એક નાના શા ઓરડામાં અમે ખીચોખીચ બેઠા હતા. ઘોંઘાટ ભારે હતો. થોડો વખત તો મારા કાન એ ઘોંઘાટથી ત્રાસી ઊઠ્યા. મને શોપેનહાવરની પેલી સંસ્કારી માણસની વ્યાખ્યા યાદ આવી : જે થોડા સરખા અવાજને પણ નહીં સહી શકે તે સંસ્કારી, જે ગમે તેવા ઘોંઘાટથી પણ ન અકળાય તે અસંસ્કારી. શોપેનહાવરની આ વ્યાખ્યાની મદદથી મારી સંસ્કારિતા સ્થાપવાના આનન્દે થોડી વાર સુધી ઘોંઘાટને ભુલાવી દીધો; પણ તે થોડી વાર જ! ત્યાં મને એક વિચિત્ર અનુભવ થયો. આ ઘોંઘાટની ભીંસ વચ્ચેથી સાંકડો રસ્તો શોધી કાઢીને છટકી જવા મથતી શાન્તિનું ચિત્ર મારી આગળ તાદૃશ ખડું થઈ ગયું. દર્શનાર્થીઓની ભીડ વચ્ચેથી કોઈનો પોતાને સ્પર્શ ન થાય એ રીતે રસ્તો કાઢતી એ કુલવધૂ ન હોય જાણે! હું ઘોંઘાટને ભૂલીને શાન્તિના આ રૂપને જોઈ રહ્યો, ને મને યાદ આવ્યું કે કોઈ વાર કાવ્યમાં પણ આવો અનુભવ થાય છે. ઝડઝમક પ્રાસાનુપ્રાસ રણત્ઝણત્કારનો ભારે ઘોંઘાટ મચ્યો હોય, આપણું મન એ બધાંમાંથી દૂર છૂટી જવા તરફડતું હોય, ત્યાં એકાએક પંક્તિ પંક્તિની વચ્ચેના, શબ્દ શબ્દની વચ્ચેના કવિએ રાખેલા અવકાશ તરફ આપણી નજર પડે, અને એકાએક આપણને જાણે નવો સાક્ષાત્કાર થાય કે અરે, કવિની કવિતા તો પેલા શબ્દોમાં નથી, પેલી પંક્તિઓમાં નથી, પણ એણે આ બધાંની વચ્ચે રાખેલા મુક્ત અવકાશમાં છે. તારાખચિત આકાશ સુન્દર લાગે છે, પૂણિર્માના આકાશથીય સુન્દર, એનું કારણ કદાચ એ હશે કે તારાઓની વચ્ચેનો અન્ધકાર પણ આપણી દૃશ્યસામગ્રીમાં ઓતપ્રોત થઈને ભળી ગયો હોય છે. પૂણિર્માની રાત અન્ધકારનો એવો ઉપયોગ કદાચ કરી શકતી નથી, એનું નિગરણ કરે છે, ને તેથી અન્ધકાર લેખે લાગતો નથી. જે કવિતામાં શબ્દની સાથે શબ્દનો અભાવ પણ કવિએ લેખે લગાડ્યો હોય તેનો સ્વાદ કંઈ ઓર જ હોય! ફ્રેન્ચ કવિ માલાર્મેને આવો અવકાશ કાવ્યમાં ઇષ્ટ હતો. શબ્દોના સંઘટનને કારણે જે સ્ફોટ થાય તેને પરિણામે કાવ્યમાં આવો અવકાશ અવતરવો જોઈએ. એ અવકાશની વ્યંજકતાની માત્રાને કોઈ પહોંચી શકે નહીં. રવીન્દ્રનાથે પણ, કદાચ આથી જ, અવકાશરસને રસોનો ચક્રવર્તી ગણ્યો છે ને કવિને અવકાશરસનો રસિયો કહીને ઓળખાવ્યો છે. સ્પેનનો કવિ યિમેનેઝ પણ કવિને ગ્રેટ ફ્રેન્ડ ઓફ સ્પેસ કહીને ઓળખાવે છે તે સૂચક છે. શબ્દે શબ્દે આપણે પવનનો નવો ઘાટ ઘડીએ છીએ, ને એની સાથે સાથે અવકાશનાં પરિમાણો પણ બદલાતાં રહે છે. ઓચિંતા દર્દને કારણે નીકળી જતો પ્રલમ્બ નિ:શ્વાસ એ દર્દની દૂરપ્રસારિતા ને ઉત્કટતા એના અવકાશમાં થતા વિસ્તારથી સૂચવે છે. કાવ્ય શ્રાવ્ય છે તે આ અર્થમાં. સૌ પ્રથમ એને અવકાશના પરિમાણમાં થયેલાં રૂપાન્તરોની દૃષ્ટિએ જોઈ લેવું જોઈએ. એ વગર કાવ્યનો લય પકડાય નહીં. કાવ્યનું ફલક મોટું હોવું જોઈએ, એના વિષયો ઉદાત્ત હોવા જોઈએ, એમ કેટલાક કહે છે. કવિ આપણા અવકાશ જોડે શું કરે છે તે પણ એને મૂલવવાની એક કસોટી કેમ ન બની રહે વારુ!
આ વાત મને બીજી રીતેય સાચી લાગે છે. જેને હોવાની, અસ્તિત્વનો થાંભલો દાટી રાખવાની, જડ ટેવ પડી ગઈ છે તે મરણને આશ્રય આપે છે. જે લોકો તાળો મેળવી શકાય એવી વાસ્તવિકતા અને પ્રતીતિકરતાનો આગ્રહ રાખે છે તેઓ આવી સ્થિતિને મોટો ગુણ લેખે છે. પણ અલંકારનું સ્વરૂપ વિચારીશું તો એમ લાગશે કે પ્રસ્તુતનો અપ્રસ્તુતને હાથે થતો સંહાર, અને એ સંહારની ક્રિયાને અન્તે રહેતો શુદ્ધ અવકાશ જ આપણા આસ્વાદનો સાચો વિષય છે. માટે તો મમ્મટ ‘વિગલન’ શબ્દ વાપરી ગયો. પ્રસ્તુત અને અપ્રસ્તુત આવું રમ્ય કાવતરું રચીને આપણને સદી ગયેલી વાસ્તવિકતાનો આમ છેદ ઉડાવે નહીં ત્યાં સુધી સ્વાદ લેવા જેવું ટેવજડ માણસોને શું મળવાનું હતું? કળાની કૃત્રિમતા કે કળાની ભ્રાન્તિ તે વાસ્તવિકતાના આવા સંહારમાં રહેલી છે. બ્રહ્મા સરજે, હોવાની સ્થિતિમાં મૂકી આપે; વિષ્ણુ પોષે, થાંભલો દૃઢ કરે ને શિવ અથવા મૃત્યુંજય આવીને સંહાર કરે ત્યારે આપણે મૃત્યુના પાશમાંથી છૂટીએ. સર્જનની પ્રક્રિયામાં પણ આવો પ્રલય આનન્દની પૂર્વાવસ્થારૂપે અનિવાર્ય છે. દરેક સર્જકને આવું શિવકૃત્ય કરતાં આવડવું જોઈએ. ઇતિ શિવમ્!
કિંચિત્ : 1960