૧૪. કરુણા અને ભીતિ

દૃશ્યસામગ્રીથી ભીતિ અને કરુણા જન્માવી શકાય છે પણ એથી વધુ સારો માર્ગ તો એ છે કે કૃતિના આંતરિક બંધારણમાંથી તે જન્મે. તે માર્ગ ઉચ્ચતર કવિપ્રતિભાનો દ્યોતક છે. વસ્તુનું ગ્રથન એવી રીતે થવું જોઈએ કે આંખની મદદ વિના પણ કથાના શ્રવણમાત્રથી શ્રોતા જે કંઈ બની રહ્યું હોય તેની પ્રત્યે ભયથી પ્રકંપિત અને કરુણાથી આર્દ્ર બની ઊઠે. ઇડિપસની કથાના શ્રવણમાંથી આપણને આ પ્રકારની અસર થવી જોઈએ. પણ માત્ર દૃશ્યવિધાનથી આવી અશર જન્માવવી તે ઓછી કલાત્મક પ્રવૃત્તિ છે અને તે બાહ્ય ઉપકરણો પર આધારિત છે. જેઓ દૃશ્યસામગ્રીનો ઉપયોગ ભયાનક નહિ પણ માત્ર રાક્ષસી અસર જન્માવવા કરે છે તેઓ કરુણિકાના પ્રયોજનથી સાવ અજાણ્યા છે. એનું કારણ એ છે કે આપણે કરુણિકા પાસેથી સર્વ પ્રકારના આનંદની અપેક્ષા ન રાખતાં માત્ર તેને અનુરૂપ આનંદની જ અપેક્ષા રાખવી જોઈએ. અને કવિએ જે આનંદ આપવાનો છે તે તો અનુકરણ દ્વારા કરુણા અને ભીતિમાંથી જન્મ્યા હોવાથી એટલું તો સ્પષ્ટ જ છે કે આ ગુણ ઘટનાઓ પર અંકિત થવો જોઈએ.

તો હવે કયા સંજોગો આપણને ભીતિજનક કે કરુણાજનક લાગે એમ છે, તે નક્કી કરીએ.

આ અસર જન્માવવાને માટે શક્તિશાળી ક્રિયાઓ એવાં માનવીઓ વચ્ચે બનવી જોઈએ જેઓ કાં તો મિત્રો હોય, કાં તો દુશ્મનો હોય કે કાં તો એકબીજા પ્રત્યે ઉદાસીન હોય. જો દુશ્મન દુશ્મનને મારી નાખે તો એ ક્રિયામાં કે તેના આશયમાં કરુણા જન્મે એવું કશું જ નથી; સિવાય કે યાતના પોતે જ કરુણાજનક હોય. આવું જ પરસ્પર ઉદાસીન માનવીઓની બાબતમાં છે. પણ જો કરુણ ઘટના તેવા માનવીઓની વચ્ચે બને જેઓ એકબીજાની નજીક હોય અને પ્રેમથી સંકળાયેલા હોય – ઉદાહરણ રૂપે, ધારો કે ભાઈ ભાઈની, પુત્ર પિતાની, માતા પુત્રની કે પુત્ર માતાની હત્યા કરે કે હત્યા કરવાનો આશય ધરાવે કે એના જેવી જ બીજી કોઈ ક્રિયા બને – તો તેવી પરિસ્થિતિઓ પર કવિની નજર ઠરે છે. પ્રાપ્ત દંતકથાનું માળખું છિન્નભિન્ન ન કરે – દાખલા તરીકે ઓરેસ્ટિસે ક્લિટેમિનેસ્ટાનું કે એલ્સિમીઓને એરિફાઇલનું ખૂન કર્યું હતું તેવી હકીકતો એ ન બદલે –- પણ એણે પોતાની શોધ તો બતાવવી જ જોઈએ અને પરમ્પરાપ્રાપ્ત સામગ્રીનો કુશળતાપૂર્વકનો ઉપયોગ કરવો જોઈએ. કુશળતાપૂર્વકનો ઉપયોગ એટલે શું, તેની હવે કંઈક વિગતે સ્પષ્ટતા કરીએ.

પ્રાચીન કવિઓની રીત પ્રમાણે તો ક્રિયા સંપ્રજ્ઞાતપણે અને વ્યક્તિઓના પરિચય સાથે યોજી શકાય. આ રીતે જ તો યુરિપિડિસ મીડિયા પાસે પોતાનાં બાળકોનાં ખૂન કરાવે છે. અથવા તો, ભયજનક કૃત્ય અજાણતાં જ કરવામાં આવે અને સગપણ કે મૈત્રીનો સંબંધ પાછળથી શોધાય. સોફોક્લિસનું ‘ઇડિપસ’ આનું ઉદાહરણ પૂરું પાડે છે. અહીં, ખરેખર તો, ઘટના નાટકની બહાર રહેલી છે; પણ એવાય દાખલાઓ બને છે જેમાં ઘટના નાટકની ક્રિયામાં અનુસ્યૂત હોય : એસ્ટિડેમસનો એલ્સિમીઓન કે ‘જખ્મી ઓડિસિયસ’માં ટેલેગોનસનાં ઉદાહરણો આપી શકાય. હજી એક ત્રીજી શક્યતા છે : વ્યક્તિઓનો પરિચય થવાથી ક્રિયા બનતાં બનતાં અટકી જાય. ચોથી શક્યતા એ છે કે કોઈ વ્યક્તિ અજાણતાં જ અત્યંત હાનિકારક કૃત્ય કરવાને તત્પર હોય અને એ ક્રિયા કરી નાખતાં પહેલાં જ વસ્તુસ્થિતિને પામી જાય. માત્ર આટલા શક્ય એવા માર્ગો છે. વિકલ્પ આટલો જ છે – ક્રિયા થવી જોઈએ અથવા તો ન થવી જોઈએ, અને તે જાણતાં કે અજાણતાં. પણ આ બધા માર્ગોમાં વ્યક્તિઓને જાણવા છતાં ક્રિયા કરવા તત્પર બનવું અને પછી ક્રિયા ન કરવી તે નિકૃષ્ટતમ માર્ગ છે. તે કરુણ બન્યા વિના આઘાતક નીવડે છે કારણ કે કોઈ વિપત્તિ તો આવતી જ નથી. એટલે જ તો એવી શક્યતાઓ કવિતામાં જોવા જ નથી મળતી; અને કદાપિ મળે છે તોપણ ખૂબ જૂજ પ્રમાણમાં. એક દૃષ્ટાંત ‘એન્ટિગોન’માં છે,જ્યાં હેઇમોક્રિઓનને મારી નાખવાની ધમકી આપી છે. બીજો અને સારો રસ્તો એ છે કે ક્રિયા કરી નાખવામાં આવે, એનાથી પણ વધુ સારો માર્ગ એ છે કે ક્રિયા અજાણતાં થાય અને વસ્તુસ્થિતિનું જ્ઞાન પાછળથી થાય. એમાં આપણને આઘાત પહોંચાડે એવું કશું નથી હોતું; પણ શોધ આપણામાં વિસ્મયજનક અસર પેદા કરે છે. છેલ્લી શક્યતા ઉત્તમ છે – જેવી કે ‘ક્રેસ્ફોન્ટિસ’માં મેરોપી પોતાના પુત્રની હત્યા કરવા તત્પર બને છે પણ તે કોણ છે તેની જાણ થઈ જતાં એની જંદિગી બચાવી લે છે. એવી જ રીતે ‘ઇફિજેનિયા’માં બહેન ભાઈને યોગ્ય સમયે ઓળખી જાય છે. ‘હેલે’માં પણ પુત્ર માતાનો ત્યાગ કરવા તત્પર તો થયો પણ તે જ વેળાએ માતાને તેણે ઓળખી લીધી. આ, આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે, બતાવે છે કે શા માટે માત્ર થોડાંક કુટુંબો જ કરુણિકાઓના વિષયો પૂરા પાડે છે. પોતાનાં વસ્તુઓને કારુણ્ય ગુણથી અંકિત કરવા માટે વિષયોની શોધમાં કવિઓને લઈ જવામાં કલા નહિ પણ સુખદ અકસ્માત કારણભૂત છે. એટલા માટે આવા, વિચલિત કરનારા, બનાવો જેમના ઇતિહાસમાં બન્યા હોય તેવા પરિવારોનો આશ્રય લેવાની કવિઓને ફરજ પડી હતી.

ઘટનાઓના બંધારણની બાબતમાં અને યોગ્ય પ્રકારના વસ્તુ વિશે પૂરતું કહેવાઈ ગયું એમ લાગે છે.

License

એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર Copyright © by અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. All Rights Reserved.