૨૫. વિવેચનાત્મક સમસ્યાઓ અને તેમના ઉત્તરો

વિવેચનાત્મક સમસ્યાઓ અને તેમના ઉકેલો જ્યાંથી ઉદ્ભવ્યાં છે તે ઉદ્ગમસ્થાનોના સ્વભાવ અને સંખ્યાનું નિદર્શન આ રીતે કરી શકાશે –

કવિ, ચિત્રકાર અને અન્ય કલાકારની જેમ, અનુકરણકાર હોવાથી એણે વસ્તુઓ જેવી હતી અથવા છે તેવી, વસ્તુઓ જેવી કહેવાઈ કે વિચારાઈ હતી તેવી, અથવા વસ્તુઓ જેવી હોવી જોઈએ તેવી, – આ ત્રણમાંથી એકનું અનુકરણ અવશ્ય કરવું જોઈએ. અભિવ્યક્તિનું વાહન ભાષા છે, જેમાં શબ્દો કાં તો રૂઢ હોય,કાં તો અરૂઢ હોય કે કાં તો રૂપકાત્મક હોય, ભાષામાં આ સિવાય પણ ઘણાં પરિવર્તનો થાય છે જેનો અધિકાર આપણે કવિઓને સોંપ્યો છે. ઉપરાંત કવિતા અને રાજનીતિમાં શુદ્ધિનું ધોરણ એકસરખું નથી, કવિતા અને કોઈ અન્ય કલામાં પણ નહિ. કાવ્યકલામાં પોતાનામાં બે પ્રકારના દોષો રહેલા છે–એક પ્રકારના દોષ તત્ત્વગત હોય છે જ્યારે બીજા પ્રકારના દોષ આકસ્મિક હોય છે. જો કવિએ કોઈ વસ્તુનું અનુકરણ પસંદ કર્યું હોય પણ શક્તિની ઊણપને કારણે તે અયોગ્ય રીતે અનુકરણ કરે તો તે દોષ કવિતામાં તત્ત્વગત દોષ બને છે. પણ નિષ્ફળતા જો અનુચિત પસંદગીને કારણે આવી હોય તો તે દોષ તત્ત્વગત નથી. ઉદાહરણ તરીકે જો કવિ ઘોડાને એક બાજુના બંને પગ એક સાથે આગળ ફેંકતો બતાવે અથવા ચિકિત્સા કે અન્ય કોઈ કલામાં કોઈ મૂળભૂત અચોક્કસાઈ બતાવે તો આ પ્રકારના દોષ આવે. આ દૃષ્ટિબિંદુઓને ધ્યાનમાં લઈને આપણે વિવેચકોએ ઉઠાવેલા વાંધાઓનો વિચાર કરવો જોઈએ અને ઉત્તર આપવો જોઈએ.

પહેલાં તેવી બાબતો લઈએ જેમનો સંબંધ કવિની પોતાની કલા સાથે હોય. જો તે અશક્યનું નિરૂપણ કરે તો ભૂલનો ભોગ બને, પરંતુ જો એનાથી કલાનું લક્ષ્ય સિદ્ધ થતું હોય (લક્ષ્યની વાત પહેલાં કરવામાં આવી છે) – એટલે કે,જો કાવ્યના આ કે અન્ય કોઈ ભાગની અસર તેને કારણે તીવ્રતર બનતી હોય તો તે ન્યાય્ય ગણાશે. હેક્ટરનો પીછો પકડવાનો બનાવ અહીં ઉદાહરણરૂપ છે. કાવ્યકલાના વિશિષ્ટ નિયમોનું ઉલ્લંઘન કર્યા વિના લક્ષ્યસિદ્ધિ મેળવી શકાય અથવા વધુ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય તો દોષ ન્યાય્ય ઠરી શકે નહિ. કારણ કે પ્રત્યેક પ્રકારના દોષમાંથી શક્ય હોય ત્યાં સુધી ઊગરવું જોઈએ.

વળી, દોષ કાવ્યકલાના મૂળભૂત તત્ત્વોને સ્પર્શે છે કે એના કોઈ આકસ્મિક ભાગને સ્પર્શે છે. તે જોવાવું જોઈએ. ઉદાહરણ તરીકે હરિણીને શંગિડાં નથી હોતાં તે ન જાણવું તે, તેને અકલાત્મક રીતે આલેખવા કરતાં ઓછી ગંભીર વસ્તુ છે. જો એવો વાંધો ઉઠાવવામાં આવે કે વર્ણન તથ્યાનુસારી નથી, તો કવિ, કદાચ, આવો જવાબ આપે : ‘પણ તે વસ્તુઓ જેવી હોવી જોઈએ તેવી છે.’ સોફોક્લિસે કહ્યું હતું કે જેવા હોવા જોઈએ તેવા માનવીઓ મેં આલેખ્યા છે અને યુરિપિડિસે તેઓ જેવા છે તેવા આલેખ્યા છે. આ રીતે વાંધાનો ઉત્તર આપી શકાય. જો આ બંનેમાંથી એકેય પ્રકારનું પ્રસ્તુતીકરણ ન હોય તો કવિ આ રીતે ઉત્તર આપી શકે: ‘લોકો એમ કહે છે કે વસ્તુ આવી છે.’ દેવો વિશેની કથાઓને આ લાગુ પડે છે. એવું બની શકે કે આ કથાઓ તથ્ય કરતાં ઉત્કૃષ્ટ ન હોય કે તથ્યને અનુરૂપ પણ ન હોય. એમ હોવું વધુ અંશે શક્ય છે કે કેસેનોફેનસના કહ્યા પ્રમાણે તે હોય. ગમે તેમ હો, પણ ‘જે કહેવાય છે તે આ છે.’ કોઈ વર્ણન વસ્તુસ્થિતિ કરતાં વધુ સારું ન પણ હોય: ‘છતાં તે વસ્તુસ્થિતિ હતી;’ જેમ કે, શસ્ત્રો વિશેના તે પરિચ્છેદમાં કહ્યું છે; ‘મૂઠના છેડા પર ભાલા ટટ્ટાર ઊભા હતા.’1તે વખતે આવો રિવાજ હતો, જે ઈલીરિયન લોકોમાં આજે પણ છે.

કોઈકે કંઈ કહેલું કે કરેલું કાવ્યાત્મક રીતે સાચું છે કે નહિ, તેની તપાસ માટે આપણે માત્ર તે ક્રિયાવિશેષ કે કથનવિશેષને જ જોઈને કાવ્યાત્મક રીતે તે સારું છે કે ખરાબ, તેવો પ્રશ્ન નહિ કરવો જોઈએ. તે કોના દ્વારા, કોને, ક્યારે, શી રીતે અને શેને માટે કહેવાયું છે કે કરાયું છે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ. ઉદાહરણ રૂપે, તે મહત્તર કલ્યાણની સિદ્ધિ અર્થે કે મહત્તર અનર્થના નિવારણ માટે કરવા કે કહેવામાં આવ્યું છે કે કેમ, તે જોવાવું જોઈએ.

બીજી મુશ્કેલીઓ ભાષાના ઉપયોગ પરત્વે યોગ્ય ધ્યાન આપવાથી નિવારી શકાય. અરૂઢ શબ્દ તરફ ધ્યાન દઈએ – જેમ કે oureas me pronotonમાં ‘oureas’ શબ્દનો પ્રયોગ કવિ કદાચ ‘ખચ્ચરો’ના અર્થમાં નહિ પણ ‘પ્રહરીઓ’ના અર્થમાં કરે છે. આ રીતે દોલોનના આ વર્ણનમાં – ‘દેખાવમાં તે ખરેખર વિરૂપ હતો’ – ‘વિરૂપ’નો અર્થ એવો નથી કે તેનું શરીર બેડોળ હતું, પણ તેનું મુખ વિરૂપ હતું એવો અર્થ છે. એનું કારણ એ છે કે ક્રેટન લોકો eueides – ‘સુરૂપ’ – શબ્દ સુંદર ચહેરાને માટે પ્રયોજે છે. એ જ પ્રકારે Zoroteron de keraie – ‘મદિરા તેજીથી બનાવો’–નો અર્થ એવો નથી કે અઠંગ દારૂડિયા પીએ છે તેવી ‘મદિરા જલદ બનાવો’; પણ ‘મદિરા જલદી બનાવો’ એવો અર્થ છે.

કેટલાક વાર અભિવ્યક્તિ રૂપકાત્મક હોય છે, જેમ કે ‘હવે રાતના સમયે આ દેવો અને માનવો ઊંઘી ગયા હતા.’3તેની સાથે જ કવિ કહે છે : ‘જ્યારે તે ટ્રોયના મેદાન પર નજર નાખતો ત્યારે ઘણી વાર પાવા અને બંસીઓનો નાદ સાંભળીને તે આશ્ચર્યચકિત થતો.’ અહીં ‘બધાં’ ‘અનેક’ની પેટાજાતિ છે, એ જ રીતે આ પદ્યપંક્તિમાં – ‘એકલી તેણે જ ભાગ ન લીધો…’4માં o’le – એકલ – રૂપકાત્મક છે, કારણ કે જે સૌથી વધુ ખ્યાત છે તે ‘એકમેવ’ છે.

ઉપરાંત, ઉચ્ચારણમાંના આઘાત પર અથવા શ્વસિત પર પણ નિરસન આધાર રાખી શકે. આ રીતે થેસોસના હિપ્પીઆસે આ પંક્તિઓમાંની મુશ્કેલીઓનું નિરસન કર્યું હતું : didomen (didomen) de hoi અને to men hau (ou) Kataputhetai ombroi.5

વિરામચિહ્નો દ્વારા પણ સમસ્યા હલ થઈ શકે, જેમ કે એમ્પિડોક્લિસમાં ‘જે વસ્તુઓએ પહેલાં અમરત્વ જાણ્યું હતું તે એકાએક મર્ત્ય બની ગઈ,અને મિશ્રણહીન – પહેલાંની – મિશ્રિત.’6

વળી, અર્થની સંદિગ્ધતા પણ કારણભૂત બને. જેમ કે Paroicheken de pleo nuxમાં pleo શબ્દ સંદિગ્ધ અર્થનો છે.7

ભાષના પ્રચલિત ઉપયોગથી પણ તેમ બને, ઉદાહરણ રૂપે જોઈએ તો, કોઈ પણ મિશ્ર પીણું O’inos – ‘મદિરા’ – કહેવાય છે. તેથી દેવો મદ્ય નહિ પીતા હોવા છતાં પણ ગ્યેનિમીડ ‘ઝિયુસને મદ્ય આપે છે.’ એમ કહેવાયું છે. તે જ રીતે લોખંડનું કામ કરનારા Chalkeas અથવા કાંસાનું કામ કરનારા પણ કહેવાયા છે. આ પણ રૂપકાત્મક પ્રયોગ રૂપે લઈ શકાય.

જો કોઈ શબ્દમાં કોઈ વેળા વિસંગત અર્થ પ્રતીત થાય તો તે વિશિષ્ટ પરિચ્છેદમાં તે શબ્દ કેટલા અર્થો ધારણ કરે છે તે આપણે લક્ષમાં લેવું જોઈએ. દાખલા તરીકે ‘કાંસાનો ભાલો ત્યાં થોભાવવામાં આવ્યો.’8આમાં ‘થોભાવવામાં આવ્યો’ના કેટલા અર્થ નીકળે છે તેની આપણે ખાતરી કરી લેવી જોઈએ. ગ્લાઉકોન દર્શાવે છે તેના કરતાં તદ્દન વિરોધી અર્થદર્શનની પદ્ધતિ ભાષામાં છે. તે કહે છે કે વિવેચકો કેટલાક નિરાધાર નિષ્કર્ષો તારવવામાં એકદમ કૂદી પડે છે. તેઓ પ્રતિકૂળ નિર્ણય આપે છે અને પછી એનું સમર્થન કરવા તર્ક લડાવે છે. તેઓ પોતે જે વિચારે છે તે મુજબનું જ કવિએ કહ્યું છે એમ માનીને પોતાના તર્કને જો તે અસંગત લાગે તો તેમાં કવિની ભૂલ તેઓ જુએ છે. ઇકેરિયસ સંબંધી પ્રશ્ન આ રીતે હલ કરવાનો પ્રયત્ન થયો છે. વિવેચકો કલ્પે છે કે તે લેસિડેમોનનો રહેવાસી હતો. તેથી ટેલિમેક્સ જ્યારે લેસિડેમોન ગયો ત્યારે ઇકેરિયસને ન મળ્યો હોય તે વિચિત્ર છે. પરંતુ આ બાબતમાં સેફેલેનીયન કથા કદાચ સાચી હોય. તેઓ એવું પ્રતિપાદિત કરે છે કે ઓડિસિયસે તે લોકોમાંથી પોતાની પત્ની મેળવી હતી અને તેનો પિતા ઇકેરિયસ નહિ પણ ઇકેડિયસ હતો. વાંધાને સંભવિત બનાવનાર આ માત્ર આટલી જ ભૂલ છે.

સામાન્યત: જે અશક્ય છે તેનું પ્રતિપાદન કલાત્મક આવશ્યકતાઓના અથવા ઉચ્ચતર વાસ્તવના અથવા પરમ્પરાપ્રાપ્ત માન્યતાઓના સંદર્ભમાં થવું જોઈએ. કલાની આવશ્યકતા અનુસાર અસંભવિત અને છતાં શક્ય વસ્તુ કરતાં સંભવિત અશક્યતાને પસંદ કરવી જોઈએ. ઝ્યુક્સીસે જેવા આલેખ્યા છે તેવા માનવીઓ હોવા એ અશક્ય હોઈ શકે. ‘હા’, આપણે કહીએ, ‘પણ જે અશક્ય છે કે ઉચ્ચતર વસ્તુ છે, કારણ કે જે આદર્શરૂપ વસ્તુ છે તેણે વાસ્તવને અતિક્રમવું જ જોઈએ.’ અતર્કસંગતના પ્રતિપાદન માટે જે સામાન્યપણે કહેવાતું આવ્યું હોય તેનો આધાર લેવો જોઈએ. અહીં એટલું ઉમેરીએ કે,જે અતર્કસંગત છે તે કેટલીક વાર વિવેકનો છેદ ન ઉડાડે એવો અમે આગ્રહ રાખીએ છીએ. જેમ કે ‘એ સંભવિત છે કે કોઈ વસ્તુ સંભવિતતાની વિરોધી પણ બને.’

જે વસ્તુઓ પરસ્પરવિરોધી લાગે તેમની તપાસ દ્વંદ્વાત્મક ખંડનના નિયમોના આધારે થવી જોઈએ. એટલે કે,શું તે જ વસ્તુ અભિપ્રેત છે, તે જ સંદર્ભમાં, અને તે જ અર્થમાં? – આ પ્રશ્નનો ઉકેલ આપણે કવિ સ્વયં શું કહે છે તેના સંદર્ભમાં અથવા એકાદ બુદ્ધિશાળી વ્યક્તિ જે અર્થ ગ્રહણ કરે તેના સંદર્ભમાં શોધવો જોઈએ.

અતર્કસંગતતાનું તત્ત્વ,અને તે જ રીતે, ચારિત્ર્યનું અધ:પતન કૃતિમાં દાખલ કરવાને માટે કોઈ આંતરિક આવશ્યકતા ન હોય તો તેમને અયોગ્ય ઠેરવવાનું ન્યાય્ય ગણાશે. આવું અતર્કસંગત તત્ત્વ યુરુપિડિસના ‘ઈગિયસ’ના પ્રવેશકમાં9અને મેનેલીઅસની અભદ્રતા ‘ઓરેસ્ટિસ’માં છે.

આ રીતે વિવેચનાત્મક વાંધાઓ પાંચ ઉદ્ભવસ્થાનોમાંથી ઉડાવાયા છે. અશક્ય હોય, અતર્કસંગત હોય, નૈતિક દૃષ્ટિએ હાનિકારક હોય, પરસ્પરવિરોધી હોય કે કલાત્મક દૃષ્ટિએ શુદ્ધિને પ્રતિકૂળ હોય એવી વસ્તુઓ પરત્વે આક્ષેપો થયા છે. એના ઉત્તરો ઉપર નિર્દેશેલા બાર મુદ્દાઓમાંથી શોધવા જોઈએ.

License

એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર Copyright © by અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. All Rights Reserved.