ચોવીસ

ચારેક વર્ષ પહેલાં ફુઆનું હાર્ટઍટેકથી મરણ થયું. અક્ષયને મોકલ્યો મોટીબાને તેડી લાવવા. મા-બાપુજી તો અમદાવાદ આવેલાં જ હતાં. અક્ષયે ઘરે પહોંચતાંવેંત પાટીમાં લખીને બતાવ્યું—

‘અત્યારે હાલ અમદાવાદ જવાનું છે.’

‘કેમ કોઈનું મઈણું થયું સ?’

શીખવવામાં આવેલું તેમ અક્ષયે લખ્યું —

‘ફુઆ માંદા છે, તમને તેડાવ્યાં છે.’

‘ઓચિંતાનું હું થયું ફુઆનં?’

‘હાર્ટઍટેક.’

મોટીબા પહેલાં તો સંડાસ જઈ આવ્યાં. આવીને પછી અક્ષયને પૂછ્યું —

‘હાચું કૅ’જે લ્યા, મારા હમ, ફુઆ મોંદા સ ક પસઅ્ બધું પતી ગ્યું સ?!’

અક્ષયનો ચહેરો મૂંગો, મૂંઝાયેલો ને ધોળો પૂણી જેવો જોઈ મોટીબા બોલ્યાં, ‘મનં તું ઢીલી-પોચી નોં હમજ. જે હોય એ કઈ દે હાચેહાચું. મને કશુંય નીં થાય. કાઠા થત શીખવું પડ…’

‘ફુઆ ગયા.’

એ પછી અમદાવાદ પહોંચતાં સુધીમાં તો ઘણીયે વાર અક્ષયને એસ.ટી. બસ ઊભી રખાવવી પડી. થોડી વાર થાય ને મોટીબાને પેશાબ લાગે.

અમદાવાદ પહોંચ્યાં તો મોટીબા કહે, ‘રિક્ષા સીધી મુન્નાડાના ઘેર લઈ લે. ત્યોં થોડો આરોંમ કર્યા કેડી જઈશું ફુઆનં રોવા.’

જયેશના ઘરે પહોંચ્યા પછી મોટીબાએ ‘તારા ફુઆ તો રાજા હતા રાજા.’ – કહી ફુઆ વિશે ઘણીબધી વાતો કરી. એકાદ રોટલી ને થોડાં દાળ-ભાત ખાધાં. ‘કૉળિયો નથી ઊતરતો’—એવાં કશાં રોદણાં નહિ. જરીવાર આરામ કરી રહ્યા પછી કહે, ‘અવઅ્ મનં લઈ જા.’

ફોઈની સોસાયટી પાસે રિક્ષા ઊભી રહી. અક્ષય મોટીબાનો હાથ પકડવા ગયો તો કહે, ‘રૅ’વા દે, મારઅ્ કોઈ ટેકાની જરૂર નથી.’

અડગ ડગ ભરતાં મોટીબા રોજની ચાલે ચાલતાં હતાં. પણ ફોઈના ઘરભણી જવા જમણી બાજુ વળવાનું આવ્યું, ફોઈનું ઘર એ લાઇનમાં જમણી બાજુ છેલ્લું. તે ફોઈના ઘરના ઓટલેથી આ વળાંક જોઈ શકાય. બસ, તે વળાંક પાસે આવતાંવેંત મોટીબા ‘જોરજોરથી નહિ, જોર-શોરથી રોવા લાગ્યાં ને છાતી કૂટવા લાગ્યાં ને ચક્કર ખાઈને, અક્ષય હતો એ તરફ સાચવીને ઢળ્યાં તે અક્ષયે ઝાલી લીધાં!

ત્યાં તો ફોઈના ઘરેથી સફેદ સાલ્લો પહેરેલાં બે-ત્રણ બૈરાં દોડી આવ્યાં ને મોટીબાને ઝાલી રાખ્યાં, બીજાં લોકો જેમ જેમ શાંત પાડે તેમ તેમ મોટીબા ઑર ફૉર્મમાં આવે, વધારે મોટેથી મરસિયાં બોલતા જાય ને રડતાં જાય ને છાતી કૂટતાં જાય ને જાણે ચાલી જ ન શકાતું હોય એમ, બે જણાંએ ઝાલેલાં તોય, લથડિયાં ખાતાં જાય! રિક્ષામાંથી સોસાયટીના નાકે ઊતરીને ફોઈબાના ઘરના ખાંચાના વળાંક સુધી જતાં તો તેઓ કેવાં અડગ ડગ ભરતાં’તાં! તો.. શું આ બધું નાટક હશે?! કે પછી, રોવાનું શરૂ કર્યા બાદ મોટીબા પહોંચી ગયાં હશે પોતે વિધવા થયાં’તાં એ ક્ષણોમાં?! મોટીબા પોતે વિધવા થયેલાં એ સમયનાં દૃશ્યો કેવાં હશે?

સહન કરી કરીને મોટીબા શું ભીતરથી બધી બાબતોથી પર થઈ ગયાં હશે? છેલ્લા ઘણા સમયથી હું જોઉં છું, મોટીબા આખો વખત મનોમન જાપ કર્યા કરતાં હોય. એમને આમ કશુંયે ખાસ સ્પર્શતું નથી. ને આમ પાછું નાની નાની બાબતોનીય રજેરજ માહિતી પૂછવા જોઈએ તે મા ને બાપુજી પાટીમાં લખી લખીને કંટાળે. લખી લખીને તો કેટલી વાતો કરવી?

મોટીબા એકલાં રહેતાં ત્યારે એમનેય એક વાર ઘાતક નહિ એવો ઍટેક આવી ગયેલો, મધરાતે.

‘રાતના એક ક બે વાગ્યા હશી. મારા માથામોં તો જોંણં ધડામ્ ધડામ્ હજાર હજાર નગારોં વાગ નં ઓંય છાતીમોંય દુઃખઅ્. વિચાર્યું ક હવારે ઊઠીનં જયે દાક્તર ફાહે. પણ પસ તો હું આટલી કાઠી છું તોય રૅવરાતું ન’તું. નસેનસમોં જોંણ દોંડીઓ પીટાય ધુડુમ્ ધુડુમ્ નં માથું તો જોણં મોટું ન મોટું થતું જ જાય નં ઊભુંય નોં થવાય ક પડખુંય નોં ફરાય એવું છાતીમોં દુઃખ… એવું થાય ક જોંણં હમણોં મગજ ફાટી જશે કોં તો છાતી ફાટી પડશે… તે થયું ક અવઅ્ તો ગમેઈંમ કરીનંય ઊઠવું પડશે નં જાળી ખોલીનં કોક પડોશીનં કૅવું પડશે ક હાલ નં હાલ દાક્તરનં બોલઈ આવ… નકર હું હવાર નીં ભાળું…

‘તે હું તો મન કાઠું કરીનં, ભગવોંનનું સ્મરણ કરીનં ઊભી તો થઈ પણ દુનિયા આખી ચક્કર ચક્કર ચક્કર ઘૂમતી લાગ. ને નેંચ બેહી ગઈ ઘડી વાર. પસઅ્ ગોંડ ઘહતી ઘહતી ગઈ નં ભેંતનો ટેકો લઈ જોર કરીનં ઊભી થઈ નં ખીંટીએથી ચાવી લીધી. નં વળી પાસી આખી દુનિયા ચક્કર ચક્કર ઘૂમવા મોંડી. તે વળી બેહી ગઈ થોડી વાર ઓંખો મીંચીનં. થયું ક અવઅ્ હવાર નીં ભાળું. ત્યોં પાછો અક્ષય યાદ આયો ક હજી તો ઈંનું લગન જોવાનું બાકી સ. તે ચક્કર ચાલુ હતા તોય પરોંણે ગોંડ ઘહતી ઘહતી નં થોડું ખહ્યા કેડી લગીર થાક ખાતી ખાતી જાળી ફાહે પોંચી. તારઅ્ તો જોંણં વૈતરણી પાર કરી લીધી હોય એવું લાગ્યું. પછી જોર કરીનં ઢીંચણ પર ઊભી થઈ નં જાળીના તાળામોં કૂંચીય ભરાઈ. પણ પસઅ્ હું થયું ખબર નથી…

‘પસઅ્ જોંણં મારા ખાલીખમ માથામોં ક્રાં ક્રાં ક્રાં કરતા કાગડા ઊડતા હોય એવું લાગ્યું. ડોકનો ભાગેય હાવ કાળોમેંશ, નં કદમોં ગીધ જેવડા! ભોંન આયું તાર તો હવાર પડી ગયું’તું… થયું ક ઘરમોં છું ક દવાખોંનામોં? ઊંચું જોયું તો અજવાળું દેખાયું નં જાળીના હળિયાય થોંભલા જેવા જાડા જાડા નં નજર પોંચ એટલા ઊંચા નં કાળામેંશ. થોડી વાર કેડી તાળું દેખાયું નં જોયું તો ચાવી તાળામોં ઈંમ નં ઈંમ ભરાયેલી હતી, તે ચાવી ફેરવીનં તાળું ઉઘાડ્યું નં બૂમો પાડીનં પડોશીઓનં ભેગોં કર્યો. તે પડોશીઓ દવાખોંનં લઈ ગ્યોં તમોં આ બચી. નકર એ રાતે તો હરિ હરિ થઈ ગઈ હોત.. હરિ ૐ તત્‌સત્..’

ફોન પર ખબર મળતાં જ મા-બાપુજી દોડી આવ્યાં. પણ આ ઘટના પછીયે, મોતને હાથતાળી દીધા પછીયે મા-બાપુજી સાથે જવાની તો કે ‘ના.’

બાપુજીએ પાટીમાં લખ્યું, ‘ફરી પાછું કોઈ રાતે આવું થશે તો?’

‘તો હવારે મનં કૂટી બાળજો…’ કહી મોટીબા ખડખડ હસવા માંડ્યાં. પણ એકલાં વતનના ઘરમાં રહેવાની જીદ ન મૂકી તે ન જ મૂકી ને સૂતળીની જેમ બળતાં રહ્યાં પણ વળ જરીકે છૂટ્યો નહિ કે ન તો એમના મિજાજમાંય જરીકે ઓટ આવી.

હજી આજેય, જરૂર હોવા છતાંય મોટીબા લાકડી વાપરતાં નથી!

મોટીબા કમરેથી જરીકે વળી ગયાં નથી. પણ ઊભાં થવા જાય કે ચાલતાં ચાલતાં ક્યારેક ચક્કર આવે છે ને ભીંતનો ટેકો લઈને તરત બેસી જવું પડે છે. તે એક વાર મેં ઓરડામાંની મોટી કોઠી પાછળથી ગંગાશંકરદાદાની ઘોડાની મુખાકૃતિના હાથાવાળી લાકડી કાઢીને મોટીબાને આપી તો એમણે એ લાકડીનો ખૂણામાં ઘા કરી દીધો ને ઓચિંતાનાં સખત ગુસ્સે થઈને કહે,

‘મારઅ્ કોઈનાય ટેકાની જરૂર નથી.’

આઠેક વર્ષ પહેલાં એક વાર મોટીબાની બેય આંખો મરચાં જેવી લાલચોળ થઈ ગયેલી. ડૉક્ટરે ટીપાં લખી આપ્યાં ને પાંચસાત દિવસમાં તો આંખો સારી થઈ ગઈ. તે પછી મોટીબા કહે,

‘અનિલા.. કોંન તો મારા હાબદા ગયા સ પણ ઓંખે મન જરી દેખાય સ એ તારાથી સહન નથી થતું?!’

મા તો જાણે છાતીમાં છરો ભોંકાયો હોય એમ ચોંકી કે બા કેમ આમ બોલે છે? આંખો લાલ થઈ કે તરત ડૉક્ટરને બતાવ્યું, રોજ ત્રણ ટાઇમ એમને ટીપાંય નાખી આપ્યાં, એકેય ટાઇમ ભૂલીયે નથી ગઈ… ને હવે તો આંખો સારીયે થઈ ગઈ છતાં કેમ આવું બોલે છે?

‘ઓંખનોં ટેંપો ખલાસ થઈ ગયો તે બીજોં કેમ હજી લાઈ નથી?’

‘પણ હવે તો આંખો બિલકુલ સારી થઈ ગઈ…’

‘એ તનં ખબર પડ ક મનં? ટેંપો બંધ કરી દેવાનું દાક્તરે કીધું સ?’

મા ડૉક્ટરને પૂછી આવી ને પછી પાટીમાં લખ્યું –

‘દાક્તરે કીધું કે હવે ટીપાંની જરૂર નથી.’

‘દાક્તર હું કૅતો’તો, કપાળ ઈંનું? બૉનોં કાઢ્યા વના સીધું કઈ દે ક તારઅ્ ઓંખનોં ટેંપોના પૈસા થઈ જાય સ? બૅરી તો છું નં પાસી મનં ઓંધળી કરવી સ?’

બસ, પછી તો ઘરે જે કોઈ આવે તે બધાંયને મોટીબા કૅ કૅ કરે —

‘મનં બરાબર દેખાતું નથી તોય કોઈ મારા માટ ઓંખનોં ટેંપોય લાવતું નથી… મારા શરવણ દીકરાનં પૈસા થઈ જાય સ…’

પછી એક દિવસ થાળી પીરસીને આપી તો હડસેલી દીધી! કહે, ‘ઓંખનોં ટેંપો નોં આવ તો મારઅ્ અવ ખાવું નથી.’

બસ, ત્યારથી તે છેક આજ સુધી આંખમાં ત્રણ ટાઇમ ટીપાં નાખવાનું ચાલુ છે! મોટીબાને એમ થઈ ગયું છે કે શું કરું તો મારી આંખો સારી રહે? શું કરું તો મારું શરીર સારું રહે? વધારે ઘી ખઉં? દૂધ વધારે ખઉં? ફળ-ફળાદિ ખઉં? દવાની ટીકડીઓ ને ટોટા ખઉં?

જેવું આંખનાં ટીપાંનું એવું જ બીજી દવાઓનું પણ. એક વાર ડૉક્ટરે દવા આપી કે પછી બે, મોટીબા કહેશે – એ દવા ચાલુ જ રાખો. બી.પી. અતિશય વધી ગયેલું ત્યારે ડૉક્ટરે ઇંજેક્શન આપેલું ને ત્રણ ટાઇમ કોઈ દવા લેવા કહેલું. થોડું સારું થયા પછી ડૉક્ટરે એ દવા એક ટાઇમ કરવા કહ્યું તો, ખલાસ – મોટીબા તૂટી જ પડ્યાં–

‘હું કળજગ આયો સ અવ તો… સેવા કરવાની વાત તો એક કોર રઈ. મારા માટ કોઈ પૂરતી દવાય લાવતું નથી.. ક પૂરતું ખાવાય નથી આલતું.. અરેરે.. મારું દખ તો હું કનીં આગળ રોઉં? કયા જનમની વેરી વઉ મળી સ મનં… નં છોકરોય શી ખબર કયા ભવનો વેરી સ? પૈસા થઈ જાય સ તે બેના બદલ એક જ ટેંમ દવા આલ સ મનં..’

‘ડૉક્ટરે જ હવે એ દવા એક ટાઇમ કરી છે.’

‘તું આવું લખ એટલે હું મોંની લઉં ઈંમ? તમારોં બધોંયનોં પોંણી માપીનં બેઠી છું… કોઈથી છેતરઉં એવી નથી માટ મારી આગળ તો જૂઠું બોલવાનું રૅવા જ દેજો.’

‘બી.પી. ખૂબ વધી જાય તે ઓછું કરવાની ગોળી જો બી.પી. સરખું થયા પછીયે ચાલુ રાખીએ તો પછી બી.પી. વધારે પડતું ઘટી જાય ને નવી તકલીફ ઊભી થાય.’

આવું લખીને બાપુજીએ પાટી મોટીબાને આપી તો વાંચવાને બદલે એમણે પાલવના છેડાથી પાટી લૂછી નાખી! (દલીલ સ્વીકારવી જ ન હોય તો ઘણીયે વાર મોટીબા વાંચ્યા વિના જ પાટી લૂછી નાખે.)

‘મારઅ્ તારોં કોઈ બૉનોં હોંભળવોં નથી.’

અક્ષરો ભૂંસાઈ ગયા પછીયે મોટીબા પાટી પર પાલવ ઘસતાં રહ્યાં.

હવે શું કરવું? ડોસી તો રોજ બે ટાઇમ ગોળીઓ ખાવાની જીદ પકડીને બેઠી. હવે?!

છેવટે મોટીબાને મનાવવા માટે ડૉક્ટરને ઘરે બોલાવ્યા ને ડૉક્ટરે પાટીમાં લખીને બતાવ્યું ત્યારે મોટીબા માન્યાં!

એ ડૉક્ટર પણ ઉમતામાં બાપુજી પાસે એકાદ વર્ષ ભણેલા તે એમણે એવુંયે લખ્યું—

રોજની બે ગોળીઓ લેવાની હઠ કેમ કરતાં’તાં?’

તો કહે,

‘એવી હઠ હું શું કોંમ કરું? મનં તો વહુ જે દવા આપ નં જ્યાર આપ તાર એ લઈ લઉં ચૂપચાપ. મનં તો આ દવાઓનું ઝેર પેટમોં નખવું ગમતું જ નથી… ઈંના કરત તો ઘી-દૂધ વધાર ખાવું હારું…’

‘આ ઉંમરે ને આવી તબિયતે ઘીયે ન ખવાય ને દૂધ પણ મલાઈ કાઢીને જ લેવાનું.’ ડૉક્ટરે પાટીમાં લખ્યું.

બિલોરી કાચ વડે એ વાંચ્યા પછી મોટીબા કહે, ‘કપાળ તારું. ઘી-દૂધ જો નોં ખઈએ તો પસઅ્ આ શરીર હેંડઅ્ શી’તી? તનં દાક્તરીનું ભણાયું સ કને? ઈંનં મોકલજે મારી પાહે.’

જે કંપનીની દવા દરવખત લાવતાં એ કોઈ જ દુકાને ન મળી. એ જ દવા બાપુજી બીજી કંપનીની લાવ્યા.

ચશ્માં ચઢાવી મોટીબાએ એ સ્ટ્રિપ જોઈ.

‘કેમ આ વખત જુદી દવા સ?’

‘દવા એ જ છે પણ બીજી કંપનીની છે એટલે જુદી દેખાય છે.’

‘હં…’ ડોકું ધુણાવતાં મોટીબા કહે, ‘અવઅ્ હમજી… મૂળ દવાના બદલ બીજી હલકી કંપનીની સસ્તી દવા લઈ આયો સ. તારઅ્ મનં જો દવા ખવડાવવી હોય તો પસ મૂળ કંપનીની લઈ આવ તો હા નકર પસ ના. કાલ મરતી હોઉં તો પસ આજ મરું.’

‘એ કંપની તો હવે બંધ થઈ ગઈ છે.’

મનં આવડી મોટીનં બનાવ સ? પૈસા માટ વાત વાતમોં જૂઠું, વાતે વાતે જૂઠું.. શું કળજગ આયો સ? હે ભગવોંન… હારું કરજો…’

ચશ્માં વિનાય આ ઉંમરે બધાંયને ઓળખી શકતાં હોવા છતાં છેલ્લા ઘણા વખતથી મોટીબા ક્યારેક ક્યારેક કહે છે —

‘બટકાએ નં મુન્નાડે મનં ઓંધળી કરી. મોતિયો ઊતરાયા કેડી ઓંખો હારી રૅ તમોં મીં શેર બદોમોં ખોંડીનં મારઅ્ ખાવા ડબામોં ભરી’તી તે મુન્નાડો નં બટકો હરતફરતઅ્ છોનંમૉનં સીંગચણાની જેમ ફાકી ગ્યા નં મનં આ ઓંધળી કરી મૂકી…’

કરકસરવાળાં મોટીબા ને બદામો લાવે?! તે છતાં એમના મગજમાં ક્યાંથી ઘૂસી ગયું હશે આવું?!

મોટીબાના મોંમાંથી ક્યારે કેવાં વેંણ નીકળે, કશું ઠેકાણું નહિ.

મારાં નાનીના અવસાનના સમાચાર આવ્યા. માએ મોટીબાને પૂછીને જવાની તૈયારી કરવા માંડી. દરમિયાન માને દુઃખ કરાવવા પડોશીઓ આવ્યાં તો મોટીબાએ કાઢી મૂક્યાં —

‘પારકી પંચાત કરવા કેમ ભેગોં થયોં સો? જૉવ હઉ હઉના ઘેર.’

સગી મા સાથેય એમને શું વાંકું પડ્યું હશે? કોઈ ભાઈએ આવીને સમાચાર આપેલા મોટીબાને કે તમારાં બા જાય એવાં છે, છેલ્લી વાર મોં જોવું હોય તો જઈ આવજો. તો એ ભાઈના ગયા પછી મોટીબા કહે, ‘મરી ગયા કેડી જઈશું રોવા એટલઅ્ બે ફેરા નોં થાય.’

મોતિયો ઉતરાવેલી એક આંખે પાટો છતાંય મારા માટે ઝારામાં સેવો પાડવા બેઠેલાં એ જ મોટીબા એમની સગી મા માટેય આવું કહે?!

License

મોટીબા Copyright © by યોગેશ જોષી. All Rights Reserved.