લેખક-પરિચય
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
સુરેશ જોષીદ્વારા ગુજરાતીમાં અદ્યતનતાનું જે આંદોલન આરંભાયું એના એક મહત્ત્વના વિવેચક અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (જ. 11.11.1935 – અવ. 31.7 1981). અભિનિવેશ કે ઉદ્રેક વિના, વિશ્વસાહિત્યના પરિશીલનવાળું એમનું વિવેચન પ્રાસાદિકતાના ગુણવાળું હતું. પશ્ચિમના સાહિત્ય ઉપરાંત ભારતીય સાહિત્યશાસ્ત્ર-વિશે પણ એમણે સ્વાધ્યાયો આપેલા. ‘અન્વીક્ષા'(1970) અને બીજા બે વિવેચન-સંગ્રહોમાં એમનું વિવેચન ગ્રંથસ્થ થયેલું છે. વિવેચન ઉપરાંત કવિતા (‘કિમપિ’), વાર્તા (‘અજાણ્યું સ્ટેશન’), ચરિત્રનિબંધોના સર્જક અનિરુદ્ધનું ધ્યાનપાત્ર પુસ્તક તે નામરૂપ(1981)નાં ચરિત્રો. ઝવેરચંદ મેઘાણી, કાન્ત જેવા કર્તાઓ અને સુદામાચરિત્ર, મામેરું જેવી કૃતિઓ પરનાં સમીક્ષા-વિવેચનલેખોનાં એમનાં સંપાદનો વિશિષ્ટ અને અધ્યાપકની નિષ્ઠાવાળાં છે.
આજીવન ગુજરાતીના અધ્યાપક રહેલા અનિરુદ્ધ એક પ્રભાવક વક્તા પણ હતા.
આ તેજસ્વી, અને હજુ ઘણું આપી શક્યા હોત એવા શિક્તમંત સાહિત્યકારનું બ્લડ કૅન્સરની બિમારીથી માત્ર 46ની વયે અવસાન થયેલું.
કૃતિ-પરિચય
ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર (1969)
આ પુસ્તક મહાન ગ્રીક વિચારક ઍરિસ્ટોટલના ગ્રંથ Poeticsનો ખંતભર્યો અને પ્રાસાદિક અનુવાદ છે. ઍરિસ્ટોટલના ગુરુ પ્રખર ચિંતક પ્લેટોએ એમના ખ્યાત ગ્રંથ Republicના એક પ્રકરણમાં કવિતાકલાની બિનઉપયોગિતા આક્રમકતાથી બતાવેલી. એના પરોક્ષ ઉત્તર રૂપે ઍરિસ્ટોટલે આ Poetics માં કવિતાકલા ઉત્કૃષ્ટ કેમ છે એની શાસ્ત્રીય ચર્ચા કરેલી છે. પોતાના શિષ્યો સામે કરેલાં આ વિષયક પ્રવચનોની જે નોંધ એરિસ્ટોટલે કરેલી એ નોંધો આ પુસ્તકનાં પ્રકરણોરૂપ છે. સાહિત્યતત્ત્વની આ ઘણી પ્રાચીન ચર્ચા દુનિયાભરમાં એક એક પાયાની વિચારણા ગણાઇ છે.
એટલે એનો આ અનુવાદ ગુજરાતી વિવેચનમાં મહત્ત્વનું પ્રદાન છે. મુખ્યત્વે વિવેચક બુચરના (મૂળ ગ્રીકમાંથી કરેલા) અંગ્રેજી અનુવાદને આધારે કરેલા આ સુંદર અનુવાદને અંતે લેખકે ખૂબ ઉપયોગી પર્યાયશબ્દ સૂચિ પણ મૂકી છે.
શાસ્ત્રીય હોવા છતાં અનુવાદનું પ્રાસાદિક ગદ્ય આ અનુવાદના વાચનને રસપ્રદ બનાવશે.
(પરિચય– રમણ સોની)