દસ

એક દિવસ આકાશવાણીમાં રેકોર્ડિંગ માટે સુરેન્દ્રનગરથી રાજકોટ જવાનું થયું. પાટીમાં લખીને મોટીબાને બતાવ્યું, ‘અત્યારે રાજકોટ જઉં છું. સાંજે આવી જઈશ.’

પાટી જાળી પાસે લઈ જઈને, બિલોરી કાચ વડે અક્ષરો ઉકેલ્યા પછી પૂછ્યું, ‘ઑફિસના કોંમે?’

ફરી પાછું પાટીમાં લખવું ન પડે માટે મેં ડોકું ધુણાવી હા પાડી.

‘હોંજે પાછો તો આઈ જએ નં?

મેં ફરી ડોકું ધુણાવ્યું.

‘હારું તાર… મનં હોંજે રોંધવાની હમજણ પડ.’

રાજકોટમાં જ મિત્રો સાથે મેં સાંજ ગાળી તે પાછું ફરતાં ખાસ્સું મોડું થઈ ગયું. રાત્રે દોઢ વાગે ઘરે પહોંચ્યો ને જોયું તો—

બારણામાં, જાળીના સળિયા પકડીને મોટીબા રાહ જોતાં ઊભેલાં!– ‘જે રાહ જુએ છે તે મા હોય છે’ – પંક્તિના સાક્ષાત્ રૂપ સમાં!

હું કૉલેજમાં ભણતો ને સૌપ્રથમ વાર જ્યારે આકાશવાણી પરથી કાવ્યો વાંચેલાં ત્યારે કદાચ મોટીબાને પોતે જરીકે સાંભળતાં નથી એનું સૌથી વધુ દુઃખ થયું હશે. મોટીબાએ ઘરનાં બધાંયને રેડિયાની આજુબાજુ ટોળે વળીને કાન માંડી રહેલા જોયા કર્યાં. સંભળાતું ન હોવા છતાં મોટીબાય રેડિયાની નજીક આવ્યાં ને રેડિયો સામે ટગર ટગર જોઈ રહ્યાં.

પ્રોગ્રામ પત્યા પછી પૂછ્યું, ‘હોંભળવાનું મશીન લાઈએ તો લગીર તો હંભળાય ક નોં હંભળાય?

પાટીમાં લખીને સમજાવ્યું, જેમ આંખે ખૂબ વધારે નંબર હોય ત્યાં સુધી ચશ્માંથી દેખાય. પણ આંખો સાવ જતી રહે પછી ચશ્માં નકામાં. એમ કાન સાવ જાય પછી મશીન કામ ના લાગે.

એક સાંજે મોટીબા કહે, ‘મોતિયો ઉતરાયો સ એ ઓંખમોં જાેંણે ઝેંણી ઝેંણી કેટલીયે અણિયાળી કોંકરીઓ પડી હોય એવું ખૂંચ સ.’

ઇશારાથી સમજાવ્યું કે કાલે દવાખાને જઈશું. બીજે દિવસે સવારે તો એમની આંખો રાતીચોળ થઈ ગયેલી. ડૉક્ટરને બતાવ્યું. ગોળીઓ તથા આંખનાં ટીપાં લખી આપ્યાં.

મોટીબાએ પૂછ્યું, ‘મારી બીજી ઓંખમોં ક્યાર મોતિયો ઉતરાવવો પડશે? બરાબર ચકાસીનં કૉ. હમણોંથી ઝોંખ પડ સ.’

બીજી આંખે મોતિયાને આઠ-દસ મહિનાની વાર હતી. મોટીબા દાક્તરના ફફડતા હોઠ સામે જોઈ રહ્યાં, પણ કંઈ સમજાયું નહિ. પછી મને પૂછ્યું, ‘વાર સ હજી મોતિયાની?’

મેં ડોકું ધુણાવી હા પાડી.

‘કેટલી વાર સ?’

મેં બેય હાથની ચાર-ચાર આંગળીઓ મોટીબા સામે ધરી.

‘આઠ મહિના?’

મેં ફરી માથું ધુણાવ્યું.

પછી મોટીબાએ ડૉક્ટર સામે જોઈને પૂછ્યું, ‘આ ઓંખ કેમ આવી લાલ મરચોં જેવી થઈ ગઈ સ? વિહનગરના દાક્તરે મોતિયો ઉતારવામોં કસર તો નથી રાખીનં? ઘણોંયના મોતિયા ઊતરેલા મીં જોયા સ. પણ કોઈનંય આવું નથી થતું.’

દાક્તરે મને કહ્યું, ‘મોતિયો તો બરાબર ઊતર્યો છે.’

‘મનં એ દાક્તર ઈંની મોંકળા પરથી હુશિયાર ન’તો લાગતો. પણ આ તો રોજ લોકોના મોતિયા ઉતાર તે પસઅ્ આવડી જાય. શરૂમોં કોઈ કોઈનં ઓંખો બગડ ય ખરી.’

બહાર પેશન્ટની લાઇન ને અહીં મોટીબા વાતોનો પાર ના મૂકે. પણ ડૉક્ટરનેય મોટીબામાં રસ પડ્યો. એમણેય ઇશારાથી પૂછ્યું કે, ‘હું હોશિયાર લાગું છું કે નહિ?’

મોટીબાય ઇશારો તરત જ સમજી ગયાં ને પહેલાં તો ખડખડાટ હસ્યાં ને પછી બોલ્યાં, ‘તમે તો ખૂબ હુશિયાર સો ઈંમોં એક ઓંની ભાર ફેર નંઈ. દાક્તરીનું ભણવામોંય તમારો કાયમ પેલો નંબર આવતો હશે નં. મેડલ-બેડલેય મળ્યા હશી.’

મોટીબાએ કદાચ એમ જ ફેંક્યું હશે પણ વાત સાચી નીકળી. ડૉક્ટર ગોલ્ડમેડાલિસ્ટ હતા.

મોં જોઈને માણસને પારખતાં મોટીબાને આવડતું હશે કે નહિ એ તો રામ જાણે પણ વિસનગરના ઘરમાં તેઓ ઘડિયાળ જોયા વગર સમય કહી આપતાં, ચૉકમાં આવતો તડકો જોઈને!

ઇશારાથી જયેશ કહે, ‘બા, ચા મૂકો. ત્રણ વાગ્યા.’

તરત મોટીબા તડકા સામે નજર કરે.

‘તું કનં બનાવ સ? હજી તૈણ નથી વાગ્યા. પુણા તૈણ જ થયા સ.’

અને ખરેખર પોણા ત્રણ જ થયા હોય! કઈ ઋતુમાં, કેટલા વાગ્યે તડકો ક્યાં ને કેટલે હોય છે એનું આવું પાકું ગણિત!

બીજે દિવસે બપોરે હું જમવા ઘરે આવ્યો ને જોઉં છું તો મોટીબા લાલચોળ આંખે બિલોરી કાચ લઈને એક સામયિક વાંચે! મેં સામયિક ઝૂંટવી લીધું ને જોયું તો આવી આંખેય મોટીબા દસ પોઇન્ટમાં (ખૂબ ઝીણા અક્ષરમાં) છાપેલી મારી કવિતા વાંચતાં હતાં!

મારો પિત્તો ગયો તે મેં એ સામયિક ફાડી નાખ્યું ને મોટા મોટા અક્ષરે પાટીમાં લખ્યું, ‘આંખો સાવ ખરાબ કરવી છે? વહેલા આંધળા થવું છે?’ ને પાટી મોટીબા સામે ધરી. જાણે કંઈ જ થયું ન હોય એમ મોટીબાએ વાંચ્યા વિના જ પાટી આઘી મૂકી ને કહ્યું, ‘ભૂખ લાગી હશે. અવ છોંનોમોનો ખાવા બેસ. લે, હું પીરસું…’

પણ એ પછી મોટીબાને મારી બીક તો લાગતી. મારા દેખતાં એ કશું વાંચતાં નહિ. પણ હું ઑફિસ જઉં એ પછી વાંચે. છાપું તો તારીખ, વાર, તિથિ ને માલિકના નામથી શરૂ કરીને તે છેલ્લા પાનાના છેલ્લા અક્ષર સુધી વાંચે. ક્યારેક કહે પણ ખરાં.

‘છાપામોં આજ તિથિ ખોટી છાપી સ. પંચોગ પ્રમોણે આજ ચોથ નથી, પોંચમ સ. તીજ અનં ચોથ ગઈકાલે ભેગોં હતો.’

પંચાંગ વિનાય મોટીબાને ના ચાલે. ખબર પડવી જોઈએ ને કે ક્યારે ચોથ છે, ક્યારે અગિયારસ ને ક્યારે પૂનમ. ‘ચૌદસ-અમાસે હારું કોંમ શરૂ નોં કરાય. ગુરુવારે એ દિશામોં મુસાફરી નોં કરાય, હોંમો કાળ કૅવાય. પંચકમોં જો કોઈનું મઈણું થયું તો એ ઈંની પાછળ બીજોં ચારનં લઈ જાય. ગાય-કૂતરાનું કાઢ્યા વના નોં ખવાય.’ આવું બધું માને.

સવારે હું શાક લઈને આવું પછી મોટીબા થેલી ઊંચકી જુએ, એકાદ ક્ષણ ઊંચકેલી રાખે, પછી કહે,

‘’લ્યા, શાકવાળી તનં છેતરી ગઈ. આ બટાકા એક કિલો નથી. હો ગ્રોંમ ઓછા સ.’

હું ઇશારાથી કહું, ‘હશે, મરશે.’

‘મરશે હું કોંમ? પૈસા મફત આવ સ? ઝાડ પર ઊગઅ્ સ? શાકવાળોં જોખઅ્ તારઅ્ બરાબર ધ્યોંન રાખીએ ક પલ્લું એ નમાવી તો નથી દેતોં નં? શંકા જાય તો પૅલા જોઈ જોઈએ ક પલ્લોં બરાબર સ ક નંઈ. શાકવાળાં ઘણી વાર બાટેય ઓછા વજનનોં રાખ સ. કોઈ આપણને છેતરી શનું જાય?’

એમનું ભાષણ બંધ કરવા હું બીજા કામમાં ધ્યાન પરોવું, સાંભળું નહિ. છતાં એ પછીય થોડી વાર તો એમનો બડબડાટ ચાલુ જ રહે.

‘હું ક્યોં ઈમ કું સું ક પાછો જા નં ફેર બરાબર જોખઈ આય. પણ મારી શિખામણ એટલી ક આપડઅ્ બરાબર ધ્યોંન નોં રાખીએ તારઅ્ કોઈ આપણનં છેતરી જાય નં. તુંય તારા બાપ જેવો જ ર્‌યો. હૌ તનંય છેતરી જાય. મુન્નાડો મારઅ્ ખબરદાર. એ નોં છેતરાય.’

જયેશનું નાનપણનું નામ મુન્નો. વિસનગરમાં એ ઘણો સમય મોટીબા સાથે રહેલો. એને તો મોટીબા બજારમાં પાછો જ ધકેલતાં.

મોટીબાના હાથ જાણે ત્રાજવા જેવા. ઊંચકી જુએ ને તરત કહે કે સો ગ્રામ ઓછું છે કે દોઢસો. ‘પાશેર-શે’રનું માપ ગયું ને ‘ગ્રામ-કિલોગ્રામ’ આવ્યું તોય મોટીબાને જરીકે મુશ્કેલી થઈ નહિ. એમની અંદરનું કોક કમ્પ્યૂટર જાણે શેરને ‘કિલો’માં ફેરવી દેતું. પાછા જવાની જો જયેશ આનાકાની કરે તો મોટીબા કહે,

નોં કેમ જાય? લે, હેંડ. હું આવું તારી હારે.’

મોટીબાય સાથે જાય ને ફરી જોખાવે તો ખરેખર સો ગ્રામ ઓછું નીકળે. શાકવાળીનેય ખખડાવી નાખે.

‘છોકરાનં મોકલ્યો તમોં ઓછું જોખ સ?’ પછી જરા અવાજ મોટો કરી ક્‌હે, ‘કોઈ લેશો નંઈ શાક ઓની ફાહેથી…’

‘લો બા, આ બે બટાકા વધાર મૂક્યા. અવ શોંતિ રાખો બા.’

શાકવાળી શું બોલી એ તો મોટીબાએ સાંભળ્યું ના હોય પણ એના મોંના હાવભાવ પરથી ને હોઠના ફફડાટ પરથી તે જે રીતે બે બટાકા ઉમેરતી એ પરથી એમને ખ્યાલ આવી જાય.

‘લાય તાર, થોડો મસાલો ઉમેર.’

પછી શાકવાળી કોથમીર-મરચાં-લીમડો ને આદુનો ટુકડો ફરી એમનેમ આપતી.

જ્યારે સુરેન્દ્રનગરમાં તો મસાલાના ચાર આના જુદા આપવા પડતા એમાં મોટીબા મારો જ વાંક જોતાં.

‘તુંય, બોલવામોં તારા બાપ જેવો મોળો રહ્યો પસઅ્ તનં મસાલોય શાક ઉપર કુણ આલ?’

ત્યારે દુષ્કાળ ચાલતો ને ધોળી ધજાનો ડેમ ખાલી. તે પાણીનો સખત ત્રાસ. છતાં મોટીબાના કરકસરવાળા ને ચીવટવાળા સ્વભાવને કારણે ખાસ તકલીફ પડતી નહિ. ઘણી વાર તેઓ કહેતાં,

‘અહીં તો પોંણીય ચોખ્ખા ઘીની જેમ વાપરવું પડઅ્.’

License

મોટીબા Copyright © by યોગેશ જોષી. All Rights Reserved.