૧. કાવ્યાત્મક અનુકરણનું માધ્યમ

કેટલીક વ્યક્તિઓ સભાન કલા વડે કે માત્ર અભ્યાસ વડે વિવિધ વિષયવસ્તુઓનું રંગ અને રેખાના માધ્યમ દ્વારા, અથવા તો ધ્વનિના માધ્યમ દ્વારા અનુકરણ અને પ્રસ્તુતીકરણ કરે છે. તેવી રીતે, ઉપર નિર્દેશેલી કલાઓમાં સમગ્ર રીતે જોઈએ તો, લય, ભાષા અથવા ‘સંવાદ’માંથી કોઈ એક તત્ત્વ અથવા બધાં તત્ત્વો વડે અનુકરણ સિદ્ધ કરવામાં આવે છે.

આમ, બંસી અને વીણાના સંગીતમાં ‘સંવાદ’ અને લય એકલાં જ પ્રયોજાય છે. ગોપબાલના પાવાજેવી, આ કલાઓને તત્ત્વત: મળતી આવતી, અન્ય કલાઓમાં પણ તેમ જ છે. નૃત્યમાં લય એકલો જ, ‘સંવાદ’ વિનાનો, પ્રયોજાય છે, કારણ કે નૃત્ય લયાન્વિત અંગવિક્ષેપ દ્વારા ચરિત્ર, ભાવ અને ક્રિયાનું અનુકરણ કરે છે.

એક બીજી પણ કલા છે જે માત્ર ભાષા વડે જ અનુકરણ કરે છે. આ અનુકરણ કાં તો ગદ્યમાં હોય છે કે કાં તો પદ્યમાં હોય છે. પદ્ય કાં તો ભિન્ન ભિન્ન છંદોનો સમાવેશ કરતું હોય છે કાં તો એક જ છંદમાં વહ્યે જતું હોય છે. અનુકરણના આ સ્વરૂપનું નામકરણ હજી સુધી થયું નથી,કારણ કે એક બાજુ સોફ્રોન અને કસેનારકસનાં વિડમ્બનો અને સોક્રેટિસના સંવાદો; તો બીજી બાજુ,લઘુ–ગુરુ – દ્વિમાત્રિક વૃત્ત અને શોકવૃત્ત અને એમના જેવા જ કોઈ છંદ માટે આપણે પ્રયોજી શકીએ એવી કોઈ સામાન્ય સંજ્ઞા નથી. લોકો છંદના નામની સાથે ‘રચયિતા’ કે ‘કવિ’ શબ્દ જોડે છે; અને શોકવૃત્તકવિઓ કે વીરવૃત્તકવિઓ કહીને ચર્ચા કરે છે, જાણે કે કવિને કવિ બનાવનાર અનુકરણ નહિ પણ નિવિર્વેકરૂપે છંદ એમને તે પદના અધિકારી ન બનાવતો હોય! જોકે ચિકિત્સા અથવા પ્રકૃતિવિજ્ઞાન પર પદ્યબદ્ધ કોઈ મહાનિબંધ લખાય તો એના લેખકને, પ્રથમ પ્રમાણે કવિ નામે ઓળખવામાં આવે છે; તેમ છતાં, હોમર અને એમ્પિડોક્લિસમાં જો છંદ સિવાય બીજું કશું જ સમાન ન હોય, તો એકને કવિની સંજ્ઞા આપવી અને બીજાને કવિ નહિ કહેતાં ભૌતિક તત્ત્વવેત્તા કહેવો એ યોગ્ય ગણાશે. આ સિદ્ધાંતને આધારે, જો કોઈ લેખક પોતાના કાવ્યાત્મક અનુકરણમાં બધા જ છંદોનો સમાવેશ કરે – કેરેમોને પોતાની કૃતિ ‘કેન્તુર’માં બધા જ છંદો ભેગા કર્યા છે તેવી રીતે – તો આપણે તેનો સમાવેશ પણ ‘કવિ’ની સામાન્ય સંજ્ઞામાં કરી લેવો જોઈએ. આવા પ્રભેદો વિશે આટલું બસ થશે.

કેટલીક કલાઓ એવી છે જે ઉપર નિર્દેશેલાં બધાં જ તત્ત્વોનો ઉપયોગ કરે – લય, ‘સંવાદ’ અને છંદનો. એ છે રૌદ્રકાવ્ય અને સંગીતકવિતા; તેમજ કરુણિકા અને વિનોદિકા. પણ આ બધાંમાં ભેદ એ છે કે પહેલી બેમાં આ બધાં જ તત્ત્વો એકીસાથે પ્રયોજાય છે જ્યારે બાકીની બેમાં કોઈ વાર એક તો કોઈ વાર બીજું તત્ત્વ પ્રયોજાય છે.

તો, અનુકરણના માધ્યમને નજરમાં રાખીને કલાઓના આવા પ્રભેદો થયા.

License

એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર Copyright © by અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. All Rights Reserved.