અનુકરણના વિષય રૂપે, ક્રિયાપ્રવૃત્ત માનવીઓ હોવાથી અને આ માનવીઓ કાં તો ઊંચી કે કાં તો નીચી કક્ષામાં હોઈને (આ વિભેદો નૈતિક ચારિત્ર્ય પર આધારિત છે કારણ કે સદ્વૃત્તિ અને દુર્વૃત્તિ નૈતિક ભિન્નત્વનાં વ્યાવર્તક લક્ષણો છે.) એવું ફલિત થાય છે કે માનવીઓને તેઓ જેવાં હોય તેના કરતાં ઉચ્ચતર,કાં તો હીનતર, કે કાં તો વાસ્તવ જીવનમાં તેઓ જેવાં હોય તેવાં નિરૂપવાં, આવું જ ચિત્રમાં પણ છે. પોલિગ્નોતસે માનવીઓને તેઓ હોય તેના કરતાં ઉચ્ચતર, પાઉસને હીનતર અને ડાયોનિસિયસે વાસ્તવ જીવનમાં જેવાં હોય તેવાં નિરૂપ્યાં છે.
હવે તો એ સ્પષ્ટ થઈ ગયું છે કે અનુકરણના ઉપર્યુક્ત પ્રત્યેક પ્રકારમાં વિષયની આ પૃથક્તા સ્વીકાર પામે છે; અને એ રીતે,વિષયની પૃથક્તા પ્રમાણે, પ્રત્યેક કલાની ભિન્નતા નક્કી થશે. આવું ભિન્નત્વ નૃત્ય, બંસીવાદન અને વીણા-વાદનમાં પણ શક્ય છે. અને આ ભિન્નત્વ પેલી અનામી કલા જે ગદ્ય અથવા સંગીતના સહયોગ વિનાના પદ્યમાં વહેતી ભાષાનો પોતાના માધ્યમ રૂપે ઉપયોગ કરે છે તેમાં પણ શક્ય છે. ઉદાહરણ રૂપે હોમર માનવીઓને ઉચ્ચતર, ક્લીઓફોન વાસ્તમાં હોય છે તેવાં, અને પ્રતિકાવ્યોનો જનક થેસિયાવાસી હેગેમોન તેમજ ‘ડિલીયડ’નો કર્તા નિકોકારેસ માનવીઓને હીનતર બનાવે છે. રોદ્રકાવ્ય અને સંગીતકાવ્યની બાબતમાં પણ આ સાચું ઠરે છે. ઉદાહરણ તરીકે કાયક્લોપ્સને જુદી જુદી રીતે રજૂ કરી શક્યા હોત – ટિમોથિયસ અને ફિલોક્સેનસે કર્યું છે તે રીતે. વિનોદિકા અને કરુણિકાની વચ્ચે ભેદરેખા દોરી આપનાર આ ભેદકતત્ત્વ છે. વિનોદિકા માનવીઓને તેઓ વાસ્તવમાં હોય તેના કરતાં હીનતર અને કરુણિકા તેમને ઉચ્ચતર નિરૂપવાનું નિશાન તાકે છે.