પ્રકરણ ૧૬ – 
બુદ્ધિધન અને સૌભાગ્યદેવી

કુમુદસુંદરી નીચે આવી તે પ્હેલાં સર્વ પુરુષવર્ગ જમી મેડીએ ચ્હડ્યો અને પ્રધાનખંડ ઉભરાયો. બુદ્ધિધન હરતો ફરતો તેણી પાસ સર્વની દૃષ્ટિયો જતી અને તે જેની સાથે વાત કરે કે બોલે અથવા જેના સામું જુવે. તે પોતાને ભાગ્યશાળી માનવા લાગ્યા. વિદુરપ્રસાદ પાનનાં બીડાં વ્હેંચવા લાગ્યો. પ્રમાદધન હસતો હસતો હેરાફેરા કરવા લાગ્યો, પોતાના મિત્રોનો સર્વથી અધિક સત્કાર કરવા લાગ્યો, આરામ– આસનપર પડી કંઈ કંઈ હુકમો કરવા લાગ્યો અને કંઈ કંઈ ગપાટા મારવા માંડ્યા. નવીનચંદ્ર કંઈક જવાના વિચારમાં અને કંઈક આ નવા સંસાર જોવામાં પડ્યો હતો અને એક ખુણામાં ગાદી ઉપર પડ્યો પડ્યો સર્વ ચિત્રની છબી મનમાં પાડતો હતો.

અંતે બે વાગ્યા અને સર્વ મંડળ વેરાવા માંડ્યું. થાક્યોપાક્યો અને ભારે જમણ જમેલો બુદ્ધિધન ઘડીક પોતાના ખંડમાં વિરામ પામવા ગયો અને પ્રમાદધન પોતાના ખંડમાં ગયો. નવીનચંદ્ર ગાદી ઉપર નિદ્રાવશ થઈ ગયો.

દરબાર ભરવાનો સમય તે જ દિવસે પાંચને બદલી બીજે દિવસે પ્રાતઃકાળને કર્યો હતો અને સાંઝે તથા રાત્રે માત્ર ખાનગી મંડળ એકાંતમાં સંન્મત્ર કરવા ભરાવાનું હતું. પ્રમાદધન અને તર્કપ્રસાદે – સિદ્ધ સાધકનો સંબંધ દેખાડી – ચારેક વાગે લીલાપુર જવું અને થયેલા વર્તમાનના સમાચાર કહી તથા થનાર ગોઠવણ બાબત સાહેબની અનુમતિ લેઈ પ્રાતઃકાળના દરબાર પ્હેલાં પાછાં આવવું એમ ઠરાવ હતો.

રામભાઉએ તર્કપ્રસાદ સાથે બુદ્ધિધન ઉપર કેટલીક અયોગ્ય માગણીવાળો સંદેશો મોકલ્યો હતો અને તે પ્રમાણે અનુવર્તન નહીં થાય તો સાહેબને ઉંધુંચતું ભરવવાની ધમકી આપી હતી. દરબારનો સમય બદલવાનું કારણ આ નવી ચિંતા હતી. બુદ્ધિધન પોતાના ખંડમાં ગયો તો સૌભાગ્યદેવી ઉભેલી. સર્વે ચિંતા તે ઘડીક ભુલી ગયો. દેવીનો તેણે હાથ ઝાલ્યો અને આજનો દિવસ કેમ ગાળ્યો એ ખબર પુછી. દેવીએ નીચું જોયું – ઉત્તર દીધો નહીં. અમાત્ય બોલ્યો?– “આજનો દિવસ ઉત્સવનો છે અને કાલ પણ ઈશ્વર કરશે તો આજના જેવી જ જશે. દેવી, હું માંદો માંદો! બક્યો હતો તે સાંભરે છે? કાલ પોશાક મળ્યા પછી પ્રથમ મ્હારે દયાશંકર કાકાને પગે લાગવું છે – માતુઃશ્રીને ઠેકાણે કે પિતાને ઠેકાણે હવે એ જ છે.” દેવી ખુશી થઈ.

“લીલાપુરમાં આપણે રહેતાં હતાં અને નિર્ધન હતાં ત્યારે આપણે બારીયે બેઠાં હતાં અને મેડમ સાહેબ મેનામાં બેસી જતાં હતાં તે જોઈ ત્હેં શું કહ્યું હતું તે સાંભરે છે? મ્હેં એક મેનો ત્હારે સારુ છાનોમાનો તૈયાર કરાવી મુક્યો છે. કાલથી ત્હારે રોજ એમાં બેશી પ્રાત:કાળે રાજેશ્વરનાં દર્શન કરી આવવાં. આજનો દિવસ એ એમના જીણોદ્ધારનો પ્રતાપ.”

દેવી આનંદની સરણીપર પગથીયું ચ્હડીઃ– “અલક ક્‌હેતી હતી કે કુમુદસુંદરીએ માળીપાસે મહાદેવના બાગની શોભા અહુણાં અહુણાંમાં બહુ વધરાવી છે.”

“આપણે બીજું ખરચ પણ કરવું છે. કુમુદ સમજે છે ઠીક. એમની અને અલકની ઈચ્છા પ્રમાણે સઉ કરાવવું.”

“હાસ્તો. ભોગ વૈભવ તો બાળકના જ કની!”

આમ દમ્પતી પરસ્પર આનંદ વધારતાં હતાં અને આનંદની પરિસીમા આવવાની હોય તેમ બુદ્ધિધન તેના ભણી સ્નિગ્ધ લોચનભર્યો જોઈ રહ્યો હતો એવામાં દેવીનાં અંગ ઉપરથી જ કળી ગયો કે મ્હારા કુળમાં વૃદ્ધિ થવાનો સંભવ છે – દેવીની લજજા ઉપરથી જ આ વીશે તેની ખાતરી થઈ આટલા મ્હોટાં સુપુત્ર થવા યોગ્ય બાળકોની દૃષ્ટિ આગળ આ ગુપ્તિનો પ્રકાશ અતિશય લજજાકર થશે એ વિચારે દેવીના આનંદમાં રમણીય અમુઝણ ભેળવી. આર્ય પત્નીએ ૨મણીય કારણ ભરી ૨મણીય ઈચ્છા દર્શાવી અને પત્નીવ્રત આર્યે સ્વીકારી કે “હવેથી ઘરને વન ગણી વાનપ્રસ્થ ધર્મ જ પાળવો! ગૃહસ્થાશ્રમ યુવાન બાળકોને જ સોંપી દેવો!” આ ઈચ્છાનો સ્વીકાર થતાં સૌભાગ્યદેવી આનંદના શિખર પર ચ્હડી. અર્થ માત્ર પુરુષાર્થ છે, પણ કામ, ધર્મ અને મોક્ષ સ્ત્રીપુરુષ ઉભયને અર્થે છે. સૌભાગ્યદેવીનો કામાર્થ પુરો થયો – કન્યાવસ્થામાંથી મુગ્ધાવસ્થામાં આવતાં તેના મનમાં રમ્ય ઉલ્લાસ થયો હતો – તેમ આજ યુવાવસ્થાના રમણીય બંધનમાંથી છુટી પશ્ચિમાવસ્થાના પવિત્ર ધર્મબંધનમાં તે હોંસભરી સંક્રાંત થઈ.

મોક્ષને વિચાર નીરાળો કરવો પડે એ કાંઈ તેને ન હતું. પતિ એ જ મોક્ષ; આ અવતારમાં, આવતા અવતારમાં; પ્રત્યક્ષ જગતમાં; પરોક્ષ સ્વર્ગમાં; ‘ક્યાં’ તે વિચારની અગત્ય શી? – સર્વત્ર ધર્માર્થ કામમોક્ષમાં પતિ પ્રવાસ કરે ત્યાં છાયા પેઠે પત્ની જાય. તેના ફળભોગમાં પોતાનો ભાગ ખરો જ! પતિયે ધર્મપત્નીની ઈચ્છાથી કામ તજ્યો – ધર્મ સ્વીકાર્યો. હવે બીજું શું જોઈએ? જયાં પતિ ત્યાં મોક્ષ! સ્વર્ગમાં પણ પતિ ન હોય તો એ સ્વર્ગ શા કામનું? આર્યાઓ ગાય છે,

“વ્રજ વ્હાલું રે! વૈકુંઠ નથી જાવું!
“ત્યાં મુજ નન્દકુંવર ક્યાંથી લાવું–? વ્રજ.”

ભરતખંડની પવિત્ર આર્યા! આ ત્હારી અભિજાત વૃત્તિ! એ સૌભાગ્યદેવીમાં દેખાઈ ભરતખંડના અભણ વર્ગને ઉચ્ચ વિચારો પાસે પ્હોંચાડનાર – સદાચાર વચ્ચે રાખનાર – ભણેલાની વિદ્યા જાળવનાર – પેલા ગાંડા – ઘેલા જેવા દેખાતા, મૂર્ખ સુધરેલાના હાસ્યાસ્પદ, કાળબળે અવગણના પામેલા, દ્રવ્યહીન, દિશાહીન, દમ્ભહીન, અંતસ્તેજસ્વી શાસ્ત્રીપુરાણીયોની હજારો, વર્ષથી નિર્મળ નદીયો પેઠે વહેતી આવતી કથાઓના રસમાં ચંચૂપાત થવાથી સૌભાગ્યદેવી ધર્મસંસ્કારી થઈ હતી પતિ કારભારી થયો લાગ્યો અને તે જ ક્ષણે માગતામાં જ પોતાની ધર્મેચ્છાં આમ તૃપ્ત થઈ! હવે તે પતિની કેવળ ધર્મપત્ની જ બની; સંબંધ અશરીર થઈ ગયો, – પવિત્ર દેવીને આજ સૌભાગ્યની સીમા આવી લાગી: “આ જ ક્ષણે પતિમુખ જોતી જોતી આનંદમય ૨હી ધર્મમય રહી મૃત્યુ પામું તો હું કેવી સૌભાગ્યવતી? સ્વર્ગમાંથી પણ પતિને જ દિવ્ય ચક્ષુથી જોયાં કરું!” આ વિચાર ક્ષણ વાર તેના મનમાં સળગી રહ્યો. અને પ્રફુલ્લ વદનવાળી પતિના પવિત્ર ચરણ સામું તેના હાથમાં હજી પોતાને હાથ રાખી – ક્વચિત્ પોતાનાં આંગળાં થાબડી – નમસ્કાર વર્ષાવતી દૃષ્ટિવડે જોઈ ૨હી!

પતિચરણ જોતી દૃષ્ટિ અંતમાં વળી. નદીમાં શાંત રજનિને સમયે અંધકારને ડોલાવતા સપરિવાર ચંદ્રમાનું પ્રતિબિમ્બ પડી રહે તેમ પત્નીના હૃદયમાં સુવર્ણપુરનું રાજ્ય ડોલાવતા પતિની મુદ્રા પડી રહી. હવે નવું વરદાન આપ્યા પછી માત્ર મનનો જ સંબંધી પતિ, રાજ્યતંત્રરૂપ સમુદ્રનું મન્થન કરતો હોય અને પોતે તો બ્હાર તટસ્થ ઉભી ઉભી માત્ર જોતી હોય એમ લાગ્યું. કાળા તરંગોથી છલકાતી રાજય – કાલિન્દીમાંનો શઠરાય – વાસુકીની ફણા વચ્ચે કૃષ્ણપેઠે બુદ્ધિધન ઉભો હોય, બળ અજમાવી રહ્યો હોય, અને પોતે તો માત્ર તટ પરથી જોનારી ગોપી હોય તેમ, જોટવાંવાળો જમણા પગનો અંગુઠો ધરતીઉપર ઉંચોનીચો કરતી અને જોટવું ખખડાવતી સૌભાગ્યદેવી પતિના હાથની અને પગની આંગળિયો ગણતી કંઈક સંભળાય એમ ગણગણતી મનમાં ગાવા લાગીઃ ઘણા વર્ષ સુધી સખીપેઠે વસેલી યૌવનક્રીડાઓ વિદાય થતી હતી તેની પુઠ જોઈ સ્નેહ–બંધનને, બળે રોતી હોય અને તે છતાં નવા પ્રસંગનો, આનંદથી સત્કાર કરતી હોય તેમ મૃગનયનીની વિશાળ આંખોમાંથી હર્ષશોકનાં આંસુ મોતીથી સેરો પેઠે ટપકવા લાગ્યાં. આંસુ આવે છે તેનું ભાન તો તેને હતું નહીં. માત્ર ઉંડા હૃદયમાં ઉંડી પતિની મુદ્રા હતી તેમાં સમાધિસ્થ થઈ, તે શુન્ય નયનથી પતિચરણ ન્યાળતી, ભાનવિના ઝીણે સ્વરે પોતે જ સાંભળે – પતિ જ સાંભળે – એમ ગાઈ રહી: પોતે ગાય છે એ પણ ભાન ન રહ્યું.

“મેરી ગઈ રે મથનિયાં, મેરી ગઈ રે મથનિયાં, દધિ કેસેં વલોવું? (ધ્રુવ.)
“પાનિ ડોલત! પવન ડોલત! ડોલત સબ દુનીયાં!
“શેષ ઉપર ભુબન ડોલત! નાગકે નથનિયાં! મેરી ૧

“ઝલક ઝલક આવત મહિ, આવત ઉભનિયાં,
“ડસક ડસક આંસુ આવત: ચોર ગોવર્ધનિયાં! મેરી ૨

“પાનિમેં મુખ દેખ દેખ કરત હું રુદનિયાં,
“ચંદ્રમાકુ ભોર ભયો! નંદકે નંદનિયાં! મેરી ૩

… … … … … … … … …

“કહત હેં કબીરદાસ, સુનો મેરે મુનિયાં,
“નંદઘેર આનંદ ભયો–ગાવત સબ દુનિયાં! મેરી ૪

“– મેરી તો ગઈરે મથનિયાં– મેરી ૫

સ્ત્રીએ બન્દિજનનું કામ કર્યું તે હૃદયવડે સાંભળતો પતિ આનંદ– યોગમાં લીન થયો – વિશુદ્ધ સ્નેહ – શિખર પામ્યો – પળવાર જીવનમુક્ત જ થયો!

License

સરસ્વતીચંદ્ર - ભાગ - ૧ Copyright © by ગોવર્ધનરામ ત્રિપાઠી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.