મોટીબાએ એમની ભીતર ખબર નહિ, કયા સમયનો, કેટકેટલો લાવા સંઘરી રાખ્યો હશે?
‘હમણોં હાચો અક્ષર ગોંડ પર ચોંપે તો નારસંગો આવશે.’ એમ મોટીબા અવારનવાર એમના ભાઈઓને કહેતાં ને અંગારા જેવા શબ્દોય ચાંપતાં. એમનાં સાસરિયાંઓનેય હંમેશાં ભાંડતાં. ભૂતકાળ યાદ કરે ત્યારે ત્યારે એમના મોંમાં આ વાક્ય તો ધ્રુવપંક્તિની જેમ હોય જ —
‘મનં વાલમમોં વસી દેરાના ઓટલે બેહાડી’તી.’
અથવા તો એમના ભાઈઓની કે બાપાની વાત નીકળે ત્યારે —
‘છોડીઓના નેંહાકા લીધા સ તે કીકા મૅ’તાના કુળનું સત્યાનાશ જવાનું.’
કીકા મહેતા એટલે મોટીબાના બાપા. નામ શિવશંકર પણ ગામમાં ને નાતમાં ઓળખાતા ‘કીકા મૅતા’ તરીકે.
કીકા મહેતાની સૌથી મોટી દીકરી તારા. ચાર બહેનો – તારા, વિજયા, મૂળી અને શાંતા. ત્રણ ભાઈઓ – ચિમન, પ્રહ્લાદ અને કરસન. કીકા મહેતાની બહેન પણ પંદર-સોળ વર્ષની વયે વિધવા થઈને પિયર આવેલી ત્યારથી સાથે રહેતી. મોટીબાના આ ફોઈનું ઘરમાં વર્ચસ્વ. એમની માનું ઘરમાં કંઈ ચાલતું નહિ. કીકા મહેતાના ભાઈ પણ સાથે રહેતા. આમ વસ્તારી કુટુંબ.
કહે છે કે કીકા મહેતાને ખેતીની આવક ખૂબ હતી. ખાસ્સું મોટું ખેતર. ત્રણ-ચાર ભેંસો, બે બળદ, બે-ત્રણ ઘર. કીકા મહેતા ગામના ને નાતના આગેવાન. ઊંચા, પડછંદ કાયા, માથે ટાલ. એમનો મોટા ભાગનો સમય જાય ગોરપદામાં, નાતની ને ગામની પંચાતમાં ને કોઠાંકબાડામાં. ખેતરની ને ભેંસોની તો આવક ખાવાની. બાકી ખેતીનું બધું કામ પટેલો ને મજૂરો પાસે કરાવવાનું. દેખરેખ રાખે કીકા મહેતાના ભાઈ પુરુષોત્તમ.
આવી જાહોજલાલી છતાં કીકા મહેતાના કુટુંબમાં સુપુત્રોને ઘઉંની રોટલી કે ભાખરી મળતી. ને દીકરીઓને બાજરીના રોટલા! સુપુત્રોને દૂધ ને દીકરીઓને ચા ને વાળુ વેળાએ છાશ. આ વાતની કડી જોડાય છે બીજા એક પ્રસંગ સાથે.
બાપુજી નાના હતા ત્યારે, એક સવારે મોટીબાએ ફોઈને દૂધ આપ્યું ને બાપુજીને ચા આપતાં કહ્યું, ‘તું મોટો છે ને, હવેથી તારે રોજ ચા પીવાની.’
બસ, તે દિવસથી બાપુજીએ ચા છોડી તે છોડી. હજીય, સવારે ચા-કૉફી-દૂધ કશું જ નહિ લેવાનું!
મોટીબાના ભાઈઓમાંથી પ્રહ્લાદ કુંવારા જ રહેલા. ચિમન મહેતા પરણેલા ને રેલવેમાં નોકરી કરતા પણ એમનાં કોઈ સંતાન જીવ્યાં નહિ. વરસ – બે વરસનાં થઈને મરી જતાં. કરસન મહેતાનેય પાછલા જીવનમાં ખાવાનાંય ફાંફાં હતાં. ઘરબાર, ખેતર, ઢોર બધુંય વેચાઈ ગયેલું. ભાઈઓ સાથેય મોટીબાને કોણ જાણે શુંય વાંકું પડેલું કે ભાઈઓ મરી ગયા ત્યારે મોટીબા રોવાય નથી ગયાં!
‘ઈમના નોંમનું મીં નઈ નખ્યું સ. અવઅ્ એ મરઅ્ તારઅ્ હું રોવાય નીં જઉં…’ આવું મોટીબા કહેતાં. કોઈ આવેશમાં આવું કહે પણ માજણ્યા ભાઈ જેવા ભાઈ મરે ત્યારેય, ખરેખર રોવાય ન જાય એવું કોઈ કરે ખરું?! એવું કરેલું કીકા મહેતાની તારાએ. ચિમન મહેતાની વહુ તો ચિમન મહેતાના પહેલાં જ મરી ગયેલી. કરસન મહેતાની વહુ કલા હજી જીવે છે… આ એ જ કલા, જે પરણીને આવી ત્યારે હાથનાં ને પગનાં મોજાં હંમેશાં પહેરી રાખતી. એ જ કલા અત્યારે એની પાછલી જિંદગી લોકોના ઘરે કપડાં-વાસણ કરીને ગુજારે છે!
હજીય મને બરાબર યાદ છે – જ્યારે જ્યારે કીકા મહેતાની વાત નીકળે ત્યારે મોટીબા કાળઝાળ થઈ જાય ને જાણે કોક સતી શાપ આપતી હોય એમ બોલે—
‘છોડીઓના નેહાકા લીધા સ તે કીકા મૅ’તાનું તો નખ્ખોદ જવાનું.’
મને નવાઈ લાગતી કે બાપા માટે મોટીબા કેમ આવું કહેતાં હશે?
બીજીય એક વિગત અત્યારે યાદ આવે છે—
સમજણો થયો ત્યારથી મેં ક્યારેય મોટીબાને એમના ભાઈઓને રાખડી મોકલતાં જોયાં નથી! તે વખતે તો એમના ભાઈઓ ઘરે આવતા જતા. ત્યારે તો એમણે ભાઈઓના નામનું નાહી નહોતું નાખ્યું.
રક્ષાબંધન અગાઉ મોટીબા ફોઈની ટપાલની રાહ જુએ. ટપાલમાં ફોઈનું કવર આવે. બાપુજી, મા તથા અમારાં બધાંય માટે એમાં રાખડી હોય. અમારા ત્રણ ભાઈઓ માટેની રાખડી તો લેટેસ્ટ ફૅશનવાળી.
એક વાર મેં પૂછેલું મોટીબાને, ‘બા, તમે કેમ તમારાં ભાઈઓને રાખડી નથી મોકલતાં?’
‘એ તનં હમજણ નોં પડઅ્.’ કહી મોટીબા વાત પર પૂર્ણવિરામ મૂકી દેતાં.
થોડો સમજણો થયો એ પછી એક વાર પૂછેલું—
‘કીકા મૅ’તા તો તમારા બાપા. ખરું?’
‘નં તાર કોંય નંઈ? બોલત શીખ લગીર…’
‘તો એમના માટે તમે, એમનું નખ્ખોદ જવાનું — એવું કેમ કહો છો? અને છોડીઓના નેંહાકા–’
‘કેમ તે એમ. તનં હમજણ નોં પડઅ્.’
‘કેમ હમજણ નોં પડ?
ત્યાં તો મોટીબાનો ચહેરો રાતો થાય ને અવાજ ઊંચો—
‘મનં આવડી મોટીનં હોંમો સવાલ કર સ? તારો બાપેય મનં કોઈ દા’ડો હોંમો સવાલ નથી કર્યો.’
‘હામો સવાલ નથી કરતો, બા, હું તો ખાલી પૂછું છું…’
‘પાછો મારી જોડે જીભાજોડી કર સ?
ત્યાં બાપુજીએ ધીરેથી મને કહ્યું, ‘એ કશી વાત યાદ ન કરાવ.’
મને કંઈ સમજાતું નહિ, પણ બાપુજીની વાત સાચી લાગતી. એ બધી વાતોથી મોટીબા બહારથી ભયંકર ગુસ્સે થઈ ઊઠતાં અને અંદરથી અતિશય દુ:ખી.
પડોશમાં રહેતાં શિવગંગાબા જીવતાં ત્યારે બાપુજીને તથા માને ઘણી વાર કહેતાં —
‘તારાએ ભૂતકાળમોં ખૂબ વેઠ્યું સ. તે ઈંનં ક્યારેય જરીકે ઓછું નોં આવ ઈંનું ધ્યોંન રાખજો.’
મોટીબાના લગ્નનું જ્યારે નક્કી થયું એ ક્ષણથી જ નિશ્ચિત હતું એમનું વૈધવ્ય.
ત્યારે તારાની ઉંમર સત્તરેક વર્ષ ને ગંગાશંકરની ઉંમર પચાસેકની. સત્તર વર્ષની કોડભરી કન્યા – તારાનાં ફૂટું ફૂટું થતાં સ્વપ્નોનું શું? એણે આ લગ્નનો વિરોધ નહિ કર્યો હોય? ઉંમરમાં આટલાં બધાં વર્ષોનો તફાવત તે કેવું હશે એમનું દાંપત્યજીવન? કેવા હશે એમના દિવસો ને કેવી હશે એમની રાતો? કેટલી કળાએ ખીલતો હશે ચંદ્ર?
બાપુજી ચોથા કે પાંચમામાં ભણતા ત્યારે દાદા મરી ગયેલા. ઘરમાં માત્ર મોટીબા અને બે નાનકાં સંતાનો – ભાનુ (બાપુજી) અને સાવ નાની મુદ્રિકા (ફઈ). સાસરિયાંથી છેડો ફાડી નાખેલો ને બેય છોકરાંઓને લઈને પિયર જવું નહોતું. જીવવું હતું સ્વમાનભેર, મિજાજભેર. તે ખૂબ દુઃખ વેઠીને મોટીબાએ બાપુજીને તથા ફોઈને ભણાવી-ગણાવીને મોટાં કર્યાં ને પરણાવ્યાં.
પછીથી ભૂતકાળની વાત યાદ આવે એવો કોઈ સવાલ અમે મોટીબાને કે બાપુજીનેય પૂછતા નહિ કે ભૂતકાળની કોઈ જ વાત ઉખેળતાય નહિ. સમજણો થયો ત્યારથી મનેય લાગતું કે મોટીબાની ભીતર જરૂર કોઈક ધગધગતો લાવારસ ભરેલો હશે. નહીંતર આમ નાની નાની વાતમાં એમને ‘નારસંગો ના આવે.’
અચાનક જ કોઈને સખત ગુસ્સો આવે ને એ ગુસ્સાથી ફાટી પડે, નખશિખ સળગી ઊઠે એને માટે મોટીબા કહે છે –‘નારસંગો આયો.’