વાતાવરણમાં એક પ્રકારની અ-નાથતા છે. સવાર વેળાએ ધુમ્મસની ધૂસરતાની આડશે રહીને કોઈક બધાં સૂત્રોને છેદી નાંખે છે. વૃદ્ધ સૂર્યની કંપતી આંગળીઓની શિથિલ પકડ એ સૂત્રોને આખો દિવસ સાંધવા મથે છે, પણ દિવસ પૂરો થતાં સુધીમાં એ બની શકતું નથી. આથી ચન્દ્રની મુદ્રામાં પણ આ અનાથતાનો આભાસ દેખાય છે. બાળક આંસુ સારે ત્યારે માતાનો હાથ, એને લૂછી નાંખવાને, પાસે જ હોય છે તો બાળકનું ક્રન્દન બાળલીલાના અંશરૂપ જ બની રહે છે. પણ આંસુ વહેવાને બદલે ચહેરા પર થીજી જાય છે ત્યારે એ થીજેલાં આંસુનો શિશુના કૂણા મુખ પર લદાતો ભાર આપણે માટે પણ અસહ્ય નીવડે છે. આજકાલ ચન્દ્ર અનાથ શિશુની આંખમાં થીજી ગયેલા આંસુ જેવો લાગે છે. રાતે આકાશ તરફ મીટ માંડવાની હિંમત ચાલતી નથી. વર્ષાની કજ્જલશ્યામ ઘનઘટામાં દ્રવી જવાની તત્પરતા છે, આથી એમાં રહેલી નિબિડતાનો ભાર લાગતો નથી. શિશિરમાં શરદ્ની વિશદતા નથી. જે વિશદ હતું તે વિષાદરૂપ બને છે. લગભગ પારદર્શી એવું આછું આવરણ છવાઈ જાય છે. આ આવરણ સ્પર્શમાત્રમાં એક પ્રકારની પરોક્ષતા લાવી દે છે. આંખને પણ એ આવરણને ભેદવાનો શ્રમ કરવો પડે છે. બંગાળી કવિ જીવનાનન્દ દાસની કવિતામાં આ આવરણ અનુભવાય છે. રૂપ પૂરેપૂરાં ઘડાયાં પહેલાંની સૃષ્ટિની ઉપાન્ત્ય અવસ્થાની આબોહવા એમાં છે. સૃષ્ટિ પોતે દેખાતી નથી, સૃષ્ટિની પાણ્ડુલિપિ માત્ર દેખાય છે.
ક્ષિતિજ : 12-1961