આગળ જે કાંઈ કહેવાઈ ગયું તે પરથી એટલું તો સ્પષ્ટ જ છે કે જે કાંઈ બની ગયું છે તેને નિરૂપવાનું કામ કવિનું નથી, પણ જે સંભવિત છે અર્થાત્ સંભવિતતા કે અનિવાર્યતાના નિયમ અનુસાર જે શક્ય છે તેને નિરૂપવાનું કામ કવિનું છે. પદ્યમાં કે ગદ્યમાં લખવાને કારણે કવિ કે ઇતિહાસકાર જુદા નથી. હિરોડોટસનું લખાણ પદ્યમાં મૂકી શકાય; અને તેમ છતાં તે ઇતિહાસના વર્ગમાં જ ગણાશે. છંદોબદ્ધ હોવાથી કે ન હોવાથી એમાં કાંઈ ફરક પડતો નથી. સાચો તફાવત તો એ છે કે જે થઈ ગયું છે તેનું નિરૂપણ એક કરે છે અને જે કંઈ સંભવિત છે તેનું નિરૂપણ બીજો કરે છે. કવિતા, તેથી, વધુ તત્ત્વદર્શી અને ઇતિહાસ કરતાં વધુ ઊંચી ચીજ છે; કારણ કે કવિતા સનાતનને અને ઇતિહાસ વિશિષ્ટને અભિવ્યક્ત કરે છે. સનાતનનો અર્થ મારે મન આ પ્રમાણે છે – સંભવિતતા કે અનિવાર્યતાના નિયમ અનુસાર અમુક પ્રકારનો માનવી અમુક સંજોગોમાં કેવી રીતે બોલશે કે વર્તશે તે. અને ચરિત્રોનું નામકરણ કરવામાં કવિતા આ સનાતનને લક્ષ્ય બનાવે છે. એલ્કિબિયાડિસે શું કર્યું કે શું સહન કર્યું તે વિશિષ્ટનું ઉદાહરણ છે. વિનોદિકામાં તો આ સ્પષ્ટ જ છે : અહીં તો કવિ સંભવિતતા અનુસાર પહેલાં વસ્તુનું રચનાવિધાન કરે છે અને પછી ચરિત્રોનાં લક્ષણ અનુસાર નામકરણ કરે છે. અલબત્ત, વ્યંગકાવ્યના કવિઓ વિશિષ્ટ વ્યક્તિઓને નિશાન બનાવીને ખે છે તે પ્રમાણે નહીં. કરુણિકાકારો તો હજી પણ સાચાં નામો પ્રયોજે છે. તેનું કારણ એ છે કે જે શક્ય છે તે વિશ્વસનીય છે : જે બની ચૂક્યું નથી તેની શક્યતામાં આપણે તરત વિશ્વાસ મૂકી શકતા નથી. પણ જે બની ગયું છે તે તો દેખીતી રીતે જ શક્ય હોવાનું. જો એમ ન હોત તો એ બન્યું જ ન હોત. આમ છતાં કેટલીક કરુણિકાઓ એવી પણ છે જેમાં એક કે બે નામો સુપ્રસિદ્ધ હોય અને બાકીનાં બધાં કાલ્પનિક હોય. એગેથોનની ‘એન્થિયસ’ જેવી અન્ય કરુણિકાઓમાં કોઈ નામ વિખ્યાત નથી અને જેમાં બનાવો અને નામો બધું કાલ્પનિક હોવા છતાં તેમાંથી ઓછો આનંદ મળે છે એવું નથી. એટલા માટે સામાન્ય રીતે કરુણિકાના વિષયો બનતી પરંપરાપ્રાપ્ત દંતકથાઓ પર આપણે સંપૂર્ણપણે આધાર ન રાખવો જોઈએ. વળી એમ કરવું કઢંગુ લેખાશે, કારણ કે જે વિષયો જાણીતા છે તેમની જાણકારી તો માત્ર થોડા લોકોને જ હોય છે અને તેમ છતાં તે સૌને આનંદ આપે છે. આમાંથી એ સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે કવિ અથવા ‘રચયિતા’એ પદ્યકાર બનવા કરતાં વસ્તુનું રચનાવિધાન કરનાર બનવું જોઈએ. એનું કારણ એ છે કે તે કવિ છે અને કવિ હોવાને કારણે અનુકરણ કરે છે અને તે જેનું અનુકરણ કરે છે તે ક્રિયાઓ છે. જો તે ઐતિહાસિક વિષય પસંદ કરે તો તેથી તે કવિ કરતાં ઊતરતી પંક્તિનો નથી બનતો, કારણ કે સાચેસાચ બની ગયેલી કેટલીક ઘટનાઓ સંભવિતતા અને શક્યતાના નિયમને વશ ન વર્તે એવું બનવાને કોઈ કારણ નથી. તે ઘટનાઓમાંના તે ગુણલક્ષણોને લીધે તે એમનો કવિ કે રચયિતા છે.
સર્વ વસ્તુઓ અને ક્રિયાઓમાં જે ‘ઉપકથનાત્મક’ છે તે નિકૃષ્ટ છે. હું તે વસ્તુને ‘ઉપકથનાત્મક’ કહું છું જેમાં ઉપકથાઓ કે અંકો સંભવિત કે અનિવાર્ય એવા આનુપૂર્વીક્રમ વિના અન્યોન્યને અનુસરતાં હોય. કુકવિઓ પોતાની અશક્તિને લીધે આવી રચનાઓ કરે છે; જ્યારે સત્કવિ અભિનેતાઓને ખુશ કરવા આવું કરતા હોય છે. આનું કારણ એ છે કે સ્પર્ધાને માટે પ્રદર્શનાત્મક કૃતિઓ રચવામાં તેઓ વસ્તુને એની શક્તિ બહાર ખેંચી જાય છે અને કેટલીક વાર તો સ્વાભાવિક સાતત્યનો ભંગ કરવાની પણ તેમને ફરજ પડતી હોય છે.
કરુણિકા માત્ર સ્વયંપર્યાપ્ત ક્રિયાનું જ નહિ પણ કરુણા અને ભીતિ જન્માવનાર ઘટનાઓનું પણ અનુકરણ છે. જ્યારે ઘટનાઓ આપણી સામે વિસ્મયકારક રીતે આવી ચડે ત્યારે આવી અસર ઉત્તમોત્તમ રીતે નીપજી શકે; અને તે ઘટનાઓ જ્યારે કાર્યકારણભાવે એકબીજીને અનુસરે ત્યારે તેની અસર વધુ ઘેરી પડે. ઘટનાઓ સ્વેચ્છાએ કે આકસ્મિક રીતે બને તેની અસર કરતાં કાર્યકારણભાવે બને તેની કરુણાત્મક અસર વધુ પ્રબળ હોય છે. કાકતાલીય ઘટનાઓ પણ કંઈક શૃંખલાબદ્ધ હોય તો ખૂબ પ્રભાવક નીવડે છે. અહીં આપણે આર્ગોસમાંના મિત્યસના પૂતળાનું ઉદાહરણ ટાંકી શકીએ. ઉત્સવમાં એક પ્રેક્ષક તરીકે આવેલા મિત્યસના ખૂની પર પડીને પૂતળાએ તેનો જીવ લીધો. આવી ઘટનાઓ માત્ર આકસ્મિક હોવાનું નથી લાગતું.+ એટલા માટે આ સિદ્ધાંતોને આધારે રચાયેલાં વસ્તુઓ નિ:શંકપણે સર્વોત્તમ છે.
+ જુઓ કૂપર : ‘આવી ઘટનાઓ માત્ર આકસ્મિક હોવાને કારણે લોકો પર યોગ્ય અસર જન્માવી શકતી નથી.’