૫. વિનોદિકાનો વિકાસ : મહાકાવ્ય અને કરુણિકાની સરખામણી

વિનોદિકા, આપણે આગળ જોયું તેમ, નિકૃષ્ટ પ્રકારનાં પાત્રોનું અનુકરણ છે – ‘નિકૃષ્ટ’નો અર્થ અહીં સંપૂર્ણ અર્થમાં ‘દુષ્ટ’ નથી, કારણ કે ઉપહાસજનક તો કુરૂપનો એક ભાગમાત્ર છે. કોઈ ખોડ કે કરૂપતા જે દુ:ખકારક કે વિનાશક નથી તેનો આમાં સમાવેશ થાય છે. દેખીતો દાખલો લેવો હોય તો, વિનોદિકામાં વપરાતું મહોરું કુરૂપ અને વિકૃત હોય છે પણ દુ:ખનું કારણ નથી બનતું.

કરુણિકા કયાં કયાં ક્રમિક પરિવર્તનોમાંથી પસાર થઈ તે, અને આ પરિવર્તનોના પ્રવર્તકો કોણ હતા તે, જાણીતું છે. પણ વિનોદિકાનો કોઈ ઇતિહાસ નથી, કારણ કે શરૂઆતમાં એના પ્રત્યે ગંભીરતાથી જોવાયું નહોતું. આરકોને કવિને વિનોદી-વૃંદગાન માટે માન્યતા આપી એ ઘટના તો બહુ પાછળથી બની. ત્યાં સુધી તો અભિનેતાઓ સ્વેચ્છાએ તે કરતા. વિનોદિકાકવિઓનો એમના આ વિશિષ્ટ નામે ઉલ્લેખ પ્રચલિત થયો તે પહેલાં તો વિનોદિકાનું એક સુનિશ્ચિત સ્વરૂપ અસ્તિત્વમાં આવી ગયું હતું. મહોરાંથી અને પ્રાક્કથનથી એને કોણે સજાવી અને કોણે એનાં પાત્રોની સંખ્યા વધારી–આ અને આવી વિગતો અજ્ઞાત રહી છે. વસ્તુ મૂળે સિસિલીથી આવ્યું, પણ એથેન્સના લેખકોમાં ક્રેટિસ પ્રથમ હતો જેણે લઘુ-ગુરુ ક્રમવાળા દ્વિમાત્રિક વૃત્ત કે વ્યંગકાવ્યરૂપનો ત્યાગ કરીને પોતાનાં વિષયો અને વસ્તુઓનું સાધારણીકરણ કર્યું.

ઉચ્ચતર પ્રકારનાં ચરિત્રોનું પદ્યમાં અનુકરણ કરવાની બાબતમાં મહાકાવ્ય કરુણિકા સાથે સામ્ય ધરાવે છે. એમની ભિન્નતા આ બાબતમાં છે – મહાકાવ્ય એક જ પ્રકારના છંદનો સ્વીકાર કરે છે અને તેનું સ્વરૂપ કથનાત્મક છે. વિસ્તારની બાબતમાં પણ બંને જુદાં પડે છે. કરુણિકા,જ્યાં સુધી શક્ય હોય છે ત્યાં સુધી સૂર્યની એક પરિક્રમા જેટલા કે એથી થોડાક વધુ સમયાવધિને વશ વર્તવાનો પ્રયત્ન કરે છે, મહાકાવ્યની ક્રિયાને સમયની કોઈ મર્યાદા નથી. તો, ભિન્નતાનો આ બીજો મુદ્દો થયો; જોકે શરૂશરૂમાં તો મહાકાવ્યને છે તેવી સ્વતંત્રતા કરુણિકાને પણ હતી. કેટલાંક ઘટક અંગો બંનેમાં સમાન છે; અને કેટલાંક કરુણિકામાં વિશિષ્ટ છે. આથી કઈ કરુણિકા સારી અને કઈ નરસી, તેની જાણકારી જે ધરાવે છે તે મહાકાવ્ય વિશે પણ જાણે છે. મહાકાવ્યનાં બધાં જ તત્ત્વો કરુણિકામાં જોવા મળે છે, પણ કરુણિકાનાં બધાં જ તત્ત્વો મહાકાવ્યમાં જોવા મળતાં નથી.

License

એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર Copyright © by અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. All Rights Reserved.