પ્રકરણ ૧૪- 
સૌભાગ્યનો સંપૂર્ણચંદ્ર

બુદ્ધિધન દરબારમાં ગયો એટલે તેના દ્વારમાં એક બે વિશ્વાસુ સીપાઈઓ સજ્જ થઈ બેઠા. સૌભાગ્યદેવી ફરી ન્હાઈ અને ભસ્મ ચોળી દેવમંદિરમાં રૂપાની દીવીયોમાં ઘીના દીવા અને ધુપીયામાં ધુપ સળગાવી દેવની આગળ માતુ:શ્રીએ શીખવેલાં સ્તોત્ર ગાતી ગંભીર વદન કરી બેઠી.ચૈત્રના પ્રાતઃકાળમાં રમણીય લાગતી પવનની લ્હેર ખાતા ખાતા વૃદ્ધ દયાશંકર ચોકમાં પડ્યા; અને પાસે બેસી અલકકિશોરી અને કુમુદસુંદરી, રાણો, શઠરાય, બુદ્ધિધનના ન્હાનપણનો ઈતિહાસ, માતુઃશ્રીની વાતો, કારભારી કુટુંબની દંતકથાઓ, અને એવી કંઈ કંઈ બાબતો પુછવા લાગી અને સંજયની પેઠે દયાશંકર તેમની જિજ્ઞાસા રસ અને આનંદ સાથે પુરવા લાગ્યા. વાત કરતાં કરતાં દયાશંકરને બુદ્ધિધનના મંદવાડના દિવસ સાંભરી આવ્યા, એની તીવ્ર પ્રતિજ્ઞા સાંભરી આવી; અને અનાથ વિધવા માતુશ્રી, બાળક સૌભાગ્યદેવી, અને ચિંતાગ્રસ્ત બુદ્ધિધન એ ત્રણના દુઃખના દિવસનું યથાસ્થિતિ વર્ણન વૃદ્ધ પુરાણી સ્મરણશક્તિને જુવાન કરી કરવા લાગ્યા. જુવાન બાળકીયો દયામણે મ્હોંયે તે સાંભળવા લાગી, અને વચ્ચે વચ્ચે ક્‌હેવા લાગી, “અરેરે, આવા દિવસ તો દુશ્મનને યે ન આવશો.” સ્તોત્ર ભણતાં ભણતાં પોતે જોયેલા વખતનો ઇતિહાસ સાંભળી સંભારી સૌભાગ્યદેવી એકલી બેઠી બેઠી ડુસકાં ભરવા લાગી, માતુઃશ્રીની મમતા વધારે વધારે લક્ષમાં આણી ચોધાર આંસુ પાડવા લાગી, અને આખરે સ્તોત્રપાઠ પડતો મુકી આંસુ લ્હોઈ દયાશંકરકાકા પાસે ગઈ અને બધામાં બેસી વૃદ્ધ પુરુષની સ્મરણશક્તિને આશ્રય આપવા લાગી. “દયાશંકરકાકા, આ વખતે માતુઃશ્રી જોઈએ, હોં. હાય હાય, એમના જેવું તે કોઈ થનારું નથી. મને તો એમનું હેત સાંભરી આવે છેકની ત્યારે એકલી બેઠી બેઠી હૈયાફાટ રોઉં છું – દુઃખ જ દીઠું – સુખના દિવસ જોવા વારો તો એમને આવ્યો જ નહીં. એમણે તો અમને ઉછેરવાને જ દેહ ધારી હતી.” ભૂપસિંહના દરબારમાં ભવ્ય ખટપટ મચી રહી હતી અને તેના અમાત્યની ફેરવેલી કુંચીવાળાં વાજાં એકદમ અણધાર્યા ગાજી ઉઠતાં હતાં તે સમયે આ ઘરમાં આવો ચિત્તવેધક પણ શાંત રમણીય પ્રસંગ ચાલતો હતો.

અલકકિશોરી જમાલવાળા બનાવ પછી નિષ્કારણ અટકચાળાં કરવાં ભુલી ગઈ હતી. નવીનચંદ્રવાળા પ્રસંગ પછી ડાહી બની હતી. ભાભીની ચતુરાઈ અને સુશીલતાએ ઓગાળવા માંડેલું ગુમાન માતાપિતાના દુ:ખના દિવસની કથાને પ્રતાપે આજ ચારે પાસથી ગળવા માંડ્યું. દીન અને શાંત થયલા સ્વભાવનો વેલો કુમુદસુંદરી જેવી માળણની ગોઠવણથી વિદુરપ્રસાદની આસપાસ વધારે વધારે અનુકૂળ બની ફરી વળતો હતો.

“બ્હેન, હું તો તમારો ભાઈ થાઉ, હાં!” એ શબ્દ પુરેપુરા કાનપર પડવાથી વનલીલાએ નવીનચંદ્રની શુદ્ધતાની ખાતરી કરી આપી હતી. એટલે કુમુદસુંદરીના હૃદયમાંથી એક મહાકંટક નીકળી ગયો હતો. બેભાનપણામાં બકી જવાયેલાં પદ જાગૃત અવસ્થામાં વનલીલાની શુદ્ધ સ્મરણશક્તિને બળે કુમુદસુંદરીએ સાંભળ્યાં અને નવીનચંદ્રના અંતઃકરણમાં એથી કેટલું દુ:ખ થયું હશે તેનો વિચાર કરી એ પોતાને નિર્દય માનવા લાગી. પરપુરુષ થયલાની બાબતમાં આટલો મોહ થાય એ તો પતિવ્રતાધર્મથી કેવળ વિરુદ્ધ અને પોતાના મનમાં આટલી નિર્બળતા હોવા છતાં નણંદને ઠપકો દેવો એ કેવળ મૂર્ખતા – એમ વિચારી નવીનચંદ્રને જોઈ થતા વિકારો એકદમ ડાબી નાંખવા ઠરાવ કર્યો અને તરત જ તે ઠરાવ પ્રમાણે વર્તવા સમર્થ થઈ પદ્માગણિકાના કમખાથી પડેલી ખબર ઉપરથી મનમાં એમ લાગ્યું કે ‘મનોમન સાક્ષી છે.’ એ નિયમ પ્રમાણે જ બનાવો બને છે અને સરસ્વતીચંદ્ર મ્હારા મનમાં પણ ન હત તો આવા સુશીલ પતિને પદ્માનો જોગ ન હત. આમ વિચારી મનના સ્વામીને મનમાંથી દેશનિકાલ કરવા તત્પર થઈ આ કઠિણ કાર્ય સાધવા સમર્થ થવા પ્રમાદધનના સારા ગુણોનું ચિન્તન કરવા લાગી અને તેના ઉપર અંત:કરણ ચ્હોટાડવા ભારત પ્રયાસ કરવા માંડ્યો. દયાશંકરની વાતોથી કારભારી કુટુંબ ઉપર તેની અનુકંપા વધી અને તે કુટુંબના એક બાળકને પોતે વરી છે એ વિચારથી શ્વશુર કુટુંબનું અને પતિનું અભિમાન પ્રથમ જ ઉત્પન્ન થયું. પોતાનું મન શુદ્ધ થશે તો પતિને પણ શુદ્ધ કરી શકાશે એમાં વાંધો ન લાગવાથી આજ સુધી દીન મનવાળી ર્‌હેનારી ઉત્સાહી બની.

પળ બે પળમાં મધ્યાહ્ન જોવા નિર્મલી આંખોમાં આમ ચારે પાસેથી તેજનો અંબાર પ્રવેશ કરતો હતો અને પોપચાને પણ ભેદી અંદર જવા મથતો હતો, ભાગ્યનો વર્ષાદ ઈશ્વરને ઘેરથી નીકળી ચુક્યો હતો, ઘરબ્હાર ઉભેલા બુદ્ધિધનપર તેના ફોરા પડવા માંડ્યાં હતાં. અને ઘરમાં ર્‌હેલા તેના કુટુંબને તેની ખબર ન હતી તોપણ પડનાર વર્ષાદની મધુર શીતળતા તેમને પણ આમ લાગવા માંડી હતી. समयसेन सर्वमुपकारि कृतम् તે ન્યાયે સંપૂર્ણ થતા ભાગ્યોદયને સર્વ વાત અનુકૂળ થઈ ગઈ અલકકિશોરીનું ચિત્ત પવિત્ર થયું, તેના અભિમાનને ઠેકાણે નમ્રતા આવી, ઉન્મત્તપણાને ઠેકાણે શાણપણ આવ્યું, અને પતિપર ઉદાસીનપણાને ઠેકાણે આદર થયો. કુમુદસુંદરી પાણિગ્રહણ કરનાર ભાવ ચ્હોટાડવામાં સફળ થઈ આ સર્વ શું ભાગ્યોદય નહીં? કારભાર મળે તેના કરતાં આની મહત્તા શું ઓછી? બુદ્ધિધન અને સૌભાગ્યદેવી:– એ દંપતીને જે સુખની પળ – ભાગ્યની પળ – આવવાની તેનાં સાધનોમાં આ બનાવોનો પણ ભાગ હતો. દેખીતા શત્રુસાથે પુત્રીના દુર્ગુણ અને વહુનો અસંતોષ એ બે ગુપ્ત કુળશત્રુ પણ પળવાર નાશ પામ્યા અને અમાત્યના વિજયના ઉપકારક બન્યા.

વાતોમાં દશેક વાગ્યા અને સૂર્યના કિરણનું સૈન્ય વધારે ચળકતું – વધારે ગરમ થતું – ચોકમાં ધસવા લાગ્યું તેમ તેમ સઉને ઉકળાટ લાગવા માંડ્યો. અને જયવંતને તાપ ન સહેવાતાં સઉ તેને માર્ગ આપવા લાગ્યાં. દયાશંકર થાકી ઉઠ્યા અને દીવાનખાનામાં એક આરામખુરશી પર નિદ્રામાં પડ્યા. સૌભાગ્યદેવી એક હીંચકા પર બેસી પતિની ચિંતામાં પડી. કુમુદસુંદરી મેડી પર ચ્હડી. રસોઈઆને અને ચાકરોને આરંભ કરવાનો હુકમ કરી નણંદ પણ ભોજાઈ પાસે ગઈ.

“ભાભી, આજ દરબારમાં શું થશે?”

“સઉ સારાં જ વાનાં થશે – આપણી ચિંતાની કાંઈ ત્યાં અસર નહીં થાય. દસ વાગી ગયા હોં!”

“હાસ્તો, હવે કોઈક આવશે. નવીનચંદ્ર આવે–” નવીનચંદ્રનું નામ લેતાં કુમુદસુંદરીના ગાલ પર શેરડા પડ્યા.

“ભાભી, નવીનચંદ્ર તો કાંઈ આડું અવળું થયું હશે. તો જ આવશે.

“એમ છે કે?ત્યારે તો કાંઈ સારા વર્તમાન હશે.” “નવીનચંદ્ર માણસ સારું છે હોં!” વર્તમાનકાળ જ જોઈ શકનારી કિશોરીના લક્ષમાંથી ભૂતકાળ ખસી ગયો હતો, અને અતિથિ સારો છે એટલું જ તેણે યાદ રાખ્યું જણાયું. બાળકહૃદયવાળી ઉઘાડા અંતઃકરણવાળી હતી, ભોળી હતી, અને જે બાબત સારું આપઘાત કરવા તૈયાર થઈ હતી તે વાત સ્હેજમાં ભુલી ગઈ હતી. નવીનચંદ્રની વાતો કરતાં તેને ૨જ પણ વિકાર થતો ન હતો.

કુમુદસુંદરીએ ઉત્તર ન વાળ્યો.

“ભાભી, આટલા દિવસ થયા પણ એ અંહીયાં કેમ આવ્યા છે ને ઘેરથી કેમ નીકળ્યા છે તેનો કંઈ પત્તો જ લાગતો નથી, એ શું હશે?”

“દેવીને પુછો. તેમની સાથે આપણને લીલાપુર મોકલવાનો વિચાર કર્યો તેને એ બાબતની ખબર નહીં હોય?” વિચારમાં પડી કુમુદસુંદરી બોલી, અને કાંઈ બીજી વાત નીકળે એવું ઈચ્છવા લાગી. સામી પ્રમાદધનની છબી હતી તે જોઈ પાછી શાંત બની. બીજી વાત ક્‌હાડી. “બ્હેન, મને લાગે છે કે સારા સમાચાર જ હશે અને તમારા ભાઈ જ ક્‌હેવા આવશે. પછી તો કોણ જાણે કાંઈ બીજું કામ હોય ને રોકાઈ જાય તો.”

“જો, વરઘેલાં ખરાં! કશું હોય તો મ્હારા ભાઈની વાત.”

“હવે તમે મને ક્‌હો એવું નથી.”

“પણ મ્હારે છેક તમારા જેવું નહીં.”

“બહુ સારું. પણ માણસ વરઘેલું હોય તેમાં કાંઈ ખોટું ખરું?”

“હાસ્તો. આખો દ્હાડો વર વર ને વર. એનું એ. રાંડ ત્હારો રોટલો ને ઘડતાં ભાંગ્યો. એ શું?”

“ક્‌હો ત્યારે – બાયડીને ભાયડા કરતાં કંઈ વધારે છે?”

“હા, એ વાત ખરી. વધારે કશું નથી. પણ આખો દ્હાડો એની એ વાત?”

“પણ પ્હેલાં તો તમે એટલું યે ક્યાં કબુલ કરતાં હતાં જે? નણદોઈની વાત નીકળતાં જ બડાફાં નાંખતાં હતાં.”

“હા બ્હેન, હા. એ તો ભુલ્યાં. પણ હવે એમ કરું છું?”

“ના, ત્યારે હું કાંઈ કહું છું કે તમે એમ કરો છો? ક્‌હો, આ દયાશંકરકાકાની વાતો સાંભળી?”

“હા. એ સાંભળતાં તો રુવાં ઉભાં થાય છે. પિતાજી અને દેવીને યે કેટલાં દુ:ખ પડ્યાં છે?” “રાંડ ખલકનંદાએ માતુ:શ્રીને જોઈ મ્હોં મરડ્યું અને લુચ્ચા દુષ્ટરાયે સંદેશો ક્‌હાવ્યો તે બધું સાંભળ્યું?”

“સાંભળ્યું. આજ જ જાણશે તો કે આમ કરીયે તો આમ થાય!”

“દેવીની એટલી બાબત ઉપરથી આજ સુધી કેટલાં બધાં વરસ સુધી પિતાજીએ એ વાત મનમાં રાખી અને કેટલા કાળ સુધી ફીકર રાખી ત્યારે આજ આ વખત આવ્યો?”

“ભાભી, એમને તો હદ છે હોં! ચિંતા તે કેટલી? પિતાજીનું શરીર એની એ ફીક૨થી વળતું નથી.”

“ક્‌હો, ત્યારે દેવી પિતાજીની બાબત રાતદિવસ વિચાર અને વાતો કર્યા કરે છે તે અણઘટતું છે?”

“નાસ્તો. અણઘટતું કેમ કહેવાય?”

“ત્યારે સ્વામીની બાબત સ્ત્રી કેટલી ચિંતા કરે તો થયું ક્‌હેવાય?”

“થયું કેમ ક્‌હેવાય? આપણે સારું જેને આટલી ફીકર થાય તેને સારું આપણને જે થાય તે ઓછું.”

“હા, હવે બરોબર કહ્યું. ક્‌હો ત્યારે વિદુરપ્રસાદજીની બાબત રાત ને દિવસ તમે ચિંતા કરો કે વાતો કર્યા કરો તો તેમાં શું ખોટું? વરઘેલાં હોય તે તો સારું, હોં. વરઘેલું ન હોય તે ઈશ્વરના ઘરનું અપરાધી.”

અલકકિશોરી શરમાઈ ગઈ. “ઈશ્વરના ઘરનું અપરાધી” એ શબ્દ બોલી કુમુદસુંદરી પોતે પણ મનમાં લેવાઈ ગઈ, પ્રમાદધનની છબી સામું જોઈ રહી; નિશ્વાસ મુકી મનમાં સરસ્વતીચંદ્રને છેલા નમસ્કાર કર્યા, હવે તેના વિચાર પોતે છોડી દીધા છે જાણી ઉંડે સંતોષ પામી, અને સામી છબીના સામું સ્નેહભરી ભીની આંખે જોઈ રહી.

“ભાભી, તમે ક્‌હો છો તે ખરું તો ખરું હોં. તમે મને પેલી ચોપડી આપી છે તે માંયે લલિતાએ કહ્યું છે કેઃ-

“રુડો ભુંડો ત્હો યે પ્રિય પતિ ગણીને મન ઠરું–
“વિચારો આવા છે પણ મન ન માને કશું ખરું–
“અધીરી એવી કે તરત મળવાને મન કરું.”

“આ લીંટિયો તે બોલવામાં અદલબદલ થઈ છે. પણ વાત ખરી. “આવો નઠારો નંદનકુમાર તેને જોઈને લલિતાને ઉમળકો આવ્યો…” “અને બધાંયે હતાં તે વચ્ચે વરના વિચાર કરવા બેઠી,” કુમુદસુંદરી બોલી ઉઠી અને બોલતાં બોલતાં આવી સ્હેજ ભણેલી કલ્પિત લલિતાનો દાખલો પોતાને પણ લેવા લાયક ગણ્યો.

“હા, બાઈ હા, ત્યારે અમે યે હવે વરઘેલાં થઈશું. પછી કંઈ? તમે વરઘેલાં, હું યે વરઘેલી, અને આખો સંસાર વરઘેલો! વરઘેલાંનું ગામ વસશે.”

ગંભીર વાતો કરતાં કરતાં બે જણ કાંઈક હસ્યાં.

બુદ્ધિધનનો ઘરસંસાર આમ શુદ્ધ થતો હતો. અલકકિશોરી કોઈનું કહ્યું માનતી ન હતી તે ભાભીની આવી આવી વાતોથી સુધરતી હતી, અને વિદુરપ્રસાદનાં ભાગ્ય ભળતાં હતાં. એટલામાં વનલીલા આવી. નણંદભોજાઈને એકલાં વાતો કરતાં – વિશ્રમ્ભની કથા કરતાં – જોઈ વનલીલા જરીક ખમચી પણ પછી તરત અંદર પેંઠી.

“આવ, વનલીલા, કેમ અટકી?” અલકકિશોરી એના ભણી જોઈ બોલી. “અત્યારે કયાંથી?”

“હું તો ગામગપાટા ક્‌હેવા આવી છું. રૂપાળી દુષ્ટરાયને મારી નાશી ગઈ અને ખલકનંદા કંઈક સંતાઈ ગઈ છે તે જડતી નથી.”

“હેં!” અલકકિશોરી વિસ્મય પામતી ઉઠી અને વનલીલાને ખભે હાથ મુકી ઉભી. કુમુદસુંદરી ઉઠી નહીં પણ બેજણ ભણી જિજ્ઞાસાથી જોઈ ૨હી. જાણ્યામાં આવેલા સમાચાર વનલીલાએ હાંફતાં હાંફતાં કહી બતાવ્યા.

એટલામાં કૃષ્ણકલિકા અને રાધા આવ્યાં અને દ૨બા૨માં જમાલ નીકળ્યો તે સમાચાર લાવ્યાં, સઉ સૌભાગ્યદેવી પાસે ગયાં અને એની એ કથા પુનરુક્તિથી નીરસ ન બની.

આખરે વિદુરપ્રસાદ આવ્યો અને દરબાર થઈ રહ્યો ત્યાં સુધીના સવિસ્તર સમાચાર લાવ્યો. અલકકિશોરીનો આનંદ માયો નહીં અને તેનું ચાલત તો તે ગજ ગજ કુદત. કુમુદસુંદરી અમાત્ય બુદ્ધિના વર્ણનથી અદ્દભુત રસમાં ડુબી, અમાત્ય કુટુંબમાં પ્રવેશ પામવામાં અભિમાનપ્રદ ગણવા લાગી, અને તેનો જય જોઈ તેના સ્વાર્થમાં આત્મસ્વાર્થવશ બની નિશ્ચિત થઈ સુખસાગરની સીમા ગંભીરતામાં આવતી હોય તેમ સ્વામીના જયવર્તમાન સાંભળી અને તેના શત્રુ એને સર્વતઃ નાશ કરવા ઈશ્વર ઈચ્છાને પ્રવર્તતી જોઈ સૌભાગ્યદેવી ગંભીર બની અને કદી ન વેઠેલા આનંદઓઘના ભાર નીચે ડબાઈ જતી હોય તેવી દેખાવા લાગી. દયાશંકર આવ્યા અને તેની પાસે વળી સર્વે કથાની પુનરુક્તિ થઈ અને સર્વેયે રસભેર સાંભળી. સર્વે દીવાનખાનામાં ગયાં. વધારે વધારે સાંભળતાં વિદુરપ્રસાદ વધારે વધારે વીગત ક્‌હેવા લાગ્યો અને ઘડીવાર સર્વનાં મન તેને શરણ રહ્યાં. એમ શરણ ર્‌હેવાનો અનુભવ અલકકિશોરીને પણ પ્રથમ આજ થયો અને વિદુરપ્રસાદની વાત આજ તેણે પ્રથમ અભિનંદી. વાત કરતાં વેળા વીતી. આખરે ટપાલમાં આવેલો કાગળ વાંચીને ખીસામાં મુકતો મુકતો નવીનચંદ્ર દ્વાર પર દાખલ થયો, અને ચાલતી વાર્તામાં ઉમેરાની આશા રાખતું સર્વ મંડળ એના ભણી આકર્ષાયું. કુમુદસુંદરીનું મન એના ખીસામાં જરીક દેખાતી ટપાલની ટીકીટવાળા કાગળમાં ભમવા લાગ્યું. આજ સુધી કોઈની સાથે નવીનચંદ્રનો પત્રવ્યવહાર તેને જણાયો ન હતો, પત્રવ્યવહાર ઉપરથી તેની બાબત વધારે જણાશે એવો સુંદરીના મનમાં તર્ક હતો, પત્ર ઉપરના અક્ષર-આદિ જાણવા તેની જિજ્ઞાસા હતી, અને આજ એ જિજ્ઞાસા પુરી પડવાનો સંભવ તો નહીં – પણ શકયતા લાગી એટલે પોતાના બળથી પતિવ્રતા બનનારી પાછી ડગમગવા લાગી. બળવાન બાળકી તરત સાવધ બની અને પાછું મન વશ કરી લીધું.

જવાના વિચારમાં પડેલા નવીનચંદ્ર ચાલતી વાતોમાં ભળતાં પ્હેલાં – ભળતાં ભળતાં – કુમુદસુંદરીને પોતાના મનથી છેલ્લીવ્હેલી જોઈ લીધી. એકવાર જોઈ – બીજીવાર જોઈ ત્રીજીવાર જોઈ – જોવાનો પાર જ ન આવ્યો. “કુમુદસુંદરી! હવે આ છેલ્લો મેળાપ!” વિચારમાં ને વિચારમાં તેની વાર્તા અવિચ્છિન્ન ચાલી નહીં, પણ તેપર કોઈનું લક્ષ ખેંચાયું નહીં. દૃષ્ટિ આગળથી પણ જુદાં પાડવાનો પ્રસંગ વિચારી તે ગળગળો થવા લાગ્યો. પદ્માના અભિલાષીના કબજામાં પડેલીને જોઈ તેને અંત:પશ્ચાત્તાપ વધ્યો. એની આંખોનું નવીન નૃત્ય, એના વદનમાં દેખાઈ આવતી મનની દીનતા, અને ટપાલનો કાગળઃ ત્રણને સાંધી કુમુદસુંદરી ચિંતાગ્રસ્ત થવા લાગી; “શું હશે?” તેનો તર્ક કરવા લાગી, તેના દૃષ્ટિપાતને પ્રત્યુત્તર ન વાળવામાં આજ સુધી જયવંત નીવડેલો નિશ્ચય હાથમાં ન ર્‌હેતો લાગ્યો, પણ મનનું સમાધાન કરવા રસ્તો ન સુઝચો. અલકકિશોરીને સાધનભૂત કરવામાં ન ફાવેલી કૃષ્ણકલિકા નવીનચંદ્ર સામું જોઈ રહી, તેની દૃષ્ટિની સાથે સંધાતી કુમુદસુંદરીની દૃષ્ટિને શોધી ક્‌હાડી, અને ઈર્ષ્યાગ્નિથી બળવા લાગી. દુષ્ટ અસંભવ કલ્પી – કુમુદસુંદરીને નવીનચંદ્રથી મળતું સૌભાગ્ય કલ્પી – એ સૌભાગ્યનો અંત આણવા ઠરાવ કર્યો. સમયસૂચકતાથી, દેખાતા દૃષ્ટિસંગમ ભણી અલકકિશોરીનું ધ્યાન ખેંચ્યું. “રાંડ, ખાલ – ખેંચી નાંખીશ – જો એવું એવું બોલી તો” કહી ખભાવતે કૃષ્ણકલિકાને ધક્કો માર્યો અને અલકકિશોરી વાતોમાં લીન થઈ!

એટલામાં બારણે શોરબકોર થયો. સઉ બારી ભણી દોડ્યાં અને જુવે છે તો ખલકનંદા બાવરી બનેલી રસ્તામાં દોડે છે અને લોકો કાંકરાં નાંખતા ગાળો દેતા તેની પાછળ પડેલા દીઠા. શઠરાયનું ઘર જપ્ત થયું તે વખત તે સુતી હતી ત્યાંથી તેને હાંકી ક્‌હાડી. સ્ત્રીવર્ગને અડકવું નહીં એવો અમાત્યનો હુકમ હોવાથી તેને ઘરમાંથી ક્‌હાડી મુકવા ઉપરાંત કાંઈ થયું નહીં. ધણીને ઘેર તેનો સ્વીકાર ન થયો અને એની ખરાબ વર્તણુંક જાણનારાઓ પ્રસંગનો લાભ લઈ તેની પાછળ પડ્યા, શઠરાયની અપકીર્તિના રસીયા લોક ચારેપાસ ભરાયાં, તાળીયો પાડવા લાગ્યા, અને ‘હો, હો,’ કરતા ઉભરાયા. પડતા દુષ્ટ કુટુંબની કોઈને દયા ન આવી. ખલકનંદાને કોઈ પાસનો આશ્રય ન દેખાયો, ભાભીની સાથે ગઈ હત તો ઠીક થાત એમ લાગ્યું, ભયપાશમાં હવે કાંઈ માગે ન સુજ્ગ્યો; અને છાશબાકળા થયેલી, ગાળો અને કાંકરાના વર્ષાદ વચ્ચે આમ તેમ દોડતી ઠોકરો ખાતી પડી જતી ઉઠતી અને રોતી, ફાવ્યું તે રસ્તે જવા લાગી. આમ લોકને દેખે એટલે આમ જાય અને આમ દેખે એટલે આમ જાય. એમ કરતાં કરતાં બુદ્ધિધનનું ઘર આવ્યું. એની આ અવસ્થા જોઈ બારીમાં ઉભેલી કિશોરી બોલી ઉઠી: “દેવી, દેવી, જો રાંડને જમાલે કામમાં ન આવ્યો ને મ્હાવોયે ને આવ્યો.- હત, રાંડ, લેતી જા – રાંડ, ડાકણ, શંખણી–” દેવીયે આંખ ક્‌હાડી અને પુત્રીને વારી નીચે ઉતરી ઓટલા ઉપર આવી. સઉ એની પાછળ આવ્યાં અને બારણું રોકી ઉભાં.

આ સઉને જોઈ ખલકનંદા વધારે ગભરાઈ અને હારી. શીકારી કુતરાઓ પેઠે લોકો ટોળાબંધ તેની પાછળ લાગ્યા હતા તે ચ્હડતી અવસ્થામાં આવેલી પવિત્ર અમાત્ય પત્નીને આનંદની પરિસીમાપર આણવા ઉશ્કેરશે એ વિચાર એકદમ દુષ્ટાના મનમાં આવ્યો. જમાલની બાબત ઉન્મત્ત અલકકિશોરી વેર લીધા વિના ર્‌હેશે નહીં અને એ વેર લેવાનો પ્રસંગ આ અચિન્ત્યો પાસે આવ્યો જાણી શઠરાયની દીકરી ઉંડા અંતર્‌માંથી બળવા લાગી. ભયની જગાડેલી કલ્પનાએ દૂર ગયેલો ભૂતકાળ પાસે ખડો કર્યો અને બુદ્ધિધનની માતુશ્રીને કરેલું અપમાન – એ અનાથ વિધવા દ્વારા સૌભાગ્યદેવીને પોતાને પહોંચાડેલું અસહ્ય અપમાન – એ અને બીજી કાંઈ કાંઈ જુની ભુલી જવાયેલી વાતો મગજમાં એકદમ ઉભરાઈ આવી – અરે, ક્‌હોઈ ગયેલા શબમાં અસંખ્ય જીવડા તરવરે તેમ તરવર તરવર થવા લાગી. બુદ્ધિધનનું ઘર મુકી બીજે રસ્તે નીકળી પડવાં તેણે યત્ન કર્યો પણ ઈશ્વરે એને નિષ્ફળ કરી. દોડતાં થાકી ગયેલીને પાછળથી આવી પ્હોંચેલાં માણસોમાંથી એક જણે ધક્કો માર્યો અને ઓટલા પાસે એ સૌભાગ્યદેવીના પગ આગળ દુષ્ટરાયની બ્હેન ઉંધે માથે પડી. પાછળથી એક માણસ “મારો રાંડને” કરતો આવ્યો અને એના વાંસા ઉપર પગ મુક્યો. દુષ્ટરાયની પાસે ર્‌હેનાર પોલીસનો એક સીપાઈ ઉભો હતો તેણે પણ આ માણસને વાર્યો નહીં. એક પળ વાર વધારે જાત તો ગડદાપાટુનો આરંભ થાત.

ખલકનંદા પડી તેવી જ અલકકિશોરી હાથ ઉંચો કરી બોલી ઉઠી: “મારો રાંડને – એ તો એ જ લાગની.” એમ કહી લોકસંઘ આગળ પડેલીનાં પાછલાં કંઈ કંઈ દુષ્કર્મ સંભારવા લાગી અને જીભ વડે લોકોને ઉશ્કેરવા લાગી. રામસેન સીપાઈ ઘરમાંથી નીકળી બુદ્ધિધનના ઘરની કારભારણ દીકરીના હુકમને અમલ કરવા બહાર આવ્યો. કૃષ્ણકલિકા, વનલીલા, અને રાધા પાસે ઉભાં ઉભાં છાનાંમાનાં તાલ જોતાં હતાં.

વૃદ્ધ દયાશંકર પાછળથી જુવાન કિશોરીને વારતા હતા પણ એ તેમનું બોલવું સાંભળતી પણ ન હતી. વિદુરપ્રસાદ અને નવીનચંદ્ર લોકને દૂર રાખવામાં રોકાયા, પણ તેમનું બળ બસ ન થયું.

આખરે સૌભાગ્યદેવી ભમ્મર ચ્હડાવી બોલી ઉઠી: “અલક, તું હવે આઘી જા. આપણે યે એનાં જેવાં થવું?” વળી લોકો સામું જોઈ બોલીઃ “ચાલો, ચાલો, જાઓ બધા,” “તમારું એણે શું બગાડ્યું છે–” “તમે બાઈ માણસઉપર પગ મુકતાં શરમાતા નથી?” “રામસેન, ખસેડ આમને.”

લોકો જરાક ખસ્યા પણ પુરા છાના ન પડ્યા. ઠેકાણે ઠેકાણેથી ગણગણાટ નીકળવા લાગ્યો. “આ તો અમાત્યનાં ઘરવાળાં”- સૌભાગ્ય – દેવી આ જ!” “મોઈ રાંડ જવા દો એને – દેવી એમ ક્‌હે છે” “અરે મારો – એને તે જવા કેમ દેવાય?” “અલકબ્હેન – બરોબર ક્‌હે છે – એને તો માર જ ઘટે!” “આ પેલાં અલકકિશોરી!” – “આ દેવીની પાસે ઉભાં છે તે પ્રમાદભાઈના વહુ, હોં”– એમ જુદાં જુદાં વાક્ય લોકસંઘમાંથી સંભળાવા લાગ્યાં.

અલકકિશોરી માની સાથે લ્હડવા લાગીઃ “દેવી, આજ ત્હારું કહ્યું નહીં માનું – તું તો એવીને એવી ર્‌હી – તને ખબર છે કે આ રાંડના ઉપર દયા ન ઘટે. પકડ રાંડને – ચોટલે ઝાલીને – રામસેન!”

માદીકરીના હુકમમાંથી કોને માનવો તે રામસેનને સમજાયું નહીં. એની સાથે બુદ્ધિધનના બીજા સીપાઈઓ હતા તેનું વલણ અમાત્યપુત્રીનું વચન માનવાપર હતું. પણ દેવીનું વચન લોપવું એ વાત થઈ શકે એવી ન હતી,

“કુમુદવહુ! આ છોકરી અત્યારે મ્હારું કહ્યું નહીં માને જરા તમે કોઈ સમજાવોને એને:” વહુની સમજાવવાની શક્તિ સમજનારી બોલી – મા દીકરીની કળ જાણી ગઈ હતી.

નણંદના ખભા ઉપર પાછળથી હાથ મુકી ભોજાઈ ઉભી રહી.

“અલકબ્હેન, જવા દ્યોને એને હવે! મરેલાને તે શું મારવાં!”

“તમે યે દેવીના કહ્યામાં હશો!” કાંઈક ધીરો ઉત્તર આપવાનો અવકાશ કિશોરીને મળ્યો.

“હાસ્તો. દેવી કાંઈ ખોટું ક્‌હે છે?”

“પણ સવારે દયાશંકરકાકાની વાતો તમે સાંભળી છે?”

“હા, પણ એમાં તો ખોટું લાગે તો દેવીને લાગે!”

“ના, એને તો ન લાગે. એ તો એવી છે કે એને કોઈ મારી નાંખે તો તેને જ એ ક્‌હેશે કે જીવ!”

“પણ તમારે શું – તમને શી બાબત ખોટું લાગે છે?”

“કેમ ન લાગે! મને જે કર્યું છે તે તો હું ભુલી જાઉં છું લ્યો! પણ એને કરેલું કેમ ભુલી જાઉં? એ તો મ્હારી મા હોં–” અલકકિશોરી ક્‌હેતી ક્‌હેતી અટકી કે “તમારી સાસુ પણ મ્હારી તો મા.” કુમુદસુંદરી એ સમજી પણ ખોટું ન લગાડ્યું અને બોલી.

“હા, તેની હું ના ક્યાં કહું છું જે? ખોટું તો તમને યે લાગે ને મને યે લાગે. પણ, બ્હેન, દેવી ક્‌હે છે તે ઠીક ક્‌હે છે – તે પ્રમાણે કરો. એથી તમારું ધાર્યું થશે. આઘાં આવો. મ્હારું કહ્યું કરો – પછી ખરી વાત સમજાવીશ.” તેલ પડવાથી સમુદ્ર શાંત થાય તેમ ઉન્મત્ત અલકકિશોરી નરમ પડી એને બડબડતી બડબડતી બોલીઃ “વારું, બ્હેન, વારું. રામસેન, ત્યારે દેવી ક્‌હે છે તેમ કર. વારું, પણ, ભાભી, ભુલ કરો છો, હાં! આને રાંડને શી ખબર પડશે કે આમ કરીયે તો આમ થાય?”

ખલકનંદાપર પગ મુકનાર આઘો ખસ્યો. રામસેન અને અમાત્યના બીજા સીપાઈઓ કુલટાની આસપાસ ફરી વળી કોટ રચી ઉભા અને એ ઉઠી ઉભી થઈ

“ક્‌હે દેવી. હવે આનું શું કરવું છે? મને રજા આપો તો પિતાજીને પુછી એને ગરદન મરાવું.” “હા, હા, એને તો એ જ ઘટે – લોકો બુમ પાડી ઉઠ્યા – મરાવો ગરદન એને.”

“અલકકિશોરી, એમ કરો ત્યારે જ ખરાં તમે!” એક જણે આઘેથી બુમ પાડી. બીજા એક જણે આઘેથી એક કાંકરો ફેંક્યો તે બરોબર ખલકનંદાની પીઠ પર વાગ્યો.

“રામસેન, આ લોકો આમ શું કરતા હશે? તું વાર એમને–” દયાર્દ્ર મુખ કરી સૌભાગ્યદેવી બોલી.

“બાઈ તમે અમને પુછો નહીં. એ રાંડે જે જે કામ કર્યો છે તે મ્હોંયે કહેવાય એવાં નથી. એને જે કરતાં શરમ નથી આવી તે અમને ક્‌હેતાં શરમ આવે છે.” “અરે બ્હેન, તમારાં સાસુ નથી, નીકર બધું તમને કહી આપત.” કંઈ કંઈ મર્મો આમ પડવા માંડી. ભાઈની વિષયવાસનાની સાધનભૂત થયેલી બ્હેને કંઈ કંઈ ઘર ફોડ્યાં હતાં, કંઈ કંઈ પુરુષોની મરજી ઉપરાંત તેમની બ્હેનો, દીકરીયો, અને સ્ત્રીયોપર લાલચ, કપટ, જુલમ અને અધિકારની જાળ પાથરી હતી, કંઈ કંઈ ભોળી સ્ત્રીયોને ફસાવી હતી, નિર્દોષને દૂષિત કરી હતી, દૂષિત સ્ત્રીયોની માર્ગદર્શક થઈ હતી. પોતાના સ્વામી શીવાય બીજી કાંઈ બાબતની વાત કરવા સૌભાગ્યદેવી અવકાશ શોધતી ન હતી અને આ અપવિત્ર સંસારમાં એ પોતાના કાનને પણ પવિત્ર રાખી શકી હતી. અર્થાત્ ખલકનંદાની સત્તા એને બીચારીને ખબર ન હતી. પોતાના ઉપર થયેલો જુલમ તો તેના અંતઃકરણે ઘણાક દિવસથી માફ કર્યો હતો.

અધીરી અને ઉકળેલી અલકકિશોરી બોલી: “ક્‌હો ભાભી, દેવી તો બોલતી નથી. તમારે શું કરવું છે?”

“દેવીનું મન તમારાથી સમજાય એમ કયાં નથી?”

“હા, દેવીનું મન તો જાણીયે જ છીયે તો. આ લોકના હાથમાંથી આને છોડવીયે, ઘરબાર વિનાની થઈ છે તેને આપણા ઘરમાં રાખીયે, અને આપણી સાથે જમાડીયે – તો દેવી રાજી – એને સોનાનો સુરજ ઉગે.”

સૌભાગ્યદેવીનું અંતઃકરણ એની પુત્રીએ ખરેખર ખડું કર્યું. આ શબ્દોથી દેવી પ્રસન્નવદન બની: “કુમુદ, ક્‌હો વારું એમ કરીયે તો શું ખોટું થાય?”

કુમુદસુંદરી અલકકિશોરી ભણી ફરીને બોલી: “બ્હેન, માનું કહ્યું કરવું એ દીકરીનું કામ છે.”

“ના, એ હું સમજતી નથી. જુવો, તમે યે વળી એના ભણી ખરાં!” “ના ના, આ તો હું સ્હેજ વાત કહું છું. દેવી, મને લાગે છે કે એમને જુદે ઠેકાણે ચોકીમાં રખાવો ને ત્યાં જ ખાવાનો બંદોબસ્ત કરો. પછી પિતાજી આવશે ત્યારે ઘટતી વ્યવસ્થા કરશે.”

“હા. હવે બરોબરઃ” પિતાને માન આપનાર પુત્રીને આ વાત બાધવિનાની લાગી. પતિવ્રતા દેવીને વહુની સલાહ ઘણી ગમી. લોકને સંતોષ વળ્યો. ખલકનંદા નીચું જોઈ ર્‌હી હતી તેણે ઉંચું ન જોયું. અલકકિશોરીયે હુકમ કર્યો એટલે રામસેન અને બીજા બે સીપાઈઓ વચ્ચે રાખી શઠરાયની દીકરીને થોડેક છેટે એક ખાલી ઘર હતું ત્યાં લઈ ગયા. “હો હો” કરતા લોકો વેરાયા. ખલકનંદાથી જુદાં પડતાં પડતાં અલકકિશોરી એના સામું જોઈ બોલી, “રાંડ ખલકી, ત્હારા અને અમારા કારભારમાં આટલો ફેર! જા! ત્હારું મ્હોં કાળું!” આટલું બોલી, તે કોઈની દરકાર વિના અભિમાનભરી ઘરમાં સઉથી પ્હેલી પેંઠી. એની પાછળ એની સહીયરો પેંઠી. ખલકનંદાને રસોઈ કરી આપવા અને એનું કામ કરવા, તથા પુરુષવર્ગ વચ્ચે એને એકલાં ર્‌હેવું ન પડે તે માટે, પોતાની એક વિશ્વાસુ દાસીને એની પાસે મોકલવા કોમળ સ્વરે વહુને સૂચના કરી, તેનો અમલ થઈ ર્‌હેતાં, સૌભાગ્યદેવી આંસુભરી આંખે સઉની પાછળ બારણાં ભણી વળી અને વળતાં વળતાં કુમુદસુંદરીનો હાથ ઝાલી બોલી: “કુમુદસુંદરી, જોયા વારાફેરા? શો એનો દિવસ હતો અને શો દિવસ આવ્યો છે! પ્રભુ કરે તે ખરું! તમારે તો જન્મે ન હતો તે દિવસની વાત – શી એની જુવાની અને શો એનો તોર હતો! હળવે સળવે સઉ ઘસાઈ ગયું – અને આખર આ વારો આવ્યો – પ્રભુ, તું કરે તે ખરું!”

સાસુના અંતઃકરણ ઉપર આસક્ત થતી કુમુદસુંદરી પ્રસન્ન વિચારમાં પડી સઉથી છેલી ઘરમાં પેઠી. ઘરમાં સર્વે મેડી પર ચ્હડ્યાં હતાં. દાદરપર ચ્હડતાં ચ્હડતાં પગથીયાં પર દોડાદોડમાં નવીનચંદ્રનો કાગળ ખીસામાંથી પડી ગયો હતો તે પ૨ કુમુદસુંદરીની નજર પડી અને ઉચકી લીધો. મેડી ઉપર ચ્હડી તો ખલકનંદાની વાતો થતી અને માદીકરીમાંથી કોનો વિચાર સારો હતો તે વિષય ચર્ચાતો હતો. એટલામાં બારણે પગરવ સંભળાયો અને બારીયે જુવે છે તો કેટલાંક માણસો આવતાં જણાયાં. શઠરાયનો અસ્ત સંપૂર્ણ થયો અને બુદ્ધિધનને કારભાર મળ્યો જ સમજવો જાણી – હવે એની પાસે આવવાની જરુર લાગ્યાથી – અમલદારમંડળ દરબા૨ના સમાચાર સાંભળવા અને નવા કારભારીની સેવામાં ખડું ર્‌હેવા જમી કરી બીજું કામ પડતું મુકી એને ઘેર આવ્યું અને બારણા આગળ ઉભું રહ્યું. અલકકિશોરી ક્‌હે, “આ બધા કેમ અત્યારે અંહીયાં આવતાં હશે?” સઉ કંઈ કંઈ કારણ બતાવવા મંડી ગયાં. અંતે વિદુરપ્રસાદે કહ્યું “એ તો એસ્તો – કારભારીની તહેનાતમાં ર્‌હેવા આવે નહીં તો ક્યાં જાય? હવે – કારભારીનું ઘર બદલાયું!”

વનલીલા બોલીઃ “અલકબ્હેન, હવે ઉઠો અંહીયાંથી; હવે આ દીવાનખાનાની મેડીમાંથી બેસવાનું ગયું – હવે તો અમલદારો બેસશે – હવે તો આ કચેરીની મેડી થઈ ગણો.”

નીચેથી સીપાઈએ બારણું ઉઘાડ્યું અને સઉ સ્ત્રીવર્ગ દીવાનખાનામાંથી બારણું ઉઘાડી નવીનચંદ્રવાળી મેડીમાં ગયો. અમલદારો દાદરપુર ઉભરાયા. સ્ત્રીવર્ગે જતાં તેમની પાછળ દયાશંકરે બારણું વાસ્યું. અને વાસતાં વાસતાં ગાયું કે,

“ભલે પધાર્યં, લક્ષ્મીબાઈ! સગાં સંબંધી આવે ધાઈ!” “કોઈ ક્‌હે, મ્હારે મોળાઈ ભાઈ! કોઈ ક્‌હે, મ્હારે મશીયાઈ ભાઈ!” વિદુરપ્રસાદ તે સાંભળી હસ્યો અને સઉ અમલદારોને સત્કાર દેવા દાદર ભણી ચાલ્યો.

અમલદારસંઘનાં કડકડ થતાં ઈસ્ત્રી-વાળાં અંગરખા, ચમચમ થતા અને પગેથી નીકળતાં જમીન પર ઘસાઈ શબ્દ કરતા અનેક જોડા, ગુપચુપ થતી વાતો, ઘડી ઘડી સંભળાતું બુદ્ધિધનનું નામ, એ નામની પાછળ પ્રત્યય પેઠે લગાડતો “ભાઈ” શબ્દઃ આ સર્વ વસ્તુ માંડવઆગળના ખંડમાં હીંચકા પર બેઠેલી સૌભાગ્યદેવીના શરવા થતા કાનના દ્વાર પર ઉપરાઉપરી ધક્કેલા મારવા લાગી. જડસિંહના સમયમાં સર્વ અમલદારોની પાછળ ભલું હોય તો જોડાઆગળ એકલો અપ્રસિદ્ધ બેસનાર – તિરસ્કારને પાત્ર થનાર – અનાથ વિધવાને ગરીબ દીકરો – બુદ્ધિધન ગરીબ ઘરમાં ર્‌હેનાર માતુશ્રી પાસે શઠરાયને ઘેરથી આવી મ્હોટા અભિમાની ઘરની વાતો રંક મ્હોંયે ક્‌હેતો, અને માતુ:શ્રીની પાસે બેઠી બેઠી છાનીમાની પોતે સાંભળતી તે પ્રસંગ દેવીના મન આગળ ઉભા થયા. તેમની સાથે નવા પ્રસંગને સરખાવતી, જુની અવસ્થાની અવગણના કર્યા વિના નવી અવસ્થાના ધ્વનિને પ્રધાન પત્ની બનતી રંક અબળા આનંદનાં આંસુવડે એકલી બેઠી બેઠી સત્કાર આપવા લાગી. સ્વામીની ઉચ્ચ પદવી દૃષ્ટિ આગળ મૂર્તિમાન થતી જોઈ કોમળ કલ્પનાવાળીનાં રોમેરોમ ઉભા થયાં; અચિંત્ચા સુખની શીતળતાથી શરીરને ચમક થતી હોય તેમ કંપારી ચમકાવવા લાગી; અમલદારોના ઓઠઉપર પોતાના પતિનું જ નામ સાંભળી અમૃતસરોવરમાં ન્હાતી હોય તેમ દેવી આનંદપ્રફુલ્લ બની. આજ ઘેર આવશે ત્યારે કારભારી બનેલા સ્વામીનાથના મ્હોંપર કેટલી મ્હોટપ આવશે – તે કેવા દેખાશે – મ્હારી સાથે તો હતા એવાને એવા જ ર્‌હેશે – એવા એવા વિચારોથી એની સ્નિગ્ધભીની આંખ આતુર બની ઉઘાડા આઘા દ્વારમાં જ ઠરી. મેઘના એકઠા કરેલા મોર પ્રફુલ્લ વૃક્ષ પર બેસી નાચે અને ટીકા કરે તેમ સંપત્તિના વર્ષાદે એકઠા કરેલા અમલદારો જયારે બુદ્ધિધનની મેડીમાં ખુશામત ભરેલા ગપાટા મારતા હતા ત્યારે તેના દુઃખના દિવસમાં ઠેઠ સુધી સહચારિણી થયેલી રંક અવસ્થાની ભાગીયણ પણ એકાંતમાં એકલી પતિના સુખથી અતુલ સુખી બનતી હતી– સૌભાગ્યદેવી પતિના સંપૂર્ણ સૌભાગ્યચંદ્રની ચંદ્રિકામાં રસભેર ન્હાતી હતી.

ઘડી બેઘડી એમ થઈ એટલામાં બુદ્ધિધન દ્વારમાં આવ્યો; શોધમાં ફરતી તેની આંખે દેવીની આંખ શોધી ક્‌હાડી, તેની સાથે તારામૈત્રક રચ્યું, વિકાસ પામી શુભ વર્ત્તમાન સૂચવ્યા, અને એ સંગીતને તાલ દેવા ઓઠ પર સ્મિત ચમકવા લાગ્યું. પાછળ આવનાર પરિવાર સાથે તે ઉપર ચ્હડ્યો અને પ્રફુલ્લ અને પ્રસન્ન બનેલી સૌભાગ્યદેવી ભોજનખંડભણી ચાલી, ત્યાં તેની પુત્રી પાટપર કચેરી ભરી બેઠી હતી. એ કચેરીમાં આજ રોજના કરતાં વધારે સ્ત્રીયો ભરાઈ હતી અને અલકકિશોરીની ધમક, તડાકા, અને દોર કાંઈક જુદાં જ હતાં. એ કચેરીમાં કુમુદસુંદરી ન હતી.

License

સરસ્વતીચંદ્ર - ભાગ - ૧ Copyright © by ગોવર્ધનરામ ત્રિપાઠી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.