૧૧. વિપર્યય, અભિજ્ઞાન અને વિપત્તિ

સ્થિતિવિપર્યય એવું પરિવર્તન છે જેના દ્વારા ક્રિયા વિરુદ્ધ દિશામાં પલટો ખાય છે; અને આ પલટો હમેશાં સંભવિતતા કે અનિવાર્યતાના નિયમ અનુસાર હોય છે. ઉદાહરણ રૂપે, ‘ઇડિપસ’માં સંદેશવાદક ઇડિપસને ખુશ કરવા માટે માતા સંબંધી ચિંતાઓમાંથી મુક્ત કરવા આવે છે, પણ તે (ઇડિપસ) કોણ છે તે વાત જાહેર કરી દઈને વિપરીત અસર ઉપજાવે છે. વળી, ‘લિન્સીયસ’માં લિન્સીયસને મૃત્યુની દિશામાં લઈ જવામાં આવે છે અને ડેનૌસ તેની હત્યા કરવાના ઉદ્દેશથી તેની સાથે જાય છે; પરંત પૂર્વવર્તી ઘટનાઓનું પરિણામ એવું આવે છે કે ડેનૌસને મારી નાખવામાં આવે છે અને લિન્સીયસ બચી જાય છે.

અભિજ્ઞાન, નામ સૂચવે છે તે પ્રમાણે, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં થતું પરિવર્તન છે; અને કવિએ જેમનું ભાગ્યનિર્માણ સદ્ભાગ્ય કે દુર્ભાગ્ય માટે કર્યું છે તેવી વ્યક્તિઓ વચ્ચે પ્રેમ અથવા તિરસ્કાર જન્માવે છે. અભિજ્ઞાનનું સૌથી ઉત્તમ સ્વરૂપ તે છે જેમાં, ‘ઇડિપસ’માં બને છે તે પ્રમાણે, સ્થિતિવિપર્યની સાથે તેની સહોપસ્થિતિ હોય. અલબત્ત, તેનાં બીજાં સ્વરૂપો છે. સાવ ક્ષુદ્ર પ્રકારની નિર્જીવ વસ્તુઓ પણ અભિજ્ઞાનના પદાર્થો બની શકે છે. વળી, કોઈ વ્યક્તિએ અમુક ક્રિયા કરી છે કે નહિ તે આપણે જાણી શકીએ અથવા શોધી શકીએ. પણ આપણે આગળ કહી ગયા તે પ્રમાણે, જે અભિજ્ઞાન વસ્તુ અને ક્રિયા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલું છે તે તો વ્યક્તિઓનું અભિજ્ઞાન છે. આ અભિજ્ઞાન, વિષયની સાથે મળીને, કાં તો કરુણા કે કાં તો ભીતિ જન્માવશે; અને આપણી વ્યાખ્યા પ્રમાણે આવી અસરોને જન્માવનાર ક્રિયાઓનું પ્રસ્તુતીકરણ કરુણિકા કરે છે. ઉપરાંત, સદ્ભાગ્ય કે દુર્ભાગ્યના પ્રશ્નો આવી પરિસ્થિતિઓ પર આધાર રાખશે. અભિજ્ઞાન જો વ્યક્તિઓ વચ્ચે હોય તો એવું પણ બને કે માત્ર એક વ્યક્તિ બીજી વ્યક્તિ દ્વારા અભિજ્ઞાન બને – અને બીજી વ્યક્તિ તો પહેલેથી જ જાણીતી હોય – અથવા તો એમ પણ બને કે બંનેનું પરસ્પર અભિજ્ઞાન આવશ્યક હોય. આ રીતે, પત્ર મોકલાવતા ઇફેજેનિયાની જાણ ઓરેસ્ટિસને થાય છે; પણ ઇફિજેનિયાને ઓરેસ્ટિસની જાણ થાય તે માટે અઊજ્ઞાિનની બીજી ક્રિયા જરૂરી બને છે.

વસ્તુના બે ભાગ – સ્થિતિવિપર્યય અને અભિજ્ઞાન – આશ્ચર્યો પર આધારિત હોય છે. ત્રીજો ભાગ યાતનાદૃશ્યનો છે. યાતનાદૃશ્ય વિનાશાત્મક કે દુ:ખપૂર્ણ ક્રિયા હોય છે. જેમ કે રંગમંચ પર મૃત્યુ, શારીરિક પીડા,જખમ વગેરે.

License

એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર Copyright © by અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. All Rights Reserved.