્યાએ ટટ્ટુએ ચાલ બદલી અને ખમચાઈને ઊભું રહ્યું.
‘ક્યા હુઆ ઉસકો?’
‘મેરા ઘર આયા…’
‘કહાં?’
‘યે રસ્તે પર…’
‘ચલેંગે?’
‘આપ મેરે ગરીબખાને મેં…’
‘ઐસા મત કહો, ચાચા. ખુદા કી નજરમેં કોઈ ગરીબ નહીં કોઈ અમીર નહીં…’
સંકોચ સાથે ચાચાએ ગાડી ઘરે લીધી. હું ઊતરું તે પહેલાં તો એમણે ઘરમાં લગભગ દોટ મૂકી. પછી તરત આવીને કહે: ‘આઈયે, બૈઠિયે.’ ઘરમાં ગરીબી દેખાય પણ સ્વચ્છતા એને ઢાંકી દેતી હતી. થોડી વારે એમની દીકરી આવી. અત્તરનું પૂમડું જ જોઈ લ્યો. નમસ્તે કરીને એ સામે બેઠી. ધીમે રહીને કહે: ‘પપ્પાએ સર, આપને વિશે વાત કરી છે અને નામથી તો હું આપને જાણું છું.’ છોકરી શુદ્ધ ગુજરાતી બોલતી હતી તે જોઈને મારા આનંદ-આશ્ચર્યનો પાર ન રહ્યો. વાણીમાં વિવેક હતો. પરદેશની ધરતી પર પગ મૂકીને આવી હતી એટલે એનામાં થોડીક પ્રગલ્ભતા પણ આવી હતી.
‘હમણાં શું કરો છો?’
‘ક્યાંક સ્કૂલમાં સર્વિસ મળી જાય…’
થોડી વારે એની મા આવીને બેઠાં.
‘સર્વિસની શી જરૂર છે?’
‘કંઈક કરવું તો પડશે ને?’
‘શાદી?’
‘એક કિતાબ પૂરી હો ગઈ.’ એકાએક એણે ભાષા બદલી.
‘એવું શું થઈ ગયું?’
‘ધોખા…’
શું બોલવું તે મને સૂઝ્યું નહીં. પછી એની મા સાથેની વાતચીતમાં હું એટલું જાણી શક્યો કે અમેરિકામાં ગ્રીન કાર્ડ ધરાવતા એક યુવક સાથે એની શાદી થઈ હતી અને બન્ને વચ્ચે મનમેળ ન થતાં છ મહિનામાં જ છોકરી પાછી ફરી હતી.
‘શાદી વખતે છોકરો અહીં આવ્યો હતો?’
‘નહીં. મૈં ઉસકો પહચાનતી થી. મેરી શઆદત ઔર અબ્બાજાનકી વકાલત લે કે દો સંજિદા કે સાથ મેં ન્યૂયોર્ક ગઈ. સબ બંદોબસ્ત ઉસને કિયા થા. એક ભાઈસા’બને મેરે પપ્પા કે રોલમેં વહાં નિકાહ પઢા ઔર શાદી હુઈ.’ છોકરી આવેશમાં બોલી ગઈ. ફારસી ગુજરાતી અંગ્રેજી શબ્દોનું અદ્ભુત મિશ્રણ એની વાણીમાં હતું.
‘ફિર?’
‘વહાં તો સા’બ, મૅડનેસ હૈ. ક્લબ મ્યુઝિકથી તો મારું માથું ફરી ગયું. મેં ત્યાં ક્લબમાં ડૅન્સ પણ કર્યો. અહીં ભણતી ત્યારે બહુ ગરબા કર્યા’તા એટલે ડૅન્સમાં કશી તકલીફ ન પડી, પણ…’
‘પણ…’
‘આપકો ક્યા બતાઉં સર, વહાં તો ગ્રૂપ સેક્સ હૈ. જુલી કે લિયે મુઝે એક્સ્ચેન્જમેં… ઉસને ફોર્સ કિયા…’ કહીને એ મૂંગી થઈ ગઈ. એની આંખમાં પાણી આવી ગયાં. પછી કહે:
‘મૈં મર જાઉંગી લેકિન…’
‘હવે બધું ભૂલી જાઓ.’
‘કોશિશ તો કરતી હૂં સા’બ. મૈં ઉસે અબ ભી પ્યાર કરતી હૂં. રમઝાન કે પાક દિનોંમેં મેરી પહલી દુઆ ઉસકે લિએ હોતી હૈ. લેકિન વહ મુઝે સમઝ ન સકા. ઐસી મૅડનેસ મૈંને કભી સપને મેં ભી નહીં દેખી થી.’
‘હવે…?’
‘શાદી પાક ઔરત કે લિયે એક હી દફે હોતી હૈ સા’બ.’ કહી ઊભી થઈને એ મોં ધોવા ચાલી ગઈ. રહીમચાચાએ નિસાસો નાખ્યો.
એને બી.એડ્. કરી લેવાનું સૂચન કરી મેં તે દિવસે ભારે હૈયે વિદાય લીધી. એ પછી દોઢેક વર્ષે સુરતની નજીકના એક ગામની શાળામાં એને શિક્ષિકાની નોકરી મળી. રહીમચાચાને આ એક જ સંતાન. એની આ હાલત જોઈને એમનાં વર્ષો એકાએક વધી ગયાં. કોઈક વાર સુરત જવાનું થાય ત્યારે એમને મળું અને ખબરઅંતર પૂછું.
‘બહન કૈસી હૈ?’
મારો પ્રશ્ન સાંભળીને રહીમચાચા જાણે મને જોતા જ ન હોય તેમ તાકી રહે અને પછી જાણે કોઈ અદૃશ્ય વ્યક્તિને કહેતા હોય તેમ ધીમેથી બોલે: ‘મેરી બેટી ને ક્યા ગુનાહ કિયા થા…’