સાત

પરસાળમાં, મેડા ઉપર જવા માટેનો લાકડાનો દાદરો. જેના પરથી અધરાતે-મધરાતે મસમોટા ઉંદરો ધબ્ ધબ્ ધબ્ કરતાં ઊતરે ત્યારે જાણે ખરેખર કોક માણસ દાદરો ઊતરતું હોય એવું લાગે. દાદરાની નીચે મસમોટી ઘંટી. ઘંટીની આજુબાજુ લાકડાનું થાળું. નાનો હતો ત્યારે રમત ખાતર એ ઘંટીને ગોળ ગોળ ફેરવવાનું મન થતું. પણ ઘણુંયે જોર કરવા છતાં, મોંમાંથી ‘ઊંહ્’ ‘ઊંહ્’ અવાજ નીકળી જતો પણ ઘંટીનું પડ જરીકે હાલતુંયે નહિ. અનેક દસકાઓ અગાઉ મોટીબા આ ઘંટી ફેરવતાં હશે… અત્યારેય, મોટીબાને લાગે કે અમે કશો ખોટો ખર્ચ કર્યો છે કે તરત ગુસ્સો ભભૂકી ઊઠે ને કોઈક વાર કહે —

‘અનાજ દળવાનો ભાવ એક પૈસે મણ હતો તોય હું પરોઢિયે ઊઠીનં પરસાળમોં મોટી ઘંટી રૅતી ઈંના પર દળતી. આ બાવડોંનં જોર નીં આવતું હોય? તારા દાદા મરી ગયેલા નં તારો બાપ નં મુંદરિકા (મુદ્રિકા) બેય હાવ નેંનો નેંનો… મુંદરિકા રોતી હોય તો ઈંના ઘોડિયાની દોરી પકડીનં હીંચોળતીય જઉં નં બીજા હાથે ઘંટી ફેરવતી જઉં… વચ્ચે વચ્ચે દોરી છોડીનં મૂઠી ભરીનં દોંણા ઓરતી જઉં નં થોડી થોડી વારે હાથ બદલતી જઉં… તારા બાપનં, તારી ફઈનં કેમ મોટોં કર્યોં સ એ મારું મન જોણં સ… તમનં બધોંનં તો પૈસાની કોંય કિંમત જ નથી! તમારા હાથે તો નકોંમા પોંણીની જેમ પૈસા વપરાય સ… છેક કૂવેથી ભરી લાવવું પડતું’તું તાર અમે પોંણીય પૈસાની જેમ વાપરતોં.’

મોટીબા તથા માને સામસામે બેસીને, નાની ઘંટી ફેરવતાં મેં ઘણીયે વાર જોયાં છે. ક્યારેક મા કે મોટીબા એકલાં જ દળવા બેઠાં હોય ત્યારે એમની સામે બેસીને મેં ઘંટીય ફેરવાવી છે. ઘંટી ફેરવવાની મઝા પડતી માટે. મારે મન એ રમત થતી. રમતમાં, જોર કરીને ખૂબ ઝડપથી ઘટી ફેરવવા લાગું તો મોટીબા કહે —

‘ઓંમ ફાસ નૈં ફેરવવાનું નકર કેટલાક દોંણા આખા નેંકળી જાય..’

જાડું દળવું છે કે મધ્યમ કે ઝીણું તે પ્રમાણે મોટીબા ઘંટીના બે પડ વચ્ચેનું અંતર વધારે-ઓછું કરીને ગોઠવે. થોડાં વરસો પહેલાં લાકડાના થાળાવાળી ખૂબ મોટી ઘંટી વેચી મારેલી. પણ નાની ઘંટી તો હજીય છે. મા હજીય એ વાપરે છે. મૌલિકને મગસ ખૂબ ભાવે તે અમે વિસનગર જઈએ ત્યારે મા હજીયે ચણાની દાળ જાતે જ દળે, કરકરી. ખાંડ પણ જાતે જ દળવાની. વાલ પણ ઘંટીમાં જ ઓરીને વાલની દાળ કરવાની. વાલનો ભૂકો ન થાય કે ટુકડાય ન થઈ જાય પણ પ્રભાતિયાના લયમાં મધુર અવાજ સાથે ફરી રહેલાં ઘંટીનાં બે પડ વચ્ચેથી વાલની દાળ જ બહાર પડે, ફોતરું અલગ થઈને! એ જોઈ મારું તો વિસ્મય શમે જ નહિ! તો ક્યારેક, વાલની દાળ કરવા માટે, રાત્રે ગરમ પાણીમાં વાલ પલાળવાનાં ને સવારે મોટીબાના અંગૂઠા ને તર્જની વચ્ચે વાલના દાણા એક પછી એક દબાતા જાય, ફોતરું અલગ થઈને બે ફાડ પડતી જાય તાંસળીમાં. આવી વાલની દાળની મીઠાશની તો આ જમાનાના લોકોને ખબર જ ન પડે.

‘પરસાળ’ પછી ‘ઓરડો’. ‘ઓરડા’માં અનાજ ભરવાની ચારેક કોઠીઓ. એમાંની એક કોઠી તો લગભગ છએક ફૂટ ઊંચી. બાકીની ત્રણ નાની. જેના પર ઊતરતા ક્રમમાં પિત્તળનાં ત્રણ-ચાર બેડાં મૂકેલાં હોય. સૌથી ઉપરના નાના ઘડુલાના મુખ પર તપેલી ઊંધી મૂકી હોય. બેડાંની આવી ઊભી હરોળને લૉગ’ કહે. બેડાંઓ પર નાના નાના ગોળ ચાંલ્લા(ગોબા)ઓની એક સરસ ભાત. નાનો હતો ત્યારે બેડાંઓ પરની આ ભાતના ચાંલ્લાઓમાં તર્જનીનું ટેરવું મૂકતો ને તર્જનીને સરકાવતો, તો ક્યારેક આ ચાંલ્લાઓની ભાત પર હથેળી ફેરવીનેય સ્પર્શની મઝા લેતો. બેડા પરના આવા દરેક ચાંલ્લામાં જરીક પ્રકાશ ને લગીર અંધકાર અડોઅડ લપાઈને બેસતા આથી ભાત ઑર દીપી ઊઠતી.

એવી જ મઝા પડતી નળિયાંવાળાં છાપરાંઓ પર, સવારથી તે સાંજ લગી, બદલાતી જતી તડકા-છાયાની ભાત જોવાની. ત્યારે વિસનગરનાં તાંબા-પિત્તળનાં વાસણો વખણાતાં. કંસારાને વાસણ ઘડતો જોવાની મઝા તો કંઈ ઑર જ. શેરીએ શેરીએથી વાસણ ઘડાવાના તાંબા-પિત્તળના રણકાર ઊઠતા. નિશાળે જતાં-આવતાં આવા રણકાર તરફ પગ વળી જતા. ભાત રચવા માટે, લાકડાના હથોડાથી બેડાં પર લાઇનસર પડ્યા કરતા એકસરખા નાના નાના ચાંલ્લા જોતાં વિસ્મય શમતું નહિ. સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો આવ્યા પછી વિસનગરની શેરીઓમાંથી ઊઠતા તાંબા-પિત્તળનાં વાસણો ઘડાવાના રણકાર હવે બંધ થઈ ગયા છે. એ રણકાર વગર વિસનગર જાણે સૂનું, મૂંગું થઈ ગયું છે.

‘માર તો બસ, આ જ ઘરમોં મરવું સ.’ એવી મોટીબાની જીદના કારણે મા અને બાપુજીય અમારી સાથે રહેવા નથી આવી શકતાં.

જીદ કેટલું ટકે? વરસેક પછી ફરી મોટીબાને કહ્યું, ‘ચાલો બા, અમારી સાથે અમદાવાદ.’

મોટીબાને દીકરા કરતાંય દીકરીઓ ખૂબ વહાલી. એકના એક પૌત્ર કરતાંય, મારી તથા ભાઈની દીકરીઓ માટે ખૂબ મમતા. તે વળી વરસેક બાદ મારી સાત-આઠ વર્ષની દીકરી કૃતિ પાસે પાટીમાં લખાવડાવ્યું —

‘તમે અમારી જોડે રહેવા અંદાવાદ ચાલો.’

પણ આ વાંચીને મોટીબા મારી ચાલ સમજી ગયાં, સીધું જ મારી સામે જોયું ને બોલ્યાં —

‘અવઅ્ તો ચાર જણા ઉપાડવા આવશી તારઅ્ આ ઘર છોડે.’

License

મોટીબા Copyright © by યોગેશ જોષી. All Rights Reserved.