એક ઘેઘૂર-ઘટાદાર વ્યક્તિત્વનો મઘમઘતો આલેખ – ચંદ્રકાન્ત શેઠ

‘નવનીત-સમર્પણ’માં કવિ શ્રી યોગેશ જોષીનો એક ચરિત્રલેખ વાંચીને મને તેમની ગદ્યસર્જકતા સારી હોવાની પ્રતીતિ થયેલી ને મેં ત્યારે તેમને ગદ્યમાં સવિશેષ ધ્યાન આપવા મિત્રભાવે નિર્દેશ કરેલો અને સંભવતઃ તેના ફલ સ્વરૂપે તેમની પાસેથી કથાક્ષેત્રે એક પછી એક ઉલ્લેખનીય કૃતિઓ મળતી રહી; પણ મારી અપેક્ષા હતી કોઈ ચરિત્રકથાના ગ્રંથની, જે આ ‘મોટીબા’થી હવે સંતોષાય છે. જેમના કુળમાં મોટીબા જેવું અડીખમ – ખમતીધર પાત્ર હોય એમના કુળમાં યોગેશ જેવા એક સાચા સંવેદનશીલ સર્જકનું અવતરવું મને સ્વાભાવિક લાગે છે!

યોગેશનાં મોટીબાના નામે ભલે એકેય પુસ્તક કે લેખ ન હોય, પરંતુ કોઈ બળવાન સર્જકમાં હોય એવી એમની જીવન અને જગત વિશેની અનુભવમૂલક જાણકારી તથા વાક્‌પટુતા જોઈ સાચે જ મને આનંદાશ્ચર્યનો અનુભવ થયો. મોટીબામાં સંસારજીવનની એક પ્રબળ સરવાણી પ્રગટેલી લહાય છે. જીવનનો રસ એમણે બરોબર માણ્યો છે અને સાથે જીવનનો સંઘર્ષ પણ મજબૂત રીતે ઝીલી જાણ્યો છે. મોટીબાએ આ સંઘર્ષમાં નથી દૈન્ય દાખવ્યું કે નથી પલાયન કર્યું. યોગેશે એવાં અડીખમ નારીવિશેષનું કહો કે અહીં ચલચિત્રાત્મક નિરૂપણ કર્યું છે.

કથાનો આરંભ જ ‘લાલ બુંદી જેવાં’ મોટીબાના બાહ્ય દેખાવના – ‘તનની છબિ’ના વર્ણનથી શરૂ થાય છે. એ પછી ગણતરીની પળોમાં આ વિચક્ષણ સર્જક એમના અંતસ્તલમાં પ્રવેશી એક પછી એક મનની છબિ ઉતારવામાં રોકાઈ જાય છે. તેઓ મોટીબાના વ્યક્તિત્વનિરૂપણમાં ઉપયોગી એવાં ભાવરૂપો ને ઘટનારૂપોનું ચયન-સંકલન-નિરૂપણ કરી, મોટીબાનું ત્રિપરિમાણી ચિત્ર ઉપસાવે છે. ‘બાર ખાંડી મિજાજ’વાળાં – ‘તેજ મગજ’વાળાં, ડારો દે એવાં, સાનમાં સમજી લે એવાં મોટીબાનું વ્યક્તિત્વ યોગેશની કસાયેલી કલમે બંધાતું જાય છે. ઉંમરના કારણે હવે નજીકનું ભુલાય છે, છતાં ભૂતકાળનું ઘણું યાદ રહે છે અને એમાંથી જ તન-મનથી કાઠાં એવાં મોટીબાના વ્યક્તિત્વનું એક ઘટાદાર-ઘેઘૂર રૂપ મજબૂત મૂળિયાંસોતું ઉઘાડ પામતું – ફાલતુંફૂલતું પામી શકાય છે.

મોટીબાના હાથ-પગ હજી સલામત છે, જેટલું એમનું કાળજું ને મગજ. વયના કારણે આમ ઓછું સાંભળનારાં મોટીબા સામાના હોઠના ફફડાટ પરથીયે ઘણુંબધું વરતી જાય એવાં છે. છે વાતોડિયો જીવ, ગામ આખાની પંચાતમાં રસ; પરંતુ સૌથી વધુ રસ તો પોતાનામાં જ! આત્મરતિ ભારે ને સાથે આત્મગતિ પણ. ‘आत्मनः कामाय’ જ આસપાસનામાં ને દુનિયા આખીમાં જીવ ઘાલનારાં એ જણાય. લેખક કહે છે તેમ, ‘કોણ આયું’તું ને કોણ ગ્યું નં હું વાતો કરી’ – એ જાણ્યા વિના મોટીબાને જપ ન થાય. વસ્તુનું મૂળ પકડીને જ રહે. ‘મનં તો અવ ઓંખે બરાબર દેખાતું નથી’ એમ કહે પણ ‘ઘરે આવનાર દરેકેદરેકને તરત ઓળખી કાઢે.’

ઘરનાં – ફળિયાનાં છોકરાં ફટાકડા ફોડે એમાંય ઊંડો રસ લે, ને તેય આવા શાણપણભર્યા કથન સાથે – ‘એક અગનિ નં બીજું પોંણી. ઈંની હારે રમત નોં થાય…!’

મોટીબાનું અનુભવ-નિરીક્ષણ ઝીણું ને પાકું, તેથી જ, સગાંઓની આબાદ નકલ (મિમિક્રી) તેઓ કરી બતાવે છે. આવાં મોટીબા ક્યારે સાચું કરે ને ક્યારે નાટક — તેય કળવું મુશ્કેલ. ‘ખાવું’ને બદલે ‘ના’વું’, ‘જમવા’ને બદલે ‘રમવા’ અને ‘પરસાદ’ને બદલે ‘વરસાદ’ એવો અર્થ તેઓ જાણીબૂજીને મજાકથી કરતાં હોય ને છતાં સામાને ન સમજાય કે આ દોષ જાણીબૂજીને થયો છે કે કર્ણદોષથી!

મોટીબા ક્યારેક એકલપેટાં લાગે ને ક્યારેક માણસુડાંયે! માનભૂખ્યાંયે ભારે: કોઈને માન ન આપનારાં લાગતાં અને સૌને પાણી પાણી કરી દઈને રાચતાં મોટીબા બધી બાજુએથી પોતાને માન મળે, બધાંની વચ્ચે પોતે કેન્દ્રમાં રહે તો રાજી થાય એવાં ખરાં. એક બેસતા વર્ષે એમના મનમાં બેય વહુઓ ‘ક્યાર તૈયાર થાય નં ક્યાર મનં પગે લાગવા આવં…’ એવી ઝંખના ઊઠે છે – ઊપડે છે, એમાં આમ તો વહુઓને એકેક બંગડી દઈ દેવાનો એમનો ઉત્સાહ છે, પણ તે સાથે વહુઓ સામેથી આવી પગે લાગે એવો ઊંડે ઊંડેય આગ્રહભાવ તો એમાં જોઈ શકાય.

લેખક મોટીબાનો સાક્ષાત્કાર કરાવતાં કરાવતાં એમની આસપાસના પરિવેશનો, દેશકાળ-વાતાવરણનોય સરસ પરિચય કરાવતાં રહે છે. મોટીબાને જે ઘરની-મકાનની અપાર મમતા છે તેનું વિગતપૂર્ણ – કેટલીક રીતે દસ્તાવેજી લાગે એવું બયાન લેખક કરાવે છે. જેવું એ ઘર, એવાં જ એ ઘરમાં રહેનારાં મોટીબા – જુનવાણી ને જાજરમાન, જર્જરિત છતાં જોરદાર! લેખક આ વાત હૃદયંગમ રીતે એમની સર્જનાત્મક શૈલીમાં રજૂ કરે છે:

‘મોટીબાના ચહેરા પર હું જોઈ શકું છું સ્પષ્ટ, છેલ્લાં સિત્તેર-એંસી વર્ષનો એક આખો સમય, અનેક તિરાડોવાળો છતાં ઘણાંબધાં આભલાંથી મઢેલો, અંધારિયો ને છતાં ઝગમગતો.’ (પૃ. ૧૭)

તેઓ મોટીબાનું કેવું ભર્યુંભર્યું ચિત્ર આલેખે છે! આ ચિત્રણની સિદ્ધિમાં એમની ગદ્યશક્તિનુંયે માતબર પ્રદાન ખરું જ. તેઓ મોટીબાનાં અનેક રૂપો રજૂ કરે છે આવી ગદ્યપરિપાટીમાં–

‘માત્ર ચૂલા જેવી વસ્તુના સંદર્ભેય આંખ સામે જ દેખાય છે મોટીબાનાં અનેક રૂપો – ભૂંગળીમાં ફૂંકો મારી મારીને ચૂલો પેટાવતી નાજુક-નમણી-ગોરી તારા, ફાનસના અજવાળે ચૂલા સામે બેસીને રોટલા ઘડતી ભાનુ તથા મુદ્રિકાની મા, જુવાનજોધ વિધવા તારા, સગડીમાં કૉલસા ગોઠવી કેરોસીનવાળી કાકડી મૂકી ઉપર બે-ચાર કૉલસા ગોઠવીને પછી કાકડી સળગાવી સગડીના બાકોરામાં હાથપંખાથી પવન નાખતાં તારાબા, પ્રાઇમસ ખોલીને દિવેટોનો મોગરો કાપીકૂપીને સરખી કરતાં કે દિવેટો બદલતાં મોટીબા, ભમભમિયા સ્ટવના પંપનું વાઇસર જાતે બદલી પંપ ફિટ કરીને પછી સ્ટવને ભમભમાટ સળગાવતાં મોટીબા…’ (પૃ. ૧૮)

આ મોટીબાયે ભમભમાવે એવાં ને ભમભમે એવાં છે. ‘ચૂલાના અગ્નિ કરતાં પ્રચંડ અગ્નિ’ જેમનામાં ભરેલો લેખકે અનુભવ્યો છે તે મોટીબાનાં અનેક રૂપોનું – જીવંત રૂપોનું એક ચિત્રાલય અહીં ખડું થયું છે.’ ઉત્તરરામચરિત’ના ચિત્રદર્શનની યાદ આપતું આ પણ એક નૂતન આકર્ષક વાઙ્‌મય રૂપ.

લેખક મોટીબાને માત્ર શબ્દોથી જ નહીં, આંખ ને કાનથીયે પ્રત્યક્ષ કરે છે. એ રીતે આ ચરિત્રકથા જાણે આંખકાનથી લખાઈ હોય એવી લાગે છે. તેથી જ લેખકના કાને ઝીલેલી અને અહીં ઉતારેલી મોટીબાની વાણીમાં – ઉત્તર ગુજરાતની બોલીમાં ગુજરાતી ભાષાની તળપદી-વાસ્તવિક નક્કર-નરવી તાકાત સૌને દેખાશે. જે રીતે મોટીબા બાળકોને વાતો કહે છે એમાંથીયે એમની અસલિયતનો સાક્ષાત્કાર થતો અનુભવાય છે. મોટીબાનું ખરેખરું દૈવત જાણે એમની જીભમાં ન હોય! એ દૈવતનો પરચો કરાવવામાં લેખક પૂરેપૂરા સફળ રહ્યા છે, એમ કહેવું જોઈએ.

લેખકની કવિદૃષ્ટિ સત્તરેક વર્ષની ઉંમરે પચાસેક વર્ષના ગંગાશંકર સાથે પરણીને આવેલાં મોટીબાના કપાળમાં ચાંલ્લાના કંકુની સાથે જ વૈધવ્યનેય ભળેલું જોઈ શકે છે. લેખકની કવિત્વશક્તિ “કોંક ‘વસતી’ જેવું લાગ…” એ ખ્યાલે પતિ તરફથી ભેટ મળેલા ઘડિયાળના ડંકે જુવાનજોધ વિધવા મોટીબાની લાંબી લાંબી રાતો પસાર થઈ હોવાનુંયે અનુમાન કરી દે છે.

બેડાની ચાંલ્લા-ભાત પર હથેળી ફેરવીને સ્પર્શની મઝા લેવાનું નહીં ચૂકનારા આ લેખક મોટીબાની અનેક કામગીરીઓનું રસપ્રદ બયાન આપતાં આપતાં એમના સંકુલ વ્યક્તિત્વની એક પછી એક પાંખડી ખોલતા જઈ ખમીર ને ખુમારીવાળી એમની જીવનચેતનાનો આપણને રમણીય ખ્યાલ આપી રહે છે. મોટીબા ઘરના કામમાં, રસોઈમાં, દળવામાં, સીવવાગૂંથવામાં, મકાન ધોળવામાં, કડિયાકામમાં, સુથારીકામમાં અને એ રીતે કંઈ કેટલાંયે કામોમાં પાવરધાં હતાં; ચીવટ ને ચોકસાઈવાળાં હતાં તે લેખકે આબેહૂબ રીતે બતાવ્યું છે. જેવાં ઘરકામમાં કુશળ એવાં જ બહારનાં વ્યાવહારિક કામોમાંયે ‘ઉસ્તાદ’ કહેવાય એટલી હદે કુશળ. જાતમહેનતે સંકલ્પબળે ઊભાં થયેલાં ને આગળ વધેલાં. કોઈની શેહશરમમાં તો આવે જ શેનાં? કોઈથી દબાય એવાં ઢીલાંપોચાં નહીં. ભારે મમતીલાં ને હઠીલાં. આ બધી ખાસિયતો-વિશેષતાઓનું અનેક સ્થળોએ ઘૂંટામણ થયેલું જણાય. એ રીતે ક્યાંક લેખક દ્વારા પિષ્ટપેષણ થયાનુંયે લાગે. આમ છતાં મોટીબાના સ્વત્વ અને સત્ત્વને ઉઠાવ આપતી ઘટના-સ્થિતિઓના રસાત્મક ચિત્રણમાં કથાસર્જક યોગેશ અને કવિ યોગેશનો આહ્‌લાદક સહકાર-સુમેળ-સમન્વય સિદ્ધ થયાનું વરતાય છે. ક્યારેક ‘મોટીબાનું ભપક્યું’ જેવી એકાદ લઘુ ઉક્તિથીયે લેખક પોતાનું લક્ષ્ય સાધે છે.

મોટીબામાં જૂના જમાનાના સંસ્કારોનું બળ પણ ખરું. આભડછેટ, જીવતેજીવત ઉત્તરક્રિયા વગેરે પ્રસંગોમાં તે ડોકાય છે. આ મોટીબા પ્રસંગ આવ્યે ‘ઈશ્વર સામેનો વિદ્રોહ’ પણ પ્રગટ કરી શક્યાં હતાં. દાદાના અવસાન પછી દેવદેવલાંને, પૂજા-અર્ચનાની બધી સામગ્રી સાથે એક પોટકામાં બાંધીને લાકડાની પેટીમાં કેદ કરી દેનારાં મોટીબાને અન્યથા કેવી રીતે વર્ણવવાં?

મોટીબા ભણેલાં ઓછું, પણ ગણેલાં ઝાઝું. તેથી જ વ્યવહારમાં તેઓ ભાગ્યે જ છેતરાય છે. તેમનો અવેર, તેમની કરકસર – બેય ભારે. દુઃખ વેઠીને તન-મનથી કાઠાં થયેલાં તેથી બાળકોનેય એમ જ ઉછેરવામાં માને છે; તેમની સાથે વાતો કરે, જોડકણાં ને ગીતોય ગાય-ગવડાવે ને વખત આવ્યે વાંચે-વંચાવેય ખરાં. જરૂર પડ્યે સામદામદંડ – બધુંયે વાપરે. બટકાની – યોગેશની સાહિત્યિક સિદ્ધિઓ જોઈ રીઝે-રાચે ને એનું ભોળપણ જોઈ ખીજેય ખરાં. મોટીબા બાળક સાથે બાળક થઈને જો રમતાં, તો જરૂર પડ્યે નાનાં-મોટાં સૌ પર ભારે ધાક પણ જમાવતાં. પોતાની અણઘડ રીતે દવા કરનાર ડૉક્ટરને એ ધૂળને પેટ ઘાલે છે; પોસ્ટખાતાવાળાનીય ખોટી વ્યાજગણતરી માટે ખબર લે છે. કોઈ વાર હળવાંફૂલ, પ્રસન્ન, કરુણાળુ અને ઉદાર દેખાતાં મોટીબા ક્યારે વકરીને ભારેખમ, ઉદાસ, ક્રૂર ને કૃપણ થઈ જાય તે ભાગ્યે જ કળી શકાય. એમનું વ્યક્તિત્વ જ એવું ફાંટાબાજ (‘અન્-પ્રેડિક્ટેબલ’). હવાઈની જેમ ક્યારે આડાં ફંટાય કહેવાય નહીં. એમણે જે રીતે એમની વિધવા જેઠાણી મયાબાને પરેશાન કર્યાં તે તો અક્ષમ્ય જ લેખાય. યોગેશનાં માતુશ્રી અનિલા પ્રત્યેનો એમનો વર્તાવ પણ અવાંછનીય જ લેખાય. આવાં મોટીબાના જીવનની કરુણતાના મૂળમાં કદાચ મોટીબાના પિતા કીકા મહેતા જણાય છે, જેમને તેઓ કદી માફ કરી શક્યાં નથી. પિતા, ભાઈઓ વગેરે સાથેનો સામા છેડાનો – આત્યંતિક કહેવાય એવો વ્યવહાર તો આ મોટીબા જ કરી શકે! આમ છતાં મોટીબાને અસંસ્કારી કે કર્કશા જેવાં વિશેષણો લગાડી શકાય એમ નથી. એમને પોતાના પરિવારની ચિંતા છે. એમની ક્ષેમકુશળતા માટે એ વખત આવ્યે થાય તે બધું કરી છૂટે છે. પેટે પાટા બાંધીને એમણે ઘરને રણે રાખ્યું – સાચવ્યું. છોકરાંના ભણતરની – એમની સગવડની ચિંતાયે કરી. એમ છતાં એમની વિનમ્રભાવે સેવાચાકરી કરનાર પુત્રવધૂ પ્રત્યે એ જે રીતે સાસુપણાની કઠોરતા દાખવતાં રહ્યાં તે પૂર્ણતયા સમજી શકાતું નથી. એમના એવા પ્રકારના વર્તનમાં અસૂયા, અસંતોષ જેવી કેટલીયે ચિત્ર-વિચિત્ર લાગણીઓ હોઈ શકે.

યોગેશે મોટીબાના ચિત્રણમાં એમના વ્યક્તિત્વમાં જે આંતરવિરોધો રહેલા છે તેનું સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. તેઓ લખે છે:

‘મોટીબાનાં અનેક રૂપો. ક્યારેક દરિયા જેવાં, ક્યારેક ધીર-ગંભીર-શાંત વહેતી નદીનાં નીર જેવાં, તો ક્યારેક મસમોટા પથરા જેવાં! ક્યારેક વિશાળ વડલાની છાંય જેવાં, ક્યારેક વૈશાખના ધોમધખતા તડકા જેવાં, ક્યારેક ઝરમરતા વરસાદ જેવાં, ક્યારેક માખણ જેવાં તો ક્યારેક વેર લેવા નીકળેલી નાગણ જેવાં!’ (પૃ. ૭૮)

આમ મોટીબા વિરોધોના પોટલા જેવાં લાગે છે. એક બાજુ એમની વાતોમાં ભૂતકાળ સતત ડોકાતો રહે છે ને બીજી બાજુ તેઓ આધુનિક જમાનાને ઓળખવામાંયે પૂરતી ચકોરતા દાખવતાં રહે છે. ‘ઘડીમાં માસા ને ઘડીમાં તોલા’નો અનુભવ કરાવનાર આ મોટીબાના ઉછેર-ઘડતરમાં ક્યાંક એવી પાયાની ખોડ-ખામી રહી ગયેલી જણાય છે, જે એમના જીવનની ગુપ્ત કરુણતા ને મર્યાદા બંને માટે કારણભૂત લાગે છે. આમ ભલે આસપાસનાંને ડારતાં એ જીવતાં હોય પણ ઊંડ ઊંડે એમનામાં સતત કોઈ અસલામતીનો ભય, અતૃપ્તિ, કોઈ અજંપો, કશીક અશાંતિ જાણે સૂક્ષ્મ રીતે ઘૂમરાયા કરતી – ધૂંધવાયા કરતી હોય એવો વહેમ જાય છે. જે રીતે એ જીવતરમાં – સંસારમાં કાચી ઉંમરે જ દાઝ્યાં તેનું જાણે જાણ્યેઅજાણ્યે વેર વાળતાં હોય – પોતે દાઝ્યાં માટે જ હવે આસપાસનાંનેય ફૂંફાડા મારતાં – દઝાડતાં હોય એવું લાગે છે; પણ બીજાને વાત-વાતમાં દઝાડનારને ભીતરમાં કેટલા શેકાવું – સળગવું પડ્યું હોય છે એ તો એ જ જાણે. લેખકે એ તરફ અંગુલિનિર્દેશ કર્યો છે, પણ એ પરિસ્થિતિનો પર્દાફાશ કરવાનું તેમણે ટાળ્યું છે અને તેનો ક્યાસ કાઢવાનું આપણા પર – વાચકો પર છોડ્યું છે તેમ લાગે છે.

આ ચરિત્રકથામાં આમ તો મોટીબાનું ચરિત્ર-ચિત્રણ જ કેન્દ્રસ્થાને છે; આમ છતાં ગોવત્સન્યાયે એમાં યોગેશનું, એમનાં માતાપિતા, ભાઈ વગેરેનું ને એ રીતે મોટીબાનાં સાસરિયાં-પિયરિયાંનુંયે કેટલીક સબળ-સુરેખ રેખાઓમાં ચિત્રણ થયું છે, જે પ્રસ્તુત કૃતિની આસ્વાદ્યતા વધારે છે.

આ સમગ્ર ચરિત્રકથામાં યોગેશનો વાસ્તવિક જીવનનો — સંસારજીવનનો અનુભવ કેવો સંગીન-સમૃદ્ધ છે તેની પાકી પ્રતીતિ થાય છે. મોટીબાને જીવંત રૂપે નિરૂપવામાં જો લેખકની શિષ્ટ ભાષા, તો તે સાથે તેથીયે વધુ લેખકપ્રેરિત મોટીબાની ઉત્તર ગુજરાતની બોલીનો ફાળો છે એમ કહેવું જોઈએ. પોતાનો દીકરો વહુઘેલો છે એનું સૂચન કરતું ‘વહુનં પૂછી પૂછીનં પાદઅ્ એવો સ…’ જેવું વાક્ય તો મોટીબા જ બોલી શકે! આખાબોલાં મોટીબાની ભાષામાં અનેક તળપદી લઢણો, રૂઢિપ્રયોગો તેમજ કહેવતો વગેરેનો પ્રભાવક રીતે વિનિયોગ થયો છે. લેખક પણ ‘દરેકેદરેક પ્રસંગ… દીવાની જ્યોત જેવો ચોખ્ખોચણક યાદ હોય’, ‘કામની શરૂઆતમાં, પાસપાસે જેવા ઝીણા ઝીણા ટાંકા લીધા હોય એવા જ સુંદર ટાંકા શરૂથી તે અંત સુધી કોઈ છંદોલયની જેમ વહેતા હોય’ જેવાં વાક્યોમાં તાજગીભર્યાં ઉપમાનો વણતાં એમની નિરૂપણકળાને વધુ તેજસ્વી ને ધારદાર બનાવતા જણાય છે. તેઓ લઘુ તેમજ દીર્ઘ વાક્યાવલિઓના આરોહાવરોહે સિદ્ધ થતા ગદ્યલયનોયે અત્રતત્ર અનુભવ કરાવતા ખંડકો પણ આપે છે. આ ખંડકો પડછે – આ ખંડકો વચ્ચે મોટીબાની તેજ-તીખી જબાનની ઉક્તિઓની ઉપસ્થિતિ ગદ્યનું એક વિલક્ષણ પોત વણી આપે છે, જે આ લેખકની એક મહત્ત્વની સિદ્ધિ છે.

મોટીબા આમ તો જીવનસંધ્યાને કાંઠે ખડાં છે; પણ એમની જે મૂરત અહીં આ અક્ષરલોકમાં પ્રતિષ્ઠિત થઈ છે તે સ્વસ્થ રુચિવાળા સહૃદયોને હમેશાં આકર્ષતી રહેશે એવો વિશ્વાસ છે, જે વિશ્વાસ મોટીબાની સેવામાં રહેતાં જ કેળવાયેલો છે – મજબૂત થયેલો છે. મોટીબા ગુજરાતીભાષી સૌનાં મોટીબા તરીકે પ્રતિષ્ઠિત થાઓ એવી સદ્ભાવના.

હજુ તો ‘મોટીબા’ના ચરિત્રાવતાર માટે યોગેશને સદ્ભાવના પાઠવી નિરાંતનો શ્વાસ ખાતો હતો ત્યાં જ એમની મોટીબાની પાકી ચતુરાઈનો છેલ્લો કિસ્સો જાણવા મળ્યો, ૧૯૯૭ના છઠ્ઠી ડિસેમ્બરે સવારે! એમના લાડકા બટકાએ (પૌત્ર યોગેશે) એમની પ્રાણપ્રતિષ્ઠા ગુજરાતી ભાષા-સાહિત્યના સિદ્ધક્ષેત્રમાં ઉત્સાહ ને શ્રદ્ધાથી કરી ને ત્યાં તો કોઈનાયે ટેકા વિના મોટીબા એકલાં ચાલી નીકળ્યાં અનંતની યાત્રાએ…

મોટીબાની વાતોનાં વડાં કરનારી જીભ હરિઃૐના નામરટણમાં ને પછી મૌનમાં કેવી રીતે વિ-રમી તે તો યોગેશે એમના વિશે જ્યારે ‘અને અંતે…’ પ્રકરણ ઉમેર્યું ત્યારે જાણ્યું. ભારે જતનથી, મબલક માયા-મમતાથી મહેનતપૂર્વક ગૂંથેલા પોતાના માળાને તેઓ એમ જ છોડીને ચાલ્યાં ગયાં – બુઝાવા કરતી જ્યોતનો અદકેરો ચમકારો દાખવીને. પ્રત્યક્ષ જીવનમાં અનેક સંઘર્ષો-સમસ્યાઓની વીરતાપૂર્વક ઝીંક લેનાર ને એ સર્વની સામે ઝૂઝનારાં મોટીબા છેલ્લે છેલ્લે દૃઢતાથી, સંકલ્પપૂર્વક મૃત્યુને વહાલું કરવા મથે છે. મોટીબાની મોટાઈ તો એમણે ખડા કરેલા ભર્યાભાદર્યા ઘરનું બારણું પોતાની પૂંઠે બંધ થવા ન દીધું એમાં વરતાય છે. મોટીબાએ જતાં જતાં સર્જક યોગેશની અંતઃકૃતિ પર આ અવાજ તો મૂક્યો જ:

‘હાચવીનં જજો નં પૉંચીનં તરત કાગળ લખજો…’

મોટીબાના આજ્ઞાંકિત પૌત્રે તેમને જ સાચવીને પોતાના અક્ષરલોકમાં અવતાર્યા ને એમ કરતાં એક શું, એકસો કાગળ લખી દીધા એમના માટે ચરિત્રાંજલિરૂપ સાચુકલા આ તર્પણના ભાવે.

યોગેશનું આ તર્પણ ગુજરાતી સાહિત્યને એમણે કરેલા એક ઇષ્ટ ને મિષ્ટ અર્પણરૂપ લેખાશે એવી શ્રદ્ધા છે.

– ચંદ્રકાન્ત શેઠ

License

મોટીબા Copyright © by યોગેશ જોષી. All Rights Reserved.