ઘણી વાર આ અસ્થિપંજિરની અંદર પુરાઈને બેઠેલું કોઈ ક્યાંકથી કશોક અણસાર પામીને નાસી છૂટવા બધું હચમચાવી નાંખે છે. કશું અકબંધ રહેતું નથી, બધું આઘુંપાછું થઈ જાય છે; કેટલુંક તો એવું ક્યાંક તળિયે દબાઈ જાય છે કે ઘણી શોધાશોધ કરતાંય હાથ નથી આવતું. મારી આ સ્થિતિ ખુલ્લી પડી જતાં પરિચિતો આશ્ચર્યથી પૂછે છે : ‘કેમ, આજકાલ આ શું માંડ્યું છે?’ અંદર પુરાઈને રહેલાના ઉધામા ને ઊના નિસાસા મનની આબોહવાને બદલી નાંખે છે. ક્યાંય કરાર વળતો નથી. કશી જવાબદારી ઉપાડી શકાતી નથી. રજે રજ વિચારોને ખંખેરી નાખું છું. ઝરણાને તળિયે રહેલા કાંકરાની જેમ પડ્યા રહીને કાળના પ્રવાહને ઉપરથી વહ્યો જવા દઉં છું. જીવનમાં આવતી આવી તિથિઓનો પુરુષોત્તમ માસ કેવળ મારા જ પંચાંગમાં હોય છે તેથી જ તો આફત ઊભી થાય છે.
ક્ષિતિજ : 10-1962