ગ્રીષ્મની બપોર

ગ્રીષ્મની બપોર. માર્ગો નિર્જન છે. સૂર્યના હજાર હાથના આશીર્વાદ મસ્તકે ઝીલવાની કોઈની મગદૂર નથી. સમય પણ જાણે પોતાની પગલી ભૂંસીને ક્યાંક સરી ગયો છે. એવામાં ક્યાંકથી, કોઈક ઘૂઘવે છે. ગ્રીષ્મની આ નિસ્તબ્ધ બપોરના ઉજ્જ્વલ રહસ્યને એણે જાણે એના કણ્ઠમાં સારવી લીધું છે. ચોમાસામાં દેડકાંનો એકધારો અવાજ એવી જ રીતે વર્ષાના હાર્દને પ્રકટ કરે છે. વિદ્યાપતિએ તેથી જ તો એનાં પદમાં દેડકાંને અમર કરી દીધાં છે. પાસ્તરનાકની નવલકથા ‘ડોક્ટર ઝિવાગો’ વાંચો તો તેમાં રશિયા એના સમસ્ત પ્રાકૃતિક વ્યક્તિત્વ સહિત આપણી આગળ ખડું થાય છે. પણ નગર અને અરણ્ય વચ્ચેનું અંતર વધતું જાય છે, આથી નાગરિકનું અને આરણ્યકનું જીવન પણ જુદું બનતું જાય છે. આની અસર સાહિત્ય પર પણ થવાની જ. નગરસંસ્કૃતિની વન્ધ્યતા ‘ધ વેસ્ટલૅન્ડ’માં એલિયટે આલેખી; એનું બીજું રૂપ ડો. વિલિયમ્સે ‘પૅટર્સન’માં આલેખ્યું. પણ અરણ્યના પર્ણમર્મરનો પેલો આદિ લય હજુ આપણી નાડીમાં છે. નગરમાં પણ મનુષ્યે અરણ્ય સરજ્યાં છે. એની આંધળી વાસનાનો વ્યાકુળ ઉચ્છ્વાસ, એનાં જીવનને માટેનાં વલખાં અને કારમી બુભુક્ષા – આ બધાંની પણ એક જટિલતા છે. આ જટિલતાનું સમગ્ર દર્શન હજુ આપણી કવિતાએ તો આપવાનું છે. એ જે જટિલતાની વાત કરે છે તે તો બીબાઢાળ, જેની વાત કરવી ફાવે એવી, જટિલતા છે. એની વાત કરતાં ભાષાને પોતાનું આખું કલેવર બદલવું પડ્યું હોય, એમ કરતાં જે મુશ્કેલી નડી હોય તેનો ખ્યાલ આ કવિતા વાંચતાં આવતો નથી. આપણી નવલકથા પણ આ જટિલતાના મર્મ સુધી પહોંચી શકે એવી કૌવતવાળી બની નથી. અત્યારે તો ‘ઈંધણ ઓછાં પડ્યાં’ હોય એવું લાગે છે. આનું એક કારણ કદાચ એ છે કે આપણા સર્જકમાં પૂરતી માત્રામાં અલગારી સ્વભાવ નથી. એ વધારે પડતી દોડધામમાં મચ્યો રહે છે. ગ્રીષ્મની નિસ્તબ્ધ બપોરના નિર્જન એકાન્તમાં પેલો હોલો જે અલગારીપણું ભોગવે છે તે હજુ એને સિદ્ધ થયું નથી. એની પાસે બૌદ્ધિક સિદ્ધાન્તો (મોટા ભાગના ઉછીના લીધેલા) છે, પોતાની રચનાને આધુનિક કે અત્યાધુનિક ઠરાવવાને માટેની તદબીર છે, પણ એ બધા ઘોંઘાટથી પર રહીને, કશી ઘોડદોડમાં ઊતર્યા વિના આજુબાજુના વિરાટ જીવનને સ્થિર દૃષ્ટિએ જોઈને એનો અર્ક સારવી લેવાની હામ કે ધીરજ કદાચ એનામાં નથી. આ મૂળ મુદ્દાની વસ્તુની ખોટ ફેશનપરસ્તી કે નવીનતાના જાદુથી પૂરી નહીં શકાય. જીવન સંકુલ છે – આજે જ એ સંકુલ બન્યું છે એમ નથી. વાલ્મીકિનેય એ એના જમાનામાં એટલું જ સંકુલ લાગ્યું હશે. પણ સંકુલને પ્રાંજલ બાનીમાં નિરૂપી શકાય. સંકુલ અને પ્રાંજલનો આ વિરલ યોગ પણ હજુ આપણી કવિતાએ સાધવાનો છે. ઊંડી મીમાંસા કે સમીક્ષા ખમી શકે એવી સમૃદ્ધિ હજુ આપણી કવિતા પાસે નથી. તમે બેત્રણ વાતમાં એની બધી પ્રવૃત્તિને સમેટી લઈ શકો છો. આજકાલ લોકબોલીના લયની બોલબાલા છે, પદ્યકલ્પ ગદ્યની શોધ ચાલી રહી છે, પણ આ કેવળ એક પ્રતિક્રિયારૂપે છે કે પછી ઊંડે ઊંડે વરતાવા માંડેલી કોઈ મૂળભૂત આવશ્યકતાનો અણસાર છે તે વિચારવાનું રહે છે. આપણા ત્રીસીના કવિઓ અને તેમની પછીની પેઢીના કવિઓની કાવ્યબાનીનો ઢાંચો તપાસવા જેવો છે. એનો અમુક લઘુતમ દૃઢભાજક બહુ સહેલાઈથી નીકળી શકે. કાવ્યબાની પર કવિના વ્યક્તિત્વની મુદ્રા હજુ અંકિત થયેલી દેખાતી નથી. કેટલીક વાર એમાંથી સંસ્કૃત કવિતાનું અનુરણન સંભળાય છે તો કેટલીક વાર પોતાના સમકાલીનોના પડઘા પણ ઊઠતા હોય છે. કવિતાનો જે નૈસગિર્ક ઉચ્છ્વાસ તે હજુ ક્યાંય આપણને સ્પર્શીને રોમાંચિત કરી જતો હોય એવું લાગતું નથી. ઘણું ઘણું બહાર રહી જાય છે – કવિતાની એક પંક્તિની સાથે આપણા હૃદયમાં કાંઈ કેટલું બધું ચાલ્યું આવે, એથી આપણે મૂંઝાઈ મરીએ. આવું બૅફલમૅન્ટ આપણી કવિતા કરાવતી નથી. એ સહેજમાં તો હતી ન હતી થઈ જાય છે, આ બધાંનાં કારણોની શોધ આપણા વિવેચને કરવાની છે. વિવેચન, દુર્ભાગ્યે, કેટલીક અપ્રસ્તુત વિગતોમાં અટવાયા કરે છે. કવિને શ્રદ્ધા છે કે નહીં તે શા માટે આપણી ચિન્તાનો વિષય બને? શ્રદ્ધામાં અશ્રદ્ધા એ પણ મૂલ્યબોધની અનિવાર્ય ભૂમિકા નથી? નહીં તો આપણાં મૂલ્યોને આમળો કોણ ચઢાવે? એને ટકાઉ કોણ બનાવે? શ્રદ્ધાનું રટણ કરીને માથું ધુણાવનારામાં એક પ્રકારની કાપુરુષતા રહેલી છે, જે સાહિત્યને કોઈ કાળેય ન પરવડે. સમકાલીનોનો નિર્ણય કાંઈ સાચો જ હોય ને આખરી જ નીવડે એવું તો નથી, નિર્માણની પળે પોતાના નિ:શેષનો કબજો જો કૃતિએ લઈ લીધો હોય તો બસ, એમાં દિલચોરી ન પરવડે, વિષ્ણુપ્રસાદ કે ઉમાશંકરની દૃષ્ટિએ એ કેવી દેખાશે એય વિચારવાનું ન હોય. એ લોકોય જો બધી શક્યતાઓ તરફ દૃષ્ટિ રાખીને નહીં ચાલે; અનુદાર, કૃપણ કે અસહિષ્ણુ બને તો કવિતાને ટૂંપી નાંખવા જેવું જ કરે. ‘કુમાર’નું પહેલું પાનું કે ‘સંસ્કૃતિ’નું ફલાણું પાનું કવિતાના બાલ્યકાળનું ક્રીડાંગણ કે ઘૂંટણિયાં કરવાનું સ્થળ ભલે બને, કવિતાનું આખું જીવન જો એટલી જ મર્યાદામાં જીવવાનું હોય તો જુલમ થઈ પડે. આપણાં સામયિકોની પણ પરીક્ષા ભવિષ્યનું વિવેચન કરશે. એમણે કઈ કસોટીએ કવિતાને ચઢાવી? કવિ લોકવ્યવહારની ભાષાની બને તેટલો નિકટ જાય, રોજિંદી વાતચીતનો લહેકો, લય – બધું પકડી લાવે, પરમ્પરાથી પણ અળગો ન બને ને તેમ છતાં એ જે અનુભૂતિનું નિરૂપણ કરતો હોય, એ અનુભૂતિને જોવાની એની જે દૃષ્ટિ હોય તે સહજગમ્ય ન પણ બને. એનો વાચ્યાર્થ આપણા ગામના રામા પટેલને પણ સમજાય, પણ એનો વ્યંગ્યાર્થ એટલો તો સમૃદ્ધ હોય કે જમાના સુધી એની શોધખોળ કરતાં આપણે થાકીએ નહીં. વળી એકીસાથે અનેક સ્તર પર વિહરતી કવિતા આભાસી સરળતા ધારણ કરે છતાં એની ભૂમિ પર પગ મૂકતાં જ એ કેટલી દુર્ગમ છે તે તરત વરતાઈ જાય. એક કાળે કવિતાની સરળતા એ જ એની દરિદ્રતા એમ મનાતું હતું. પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચેનો સમ્બન્ધ આકસ્મિક અને ચમત્કારી હોય, સામ્ય અને વિરોધની ગૂંથણીનો કસબ અટપટો હોય, કવિની અંગત સૃષ્ટિના અગોચરના અન્ધકારનો એમાં સ્પર્શ હોય, ભાવસ્થિતિનાં ચટુલ આવર્તનો હોય તો જ કવિતા કંઈક ઊંચી કોટિની છે એવું એક મૂલ્ય સ્થપાયું હતું. હવે વળી પરિસ્થિતિ બદલાઈ છે. ગાંધીજીએ કહ્યું હતું માટે આપણે લોકબોલી તરફ વળ્યા નથી. એનું કારણ જુદું છે. સાહિત્યિક ભાષા જીર્ણ ને રેઢિયાળ થઈ લાગે, એ જીવતી ભાષામાંથી પોષણ મેળવતી અટકી ગઈ લાગે ત્યારે વળી સ્તન્યપાન માટે એ માતા તરફ વળે. આવું વલણ આજે ફરી દેખાય છે. અંગ્રેજી કવિતાની ગતિવિધિથી જે પરિચિત છે તેને ત્યાં પણ આ વલણ સ્પષ્ટ થતું જાય છે તેની ખબર હશે જ. ડોનાલ્ડ ડેવીએ રજૂ કરેલી કાવ્યવિભાવના આ સન્દર્ભમાં જોઈ જવા જેવી છે. હવે કાવ્ય પ્રહેલિકાનું રૂપ ધારણ કરે તે સ્વીકાર્ય લાગતું નથી. કંઈક સુસંગત, ગદ્યના સીમાડા સુધી કશી ઈજા કર્યા વિના ખેંચી આણી શકાય એવું, કાવ્યનું હાર્દ હવે અપેક્ષિત છે. આ કારણે લાકિર્ન કે બેટ્જેમૅન નવા વલણના પ્રતિનિધિરૂપ કવિ ગણાતા થયા છે. જીવનના તથ્યનું કાવ્યના સત્યમાં રૂપાન્તર કેવી રીતે સિદ્ધ થતું આવે છે, એની પ્રક્રિયા – એની સમસ્ત અવાન્તર સ્થિતિઓ સહિત – તપાસવાનું હજુ આપણા વિવેચને માથે લીધું જ નથી. ફલાણા કવિમાં જીવન પ્રત્યેની ભદ્ર દૃષ્ટિ છે, ફલાણો નિરાશાની વાત કર્યા પછી અન્તે તો ભાવિમાં શ્રદ્ધા પ્રગટ કરે છે – આવી આવી વાતો આપણે દોહરાવ્યા કરીએ છીએ. કૃતિના શબ્દે શબ્દની તપાસ, પરિશ્રમપૂર્વકની તપાસ, થવી જોઈએ. ‘આસ્વાદ’ કે ‘પરિશીલન’ને નામે સ્વૈરવિહાર કરવાનું સરળ પડે, કવિતાને બાજુએ મૂકીને યથેચ્છ મનોભૂમિની સહેલગાહે જવાનું વધુ ફાવે, પણ એથી કાવ્યને લાભ ન થાય.

કિંચિત્ : 1960

*

License

જનાન્તિકે Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.