આઠ

પહેલાં તો મોટીબા વતનના ઘરમાં જ રહેવાની જીદ નહોતા કરતાં. બાપુજીની બદલી જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સાથે જાય. બધોયે સામાન પૅક કરવાનું કામ એમનું. એમના જેવું સામાન પૅક કરતાં ઘરમાં બીજા કોઈને ન આવડે. એક પણ ચીજ તૂટે નહિ, કશુંયે લગીરે ઢોળાય નહિ, એકાદ વાસણનેય ગોબો સરખો ન પડે. નવા સ્થળે પહોંચ્યા પછી સામાન ખોલવાનું ને બધું ગોઠવવાનું કામ પણ મોટીબા જ કરે. કઈ ચીજ શેમાં મૂકેલી એ રજેરજ એમને યાદ હોય.

પણ બાપુજીને રિટાયર્ડ થવાનાં દસેક વર્ષ બાકી હતાં ને મોટીબાનું ભપક્યું—

‘મારઅ્ અવ વતનના ઘરમોં જવું સ. હું મારઅ્ એકલી રોંધી ખએ. નં માળા નં  દેવદરશન.’

‘પણ આટલી ઉંમરે સાવ એકલા રહેવું ઠીક નહિ.’

‘કેમ, હું કોંય મરણપથારીએ પડી સું? હજી તો અડીખમ છું. ચોખ્ખું ઘી-દૂધ ખાધેલું સ. કૂવેથી પોંણી ખેંચેલું સ. જાતે દઈણોં કરેલોં સ. વાલમથી ચાલતી વિહનગર આવતી. હજી તો પગોમોં ન બાવડોંમાં જોર સ.’

માએ, બાપુજીએ, ફોઈએ, પડોશીઓએ બધાંએ મોટીબાને ઘણુંયે સમજાવ્યાં. પણ માને તો મોટીબા શેનાં?

‘એકલાં રહેવું હોય તો કામવાળી રાખી લેજો.’

‘કેમ કોંય, પૈસા મફત આવ સ? નં મારા હાથ-પગ ભાંગી ગ્યા સ?’

બાપુજીએ આવતા રવિવારે જઈશું, હવે પછીના રવિવારે જઈશું – કહી બે અઠવાડિયાં ખેંચી કાઢ્યાં.

‘અવઅ્ કાલનો પરમદાડો થવો નોં જોઈઅ. મૂકવા નોં આવવું હોય તો હું મારઅ્ એકલી જએ… હજી તો એકલી અમ્મેરિકા જઉં એવી છું. કાલ જો નીં જવા દો તો પસ અન્નજળ હરોંમ.’

તે પછી મોટીબાને બીજે દિવસે વતનના ઘરમાં મૂકી આવ્યાં. અને ત્યારથી તે છેક બાપુજી રિટાયર્ડ થયા ત્યાં સુધી મોટીબા એકલાં જ રહ્યાં. ને બધુંયે કામ જાતે. અને હજીયે હઠ છે–

‘માર તો આ ઘરમોં જ મરવું સ.’

આથી જ તો, વતનનું ઘર કહેતાં મોટીબા ને મોટીબા કહેતાં વતનનું ઘર.

મોટીબાએ ઓરડામાં લઈ જઈને બતાવ્યું.

‘અહીં ખોદાવજો, અહીં ખોદાવજો… નં પરહાળમોંય પણે ખોદાવજો. પરહાળમોં લેંપણ કાઢી નાખેલું નં ચીમેટની છો કરી તારઅ્ મીં મજૂરિયોં ફાહે થોડું ખોદાયું’તું તો માટીના ઘડા તો નેંકળેલા, પણ ખાલી. એક મા’રાજે કીધેલું, તમારા ઘરમોં ધન સ. નં તીજી પેઢીનં મળશે તે મૌલિક એ તીજી પેઢી થઈ ક નીં? પોંણીકળા જોણતો હોય ઈંનં જીમ ખબર પડ ક ધરતીમોં પોંણી ક્યોં સ ઈમ જૂના જમોંનામોં ઘણોંનં ખબર પડતી ક ધન ક્યોં દટાયેલું સ..’

તો જેને ખબર પડતી હોય એ જ ધન કાઢી ના લે?’ મેં પાટીમાં લખીને પૂછ્યું.

‘કૅ સ ક જમીનમોં ધન દાટેલું હોય ત્યોં હાપ રૅ, ધનની ચોકી કરવા. અનં જીના નસીબમોં નોં હોય ઈનં ધન મળઅ્ તોય ઈનં ઠીકરોં જ દેખાય. શિવગંગામાશી જીવતોં તારઅ્ ઈમને આ બાબતની એક વારતા કીધેલી એક વાર.

‘જૂના જમોંનાની વાત. એક ગોંમ હતું. બઉ મોટુંય નંઈ નં હાવ ગોમડુંય નંઈ. આપડ વિહનગર જેવડું જ હમજો નં. ઈમોં એક વૉણિયોં રૅ. ઈના જેવો કંજૂસ મૉણસ આખા ગોમમોં બીજો નોં મળઅ્.

‘રાજાના દીવૉનનું હવેલી જેવડું ઘર આ કંજૂસ વૉણિયાએ ખરીદ્યું તારઅ્ તો લોક મૂઢામોં ઓંગળોં નખી ગ્યું. ઘર વેચાતું લેનારા ગોમમોં બીજા ઘણાય હતા પણ હૌથી વધાર પૈસા આલવા આ વૉણિયો તૈયાર થયો!

‘ગોમમોં તો લોક વાતો કરઅ્ ક વૉણિયાની બુદ્ધિ બગડી સ ક હું? આવો કંજૂસ વૉણિયો દોઢ ગણા પૈસા આલીનં ઘર ખરીદ? કોં તો ઈનીં બુદ્ધિ બગડી સ કોં તો પસઅ્ એ વૉણિયો નંઈ.

‘ઘર લીધા કેડી વૉણિયો તો રોજ રાતે ક્યોંક ને ક્યોંક ખોદ નં ધન નોં મળઅ્ તે પસ પૂરી દે. ઓંમનં ઓંમ તૈણ-ચાર મહિના ગ્યા. પણ ધીરજ તો કે વૉણિયાની. પસ એક દા’ડો સ તે રાતે ખોદત ખોદત ખણંગ કરતો અવાજ આયો. બેય હાથેથી જાળવીનં થોડી માટી બા’ર કાઢી પસ ફૉનસ થોડું મોટું કરીનં ઈના અજવાળામાં જોયું તો એક મોટો ચરુ! થોડું વધાર ખોદીનં એ ચરુ તો બા’ર કાઢ્યો. ચરુની ઉપર માટીનું ઢોંકણ ઢોંકીનં ઉપર લેંપી કાઢેલું.

‘વૉણિયો તો રાજી રાજી થઈ ગ્યો ક આ ધન મારા જ નસીબનું હશે. તમોં જ ધન હાચવવા બેઠેલો નાગ દેખાયો નંઈ. નકર તો કૅ સ ક ધન હાચવવા નાગ બેઠેલો હોય નં જીના નસીબનું નોં હોય ઈનં નાગ અડવા નોં દે.

‘રાજી થઈનં વૉણિયાએ તો ઢોંકણું ઉઘાડ્યું. ફૉનસ નજીક લાયો નં ચરુમોં જોયું તો મંઈં હોનામૉરોના બદલ મોટા મોટા વેંછી!

‘બીજું કોઈ હોય તો આ જોઈનં છળી મરઅ્. પણ આ તો રયો વૉણિયો. ઈને વિચાર્યું ક આ ધન મારા નસીબમોં નીં હોય તમોં જ મનં વેંછી દેખાય સ.

‘ઉપર વેંછી હોય પણ વખત સ નં નેંચ હોનામૉરો હોય તો?

‘વૉણિયાએ ચરુ ઠાલવ્યો. તો, બધાય વેંછી જીવતા!

ચીપિયાથી પકડી પકડીનં ઈનં વેંછી પાછા ચરુમોં ભર્યા નં દહબાર વેંછી બા’ર રાખ્યા. ચરુનું ઢોંકણું હતું ઈંમ બંધ કરીનં ચરુ તો પાછો દાટી દીધો નં ઉપર થોડું લેંપણેય કરી દીધું! પસ, દહ-બાર વેંછી બા’ર રાખ્યા’તા ઈનું વૉણિયાએ હું કર્યું? તો કે, હૂતળીમોં આસોપાલવનોં પોંદડોં બોંધીનં તોરણ બનાઈએ ઈંમ વેંછીની પૂંછડીના અંકોડા બોંધીનં ઈંને તો વેંછીનું તોરણ બનાયું નં પસ બારહાખોમોં બોંધ્યું…!’

‘હવારમોં વાળવાવાળી આઈ ઈનં તો આ તોરણ જોઈનં કઉતૂક થયું ક આ વૉણિયાનું ખહી ગયું સ ક હું? તે ઈને તો બૂમ પાડી—

‘શેઠ…’

‘શે…ઠ… ઓ…શેઠ..’

‘વૉણિયો તો પેલી નંઈ નં બીજી બૂમે ઝટ બા’ર આયો.

‘શેઠ’, પેલી બોલી, ‘ચમ આ હોનામૉરોનું તોરણ ઓંમ લટકાયું સ?’

‘વૉણિયો હમજી ગ્યો ક આ ધન આ છોડીના નસીબનું સ. અનં આટલું બધું ધન જવા તો દેવાય નંઈ. પણ… એ ધન મેળવવું શી’તી? બધું ધન ઈનં આલી દઉં નં કઉ ક ઓમોંથી દહબાર હોનામૉરો તું લઈ લે, નં બાકીની મનં આલ…

‘પણ મારી પાહે આયા કેડી વખત સ નં હોનામૉરો ફેર વેંછી થઈ જાય તો? વૉણિયો થોડું મૂંઝાયો. પણ પસ ઈંને ઉકેલ હોધી કાઢ્યો.

‘શું?’ મોટીબા બિલકુલ સાંભળતાં નથી એય ભૂલી જઈને બધાં પૂછી બેઠાં.

‘પસઅ્ વૉણિયાએ તો એ વાળવાવાળી હારે લગન કર્યો.’

‘વાહ!’ સાંભળનાર બધાં બોલી ઊઠ્યાં. મનેય ખૂબ મઝા પડી.

‘તમોં કું સુ ક મારા મર્યા કેડી ઘર વખત સ નં વેચી મારો તો એ પૅલાં મીં બતાઈ એ જગ્યાઓએ ખોદાવજો. હોનામૉરો તો નંઈ પણ તમારું નસીબ હોય ને રાણીછાપ ચોંદીના સિક્કા નેંકળ તો નેંકળ. પણ હું તો કું સું ક વતનનું ઘર કોઈ દા’ડો કાઢી નોં નખીએ. ક્યારેક કોઈ પ્રસંગ-બ્રસંગે આવવાનું થાય તો ઘર ઉઘાડીનં રૅવા થાય. ઘર હોય તો વતન જોડે એક છેડો જોડાયેલો રૅ. પણ અહીં કોઈ રૅતું નોં હોય તો પસઅ્ આવડું મોટું ઘર હચવાય નૈં. તે ખડકી નં ચોકનો ભાગ રાખજો નં પાછલો ભાગ – પરહાળ નં ઓઈડો વેચી મારજો. પંચોતેર-એંસી હજાર તો આવશી.’

License

મોટીબા Copyright © by યોગેશ જોષી. All Rights Reserved.