નવ

મોટીબા અન્ન-જળ ત્યાગવાની માત્ર ધમકી જ આપે એવું નહિ, ખરેખર કરીય બતાવે.

મારી નોકરીની શરૂઆત થઈ સુરેન્દ્રનગરથી, ૧૯૭૯માં. ત્યારે લગ્ન થયેલાં નહિ તે મોટીબા રાંધી ખવડાવવા સાથે રહેલાં.

ટ્રેનિંગના છેલ્લા બે મહિના હું સુરેન્દ્રનગર હતો. ટ્રેનિંગનો મારો સાથી સી.એ. પટેલ અને હું એક રૂમ ભાડે રાખીને રહેતા ને લૉજમાં જમતા. ટ્રેનિંગ પછી ક્યાં મૂકશે એ નક્કી નહોતું. સ્થળ નક્કી થાય એ પછી, ત્યાં મોટીબા મારી સાથે રહેવા આવવાનાં હતાં. પછી તો મને તથા સી.એ.ને સુરેન્દ્રનગર જ મૂક્યા..

સી.એ. પટેલ પણ રાજી હતો કે ચાલો, તારાં મોટીબા આવી જાય પછી બહાર જમવું નહિ પડે. આ શનિ-રવિ જઈને મોટીબાને લઈ આવ. વાસણ-કૂસણ ને બીજું બધું વસાવવાનું તો આપણે કરીશું.

હું મોટીબાને લેવા ગયો તો—

‘નાગર ભલઅ્ નોં હોય પણ તારા ભેગું જો કોઈ બોંમણ રૅતો હોત તો હું રોંધી ખવડાવવા આવત તારી હારે.’

થઈ રહ્યું.

હવે?!

મને દમની તકલીફ ને બહાર ખાવું પડે તે મોટીબાનો સખત જીવ બળે. જીવ બળે તો બળે પણ મારા ભેગું પટેલ રહેતો એનું શું? મેં એમને ખૂબ સમજાવ્યાં, દલીલોય ઘણી કરી.

‘નરસિંહ મહેતાય નાગર હતા છતાં હરિજનવાસમાંય ભજનો ગાવા જતા.’

‘એ તો સંત હતા, આપડ થોડા સંત છીએ?’

મારોય મિજાજ છટક્યો. ક્ષણભર તો થયું… શર્ટ ઉતારું, ગંજી કાઢું ને પછી જનોઈ ઉતારી દઈને ફેંકું મોટીબાના મોં પર. પછી થયું, એમ કરવાથી તો મોટીબામાં જ્વાળામુખી ફાટશે, ક્યારેય ન શમે એવો. વળી જૂના જમાનાના જે સંસ્કાર એમનામાં રેડાયા’તા એ જૂના સમયને મારે એમની ભીતરથી કેમ ભૂંસવો? તે મેં સંયમ રાખ્યો. ભરયુવાનીમાં વિધવા થવું ને નાનાં નાનાં બે છોકરાં (બાપુજી તથા ફોઈ)ને ઉછેરવાં, ભણાવવાં, મોટાં કરવા માટે એમણે જે દુઃખ વેઠ્યું છે એની તો કલ્પના કરતાંય, અત્યારેય, કમકમાં આવી જાય છે.

વર્ષો અગાઉ, હું સાતમા-આઠમામાં ભણતો ત્યારે તો મેં મોટીબા સામે ઊહાપોહ કરેલો—

અમારી પડોશમાં એક સિંધી કુટુંબ રહેવા આવેલું. એમનો બે-એક વર્ષનો ટેંણકો એક વાર રમતો રમતો અમારા રસોડામાં આવી ચઢ્યો ને ફૂલેલી, બદામી રંગની ગરમ ગરમ પોચી પોચી પૂરીઓ ભરેલી થાળીમાંથી એણે એક પૂરી લીધી કે ખલાસ.

આભ તૂટી પડ્યું.

‘અનિલા…’ મોટીબાએ માને કહ્યું, ‘પૂરીઓનો લોટ ફેરવારકો બોંધ નં આ પૂરીઓ અવ ગાય-કૂતરોંનં નખી દેજો…’

‘ફરી લોટ નથી બાંધવાનો.’ તરત હું બોલ્યો, ‘બાને ના ખાવું હોય તો કરે અપ્પા.’

સારું હતું કે બા ઓછું સાંભળતાં નહીંતર તો ઉપવાસ જ કરત. છેવટે માએ મોટીબા જેટલી પૂરીઓ ફરી બનાવી.

આ વખતે હું કંઈ બોલ્યો નહિ પણ નક્કી કર્યું, મોટીબા ન આવે તો ભલે. હું બા’ર ખાઈ લઈશ. પણ આવી આભડછેટ તો નહીં જ ચલાવી લઉં.

મોટીબાની આભડછેટના કારણે તો માનેય ઘણુંબધું પાળવું પડે છે. સંડાસ જવા માટેનો એક જૂનો સાલ્લો જુદો રાખ્યો હોય. માત્ર એ વીંટીને સંડાસ જવાનું, ગમે તેવી ઠંડીમાંય. તેમના જમાનામાં તો મોટીબા રસોઈ પણ માત્ર રેશમી કપડાં પહેરીને જ કરતાં.

ચીનાઈ માટીનાં કપ-રકાબીમાં મોટીબા ચા ન પીએ. કારણ, પરનાતના કોઈને ચા આપવાથી એ કપ-રકાબી એઠાં થઈ જાય! બાકી બધા માટે એ કપ-રકાબી વાપરવાની એમણે છૂટ આપેલી. પણ પોતે અભડાઈ ન જાય માટે હંમેશાં પિત્તળનાં કપ-રકાબીમાં જ ચા પીએ. પણ હા, બાપુજીનો કોઈ મુસલમાન મિત્ર ઘરે આવ્યો હોય ને એને જેમાં ચા આપી હોય એ કપરકાબીને તો સાવ જુદાં જ મૂકી દેવાનાં. એ કપ-રકાબીનો ઉપયોગ જ્યારે એ મુસલમાન મિત્ર આવે ત્યારે જ થાય.

બાપુજીના એ મિત્ર સાથે તો મોટીબા મીઠી મીઠી વાતો કરે. ‘અલ્લા કૉ ક ઈશ્વર બધા એક જ સ’– કહી, હિન્દુ-મુસ્લિમ એકતાનીય વાત કરે! આઝાદીની લડતમાં હિન્દુ-મુસલમાનોએ કેવા ખભેખભા મિલાવેલા એની ને પછી દુઃખી અવાજે ભાગલાની ને ગાંધીજીના મોતની વાતેય સંભારે. જતી વેળાએ મોટીબા એને સ્નેહાળ અવાજે કહે, ‘આવતો રૅજે ભઈ, તુંય મારઅ્ તો દીકરા જેવો.’

અને દીકરા જેવો એ મુસલમાન હજી મહેલ્લા બહાર પણ પહોંચ્યો ન હોય ત્યાં સખત અવાજે મોટીબા કહે,

‘અનિલા, એ ઠીકરોં (કપ-રકાબી) ધોઈનં આઘાં મૂકી દે. ભૂલથી કોઈ લે નંઈ.’

‘નં ભનુ, જોડે નોકરી કરીએ એટલઅ્ ભઈબંધી દેખાડવી પડઅ્. પણ તનં ય કું સુ ક મુસલમોંનનો કદીય વિશ્વાસ નોં કરીએ.’

છેવટે મોટીબાને લીધા સિવાય હું સુરેન્દ્રનગર પહોંચ્યો.

સી.એ. પટેલે પૂછ્યું, ‘કેમ મોટીબાને ન લાવ્યો?

હું એને શો જવાબ આપું?

પછી, બીજે દિવસે, વિગતે બધી વાત કરી સી.એ.ને સમજાવ્યો ને કહ્યું, કંઈ નહિ, આપણે બા’ર ખાઈશું.

સમજીને જ સી.એ. બીજે મહિને જુદો રહેવા ચાલ્યો ગયો. એ પછીય હું મોટીબાને લેવા ગયો નહિ, લૉજમાં જમવાનું ચાલુ રાખ્યું. લૉજનાં દાળ-શાકની વાસથી ક્યારેક નૉશિયા જેવુંય થઈ જતું ત્યારે થતું, રસોઈ બનાવતાં થોડુંઘણું શીખ્યો હોત તો સારું થતું. ધારો કે મને રસોઈ બનાવતાં આવડતુંય હોત ને હું જાતે રાંધત તો પછી મારી આ સોનેરી આળસનું શું થાત?

એક દિવસે મારા નાના ભાઈ જયેશ સાથે મોટીબા ઓચિંતાં આવી ચડ્યાં, પ્રાઇમસ, વાસણ-કૂસણ વગેરે જરૂર પૂરતાં સામાનના બે કોથળા સાથે લઈને.

‘બટકા, તનં શ્વાસ ચઢ સ નં તોય બા’ર ખાવું પડ એ મારાથી સહન નોં થયું…’ કહેતાં કહેતાં તો અવાજ ગળગળો થઈ ગયો. ચશ્માં ઉતારી પાલવના છેડાથી આંખો લૂછી ફરી ચશ્માં ચઢાવ્યાં. ખોંખારો ખાઈ ગળું ઠીક કર્યું.

‘વીશીવાળા દાળ-શાકમોં ઓંમલી નખ નં દમનું દરદ હોય ઈનં તો ઓંમલી ઝેર બરાબર. નખમોંયે રોગ નોં હોય ઈના માટ્ય ઓંમલી હારી નંઈ. કોકમ ક લીંબુની ખટાશ હજી ઓછી નડઅ્. ઓંમળો હૂકવીનં પણ ઝીણું ખોંડીનં ઈનો ભૂકો ભરી રાખ્યો હોય તો દાળ-શાકમોં નખવા થાય. ઓંમળોની ખટાશ નોં નડઅ્.’

‘મારી સાથે આવવાની ના પાડી ત્યારે ક્યાં ગયું’તું આ બધું ડહાપણ?’ મેં મનમાં જ કહ્યું.

પછી તો દમના દરદીએ શું ખાવું કે શું નહિ, કયા કયા દેશી ઉપચારો કરવા એનું લાંબું ભાષણ ચાલ્યું. થયું, મોટીબા આ વૈદું ક્યાંથી શીખ્યાં હશે?

અમે બે-એક વર્ષના થયા ત્યાં સુધી ખૂબ કફ થયો હોય, ક્યાંક ‘વરાધ’ તો નહિ થાય એવું લાગતું ત્યારે મોટીબા થોરનાં પાંદડાં મંગાવી, સગડીમાં સળગતા કૉલસા પર એ પાંદડાં સાધારણ શેકી, જરી ઠંડાં થયા પછી એને નિચોવીને રસ કાઢતાં ને ચમચી ભરીને પાઈ દેતાં. એનાથી કફ મટીયે જતો. એમોક્સિલિનની જરૂર પડતી નહિ. ઝાડા થયા હોય તો, એક રકાબીમાં લીંબુ નિચોવીને રસ કાઢે પછી એમાં થોડું નવશેકું દૂધ ઉમેરી એ પિવડાવી દે. એનાથી ઝાડા મટી જતા. એકાદ વર્ષની ઉંમર સુધીમાં, જો અતિશય ઝાડા થયા હોય, લીંબુના રસમાં દૂધ ઉમેરીને પાવાથીયે ન મટે, રાતનો સમય હોય, ડૉક્ટર પાસે તો છેક સવારે જવાય એમ હોય તો મોટીબા જરીક અફીણ પણ પાઈ દે!

‘આખી રાત છોકરું હગી હગીનં અડધું થઈ જાય ને શરીરમાં પોંણી ખૂબ ઓછું થઈ જાય તો પસઅ્ ઈનં દવાખોનામોં દાખલ કરવું પડઅ્. ઈના કરત લગીર અફીણ પઈ દેવું હારું અને થોડી થોડી વારે ખોંડ નં ચપટી મેઠું નખેલું પોંણી ચમચી ચમચી પાયા કરવું…’

License

મોટીબા Copyright © by યોગેશ જોષી. All Rights Reserved.