૨૧. કાવ્યાત્મક પદરચના

શબ્દો[1] બે પ્રકારના હોય છે – સાદા અને દ્વિપદી. જે શબ્દો અર્થહીન ઘટકોના બનેલા હોય છે તેમને હું સાદા કહું છું : જેમ કે ‘ગિ’. દ્વિપદી કે સામાસિક હું તેવા શબ્દોને કહું છું જેઓ કાં તો સાર્થક અને નિરર્થક ઘટકથી બનેલા હોય. (જોકે આખા શબ્દમાં કોઈ ઘટક સાર્થક હોતું નથી.) અથવા તો બંને સાર્થક ઘટકોથી બનેલા હોય. આ રીતે, શબ્દ કાં તો, અનેક મેસેલિયન અભિવ્યક્તિપ્રયોગોની પેઠે, ત્રિપદી, ચતુષ્પદી કે અનેકપદી રૂપવાળો હોય. દા.ત. હાર્મોકાઈકો – કસાન્થસ (જેમણે પિતા ઝિયુસની સ્તુતિ કરી.)

પ્રત્યેક શબ્દ કાં તો રૂઢ, કાં તો અરૂઢ,કાં તો રૂપાત્મક, કાં તો આલંકારિક, કાં તો નવનિમિર્ત, કાં તો વિસ્તારિત, કાં તો સંકુચિત કે કાં તો પરિવતિર્ત હોય છે.

રૂઢ કે વાચ્યાર્થક શબ્દ હું તેને કહું છું જે કોઈ વિશિષ્ટ જનસમૂહમાં સામાન્યપણે પ્રયોજાતો હોય; અરૂઢ શબ્દ હું તેને ગણું છું જે અન્ય દેશમાં પ્રયોજાતો હોય. એટલે એ તો સ્પષ્ટ જ છે કે એકનો એક શબ્દ એકીસાથે અરૂઢ અને રૂઢ હોઈ શકે, પણ તે એક જ જનસમૂહની બાબતમાં નહિ. ‘સિગ્યુનોન’ (ભાલો) શબ્દ સાયપ્રસના લોકો માટે રૂઢ સંજ્ઞા છે. પણ આપણે માટે તે અરૂઢ છે.

રૂપક એટલે ફેરબદલ દ્વારા ઇતર નામનો અધ્યારોપ – જે કાં તો વર્ગમાંથી જાતિમાં, જાતિમાંથી વર્ગમાં, જાતિમાંથી જાતિમાં, અથવા સાદૃશ્ય દ્વારા, એટલે કે પ્રમાણમાનથી, થઈ શકે છે. વર્ગમાંથી જાતિનું ઉદાહરણ – ‘ત્યાં મારું જહાજ પડેલું છે.’ આમાં ‘લંગર નાખીને પડવું’ એ ‘પડવું’ વર્ગની જાતિ છે. જાતિમાંથી વર્ગનું ઉદાહરણ – ‘ઓડિસિયસે ખરેખર દસ હજાર સત્કૃત્યો કરેલાં છે.’ આમાં દસ હજાર એ ‘મોટી સંખ્યા’ની જાતિ છે; અને અહીં તેનો પ્રયોગ સામાન્ય રીતે મોટી સંખ્યા દર્શાવવા માટે થયો છે. જાતિમાંથી જાતિમાં, જેમ કે ‘કાંસાની ધારથી પ્રાણ ખેંચી કાઢ્યા.’ અને ‘અભેદ્ય કાંસાના પાત્રથી પાણી ચીરી નાખ્યું.’ અહીં ‘ખેંચી કાઢવું’ શબ્દપ્રયોગ ‘ચીરી નાખવું’ અને ‘ચીરી નાખવું’ શબ્દપ્રયોગ ‘ખેંચી કાઢવું’ના અર્થમાં થયો છે. બંને ‘લઈ લેવું’ વર્ગની જાતિ છે. સાદૃશ્ય અથવા પ્રમાણ ત્યારે હોય છે જ્યારે બીજા શબ્દનો પહેલાની સાથે એવો સંબંધ હોય જેવો ચોથાનો ત્રીજા સાથે હોય. એવું હોય ત્યારે આપણે પછી બીજાને માટે ચોથા શબ્દનો અને ચોથાને માટે બીજાનો પ્રયોગ કરી શકીએ. કોઈ કોઈ વાર તો આપણે મૂળ શબ્દ સાથે સમ્બદ્ધ એવા શબ્દનો ઉમેરો કરીને રૂપકને વિશેષીકૃત કરીએ છીએ. માનો કે એરિસને માટે જેવી ઢાલ છે તેવો ડાયોનિસસને માટે પ્યાલો છે. એટલે પ્યાલાને ‘ડાયોનિસસની ઢાલ’ અને ઢાલને ‘એરિસનો પ્યાલો’ કહી શકાશે. અથવા તો, જીવનને જેવી વૃદ્ધાવસ્થા તેવી દિવસને સન્ધ્યા. એટલે સન્ધ્યાને ‘દિવસની વૃદ્ધાવસ્થા’ અને વૃદ્ધાવસ્થાને ‘જીવનની સન્ધ્યા’ અથવે એમ્પિડોક્લિસના શબ્દગુચ્છમાં કહીએ તો, ‘જીવનનો નમતો સૂરજ’ કહેવાશે. પ્રમાણમાન માટે કેટલાક શબ્દોને અનુરૂપ શબ્દોનું અસ્તિત્વ જ કોઈ કોઈ વાર નથી હોતું; તેમ છતાં રૂપક પ્રયોજી શકાય છે. ઉદાહરણ લેખે, બી વેરવાની ક્રિયાને વાવવું કહેવાય છે. પણ પોતાનાં કિરણો વેરવાની સૂર્યની ક્રિયા અનામી છે. છતાં આ પ્રક્રિયાનો સૂર્યની સાથે તે સંબંધ છે જે સંબંધ ‘વાવવું’નો બી સાથે છે. તેથી કવિ-ઉક્તિ ‘ઈશ્વરસજિર્ત પ્રકાશનું વાવેતર’ સંભવિત બને છે. આ પ્રકારનું રૂપક પ્રયોજવાની બીજી પણ એક રીત છે. આપણે કોઈ ઇતર સંજ્ઞાનો પ્રયોગ કરીએ અને પછી તે સંજ્ઞાનાં ઉચિત વિશેષણો પૈકી એકાદ વિશેષણ નકારીએ. જેમ કે ઢાલને ‘એરિસનો પ્યાલો’ ન કહેતાં ‘મદ્યરહિત પ્યાલો’ કહીએ.


  1. અહીં પાઠભેદ છે. “નામો બે પ્રકારનાં હોય છે” – જુઓ બાયવોટર, કૂપર અને ડોર્શના અનુવાદો.

License

એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર Copyright © by અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. All Rights Reserved.