વન્ય અન્ધકાર

દિવેલના કોડિયાએ કોતરી કાઢેલા તેજવર્તુળમાં બેસીને બાળપણમાં જોયેલો ચારે તરફનો, વાઘની ત્રાડના બખિયા ભરેલો, વન્ય અન્ધકાર કોઈક વાર અતિથિની જેમ આંગણે આવી ચઢે છે. મારા સિવાયના મારા ઘરમાંના બીજા કોઈ જોડે એને પરિચય નથી. આથી એ ઉંબર પર સહેજ ખંચકાઈને ઊભો રહે છે. એને ખભે ઝૂલતી થેલીમાં ઘુવડનો ઘૂક્ઘૂક્ અવાજ છે, પિલાજીરાવ ગાયકવાડના મહેલના ખંડિયેરમાં અમે બાળપણમાં પાડેલા થોડા પડઘા છે, દાદાનું મૌન છે, બાળપણમાં ઘૂંટેલી બારાખડીનો, વ્યાકરણથી અસ્પૃષ્ટ, અકબંધ ઢગલો છે. એની થેલીમાં મૂકવા જેવું મારી પાસે કશું નથી. દાદાના મૌન કરતાં ભારે મૌન મારી પાસે છે, પણ એની જીર્ણ થેલીમાં એ લાદવાનું મન થતું નથી. બાળપણની પેલી વ્યાકરણથી અસ્પૃષ્ટ બારાખડી પર પછી તો મેં કેટલો અત્યાચાર ગુજાર્યો છે. એની જટાજાળ પણ એ જીર્ણ થેલીમાં સમાય એવી નથી. સમય પોતે જ ખંડિયેર જેવો બની ગયો છે, પણ એના પોલાણમાંથી પડઘા ઊઠતા નથી. ઘુવડના અવાજથી વધારે બિહામણા અવાજો મનુષ્યની સૃષ્ટિ વચ્ચે અહીં રોજ સાંભળતો રહું છું. એનો ભાર હું વહું તે જ ઠીક. બાળપણનું મારું હુલામણું નામ દઈને બોલાવનાર હવે થોડા જ રહ્યા છે. એ કાટ ખાઈ જતા નામ સિવાય આ અન્ધકારને આપવા જેવું મારી પાસે કશું નથી. એ આપીને જ હું એને વદાય કરું છું. દૂર સાતકાશીના જંગલમાંનાં વાંસનાં ઝુંડમાં, પીળા પટેદાર વાઘની ત્રાડ સાથે ભળી જઈને, તાપીનાં જળમાં ધોવાઈને એ નામ ક્યાંક તળિયે બેસી જશે ને ત્યારે એનો મોક્ષ થશે.

*

License

જનાન્તિકે Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.