નમાઈ સૌભાગ્યદેવી બાળક અવસ્થામાં આજસુધી સાસરે જ રહેતી, તેનું કન્યાવય હવે બદલાવા લાગ્યું અને શરીર તથા સમાજમાં દેખાતો ફેર પડવા લાગ્યો. સસરા ગુજરી જવાથી સાસુ ઓરડે બેઠાં અને આખા ઘરનું કામ ઉપાડી લેવાનો ભાર ઉછરતી વહુને માથે પડ્યો. ઓરડામાં બેઠાં બેઠાં સાસુ કામ બતાવે અને તેમની સગવડ વણમાગી સાચવવી તથા તેમનાં વચન ઉપાડી લેવાં એ સઉ ચિંતા વહુને માથે પડી અને વણપરણ્યે ગૃહિણીધર્મનો તેને અનુભવ થવા લાગ્યો. બુદ્ધિધન સાથે આજ સુધી બોલવાનો પ્રસંગ પડ્યો ન હતો, પરંતુ ઘરખટલાના સમયમાં ન ચાલ્યે હળવે હળવે છાનાં છાનાં તથા બ્હીતે બ્હીતે વાતચીતનો પ્રસંગ પડવા લાગ્યો. આઘાં ઉભાં ઉભાં પણ વણપરણ્યાં દંપતી ઉગનાર મદનના આભાસની નવીનતા ભોગવતાં અને બીડેલાં હૃદય-કમલની પાંખડીઓ જોબનના જોસને વાસ્તે તૈયાર થતા ઉમળકાઓના જોરથી ‘ઓ ઉઘડી,’ ‘ઓ ઉઘડી’ થતી. ચારે પાસે ખરેખરી વિપત્તિ છતાં પણ બાલક-સ્નેહ એકાંત અવકાશ મળવે આવી રીતે મુગ્ધવિનોદનાં નિર્દોષ સ્વપ્ન ભોગવતો અને વરવહુ બેમાંથી એકને પણ આનું ભાન ન ર્હેતું. કારણ આવી ક્રીડાસમયે સંસાર પર નજર ન ર્હેતી અને સંસારકાર્ય સમયે આ મુગ્ધપણું ભુલી જવાતું, એટલે બન્ને અવસ્થાનો, એકમેકથી વિરોધ વિચારી જોવાનો પ્રસંગ જ મળતો નહીં તે એટલે સુધી કે ચંચળ થવા સરજેલી મનોવૃત્તિયોનો તનમનાટ કોઈ વખત તો આજથી જ સાકાર થવા યત્ન કરતો અને વધતા પરિચયની વેદી ઉપર સહજ અટકચાળાપણાના સાથીયા પુરતો. આવી રીતે બે બાળકને એકબીજા સાથે ‘માયા’ થઈ અને ભરચક દુ:ખની અંધારી અમાસ જેવી સાડી ઉપર નિર્દોષ મુગ્ધવિલાસની આકાશગંગા જેવી તારાટપકી, એકાંતમાં અને જાણે આખું જગત ઉંઘી ગયું હોય એવા વિશ્વાસથી, ચમકારા કરતી. સુખદુઃખના પટ કેવળ એકરંગી ક્વચિત જ હોય છે. વિપત્તિના પથરાપર અથડાતાં એક રીતે કઠણ બનતું બુદ્ધિધનનું શુરવીર મન આવી રીતે બીજી પાસથી કોમળ બનવાની કેળવણી પામતું હતું. ગંભીરતામાં દ્રઢ થતા સ્વભાવના ઉંડા અંતર્ભાગમાં આવી વિલાસશીલતાના ફણગા ફુટતા હતા અને તે આખા જગતમાં કોઈને માલુમ પડતું ન હતું.
એક દિવસે ઓરડામાં બેઠાં બેઠાં સાસુવહુ વાતો કરતાં હતાં અને ગઈ ગુજરી સંભારી નિ:શ્વાસ મુકતાં હતાં. સાસુનું હૈયું ભરાઈ આવ્યું અને બાળકના દેખતાં રોઈ ન પડાય તો સારું એવો વિચાર કરી તેને કાંઈ કામને મિષે આઘી મોકલવાની યુક્તિ કરી. “વહુ! જરા પાણી લઈ આવશો?” સાંભળતાં જ કુટુંબદીપિકા પાણી લેવા ચાલી. ઘરના બીજા ભાગમાં જાય છે અને ગોળીમાંથી પાણી ભરે છે. બુદ્ધિધન કાંઈક વિચારમાં પડ્યો પડ્યો હીંચકા ખાતો હતો તેને નજર ચમકાવનાર મળતાં હીંચકા બંધ કર્યા; સૌભાગ્યદેવી પાણી ભરતી હતી તેણી પાસ એકટશે જોવા લાગ્યો અને ઉઘાડાં મુખ નેત્ર આદિ જોઈ દૃષ્ટિ ઠારવાની, અને ઢંકાયલાં પરંતુ છાનાં ન રહેતાં મુગ્ધ અને લલિત અવયવો જોઈ કૌતુકમાં મગ્ન થવાની, અવસ્થાએ વચ્ચે આમથી તેમ હિંદોળા ખાવા લાગ્યો. પાણી ભરતાં ભરતાં સોભાગ્યદેવીની પણ સ્વાભાવિક રીતે વરભણી નજર ગઈ અને બે જણ એકબીજાને કેટલીક વાર સુધી જોઈ રહ્યાં અને બીજા સર્વે અંતરબાહ્ય વ્યાપાર સ્તબ્ધ થઈ ગયા. સાસુને પાણી જોઈએ છીએ એ વાત વહુ ભુલી ગઈ વહુ ગઈ એટલામાં અશ્રુપાત કરી ઉભરો ક્હાડી સાસુ સાવધાન થયાં અને વહુને આવતાં વાર કેમ થઈ તે વિચાર થયો તથા રખેને મ્હારા મ્હોંઉપરથી ચેતી એ પોતે રોતી હોય એવો વિચાર કરી વિધવાનો રુઢીધર્મ ભુલી ઓરડામાંથી બહાર નીકળી વહુની પાછળ ચાલી. “મ્હારા ઘરનું સૌભાગ્ય – મ્હારા રંક ઘરની આશા – મ્હારા વધનાર કુળની દેવી! મ્હારા આવા દુઃખમાં ત્હારું સુખ છાજશે ખરું? હે પ્રભુ!” એમ ક્હેતી ક્હેતી નિઃશ્વાસ નાંખી આવે છે ત્યાં દીકરાવહુની મુગ્ધ ચેષ્ટા નજર પડી અને એકદમ પગ પાછો ખેંચ્યો. પરંતુ આપત્તિકાળથી ઘેરાયલીથી આ સુભગ દેખાવનું ખરાપણું માની ન શકાયું અને તે ખરાપણું અજમાવવા સારૂ-કૌતુ- કથી–રંગમાં ભંગ ન પડે એવી રીતે છુપાઈ રહી જોવા લાગી અને તે સૌભાગ્યવૃત્તિમાં એના રંક તરંગો લય પામ્યા. અત્યાર સુધી જેને ઓછું આવતું હતું તે માતા છાતીએ હાથ દઈ ઈશ્વરનો આભાર માનતી સ્નિગ્ધ ભીની આંખવડે જ જીવતી હોય એમ વડીલનો રુઢીધર્મ ભુલી પોતાને ન જોવાનું જોઈ રહી.
બુદ્ધિધન અને સૌભાગ્યદેવીનું તારામૈત્રક રચાયું હતું તેની સીમા આવી રહેતાં હમણાં એ મને પાણી છાંટશે એવી બ્હીક લાગવાથી બુદ્ધિધન તે રમણીય બ્હીક ખરી પડવાની વાટ જોઈ સજ્જ થતો હતો પરંતુ તે બ્હીક ખરી ન પડી અને વધારે જોતાં સૌભાગ્યદેવીની આંખ આંસુ ભરી ભાસી. તે એકદમ ઉઠ્યો. પાણીભર્યો કળશ દૂર મુકાવી મુગ્ધ કન્યાને હાથ ઝાલી ‘શું? થયું? આ શું?’ એમ પુછવા લાગ્યો અને ઉત્તરમાં નીચી દૃષ્ટિ તથા વધતાં ડુસકાં શિવાય બીજું કાંઈ ન મળ્યું એટલે તેને છાતી સરસી ચાંપી વાંસે હાથ ફેરવવા લાગ્યો.
તેની માને રુઢીધર્મ ઓળંગાયાનું અચિન્ત્યું ભાન આવ્યું અને એકદમ પાછી હઠી વિચારમાં પડી ઝડપથી પોતાના ઓરડામાં જઈ બેઠી. ન જોવાનું જોયું એમ તેને સ્પષ્ટ લાગ્યું.
“કંઈ નહીં–” “કંઈ નહીં–” કહી બાથ છોડાવી ભાન આવ્યું હોય તેમ સૌભાગ્યદેવી પાણીનું પાત્ર લઈ એકદમ ઝડપથી સાસુ પાસે ચાલી. બુદ્ધિધન સાશ્ચર્ય અને દિઙ્મૂઢ બની ઉભો જ રહ્યો.
આટલા ભેદભંગનો પ્રસંગ આજ સુધીમાં આ પ્રથમ જ થયો હતો. બન્નેને તેનાથી તનમનમાં નવા વિકારના ચમકાર થતા જણાયા. વિચારમાં પડી ધીમે ધીમે પોતાને ઠેકાણે જઈ બુદ્ધિધને હીંચકા ખાવા પાછા આરંભ્યા.
તેની માના મનમાં નક્કી થયું કે ડહાપણનો રસ્તો એ છે કે વરકન્યાને એકદમ પરણાવી દેવાં અને પોતાના વૈધવ્યનું વર્ષ પુરું નથી થયું તેનો બાધ ન ગણવો. મનમાં માત્ર જરાક ઓછું આવ્યું, પણ પોતાની ન્હાની વયના દિવસ સંભારી ઉદાર ચિત્તમાં ક્ષમાદૃષ્ટિ ભરી. ‘નાચી ખુંદીને પગ સામું જોવું’ અને ‘છોકરાંને ઢાંકવાં’ એ આર્યમાતાઓની સહજ બુદ્ધિ છે. દેવી કન્યાવસ્થાની બહાર નીકળવા યોગ્ય થવા છતાં શોકના બાયસથી તેનું લગ્ન કરવું અટકી પડ્યું હતું, પરંતુ આ કૃત્રિમ બાધ ઈશ્વરલીલા આગળ ટકી રહેવાનો નથી અને કૃત્રિમ લગ્નની વાટ અંત:કરણોનું લગ્ન જોશે નહીં એ વાતનું તાત્પર્યં ચકોર માતા તરત સમજી ગઈ. લગ્ન તરત બંધ રાખવાનું બીજું કારણ પણ હતું. પિતાના ક્રિયાખરચમાં બુદ્ધિધન આવ્યો હતો અને લગ્નના ખરચમાં તેવે વખતે પડવું તે માથે આપત્તિ આણવા જેવું હતું. પરંતુ માતાની પાસે શરમ છોડાઈ નહીં. લગ્ન થયું અને વરકન્યા સાકાર ગાંઠથી જગતની આંખ આગળ જોડાયાં. ઉત્સવ પુરો થયો. ચૉરી છુટી. સંસારનું મંડાણ થયું અને લ્હેણદારોનાં મ્હોં જોવાનાં આવ્યાં. આજ સુધી વર્ષાસનમાંથી ઘરખરચ નભતું, લ્હેણદારોને સંતોષવા ક્યાંથી? ઘરમાં હજાર હજાર નવી વસ્તુઓનો ખપ પડવા લાગ્યો. જમીનની ઉપજ પણ તણાઈ જવા લાગી અને ઉઘરાણી ઘસાતી હતી. ઘરમાં મા કે સ્ત્રી આગળ આ ફીકર દર્શાવવી એ તેમને નિરર્થક ચિંતામાં નાંખવા જેવું હતું. ખોટી પણ ધીરજ બતાવી ઘરમાં પુરુષપણું જાળવવાની જરૂર હતી. સ્ત્રીયોમાં બ્હીક ઉપજાવવી તે પોતાના પગ કાપવા જેવું અને નવું દુ:ખ ઉત્પન્ન કરવા જેવું હતું. સર્વે ચિંતાથી બુદ્ધિધનનું શરીર ઘસાતું ગયું, તેના સુખ ઉપર કાંતિ રહી નહીં, શરીર પર લોહી રહ્યું નહીં, અને જુવાનીમાં ઘડપણ આવ્યું. ઘોર અંધારી રાતમાં એક જ દીવો બળતો હતો. આખા દિવસથી કંટાળી પરવારતાં સાયંકાળે વિધવા માની સાથે વાતોમાં પડતાં, તે વાતોમાં સોભાગ્યદેવીની કોમળ ટાપશીઓ સાંભળતાં, અને આખર એકાંતમાં સોભાગ્યદેવીની મીઠી વાણી, મધુર ગાયન, અને મુગ્ધવિલાસામૃત અનુભવતાં, દુઃખી પુરુષ ઘડીભર સુખી અવસ્થા ભોગવતો હતો અને સંસારના વ્યાપારમાંથી થાકેલું મન જાગતી ઉંઘમાં આનંદ-સ્વરૂપ જોતું હતું. કુટુંબસુખની પરિસીમા રંક અવસ્થામાં જ ભોગવાય છે.
આ સ્વપ્ન પણ ટૂંકા જીવતરવાળું હતું. ચિંતાનું ઔષધ કરવા ઘરનું સુખ અસમર્થ નીવડ્યું. બુદ્ધિધનને કોઈ કોઈ વખત તાવ આવવા લાગ્યો. તેને તરત ન ગાંઠ્યો. તેમાંથી જીર્ણજવર પેદા થયો અને આખરે એ હડહડતા તાવના ઝપાટામાં પછડાયો અને પથારી-વશ થયો. ચિંતાના દુઃખ આગળ ઔષધ ઉપચારનું ચાલે એમ ન લાગ્યું, ગામમાં વૈદ્યો ઘણા હતા, પણ તેમાંનો મ્હોટો ભાગ ઉંટવૈદ્યોનો હતો. સઉ પોતપોતાનું ઔષધ, બતાવતા. બુદ્ધિધનનું ઘર ગરીબ હતું પણ ‘કારભારી કુટુંબ’ નું પ્રસંગે માન ર્હેતું. એટલે ઘણા લોક જોવા આવતા અને ભીડ કરી, માંદા માણસને કંટાળો આપી, ઘરમાં પુરુષ ન હોવાને લીધે આદર-સત્કારમાં ખામીઓ ક્હાડી, ઘરની સ્થિતિ ઉપર અને માણસો ઉપર ટીકા કરી, મ્હોંએ અને કદીક મનમાં લુખી દયા આણી કોઈક વાર ઘરમાંની સ્ત્રીયો માંદા માણસની પથારી પાસે બેસતી તેના ઉપર કુદૃષ્ટિ ભરી નજર નાંખી અને કંઈ કંઈ તર્ક વિતર્ક કરી, કોઈવાર હાથ આવ્યું ચોરી લઈ શોર બકોર કરી, આખર સઉ પોતપોતાને ઘેર, રજા માગી, અથવા માગ્યાવગર ખરું ખોટું બહાનું ક્હાડી, જતાં ર્હેતાં. સૌભાગ્યદેવી અને તેની સાસુ મૂળ તો દુખીયારાં થઈ ગયાં હતાં તેમાં આ ગરબડાટથી કાયર થઈ ગયાં. ઔષધમાં કોઈ કામે ન લાગે અને ઘણા લોકો ઔષધ કંઈ કંઈ બતાવે તેમાં ખરું શું કરવું તે ન સુઝે. આખરે શોક ન ગણી બધાં આવ્યાં હોય તે વખત પણ મા દીકરા પાસે બેશી રહે અને વહુ હેરોફેરો કરે અને હરતાં ફરતાં ડસડસી રહે. રંક કુટુંબના આધારભૂત બુદ્ધિધનને હજુ કરાર ન થયો.
દુઃખ ઉપર દુ:ખ આવી પડે. બુદ્ધિધનના બાપને ગુજર્યે વર્ષ થવા આવ્યું. નવો પટ્ટો કરી આપવાની કારભારીયોએ ના પડી. ખાનગી રીતે સૂચના મળી કે કારભારી અને વચલા માણસોના હાથ ભરાય તો વર્ષાસન ચાલુ રહે. આપત્તિમાં પડેલા નિર્ધન કુટુંબને આ અશક્ય થઈ પડ્યું હતું અને વર્ષાસન બંધ પડ્યું! લાચાર અબળાઓ – સાસુવહુ– રોઈ રહ્યાં અને બુદ્ધિધનને સમાચાર ન કહ્યા. મંદવાડ લાંબો પહોંચ્યો, ઘરમાંથી ખરચી ખુટી, આવક બંધ થઈ જમીન અને ઊઘરાણી પુરુષ વગર નકામાં પડ્યાં. બજારકામ કરનાર કોઈ રહ્યું નહીં. વૈદ્યને દવા કરવાના ઉત્સાહનું કારણ રહ્યું નહીં અને એના ફેરા ઓછા થવા લાગ્યા. લોકો જોવા આવતા હળવે હળવે થાકી ગયા અને બંધ પડ્યા. ઘરમાં શૂન્યકાર લાગવા માંડ્યો, અને માંદા માણસ ભણીથી બીજીપાસ ધ્યાન ખેંચનાર વસ્તુ રહી નહીં. માંદા માણસ પાછળ સાજાં માણસ પણ માંદાં જેવાં – હવેરાં જેવાં બની ગયાં. બીચારી સાસુવહુના દુઃખની – વિડંબનાની – મર્યાદા રહી નહીં. ઉપર આભ અને નીચે પાણી એ બે વિના ત્રીજું, રંક અબળાઓને જોવાનું રહ્યું નહીં.
બુદ્ધિધનનું દરદ વધતું ગયું, મૂળ વ્યાધિમાંથી કંઈ કંઈ વધ્યું. પથારીમાં સુતો સુતો બુદ્ધિધન વૃદ્ધ માતા અને બાળક પત્ની આમ તેમ ફરતાં તેમ તેમ તેમના ભણી ડુબી ગયેલા ડોળા ફેરવતો. વહુ આખો દિવસ વરભણી જોઈ એકાંતે રોયાં કરતી અને આંખો સુજાવી નિઃશ્વાસ મુકતી. માને પણ દુઃખની સીમા ન રહી. પરંતુ દીકરાવહુ ભણી વારંવાર વારાફરતી જોયાં કરતી, એકાંતે કપાળ કુટતી, અને દેખીતી હીંમત રાખી દીકરાની બરદાસ કરતી અને વહુ એકાંતે પડી સોરે નહીં તેની ચિંતા રાખી તેને ચાલતા સુધી નજર આગળથી ખસવા ન દેતી. આખરે ઘરમાં સઉનો અવર જવર બંધ થઈ ગયો. માત્ર એક વૈદ્ય પરમાર્થબુદ્ધિથી નિર્ધન થઈ ગયેલાનું ઔષધ કરવા આવતો; અને એક વૃદ્ધ પડોશીની વાતો બુદ્ધિધન સારો હતો ત્યારે સાંભળતો એટલે એની વચ્ચે પ્રીતિ થયલી હતી તેથી તે પડોશી ઘડીવાર આવી પથારી પાસે બેસી વાતો કરી તેના મનમાં શાંતિ ઉત્પન્ન કરતો, અને વિધવાની દયા જાણી બજારકામ તથા વૈદ્યને ઘેર ફેરાફાંટાનું કામ કરતો. વર્ષાસન બંધ પડવાની વાત અત્યારસુધી બુદ્ધિધનને કોઈએ જણાવી ન હતી. તે એના જ કહ્યાથી. એક દિવસ તે પણ બીચારો માંદો પડ્યો એટલે એક આખો દિવસ તેનાથી અવાયું નહીં અને વૈદ્યથી પણ અવાયું નહીં. વિધવા બારણે નીકળતી ન્હોતી તેને બહુ અકળામણ થઈ. વહુને મોકલવી એ વ્યાજબી લાગ્યું નહીં અને આખરે દીકરા સારુ લોક-મર્યાદ અને રુઢી તરછોડી બીજે દિવસે મળસ્કામાં વત્સલ-માતા વૈદ્યને ઘેર લજવાતી છુપાતી ચોરની પેઠે ચાલી અને લાજ છોડી છોડવી વહુને દીકરાની પથારી પાસે પોતાની ગેરહાજરીમાં બેસવાનું અને ખબર રાખવાનું સૂચવતી ગઈ.
સાસુ ગયાં એટલે કમાડ વાસી વહુ વ૨ની પથારી આગળ આવી બેઠી. બુદ્ધિધનની આંખ જરા મીંચાઈ હતી; તેનું ફીકું અને માંદલું મ્હોં નિદ્રાને લીધે શબ જેવું લાગતું હતું, અને દુર્બળ થઈ ગયેલા બાકીના આખા શરીર ઉપર ધોતીયું હોડી લીધેલું હતું. હાથ ઉઘાડો હતો અને તેનાં નળાં તથા હાડકાં સ્પષ્ટ દીસતાં હતાં. સાસુ બારણે ગયાથી ઉભરો ક્હાડવાને વહુના ડસડસી રહેલા અંતઃકરણને કાંઈક અવકાશ મળ્યો હતો, અને તેની આંખમાં ઝળઝળીયાં ભરાઈ આવ્યાં હતાં. તેમાં પથારી પાસે બેઠી અને પોતાના ‘નોધારાં આધાર’ સ્નેહી પતિનું આવું શરીર અને મુખ જોતાં તેનું કોમળ બાળક હૈયું ભરાઈ આવ્યું. થોડીકવાર તો પતિ મુખ સામું માત્ર જોઈ રહી અને વિચારમાં ને વિચારમાં ઝીણે રાગે ગાવા-ગણગણવા–લાગીઃ–
“દુઃખી દારા દુનીંયામાંહ્ય કંથ વિદેશ ગયે,
“સુખી સમાજે સ્ત્રી સંસાર સ્વામી સંગ રહ્યે.
“આ અવસરમાં, પ્રીતમ પ્યારા, ન્યારા! તજી, પરદેશ રે
“જાવા આવા સિદ્ધ થયા પણ મનમાં ઉપજે કલેશ,
“કંથ વિદેશ ગયે!”
“કંથ વિદેશ ગયે – કંથ વિદેશ –
આ ગાતાં ગાતાં અને પતિના મડદા જેવા મ્હોં સામું જોતાં જોતાં તેની કલ્પનાશક્તિ સળગી ઉઠી. દુઃખના અંધારામાં નબળા મનની આંખ આગળ કંઈ કંઈ અમંગલ તર્ક વિતર્ક ભૂત પેઠે ખડા થયા અને અંતઃકરણપ૨ મહા જોરથી મારી રાખેલો આગળો કલ્પનાને ધક્કે એકદમ ઉઘડી ગયો. પતિ જાગશે એ ભાન રહ્યું નહીં અથવા ર્હેવા છતાં તેને વશ રહી શકી નહીં. “હાય, હાય, હાય, હાય, હાય!” કરી બુદ્ધિધનના પગ આગળ એકદમ માથું પછાડી, તેના પગ બે હાથ વચ્ચે માથા સરસા ચાંપી મોકળું મુકી મ્હોટે સાદે છાતીફાટ અનાથ બાળક અબળા રોવા લાગી અને ઉન્હાં આંસુના ખળી ન રહેતા પ્રવાહથી પથારી ભીની થઈ ગઈ બુદ્ધિધન અચિન્ત્યો જાગી ઉઠ્યો. નબળાઈને લીધે ઉઠવાની તેની શક્તિ ઘણા દિવસથી ગઈ હતી તે કોણ જાણે ક્યાંથી આવી કે ઝપ લઈ પથારીમાં બેઠો થયો અને લાંબા નાંખેલા પગના છેડા આગળથી દુબળા સોટા જેવા હાથવડે દુઃખી પતિવ્રતાનું માથું ખોળામાં ખેંચી લીધું અને તે હાડપિંજર જેવી પોતાની છાતી સાથે ડાબવા–જોર ન હોવાથી વ્યર્થ શ્રમ કરવા–લાગ્યો. તેનું બ્હેબાકળું (ભય-વ્યાકુલ) મ્હોં જોઈ દીન બની ગયેલો, પરંતુ ધીર, પુરુષ તેના શોકનું કારણ સમજી ગયો, અને સજલ-નયન બની અમી વગરને મ્હોંયે ત્રુટ્યે ગદગદ સ્વરે બોલ્યોઃ–
“દેવી! આમ શું કરે છે? ધીરજ રાખ, ઈશ્વર અનાથનો બેલી છે.”
ઈશ્વરને ઠપકો દેતી હોય – ઈશ્વરની ઈચ્છા પોતાને પ્રતિકૂળ થઈ માનતી હોય — એમ કાંઈ પણ બોલવા વગર દીન બનેલી માત્ર પતિના સામું ઘેલી જેવી જોઈ રહી. તેને ખભે હાથ નાંખી થોડીવારે નીચું જોઈ રોતી રોતી બોલી ઉઠી – “હું શું કરું? મ્હારાથી નથી ખમાતું! માતુ:શ્રી(સાસુ) એ તો કરવાનું કર્યું! પલ્લું વેચી આપણા લગ્નમાં થયેલું દેવું તેમણે વાળ્યું. થોડું વધ્યું તેનાથી ઘરખરચ નભાવે છે. હું ઘણુંએ કરું છું પણ મ્હારું પલ્લું વેચવા ના પાડે છે! શોક ન ગણી અત્યારે વૈદ્યને ઘેર ગયાં છે. હાય! હાય! મને તે દૈવે શાને ઘડી? મને પરણવા તમારે દેવું થયું. મ્હારી જાત એવી નકામી કે માતુઃશ્રીને આટલી અડચણ છતાં બારણે જઈ મ્હારાથી કામમાં ન અવાયું ને એ ગયાં. એમનું કર્યું કોણ કરશે? એમનો અવતાર સફળ થયો, હું મોઈ નકામી. મ્હારું પલ્લુંએ નકામું! તમને ન ખપે! હાય હાય! વર્ષાસન ગયું, તો ગયું, પણ – બળ્યું એ પલ્લું! તમારે કામ ન આવે તો મ્હારે પણ ન આવે? મ્હારે શું કામ હતું એનું!” એમ કહી ઝપો ઝપ શરીર પરનાં ઘરેણાં ક્હાડી સામી ભીંતભણી રીસ કરી જોરથી ફેંકી દીધાં. “હું તો માત્ર તમારું આવું શરીર અને આવું મ્હોં જોવાને જ સરજી છું! આ નથી જોવાતું રે મ્હારા નાથ!” એમ કહી વળી ઠુઠવો મુક્યો.
નરમ બની વધારે ખેદ પામી, બુદ્ધિધન પત્નીના મુખ સામું લાચાર આંખે જોતો બોલ્યોઃ–“દેવી! આમ શું કરે છે? વર્ષાસન ગયું તેની મને ખબર કેમ કરી નથી? હશે. તું નકામી નથી. તું નકામી કેમ? તું તો ઘણેય કામે આવીશ. મ્હારા આધાર–મ્હારી વ્હાલી! – મ્હારી દેવી! ધીરજ રાખ. ઈશ્વર અનાથનો બેલી છે. આ ઘરેણાં ત્હારાં સૌભાગ્યનાં છે. તેને ફેંક નહીં.”
“મારું સૌભાગ્ય તમારા વિના બીજે ક્યાં છે? મ્હારે ઘરેણાં સાથે કાંઈ સગપણ નથી. તમારા મ્હોંની તેજી ક્યાં? ઈશ્વર હશે તેનો હશે; હું શું કરું રે ઈશ્વર! તમે સુઈ જાઓ, તમારી નબળાઈ વધશે. અરે આ વખતે પણ હું તમને દુઃખ દેવાને સરજી છું.” એમ કહી બે હાથે મ્હોં અને આંખો ઢાંકી રોઈ લઈ પતિને ઝાલી પાછો સુવાડ્યો.
આમ કેટલોક વખત ગયો એટલામાં બારણું ખખડ્યું. ઉતાવળમાં ઘરેણાં એમ ને એમ રહેવા દેઈ સૌભાગ્યદેવીએ બારણું ઉઘાડ્યું.
વત્સલ માતા ઘરમાં આવી. તે નિરાશ દેખાતી હતી. તેના મ્હોંપર ઉગ્ર કોપ અને આંખોમાં રતાશ અને પાણી ઢાંક્યાં રહેવા અશક્તિમાન લાગતાં હતાં. તેના ઓઠ ફફડતા હતા, અને વૃદ્ધ હૈયું ધબકતું હતું. તેમાં વળી દીકરો, વહુ, અને ઘરેણું એ સઉનો નવો તાલ જણાયો અને એક પળવારમાં કંઈ કંઈ ચિંતાઓ અને શંકાઓ તેના અંતઃકરણમાં નવી જુની થઈ ગઈ સુતો સુતો હળવે હળવે પુત્ર બોલ્યો –“માતુઃશ્રી, ક્યાં ગયાં હતાં? આજ સુધી વર્ષાસનના સમાચાર મને ન કહ્યા તે ઠીક કર્યું? તમારું મ્હોં આમ કેમ?”
વર્ષાસનની વાત ઉઘાડી પડી જાણી ઠપકા ભરેલી આંખે વહુના સામું જોઈ ઘરેણાં ભણી નજર કરી સાસુ ઉભી જ રહી.
સૌભાગ્યદેવી ઉઠી, સાસુને બાઝી પડી અને તેની છાતીમાં માથું સમાવી દેઈ રોતી રોતી બોલી – “માતુ:શ્રી! વાંક માફ કરો. આટલું મ્હારું ઘરેણું તો કામમાં આણો!” બારણું વાસી બે જણ પથારી પાસે બેઠાં – બેસતાં બેસતાં સાસુ બોલીઃ– “દેવી! બેટા! તું બાળક છે. ત્હારાં ઘરેણાંને કેમ કામ નહીં લગાડીયે? જરુર પડશે ત્યારે એમ પણ કરવું પડશે. ત્હારી સમજ કાચી છે. ત્હારી ફીક૨ મ્હારે છે. ઈશ્વર એ ઘરેણાં સદૈવ ત્હારા શરીર ઉપર જ રાખો! બેટા, તું આમ રો નહીં. પ્હેર ઘરેણાં.” એમ કહી નિ:શ્વાસ મુક્યો.
“દીકરા, હું શું કહું? કેટલું કહું!” એમ કહી લુગડાવતે આંખો લોહી. વૈદ્ય પરગામ ગયો હતો અને તેની બાયડી મળી તે હલકા સ્વભાવની હતી. વૈદ્ય મફત ઔષધ આપતો તે વાત વૈદ્યાણીથી છાની રાખી હતી, કારણ એવાં એવાં મફતીયાં તો ઘણાંએ આવે અને તેનું કામ વૈદ્ય કરે તો વૈદ્યાણીનો જીવ જતો અને જો ધણીપર રમસ્તાન મચાવી મુકતી. બુદ્ધિધનની માને આવતી જોઈ મફતીયું ઘરાક જાણી તેને ગાળો દેઈ ધમકાવી અને વૈદ્યનો પત્તો પણ ન બતાવ્યો તે કોઈ દયાળુ પાડોશીએ કહ્યું ત્યારે જાણ્યું કે અચિંત્યું, વૈદ્યને જવું પડ્યું છે: નિરાશ બની બાઈ પાછી ફરી. પાછાં ફરતાં વિચાર થયો કે કારભારી મ્હારો પીયરનો સગો છે તેને માંહ્યમાંહ્યથી જઈ વર્ષાસનની વાત કરું. કારભારીના ઘરમાં પેસતાં તેની દીકરી ઓટલે ઉભી હતી તેણે ગરીબ બાઈ ઉપર મ્હોં મરડ્યું અને ચાળા પાડ્યા. ગરજ ગધેડીને મા ક્હે. ચાળા બાળા જાણે કોઈએ પાડ્યા નથી એવું ગણી બાઈ ઘરમાં પેઠી. કારભારી ચોકમાં ચાકરો વચ્ચે બેઠો બેઠો દાતણ કરતો હતો. બાઈને જોઈને જ તેને આવવાનું કારણ તે કળી ગયો. આવા ભુખ ઘરાક પાસેથી કાંઈ પાકવાનું નથી. અને નકામી માથાકુટ સવારના પ્હોરમાં પડશે જાણી કારભારીએ કસમોડું મ્હોં કર્યું અને ચાકર મારફત ક્હેવડાવ્યું, “હાલ કામદાર કામમાં બેઠા છે. જાવ, કામ હોય તો દરબારમાં અરજી લખી આપજો.” બ્હીતી બ્હીતી ઉમ્મર ઓળંગતી હતી તે આ સાંભળી બાઈ પાછી વળી. થોડેક ચાલી એટલે એક રાંડેલી પણ શણગરાયલી બાઈ કારભારીના ઘરમાંથી નીકળી અને થોડેક છેટે ગયા પછી દુઃખી વિધવાને પકડી પાડી તેની સાથે વાતોમાં પડી.
“તમે વર્ષાસન સારુ કારભારીને ઘેર ગયાં હશો.”
“હા.”
“મ્હારું એક કહ્યું કરો તો તમારું વળે.”
“મ્હારી પાસે લાંચ આપવાને પઈસા નથી. હું તો ગરીબ છું.”
“પઈસાના કરતાં વધારે તમારી પાસે છે.”
અચિંતી ચમકીને બુદ્ધિધનની મા પેલી બાઈ સામું શંકા અને ભય ભરેલી આંખે જોઈ રહી બોલી, “શું?” બેશરમી કુલટા હીમ્મત રાખી બોલી: “કંઈ નહીં. મ્હારી જોડે તમારી વહુને જરી મોકલો. હું કામ કરી આપીશ. કારભારીના દીકરાને ને મ્હારે સારાસારી છે. તમારા સારા સારું કહું છું.” ગરીબની વહુ સઉની ભાભી.
પવિત્ર વિધવાએ દાંત કચડ્યા અને ઓઠ પીસ્યા. આંખો રાતી થઈ ગઈ પણ દુષ્ટ રાક્ષસી આગળ મ્હોંનું બળ બતાવવાથી પણ ભયનું કારણ હતું. પવિત્ર કોપ દેખીતો ઢાંકી દીધો અને “બાઈ, મ્હારે વર્ષાસન નથી જોઈતું” કહી તેના દુષ્ટ પરછાયાની હદ તજી ચાલવા માંડ્યું. દેશી રજવાડામાં દીકરો ફોજદાર, ભાઈ ન્યાયાધીશ, અને બાપ કારભારી; કોની ફરીઆદ કોની પાસે કરવી? અનાથ અબળા છાનીમાની ઘેર ચાલી.
આ સર્વે સમાચારથી બુદ્ધિધનને મંદવાડમાં દુઃખ થશે જાણી તેને ન ક્હેવા ઠરાવ કર્યો હતો. પરંતુ તે માના મ્હોં ઉપરથી કળી ગયો કે કાંઈ નવાજુની થઈ છે. તેને સંતોષવાને માત્ર એટલું જ કહ્યું કે ‘જોને, દુ:ખીનું નસીબે દુ:ખી. વૈદ્ય ગામ ગયા છે? બાકીની વાત, આડી અવળી વાત કરી, ભુલાવી અને નબળા મગજ પર તેમ કરવું કઠણ ન પડ્યું. બુદ્ધિધન પાછો ઉંઘી ગયો. સાસુવહુ હળવે રહીને જોડના ભાગમાં જઈને બેઠાં. વહુનું રોવું રહ્યું નહીં. સાસુ વહુનું માથું ખોળામાં મુકી બેઠી અને તેવી રીતે સુતી સુતી બાળક વહુ રોતી રોતી ઉંઘી ગઈ અને સ્વપ્નવશ થઈ. વડીલ વિધવા આમ એકલી જેવી પડી એટલે વિચારમાં ગરક થઈ ગઈ. બેઠી બેઠી એક હાથે વહુને થાબડતી હતી અને આંખોમાંથી ચોધાર આંસુ છાનાંમાનાં વણ-અટ-કાવ પડતાં હતાં તેને બીજે હાથે વ્યર્થ લોહ્યાં કરતી હતી. એટલામાં વૃદ્ધ પડોશી દયાશંકરે બારણું ઉઘાડ્યું. તેને છાનાંમાનાં આવવા વિધવાએ નિશાની કરી. તે પ્રમાણે તે બારણાં પાછાં વાશી આવ્યો અને તેની પાસે બેઠો. એક દિવસ ન અવાયું તેનું કારણ બતાવી ખબર પુછવા લાગ્યો.
અનાથ બાઈ ગળગળી થઈ ગઈ અને સાદ સંભળાય નહીં એમ રોઈ પડી.
॥स्वजनस्य हि दुःखमग्रतो
विवृतद्वारमिचोपजायते॥
પોતાનું માણસ મળ્યું એટલે દુઃખીનાં દુઃખનાં બારણાં ઉઘડી જાય છે. દયાળુ પડોશી પાસે દુઃખીયારી બાઈએ વૈદ્યના અને કારભારીના ઘરના સર્વે સમાચાર અથઈતિ સવિસ્તર કહી બતાવ્યા. દીકરાની અને વહુની પણ વાત કરી. “હાય, હાય, આ અનાથ ફુલની શી અવસ્થા થશે! દયાશંકર, હું તો ઘડપણમાં બેઠી પણ આ બાળકે મ્હારા જેવી થઈને બેસશે તો એનું મ્હોં મ્હારાથી કેમ જોવાશે? એની શી વ્હલે થશે! હુંએ હવે મરવાની એટલે આ મ્હારી દેવીનું કોણ?” વૃદ્ધ દયાશંકરે બાઈને હીંમત આપી.
“બ્હેન, તમે હીંમત રાખો. તમારા ભાગ્યમાં હજી ઘણાં સારાં વાનાં છે. બુદ્ધિધનને પાછો આરામ થવાનો એમાં સંદેહ નથી. અને એને આરામ થયો એટલે એ સિંહનું જોર કરવાનો. એ બાબતમાં મ્હારું અંત:કરણ સાક્ષી પુરે છે માટે સત્ય માનજો. તમારી વહુનું સૌભાગ્ય અમર છે એવું મેં એની જન્મોત્રીમાં જોયું છે. બુદ્ધિધનને પણ હવણાં તો વર્ષ નડે છે પણ આખરે સારું છે.”
દયાશંકરને જ્યોતિષ ઉપર કાંઈ વિશેષ શ્રદ્ધા હતી એવું ન હતું પરંતુ દુઃખી વિધવાના અંતઃકરણમાં એ નિમિત્તે આશાનું અમૃત રેડ્યું. વાતો કરી દુઃખી માતાનું દુઃખ અર્ધુ શાંત કરી દીધું અને તેનાં આંસુ સુકવ્યાં. એટલામાં સૌભાગ્યદેવી પણ ઉઠી અને વિનયસર બેઠી. આખરે સઉ બુદ્ધિધન પાસે ગયાં.
દયાશંકરના પગના ઘસારાથી જ બુદ્ધિધન જાગ્યો હતો. મંદવાડમાં તેના કાન સરવા થયા હતા. સર્વ વાતો તેણે જિજ્ઞાસાથી તથા તૃષ્ણાથી સાંભળી લીધી. સાંભળતાં સાંભળતાં ક્રોધ, દયા, દીનતા’ આશા, અને ઉત્સાહ એવી કંઈ કંઈ વિચારોની પાંખો ઉપર ચ્હડી તેના મનનિધિમાં પ્રતિબિંબ પાડતી પાડતી ઉડી ગઈઃ આખરે તે શાંત થયો, અને એટલામાં તે બધાં અંદર આવ્યાં.
દયાશંકર પથારી આગળ બેઠા અને બુદ્ધિધનના માથા ઉપર હાથ મુકી નાડી જોઈ બોલ્યા “કેમ, ભાઈ પ્રકૃતિ તો ઠીક છે કની? મને તો કાંઈ સારો ફેર લાગે છે. માત્ર ત્હારા મ્હોં ઉપર જરા ગભરાટ છે.”
“હા, કાકા, મને આજ જરી ઠીક છે. પણ માતુ:શ્રીએ તમને કહ્યા તે સમાચાર સાંભળી જીવ જરી ઉકળી આવ્યો. તમે જુવો છો કારભારી કેવો લુચ્ચો છે તે! આખું વાજું જ નફટ અને દુષ્ટ છે. હશે; ઘણું કરે તે થોડાને માટે.” એમ કહી બુદ્ધિધન કાંઈક ગુપ્ત ક્રોધ અને વિચારમાં પડ્યો દેખાયો.
“ભાઈ એ તો એમ જ હોય. આપણે કારભાર કરો ત્યારે સરત રાખજો.” એમ કહી દયાશંકર જરી હસ્યા. “બ્હેન, એમાં કંઈ ન થવા જેવું ન જાણશો, હોં! આ જ કારભારીને ઘેર ધાન ખાવા ન હતું તે તમને ખબર છે. શા વારાફેરા થવાના છે તે કોઈને ખબર છે? તમારું અસલનું ‘કારભારી કુટુંબ’નું ખાનદાન, તે હતું એવું આજ પચાશ વર્ષે પાછું થાય તો એમાં ઈશ્વરને ઘેર શું અશક્ય છે?”
બુદ્ધિધન ડોસીભણી જોઈ રહ્યો.
રંક વિધવા નિ:શ્વાસ નાંખી કપાળે હાથ દઈ બોલી: “ભાઈ, અમારે તો કારભારે નથી જોઈતો ને બારભારે નથી જોઈતો. લાખ મળવાના નથી ને લખેશ્વરી થવાનાં નથી. મ્હારે તો આ એક આંખ ઠારવા જેટલું ઈશ્વર રાખે તે ઈન્દ્રપુરી છે. દીકરો સારો થાય અને કંઈ રસ્તે પડે, અને આ જોડું સુખી થાય એટલે ગંગા ન્હાયાં. આ અવસ્થામાં વીતેલું. હું એટલેથી જ વિસારે નાંખીશ. પછી તો પરમેશ્વર મને તેડું મોકલે એટલું જ માગવાનું બાકી ર્હે.” માને ઓછું આવ્યું તે તેના મુખ ઉપર દીકરાએ સ્પષ્ટ દીઠું.
“નિશ્ચિંત ર્હો. રુડાં વાનાં થશે. કેમ ભાઈ, બુદ્ધિધન?”
માનો નિ:શ્વાસ જોઈ વહુની આંખોમાં લાચારીનાં આંસુ જોઈ બુદ્ધિધન ધુણી ઉઠ્યોઃ-
“કાકા, તમારા મ્હોંમાં સાકર. અત્યારે તો મશ્કરી જેવું દેખાય છે. પણુ સરત રાખજે કે આ લુચ્ચા કારભારીયે આ અનાથ અને કુલીન મ્હારી માતુશ્રીને જે તરછોડ્યાં છે અને એના દુષ્ટ દીકરાએ મ્હારા કુટુંબને આવી રંક અવસ્થામાં જે અપમાન પહોંચાડ્યું છે તેનું વેર બુદ્ધિધન લેશે. ઈશ્વર ખોટામાંથી સારું કરે છે. વર્ષાસન ગયું તે સારું જ થયું છે. હું હવે કારભારીનો – ડબેલો નથી અને આવા ડબેલા ૨હી શું કરવું તે ઘાટ મને સુજતો ન્હોતો. પણ હવે મ્હારી ચિંતા દૂર થઈ છે અને હું સ્વતંત્ર – મ્હારો મુખત્યાર થયો છું. આહા ઈશ્વર! કારભારીયે મ્હારો રસ્તો મોકળો કરી દીધો. હવે હું સાજો જ થવાનો. મને જીવવાની ઈચ્છા પાછી થઈ છે. મ્હારાં વ્હાલામાં વ્હાલાં આ બે ૨ત્ન – તેની ખાતર હું શું નહીં કરું? હા, છું તો ગરીબ. મ્હારી પાસે નથી પઈસો અને નથી એવા મિત્ર. કારભારે પહોંચવું ન પહોંચવું એ તો ભાગ્યની વાત છે. પરંતુ આ કારભારીને તો પાયમાલ કરું જ – અને વળી તેને જ મ્હોંએ મને પોતાને સારો ક્હેવરાવું એવી મ્હારામાં તાકાત છે તે જગત જોશે. વેર–હવે રાતદિવસ મ્હારા કાળજામાં બળ્યાં કરવાનું અને એ આગ કારભારીના આખા ઘરને સળગાવી મુકી પછી હોલાશે! હું પણ પુરૂષ છું – કારભારી કુટુંબમાં જન્મ્યો છું. આજકાલના આ ફાટી ગયેલા કારભારી જેવો નીચ કુટુંબને નથી. માતુઃશ્રી, હું તમારી કુખમાં ઉછર્યો છું. મ્હેં ચુડિયો નથી પ્હેરી!” દાંત પીસતો; ઓઠ કરડતો, લાંબા હાડકા જેવા એક હાથે છાતી ઠોકતો અને બીજે હાથે મુછ ખેંચતો, ધ્રુજતો, ધ્રુજતો, અને પથારીમાં ઘડીયે ઘડીયે ઉંચો નીચો થતો થતો, ઘણું બોલવાથી અને ક્રોધ ચ્હડવાથી માંદો માણસ થાકી ગયો; તેના હાથ પ્હોળા થઈ પથારીમાં બે પાસ પાછા પડ્યા, અને તેની રાતી થયેલી આંખોમાં ડોળા થોડી વાર આમ તેમ ફર્યા અને આખરે આવેશમાં ને આવેશમાં તેની આંખ મીંચાઈ. થોડીવારમાં ઘોરણ બોલવા માંડ્યાં અને આ જાગૃત અવસ્થાનું સ્વપ્ન બીલકુલ શાંત થઈ ગયું. માત્ર નિદ્રામાં પણ તેની ભમર ચ્હડેલી રહી હતી અને ઘડીયે ઘડીયે વાંકી ચુકી થઈ જતી હતી તે પરથી સ્પષ્ટ દીસતું હતું કે નિદ્રામાં પણ કાંઈક બલવાન્ સ્વપ્નમાં તે ધુંધવાય છે.
દિઙ્મૂઢ સઉ જણ તેના ભણી જોઈ રહ્યાં અને તેને ઉંઘેલો જોઈ આશ્ચર્ય અને વિચારમાં પડી સઉ ઉઠ્યાં.“ઉંઘવા દ્યો, ઉઘવા દ્યો એને” એમ કહી દયાશંકર કેટલીક સૂચનાઓ કરી ઘેર ગયા. બુદ્ધિધનના શબ્દ ક્રોધ અને મંદવાડના લવારામાં ગણાયા. પરંતુ બીજે દિવસેથી વૈદ્ય પાછો આવતો થયો, તેના ઔષધનો ગુણ હવે વ્હેલો લાગવા માંડ્યો અને થોડા દિવસમાં બુદ્ધિધન ઘરમાં હરતો ફરતો થયો. મંદવાડ સમૂળગો ગયો અને નિશાનીમાં માત્ર વૈર અને ક્રોધના ધુંધવાટને પાછળ મુકતો ગયો. મધ્ય રાત્રિયે ઉત્પાતસૂચક ધૂમકેતુ આકાશમાં ઘણા દિવસસુધી દેખાયાં કરે તેમ એકાંતમાં પણ આ ક્રોધથી ચ્હડેલી ભ્રુકુટિ હમેશાં બુદ્ધિધનને કપાળે ચ્હડી આવતી, અને તે કારભારીનો નિઃસંશય વિનાશ સૂચવતી હતી.
Feedback/Errata